છેલ્લા દસેક દિવસથી ઉત્તરાખંડનું જોશીમઠ ખૂબ ચર્ચામાં છે. એ 60 હજાર લોકો માટે કાયમી સરનામું, જે દેશના કરોડો લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર પણ છે. છેલ્લા કેટલાક સમયથી જોશીમઠના અલગ-અલગ વિસ્તારોમાં જમીન ખસવા લાગી છે. મકાનો, રસ્તા, ખુલ્લી જમીન પર તિરાડો પડી ગઈ. પહાડ પર બનેલાં ઘણાં મકાનો જમીનદોસ્ત થવાની તૈયારીમાં છે, એટલે લોકો જીવ બચાવવા પલાયન કરી રહ્યા છે. ત્યારે આદિ શંકરાચાર્યથી લઈને આજના સમય સુધી જોશીમઠના ભવ્ય ભૂતકાળથી વિનાશકારી વર્તમાન સુધીની કહાનીને અમે જોશીમઠના જ શબ્દોમાં ઢાળવાના પ્રયાસ કર્યો છે.
'પગ નીચેથી જમીન સરકી ગઈ', આ કહેવત જ્યારે નજર સામે સાચી સાબિત થતી દેખાય ત્યારે શું થાય? ઉત્તરાખંડની પાવન ધરતી આજે કેટલાક લોકોના પાખંડને કારણે નિ:સહાય બનેલા નિર્દોષોને જોઈને પોકારી રહી છે, હે માનવ, તે શું હાલત કરી નાખી?
હું જોશીમઠ છું. સૂર્યનાં આછાં કિરણોની ચાદર ઓઢી ખળખળ વહેતી અલકનંદાનો કિનારો મારું ઠેકાણું. હાલમાં તો છું, પણ નજીકના ભવિષ્યમાં કદાચ મારું અસ્તિત્વ ગ્રંથો અને લોકોની વાતોમાં જ રહે તો નવાઈ ન પામતા. તમને આવું વાંચીને જરા આશ્ચર્ય તો લાગતું હશે, પરંતુ હાલત જ કંઈક એવી છે. ચાલો... આજે તમને મારી કહાની સાંભળાવું છું.
અનંત આધ્યાત્મિક ઉત્સવનો સાક્ષી, કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ઉત્તરાખંડ રહ્યું છે. 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ ભારતવર્ષના ચારેય ખૂણામાં જે ચાર મઠ સ્થાપ્યા એમાંનો હું એક. મઠ પરંપરાની સૌથી મહત્ત્વનો અને પ્રાચીન વારસો તમે મને કહી શકો છે.
જૂની ઓળખ તો જ્યોતિર્મઠ હતી. જ્યોતિર્મઠ એટલે શિવના જ્યોતિર્લિંગનું સ્થળ, પણ આજે મને સહુ જોશીમઠ કહે છે. મને વેદ-પુરાણોની જ્યોતિર્વિદ્યાનું કેન્દ્ર પણ ગણવામાં આવે છે. આજના સમયમાં પહાડો ધરાશાયી થઈ રહ્યા છે. મકાનોમાં તિરાડ પડી રહી છે, એક સમયે ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ માટે એક મહત્ત્વના સ્થળ તરીકે મારી ખ્યાતિ હતી. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહ જ્યારે ખૂબ જ ક્રોધિત થયા, તો તેઓ પોતાનો ક્રોધ શાંત કરવા મારી પાસે આવ્યા હતા. આદિ શંકરાચાર્યએ આ પાવન ધરતી પર કઠોર તપ કર્યું હતું. મારા સાંનિધ્યમાં જ આદિ શંકરાચાર્યને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેમણે શંકરભાસ્યની રચના કરી. ભગવાન બદ્રી એટલે બદ્રીનાથનું બીજું ઘર પણ હું જ છું.
હવે જરા વાત કળિયુગની કરું....
લગભગ 50 વર્ષ પહેલાં અલકનંદામાં પૂર આવ્યું હતું. પૂરને કારણે મારી ગોદમાં વસેલાં સંખ્યાબંધ ઘરો બરબાદ થઈ ગયાં. એ સમયની સરકારોએ આ સ્થિતિ પર ગંભીરતા દાખવી હતી. 8 એપ્રિલ 1976ના રોજ વરિષ્ઠ અધિકારી મહેશ ચંદ્ર મિશ્રાની આગેવાનીમાં એક કમિટી બનાવી. આ કમિટીમાં કુલ 18 સભ્યો હતા. આ તમામ લોકોએ મારા અસ્તિત્વ અંગે ખૂબ જ મહેનતથી તમામ પાસાની ચકાસણી કરી હતી. મિશ્રા કમિટીએ 1976માં મારી સંવેદનશીલ સ્થિતિ અને ભવિષ્યની ભયંકરતાનો ચિતાર આપતો સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. સરકારી ફાઈલમાં સડી રહેલી અધ્યયનરૂપી એ ભવિષ્યવાણી આજે સાચી પડી રહી હોવાનો મને અહેસાસ થાય છે.
