તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Afghans Wandering Here And There After Taliban Occupation Of Afghanistan, Which Country Is Ready To Give Refuge; What Is The Status Of India?

ભાસ્કર એક્સપ્લેનર:અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી જ્યાં-ત્યાં ભટકી રહ્યા છે અફઘાનો, કયા દેશો આશરો આપવા તૈયાર; શું છે ભારતનું સ્ટેટસ?

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ

15 ઓગસ્ટે તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું. એના પછીથી હજારો લોકો દેશ છોડી ચૂક્યા છે અથવા છોડવા માગે છે. અત્યારસુધી અનેક એવી તસવીરો સામે આવી ચૂકી છે, જેમાં કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ જામેલી જોવા મળી. એટલે સુધી કે કેટલાક લોકોની એરક્રાફ્ટના પૈડા પર બેસીને દેશ છોડવાની કોશિશમાં મોતની દર્દનાક તસવીરો પણ દુનિયાએ જોઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ કહ્યું હતું કે હાલની સ્થિતિના લીધે આ વર્ષના અંત સુધીમાં 5 લાખથી વધુ લોકો અફઘાનિસ્તાન છોડી શકે છે. UNએ આ લોકો માટે અફઘાનિસ્તાનના પડોશી દેશોને પોતાની બોર્ડર ખોલવાની પણ અપીલ કરી છે. હાલનું સંકટ શરૂ થયું એ પહેલાં જ 26 લાખથી વધુ અફઘાન લોકો પડોશી દેશોમાં રેફ્યુજી તરીકે રહેતા હતા. અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ 35 લાખ લોકો એવા છે, જેમને પોતાના ઘરબાર છોડવા પડ્યા છે.

અફઘાનિસ્તાનમાં બદલાયેલી સ્થિતિ પછી હવે અમેરિકા પણ ત્યાંથી રવાના થઈ ચૂક્યું છે. એવામાં એ અફઘાની લોકો, જેઓ હજુ પણ દેશમાંથી બહાર જવા માગે છે તેમના માટે શું રસ્તા છે? તાલિબાનનું આ પ્રકારના લોકો અંગે શું કહેવું છે? જો કોઈ અફઘાની દેશ છોડીને જવા માગે તો કયા દેશ તેમને રેફ્યુજી તરીકે આશરો આપી શકે છે? કયા દેશોએ કેટલા અફઘાન શરણાર્થીઓને પોતાના દેશમાં આશરો આપવા એલાન કર્યું છે? અત્યારસુધીમાં કેટલા લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે? ભારતનું અફઘાન શરણાર્થીઓ અંગે શું સ્ટેન્ડ છે? આવો જાણીએ...

દુનિયાભરમાં કેટલા રેફ્યુજી છે?
યુએન રેફ્યુજી એજન્સી UNHCRના અનુસાર, દુનિયાભરમાં 8.24 કરોડ લોકોને જબરદસ્તીથી પોતાના દેશમાંથી કાઢવામાં આવ્યા છે. તેમાંથી 2.64 કરોડ રેફ્યુજી તરીકે અલગ-અલગ દેશોમાં રહે છે. 18 જૂન 2021ના આંકડાઓ અનુસાર, સૌથી વધુ 67 લાખ રેફ્યુજી સિરિયાના છે. અફઘાનિસ્તાનના 26 લાખ શરણાર્થી અલગ-અલગ દેશમાં રેફ્યુજી તરીકે રહે છે.

રેફ્યુજી કોને કહેવામાં આવે છે?
UNHCR અનુસાર, જો કોઈ વ્યક્તિને ઉત્પીડન, યુદ્ધ કે હિંસાને કારણે દેશ છોડવા મજબૂર થવું પડે છે તો તેને રેફ્યુજી માનવામાં આવે છે. દુનિયાભરની રેફ્યુજી વસતિમાં લગભગ અડધી 18 વર્ષથી ઓછી વયનાં બાળકોની છે. દુનિયામાં દર 95માંથી એક વ્યક્તિને દેશમાં ચાલી રહેલા સંઘર્ષ કે ઉત્પીડનના કારણે દેશ છોડવો પડે છે. કુલ રેફ્યુજી લોકો 68% માત્ર પાંચ દેશ- સિરિયા, વેનેઝુએલા, અફઘાનિસ્તાન, સાઉથ સુદાન અને મ્યાંમારના છે.

અત્યારસુધીમાં કેટલા અફઘાન લોકોને અફઘાનિસ્તાનમાંથી કાઢવામાં આવ્યા છે?
અમેરિકાનું અફઘાનિસ્તાનમાંથી લોકોને કાઢવાનું અભિયાન મંગળવારે સમાપ્ત થઈ ગયું. 14 ઓગસ્ટ પછી તેણે પોતાના સૈનિકો ઉપરાંત લગભગ 1.23 લાખ સામાન્ય લોકોને ત્યાંથી કાઢ્યા. તેમાં લગભગ સાડાપાંચ હજાર અમેરિકન છે. જ્યારે બાકીના લોકોમાંથી અનેક એવા લોકો પણ સામેલ છે, જેમની પાસે અમેરિકા અને અફઘાનિસ્તાન બંનેના પાસપોર્ટ છે. અમેરિકા દ્વારા કાઢવામાં આવેલા અફઘાનોની સંખ્યા કેટલી છે, એ હજુ સુધી સામે આવ્યું નથી.

જ્યારે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તેણે આ દરમિયાન 15 હજારથી વધુ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. એમાં લગભગ 8 હજાર અફઘાનો છે. આ બંને દેશ ઉપરાંત અનેક અફઘાનોને સ્પેન, જર્મની, કતાર અને ઉઝબેકિસ્તાન સહિત અનેક દેશોમાં બનાવાયેલા ઈમર્જન્સી પ્રોસેસિંગ સેન્ટર્સમાં લઈ જવાયા છે.

