ભાસ્કર એક્સપ્લેનર:વિશ્વના ઘણા દેશોમાં કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ અપાઈ રહ્યો છે; શું ભારતને બૂસ્ટર ડોઝની જરૂર છે?

24 દિવસ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

કોરોના સામે સુરક્ષિત રહેવા માટે ઘણા દેશમાં બૂસ્ટર ડોઝ(વેક્સિનનો ત્રીજો ડોઝ) આપવામાં આવી રહ્યો છે. ભારત પણ ટૂંક સમયમાં બૂસ્ટર ડોઝને લઈને ગાઈડલાઈન્સ બહાર પાડી શકે છે. કોવિડ ટાસ્કફોર્સના પ્રમુખ સભ્ય ડો. એનકે અરોરાએ એક સમાચાર પત્ર સાથે વાત કરતાં આ જાણકારી આપી હતી. તેમનું કહેવું છે કે આગામી 10 દિવસમાં બૂસ્ટર ડોઝને લઈને ગાઈડલાઈન્સ આવી શકે છે. એમાં જણાવવામાં આવશે કે વેક્સિનનો બૂસ્ટર ડોઝ કોને, ક્યારે અને કેવી રીતે અપાશે.

આવો, જાણીએ કે કયા દેશમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. શું કોરોનાને રોકવા બૂસ્ટર ડોઝ કારગર છે? એક્સપર્ટ શું કહે છે? શું ખરેખર આપણને બૂસ્ટર ડોઝની જરૂર છે?....

બૂસ્ટર ડોઝ કયા દેશમાં આપવામાં આવી રહ્યો છે?
ઇઝરાયેલ

ઇઝરાયેલ પ્રથમ દેશ છે, જેણે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી હતી. જુલાઈ મહિનાથી જ ઈઝરાયેલ પોતાના દેશને બૂસ્ટર ડોઝ આપી રહ્યું છે. અત્યારસુધીમાં 40 લાખથી વધારે લોકોને બૂસ્ટર ડોઝ અપાઈ ગયો છે. હાલ અહીં 12થી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે.

અમેરિકા
સપ્ટેમ્બર મહિનાથી અમેરિકામાં બૂસ્ટર ડોઝને મંજૂરી અપાઈ હતી, જેમાં કહેવાયું હતું કે વેક્સિનના બન્ને ડોઝ લગાવ્યાના છ મહિના પછી બૂસ્ટર ડોઝ લઈ શકાશે. સપ્ટેમ્બરમાં માત્ર ફાઈઝરને બૂસ્ટર ડોઝની મંજૂરી મળી હતી. હાલ અહીં ત્રણ વેક્સિનને મંજૂરી મળી છે. જોનસન એન્ડ જોનસન વેક્સિનના બે ડોઝ લેનાર 2 મહિના પછી ત્રીજો ડોઝ લઈ શકે છે. અમેરિકામાં બૂસ્ટર ડોઝ માટે વેક્સનની મિક્સ એન્ડ મેચને પણ મંજૂરી અપાઈ છે. અહીં અત્યારસુધી 2.63 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ અપાયો છે.

બ્રિટન
બ્રિટનમાં બીજા ડોઝના છ મહિના પછી બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. ફાઈઝર અને મોડર્નાના બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યા છે. બ્રિટનમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કમોર્બિડિટીવાળા લોકો માટે આ સમયગાળો પાંચ મહિનાનો કરાયો છે. અત્યારસુધીમાં 93 લાખ લોકોને બૂસ્ટર ડોઝ અપાયો છે.

કેનેડા
કેનેડામાં નવેમ્બરમાં બૂસ્ટર ડોઝની શરૂઆત કરાઈ છે. અહીં મોડર્ના અને ફાઈઝરના બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યા છે.

શું કારોનાને રોકવા માટે બૂસ્ટર ડોઝ કારગર છે?
ઇઝરાયેલમાં બૂસ્ટર ડોઝની ઈફેક્ટિવનેસને લઈને એક સ્ટડી કરાયો છે. 7.28 લાખ લોકો પર કરાયેલા સ્ટડીમાં બૂસ્ટર ડોઝ કારગર સાબિત થયો છે, જેનાથી 93% હોસ્પિટલાઈઝેશન ઘટી ગયું છે, સાથે કોરોનાનાં ગંભીર લક્ષણોને રોકવા માટે 92% ઈફેક્ટિવ છે.

વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી 5-6 મહિના પછી એન્ટિબોડી લેવલમાં ઘટાડો થવા લાગે છે. ઇંગ્લેન્ડમાં ફાઈઝર વેક્સિનની ઈફેક્ટિવનેશને લઈને કરાયેલા સ્ટડીમાં સામે આવ્યું છે કે બીજો ડોઝ લગાવ્યાનાં બે સપ્તાહ સુધી વેક્સિન ઈન્ફેક્શન રોકવામાં 90% કારગર છે, પરંતુ 5 મહિના પછી 70% કારગર રહે છે.

શું ભારતમાં બૂસ્ટર ડોઝ આપવાની જરૂર છે?

મહામારી એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહારિયાના જણાવ્યા મુજબ

  • ભારતમાં મોટા ભાગનું વેક્સિનેશન છેલ્લા કેટલાક મહિનામાં થયું છે. એટલા માટે હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી, કારણ કે વેક્સિનથી 10થી 12 મહિના સુધી રક્ષણ મળે છે. ભારત જેવા દેશમાં બૂસ્ટર ડોઝની જરૂર છે એવો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી.
  • શરીરમાં એન્ટિબોડી ન હોવી અને ઓછી હોવી બન્ને અલગ અલગ વસ્તુ છે. તમારા શરીરમાં એન્ટિબોડીની સંખ્યા સમયની સાથે ભલે ઓછી હોય, પરંતુ શરીરના મેમરીસેલ વાઇરસ સ્ટ્રક્ચરને સ્ટોર કરી લે છે. તમારા શરીરમાં જેવો વાઈરસ આવે ત્યારે આ સેલ્સ વાઈરસને ઓળખીને એન્ટિબોડીને કામે લગાડી દે છે.
  • ભારતની મોટા ભાગની વસતિને હજુ સિંગલ ડોઝ વેક્સિન જ મળી છે. ભારતનું ફોકસ હાલ બૂસ્ટર ડોઝના બદલે બન્ને ડોઝ પૂરા કરવા પર હોવું જોઈએ.
  • એકવાર વધારેમાં વધારે લોકોને વેક્સિન અપાયા પછી બૂસ્ટર ડોઝ પર કોઈ નિર્ણય લેવાની શક્યતા છે.
અન્ય સમાચારો પણ છે...