ભાસ્કર એક્સપ્લેનર:બોમ્બે હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને 29 સપ્તાહની પ્રેગ્નેન્સી એબોર્ટ કરવાની પરવાનગી આપી; જાણો નવો કાયદો શું કહે છે

એક મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
 • કૉપી લિંક

બોમ્બે હાઈકોર્ટે હાલમાંજ સગીર દુષ્કર્મ પીડિતાને 29 સપ્તાહની પ્રેગ્નેન્સીને ટર્મિનેટ કરવાની પરવાનગી આપી છે. હાઈકોર્ટે મેડિકલ નિષ્ણાંતોની પેનલ બનાવી હતી. પેનલે 9 સપ્ટેમ્બરે હાઈકોર્ટને પોતાનો રિપોર્ટ આપ્યો, જેમાં પેનલે કહ્યું કે પ્રેગ્નન્સીથી સગીરા ખૂબ જ ગભરાઈ ગઈ છે. જો પ્રેગ્નન્સીને ચાલૂ રાખવામાં આવી તો સગીરાનાં માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડી શકે છે.

6 મહિના પહેલા સુધી દેશમાં 24 સપ્તાહથી વધારેની પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવી તે ગેરકાયદેસર હતી. નવા કાયદા પછી આ પહેલીવાર છે, જ્યારે 29 સપ્તાહની પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ચાલો જાણીએ મામલો શું છે? આ સંબંધમાં નવો કાયદો શું કહે છે? નવા પ્રેગ્નન્સી ટર્મિનેશન કાયદાએ મહિલાઓને કેવી રીતે સુરક્ષિત એબોર્શન કરવાના વિકલ્પ આપ્યા છે?

શું છે નવો મામલો?

 • આ કેસ પાલઘરનો છે. સગીર દુષ્કર્મ પીડિતાએ વકીલ એશ્લે કુશરના માધ્યમથી એબોર્શનની મંજૂરી માગી હતી. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જસ્ટિસ માધવ જામદારની ડિવિઝન બેન્ચે આ મામલામાં 7 સપ્ટેમ્બરે સર જેજે હોસ્પિટલના ડીનના નેતૃત્વમાં મેડિકલ બોર્ડ બનાવ્યું હતું. પેનલે 9 સપ્ટેમ્બરે પોતાનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો છે.
 • મેડિકલ પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભ્રૂણમાં કોઈ વિકાર નથી પણ સગીરા ખૂબ ડરેલી છે. જો પ્રેગ્નન્સીને ચાલૂ રાખવામાં આવી તો સગીરાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ આધાર પર બોર્ડે પ્રેગ્નેન્સીના મેડિકલ ટર્મિનેશન એટલે કે એબોર્શનની ભલામણ કરી હતી.
 • હાઈકોર્ટે 10 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી કરી અને સગીરાને જેજે હોસ્પિટલમાં એબોર્શનની પરવાનગી આપી દીધી. હાઈકોર્ટે ભ્રૂણના લોહી અને DNA સેમ્પલ લેવાના આદેશ આપ્યા છે જેથી તપાસ એજન્સીઓ આરોપીઓ વિરુદ્ધ મજબૂત કેસ બનાવી શકે.

ભારતનો એબોર્શન કાયદો શું કહે છે?

 • નવો એબોર્શન કાયદો સંસદ દ્વારા પસાર થયા બાદ 25 માર્ચ, 2021થી અમલમાં આવ્યો છે. નવા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021એ 1971ના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MPT) એક્ટનું સ્થાન લીધું છે. WHOના જણાવ્યા અનુસાર, ભારતનો નવો પ્રેગ્નન્સી કાયદો દરેકને સમગ્ર એબોર્શન કેર પૂરી પાડવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પૂર્ણ કરે છે.
 • જો ગર્ભ 24 અઠવાડિયાથી વધુ જૂનો હોય તો 1971ના કાયદામાં એબોર્શનની મંજૂરી આપવામાં આવતી ન હતી, પરંતુ નવા કાયદા હેઠળ મેડિકલ બોર્ડની સંમતિથી આ કરી શકાય છે. નવો કાયદો મહિલાઓને ડોક્ટરની સલાહ થી 20 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપે છે. અગાઉ ખાસ કેટેગરી ધરાવતી મહિલાઓ માટે બે ડોકટરોની સલાહથી 20 અઠવાડિયા માટે ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી, જે હવે વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી છે.