શું લોકો ઈન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પડોશી દેશોમાં પણ આશરો લઈ રહ્યા છે?
​​​તાલિબાને એ તમામ મુખ્ય ઈન્ટરનેશનલ બોર્ડર્સ પર કબજો કરી લીધો છે, જ્યાંથી થઈને લોકો પડોશી દેશોમાં જઈ શકે છે. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે તાલિબાન માત્ર વ્યાપાર માટે જનારાઓ કે વેલિડ ડોક્યુમેન્ટ સાથે બોર્ડર પર પહોંચનારા લોકોને જ સરહદ પાર કરવા દે છે. જે લોકો તાલિબાનનું રાજ આવવાથી ડરેલા છે તેમની પાસે દેશ છોડીને જવા માટે આ પ્રકારનું પેપરવર્ક નથી.

UNએ અફઘાનિસ્તાનના પડોશી દેશોને પોતાની બોર્ડર શરણાર્થીઓ માટે ખોલવા કહ્યું છે, પરંતુ અફઘાનિસ્તાનના પડોશી ઉઝબેકિસ્તાને પોતાની સરહદ બંધ કરીને સુરક્ષા વધારી છે. તેનો આ સરહદો ખોલવાનો કોઈ ઈરાદો નથી. અફઘાનિસ્તાનથી સૌથી લાંબી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે. તેણે પણ અફઘાન રેફ્યુજીનો પોતાના દેશમાં આશરો આપવાનો ઈનકાર કર્યો છે. જોકે પાક.-અફઘાન સરહદ પર હજારો લોકો એકઠા થયા છે, જેઓ સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માગે છે.

અફઘાનિસ્તાનની પશ્ચિમી સરહદ ઈરાનને સ્પર્શે છે. એવા અહેવાલો છે કે હજારો અફઘાનો અહીં પણ સરહદ પાર કરીને ઈરાન જવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધીમાં એમાં કેટલા સફળ થયા એનો કોઈ આંકડો મળ્યો નથી.

દેશ છોડ્યા પછી અફઘાન શરણાર્થીઓ ક્યાં જાય છે?
જૂન 2021 સુધીના UNHCRના આંકડા કહે છે કે એ સમય સુધી 26 લાખથી વધુ અફઘાન રેફ્યુજી દુનિયાના અલગ અલગ દેશોમાં રહેતા હતા. એમાં સૌથી વધુ 14.5 લાખ અફઘાન રેફ્યુજી પાકિસ્તાનમાં હતા. તેના પછી 7 લાખ 80 હજાર અફઘાન રેફ્યુજીઓ ઈરાનમાં રહેતા હતા. જર્મનીમાં એક લાખ 80 હજાર તો તુર્કીમાં એક લાખ 30 હજાર અફઘાન રેફ્યુજી હતા.

એ સમયે પણ લાખો અફઘાનો એવા હતા, જેમણે બીજા દેશોમાં આશરો લેવા માટે અરજી કરી હતી, પરંતુ તેમની અરજી મંજૂર થઈ નહોતી. જો એવા લોકોની વાત કરીએ તો સૌથી વધુ 1.25 લાખ અરજી તુર્કીમાં આશરો લેવા માટે થઈ હતી. જર્મનીમાં આશરો લેવા માટે 33 હજાર તો ગ્રીસમાં આશ્રય લેવા માટે 20 હજાર અરજી થઈ હતી.

ભારતે અફઘાનોને આશ્રય આપવા માટે શું કર્યું?
ભારતે તેના વિશે અલગથી કોઈ નિયમ બનાવ્યો નથી. જોકે અત્યારસુધી ભારતમાં કોઈને રેફ્યુજી સ્ટેટસ કે નાગરિકતા આપવાના મામલે કેસ ટુ કેસ જોવા મળે છે. ભારતે 1951ના શરણાર્થીઓના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા નથી. તેની સાથે જ 1967માં બનેલા રેફ્યુજી સ્ટેટસ પ્રોટોકોલનો પણ ભારત હિસ્સો નથી.

જોકે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ જોતાં ભારતે ત્યાંના લોકોને વિઝા સંલગ્ન કેટલીક સુવિધા આપી છે. અફઘાન લોકો માટે ઈ-વિઝાની નવી કેટેગરી બનાવી છે. આ સાથે જ તેમની એપ્લિકેશન પ્રોસેસ પણ ફાસ્ટ ટ્રેક કરવામાં આવી છે. આ ઈ-વિઝા હાલ છ મહિના માટે આપવામાં આવે છે. જોકે તેના પછી શું થશે એના વિશે એમાં કંઈ જણાવાયું નથી.

અમેરિકા રવાના થઈ ગયું, હવે તાલિબાન અફઘાનોને દેશ છોડવા દેશે?
અમેરિકાના રવાના થયા પછી પણ તાલિબાન દેશ છોડીને જનારાઓને સુરક્ષિત માર્ગ આપશે, અમેરિકા સહિત અનેક દેશોએ એવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તાલિબાને તેમને આ વિશે આશ્વાસન આપ્યું છે. તાલિબાનના ચીફ નેગોશિયેટર શેર મોહમ્મદ અબ્બાસ સ્ટિનિકઝઈએ કહ્યું હતું કે અમેરિકાના ગયા પછી પણ જે લોકો દેશ છોડીને જવા માગે તેઓ જઈ શકે છે. તેઓ ભલે અફઘાનિસ્તાનના હોય કે અન્ય કોઈ દેશના નાગરિક હોય. જે લોકોએ યુદ્ધ દરમિયાન અમેરિકાની મદદ કરી તેમને પણ દેશ છોડીને જતાં તાલિબાન રોકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...