જેના શબ્દો હતા...
હવે, મારી આ બે તસવીર જુઓ
એક તસવીર વર્ષ 1890ની છે અને બીજી તસવીર મે 2022ની છે. ઈતિહાસનાં પાનાં પલટાવવામાં 132 વર્ષનો સમય ખૂબ ઓછો કહેવાય. આટલાં વર્ષોમાં જ માણસોએ પ્રકૃતિનો ખોળો એવો ખૂંદ્યો કે મારા અસ્તિત્વ પર જ ખતરો આવી ગયો. આ બન્ને તસવીરમાં જુઓ, બાંધકામ કેવી રીતે અને કઈ હદે વધી ગયું.
મારી આ હાલત પાછળ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની 12 કિલોમીટર લાંબી સુરંગને જવાબદાર ઠેરવાઈ રહી છે. NTPC કહે છે, તપોવન-વિષ્ણુગઢ સુરંગ તો ટનલ બોરિંગ મશીનથી બનાવી. હાલમાં પહાડોની અંદર કોઈ જ ધડાકા કર્યા નથી, પરંતુ એક ચર્ચા એવી છે કે ડિસેમ્બર 2009માં 900 મીટરની ઊંડાઈએ ટનલ બોરિંગ મશીન ફસાઈ ગયું હતું, જેને કારણે ખૂબ પાણી વહી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત પણ આડેધડ થયેલાં ખોદકામને કારણે જમીન ખોખલી ગઈ છે.
સરકારી અધિકારીઓ, કંપનીઓ અને કેટલાક વિશેષજ્ઞો ભલે સલામતીના દાવા કરતા હોય, પણ નરી આંખે દેખાતું સત્ય તો એ છે કે વિશ્વાસની સાથે જમીન પણ ધસી રહી છે. ઘર છોડી રહેલા લોકોના ચહેરા પર ચિંતાની કરચલી દીવાલ પર દેખાતી તિરાડ કરતાં પણ વધુ ઊંડી અને લાંબી છે. બસ, એનો અહેસાસ કરવા માટે મનમાં લાગણી જોઈએ.
સરકારે શું કર્યું?, જે 678 ઈમારત પર મોટી તિરાડો પડી હતી ત્યાં લાલ રંગથી નિશાન લગાવી દીધા. અફસોસ કે કુદરત આ બાંધકામને જમીનદોસ્ત કરે એ પહેલાં સરકારી બુલડોઝરોને ફરી વળવાની ઉતાવળ છે. દરરોજ અનેક મકાનો ખાલી થઈ રહ્યાં છે.
સરકારી આદેશ બાદ બે ભવ્ય હોટલને પણ તોડી પાડવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે. આ મામલો સુપ્રીમકોર્ટ પણ પહોંચ્યો, પરંતુ સુપ્રીમકોર્ટે કહ્યું, 'આ કેસમાં તાત્કાલિક સુનાવણીની જરૂર નથી. 16 તારીખે આવજો.' શું ખબર કે 16 જાન્યુઆરી આવતાં આ ઘર, હોટલ રહેશે કે કાટમાળ બની જશે?
હકીકત એ છે કે લોન, વ્યાજ, ઉધાર-ઉછીના લઈને મારી ગોદમાં ઘર બનાવનારા 3 હજારથી વધુ લોકોનું નવું સરનામું એક ઝાટકે શરણાર્થી શિબિર બની ગયું છે. વાહનોમાં ભરાતા સામાનનો હું ખૂબ નજીકનો સાક્ષી છું. પલળેલી પાંપણો સાથે ઘરમાંથી બહાર નીકળતા મજબૂર લોકો શું લઈને જાય?, ને શું મૂકી જાય?, એ નક્કી નથી કરી શકતા. આ પરિસ્થિતિ જોઈને મને પણ ખૂબ દુ:ખ થાય છે. શું કરું?, હું પણ લાચાર જ છું.
-તમારી આસ્થાનું કેન્દ્ર,
હું જોશીમઠ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.