મહિલાઓની પ્રાઈવસીને લઈને કાયદો શું કહે છે?

 • સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ શેખર પારચાનું કહેવું છે કે કાયદામાં મહિલાઓની પ્રાઈવસીની વાત કરવામાં આવી છે. સરકારે અપરિણીત મહિલાઓને પણ કાયદેસર એબોર્શનની પરવાનગી આપી છે. પહેલા, અસુરક્ષિત રીતે એબોર્શન થતું હતું અને મહિલાઓનું જીવન જોખમમાં મૂકાય જતું હતું.
 • મુંબઈમાં જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગમાં કન્સલ્ટન્ટ ડો. સુદેશના રે કહે છે કે કાયદાકીય એબોર્શન મહિલાઓની પ્રાઈવસીનું ધ્યાન રાખશે. 18 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ જો ઈચ્છે તો પોતાના માતા-પિતા તથા ગાર્ડિયન અને પાર્ટનરને જણાવ્યા વગર એબોર્શન કરાવી શકશે. સગીરના કેસમાં માતા-પિતા તથા કાયદેસર ગાર્ડિયનને પ્રક્રિયામાં સામેલ કરવાં પડશે. બિલમાં વિવાહિત મહિલા તથા તેના પતિના સ્થાને મહિલા તથા તેના પાર્ટનર લખવામાં આવ્યું છે.

ગર્ભ જો 20 સપ્તાહથી વધુ હોય તો શું થશે?
મહિલાઓ હવે ડોક્ટરની સલાહથી 20 સપ્તાહના ગર્ભને ટર્મિનેટ કરાવી શકશે. વિશેષ કેટેગરીવાળી મહિલાઓ માટે કાયદાકીય રુપથી ગર્ભપાત માટે ગર્ભની ઉંમરને 20થી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી છે.

નવા બિલ અનુસાર જો ગર્ભ 20 સપ્તાહથી વધુનો છે તો એબોર્શન થઈ શકશે. પરંતુ તેની શરતો છે- ગર્ભવતી મહિલાના જીવને જોખમ હોય તથા તેના શારિરિક અથવા માનસિક સ્વાસ્થ્યને ઉંડો આઘાત લાગવાનો ડર હોય, તથા જન્મ લેનારા બાળકને ગંભીર શારિરિક તથા માનસિક વિકલાંગતાનો ડર હોય. આ કેટેગરીમાં પરિસ્થિતિઓ મહત્વપૂર્ણ રહેશે- 1. જો ઈચ્છિત ગર્ભ ના હોય, મહિલા તથા તેના પાર્ટનરે ગર્ભાવસ્થાથી બચવા માટે જે ઉપાયોને વાપર્યા હોય, તે ફેલ થઈ જાય. 2. જો મહિલા આરોપ લગાવે કે દુષ્કર્મના કારણે ગર્ભ રહ્યો હોય. આ પ્રકારની પ્રેગ્નેન્સી તે મહિલા માટે માનસિક રુપથી સારી નહી રહે. હાઈકોર્ટનો આદેશ આના જ આધાર પર છે. 3. જ્યાં ભ્રૂણમાં વિકૃતિ હોય અને તેની ખબર 24 સપ્તાહ પછી પડે તો મેડિકલ બોર્ડની સલાહ બાદ ગર્ભપાત કરવામાં આવી શકે છે.

જો ન જન્મેલા બાળકમાં કોઈ પ્રકારનો દોષ દેખાય તો શું થશે?

