મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની 130 કરોડ કરતાં પણ વધુ વસ્તીની ચિંતામાં વધારો કરે તેવો એક રિપોર્ટ સામે આવ્યો છે. ભારત સરકાર દેશની લગભગ 80 કરોડ વસ્તીને સબસિડીવાળું અનાજ પૂરું પાડે છે. આ માટે, તે ખાદ્ય અનાજના સ્ટોકના બફર સ્ટોકનો ઉપયોગ કરે છે. ભારતીય ફૂડ કોર્પોરેશન (FCI)ના રિપોર્ટ્સ મુજબ ચોખા અને ઘઉંના સ્ટોકમાં 2021ની સરખામણીમાં 37 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એટલું જ નહીં આ વર્ષે માર્ચમાં ઉનાળાના લીધે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય ફૂડ કોર્પોરેશન (FCI)ના મુજબ શું છે અત્યારે અને શું હતું પહેલાં તાજેતરના FCI ડેટા દર્શાવે છે કે હાલમાં, ભારતમાં આરક્ષિત જથ્થામાં 22.75 મિલિયન ટન ઘઉં, 20.47 મિલિયન ટન ચોખા અને 11.83 મિલિયન ટન ડાંગર છે. ગયા વર્ષે, ઘઉંનો સ્ટોક 46.85 મિલિયન ટન, ચોખા 25.33 મેટ્રિક ટન અને ડાંગર 14.07 મિલિયન ટન હતો. ચોખા અને ઘઉંના સ્ટોકની છેલ્લી નીચી સપાટી 43.34 મિલિયન ટન હતી. એટલે કે 1 ઓક્ટોબર, 2017ના રોજ નોંધાયેલા જથ્થા કરતાં સૌથી ઓછો છે.
કેમ જોવા મળી રહ્યો છે આ ઘટાડો....
સરકાર પાસે ઘઉં અને ચોખાનો સ્ટોક છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સપાટીએ નોંધવામાં આવ્યો છે. ચોખાનો સ્ટોક સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો છે પરંતુ ઘઉંનો સ્ટોક 14 વર્ષની સૌથી નીચી સપાટીએ ગબડી ગયો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સર્જાતી અનાજની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ અનાજનો સ્ટોક સરકારને ટેકાના ભાવે વેચવાની જગ્યાએ ખાનગી વેપારીઓને વધારે વેચ્યો હતો. જેના કારણે સરકાર પણ તેના લક્ષ્યાંકના અડધા ભાગની ખરીદી કરી શકી હતી. આ ઉપરાંત અન્ય એક પરિબળની વાત કરીએ તો માર્ચમાં હીટવેવના લીધે પણ અનાજના જથ્થાનું ઉત્પાદન ઓછું થયું હતું
કેન્દ્ર સરકાર આ મામલે શું કરે છે .....
અનાજની અછતને જોતા સરકાર પણ સતર્ક છે. આ અછતને ધ્યાનમાં રાખીને સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે ગયા મહિને ચોખાની નિકાસ પર પણ રોક લગાવી દીધી છે. સરકારે તેના પર નિકાસ ડ્યુટી 20 ટકા વધારી છે. એટલું જ નહીં, ઘરેલુ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તૂટેલા ચોખાના શિપમેન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનાજની વધતી કિંમતોથી સરકાર પણ ચિંતિત છે. આને રોકવા માટે તે ઘણા કડક પગલાં લેવા જઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.