 • ભારતમાં મહિલાઓને સુરક્ષિત એબોર્શન ઉપલબ્ધ કરાવા માટે કાર્યરત નેટવર્ક- પ્રતિજ્ઞા કેમ્પેન ફોર જેન્ડર ઈક્વલિટી એન્ડ સેફ એબોર્શનનો એક રિપોર્ટ કહે છે કે 2016થી 2019 દરમિયાન 194 યાચિકાઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ. મહિલાઓએ અલગ-અલગ કારણોથી એબોર્શનની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટે પણ ટેક્નોલોજીમાં થયેલી પ્રગતીને દેખતા એબોર્શન નિયમોમાં ફેરફારનો આદેશ આપ્યો હતો.
 • આ મામલે કાયદો સ્પષ્ટ છે. વિકૃતિના કિસ્સામાં ગર્ભપાત માટે ગર્ભની વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરંતુ ગર્ભવિકૃતિઓને કારણે ગર્ભપાત યોગ્ય રહેશે કે કેમ તે દરેક રાજ્યમાં સ્થાપિત મેડિકલ બોર્ડ જ નક્કી કરશે.
 • ગર્ભમાં વિકૃતિઓ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ઘણા તબક્કે શોધી શકાય છે. મોટાભાગની વિકૃતિઓ ૪ મહિનામાં પ્રકાશમાં આવે છે. સાડા ચાર મહિના પછી કેટલાક આનુવંશિક વિકારો પ્રકાશમાં આવે છે. આ માટે આનુવંશિક પરીક્ષણ જેવા પરીક્ષણોમાં વધારો કરવો પડશે. ઘણી વાર, આવા પરીક્ષણોના પરિણામો આવે ત્યાં સુધીમાં, ભ્રૂણ 20 અઠવાડિયાથી વધુ જૂનું થઈ જતું હોય છે.
 • ડો. રેના જણાવ્યા અનુસાર, 20 અઠવાડિયા અથવા પછી થતા અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી)માં કાર્ડિયાક અને ચહેરાની ખામીઓ ઘણીવાર શોધી કાઢવામાં આવી છે. MTP બિલમાં આ ફેરફાર પેથોલોજી શોધી કાઢ્યા પછી માતાપિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપે છે. અત્યાર સુધી આવા બાળકોને જન્મ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઘણીવાર આવા બાળકો પૂર્ણ અવધિમાં જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે.

નવા કાયદાને લઈને વિવાદ શું છે?

 • પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર, ભારતીય દંડ સંહિતા (IPC) 1860માં સ્વૈચ્છિક ગર્ભપાત ગુનો છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, 1971 કેટલીક શરતો પર તબીબી ડોકટરો પાસેથી ગર્ભપાતની મંજૂરી આપે છે. નવા વિધેયકમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભપાત ફક્ત સ્ત્રીરોગ અથવા પ્રસૂતિમાં નિષ્ણાત ડોકટરો દ્વારા જ કરી શકાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આવા ડોકટરોની 75 ટકા અછત છે. ગ્રામીણ મહિલાઓને સલામત ગર્ભપાત માટે આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
 • ડો.રેના જણાવ્યા અનુસાર, મહિલાઓની વિશેષ કેટેગરીમાં કોને સામેલ કરવામાં આવશે તે અંગે કાયદામાં કશું જ નથી. પરંતુ બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ, દિવ્યાંગ મહિલાઓ અને સગીરો ચોક્કસપણે સામેલ થશે. ઘણીવાર, આવા કિસ્સાઓમાં, તેઓ શરીરમાં થતા ફેરફારોને સમજી શકતા નથી અને ભય, શરમ અથવા અપરાધભાવને કારણે ગાર્ડિયનને કહેવાનું ટાળે છે. જોકે, બે નોંધાયેલા તબીબી પ્રેક્ટિશનરને 20થી 24 અઠવાડિયાની વચ્ચે ગર્ભપાત માટે સંમતિની જરૂર પડશે.
અન્ય સમાચારો પણ છે...