ભાસ્કર એક્સપ્લેનર:અફઘાનિસ્તાનના 65% વિસ્તારો હવે તાલિબાનના કબજામાં, છેલ્લા 8 દિવસમાં જ 13 જિલ્લા પર કર્યો કબજો

2 વર્ષ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન પર તાલિબાનનો સકંજો દિવસે દિવસે મજબૂત થતો જાય છે. દેશના અડધાથી વધુ જિલ્લાઓ પર અત્યારે તાલિબાન હાવી થઈ ગયું છે. પશ્તુન યોદ્ધાઓના આ સંગઠનને અફઘાનિસ્તાનની પશ્તુન બહુમતી ધરાવતી વસતિનું પણ સમર્થન મળે છે. આ જ કારણ છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ સંગઠનના કબજામાં રહેલાં શહેરોની સંખ્યા 77થી વધીને 242 સુધી પહોંચી ચૂકી છે. દેશના 65% વિસ્તારો પર હવે તાલિબાનનો કબજો છે.

વાસ્તવમાં અમેરિકા અને નાટો દેશના સૈનિકોએ આ વર્ષએ મેમાં અફઘાનિસ્તાન છોડવાનું શરૂ કર્યું. એના પછી અફઘાનિસ્તાનનાં અલગ-અલગ શહેરોમાં તાલિબાનોનો પ્રભાવ વધવા લાગ્યો. જોકે મહિનાઓ વીત્યા પછી પણ અફઘાનિસ્તાનના મોટાં અને મહત્ત્વનાં શહેરો તાલિબાનના કબજામાં આવ્યાં નહોતાં. કંદહાર પર કબજો કર્યા પછી તાલિબાનની પકડ મજબૂત થઈ છે. છેલ્લા આઠ દિવસમાં તાલિબાને 13 શહેરો પર કબજો કરી લીધો છે.

કંદહાર અને ઉત્તર અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અફઘાન સરકાર સંકટમાં છે. આશંકા વ્યક્ત થઈ રહી છે કે હવે તાલિબાન દેશની રાજધાની કાબુલને સંપૂર્ણપણે ઘેરી લેશે. હવે અફઘાન સરકારે નક્કી કરવાનું છે કે કાબુલ સહિત તેઓ પોતાના કબજાવાળા વિસ્તારો પર સેના વધારે અથવા જે વિસ્તારો પર તાલિબાન કબજો કરી ચૂક્યું છે એને છોડાવવાની કોશિશ કરે.

અત્યારસુધીમાં આ સંઘર્ષમાં શું-શું બન્યું? આ સંઘર્ષની ભારત અને દુનિયા પર શું અસર પડશે? આવો જાણીએ...

અત્યારસુધી કયા વિસ્તારોમાં થઈ ચૂક્યો છે તાલિબાનનો કબજો?
અફઘાનિસ્તાનમાં કુલ 407 જિલ્લા છે. આ વર્ષે 4 મેથી તાલિબાને આક્રમક મિલિટરી ઓપરેશન શરૂ કર્યું. એ સમયે દેશના 77 જિલ્લા પર તાલિબાનનો કબજો હતો. ત્યાં 129 જિલ્લામાં અફઘાન સરકારનો કંટ્રોલ હતો. બાકી 194 જિલ્લામાં બંને પક્ષોની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો.

લગભગ દોઢ મહિના પછી એટલે કે 16 જૂન સુધી તાલિબાનના કબજાવાળા જિલ્લાઓની સંખ્યા 104 થઈ ગઈ. જ્યારે અફઘાન સરકારનો કંટ્રોલ માત્ર 94 જિલ્લા સુધી રહી ગયો. 201 જિલ્લામાં બંને પક્ષે સંઘર્ષ ચાલી રહ્યો હતો. 17 જુલાઈ સુધી તાલિબાન અડધાથી વધુ અફઘાનિસ્તાન પર કબજો કરી ચૂક્યું હતું. તેના કબજામાં 221 જિલ્લા આવી ચૂક્યા હતા. જ્યારે અફઘાન સરકાર સીમિત થઈને 73 જિલ્લા સુધી રહી ગઈ હતી.

12 ઓગસ્ટ સુધી તાલિબાનના કબજામાં કંદહાર સહિત 242 જિલ્લા આવી ચૂક્યા છે. અફઘાન સરકારનો કબજો સીમિત થઈને 65 જિલ્લા સુધી જ રહી ગયો છે. 100 જિલ્લામાં બંને પક્ષે સંઘર્ષ જારી છે. છેલ્લાં 20 વર્ષમાં પ્રથમવાર છે જ્યારે તાલિબાને અનેક રાજ્યોની રાજધાની પર પણ એકસાથે કબજો કર્યો છે. એમાં જરાંજ, અબ્દુલ રશીદ દોસ્તમની પકડવાળા શહેરો શબરઘાન, તાલિકાન, શેર-એ-પુલ, કમર્શિયલ હબ કુંદુજ, એબક, ફરાહ સિટી, પુલ-એ-ખુમરી અને ફૈઝાબાદ સામેલ છે. હવે જે શહેર અફઘાન સરકારના કબજામાં છે એ સંપૂર્ણપણે કપાઈ ચૂક્યા છે. તેમની સપ્લાઇલાઇનને તાલિબાને લગભગ બંધ કરી દીધી છે.

અફઘાન સરકાર કેવી રીતે કરી રહી છે મુકાબલો?
સતત થઈ રહેલી હાર પછી પણ રાષ્ટ્રપતિ અશરફ ગની શાસસને એકપણ પ્રોવિન્સની રાજધાની પરથી પોતાનો કબજો ગુમાવ્યા પછી પણ એનો ઈનકાર કર્યો છે. અફઘાન સરકારની ડિફેન્સ મિલિટરી પણ સતત પોતાના પ્રવક્તાઓ દ્વારા તાલિબાન યોદ્ધાઓનાં મોત અને અફઘાન ફોર્સની તાકાત વિશે જણાવી રહી છે.

જ્યારે બીજી તરફ નાણામંત્રી ખાલિદ પેઅંડા રાજીનામું આપીને દેશ છોડી ચૂક્યા છે. જોકે તેમણે ફેસબુક પર તેનું કારણ અફઘાનિસ્તાનના સ્થિતિને બદલે પારિવારિક ઈસ્યુ હોવાનું કહ્યું છે. અફઘાન સરકારની સ્ટ્રેટેજી ઝડપથી વધી રહેલી તાલિબાનની સ્પીડ ઓછી કરવાની છે. એ માટે તેઓ મહત્ત્વની સડકો, શહેરો અને બોર્ડર પર પોતાની પકડ મજબૂત રાખવા માગે છે. તાલિબાન જે રીતે પ્રોવિન્સની રાજધાનીઓ પર કબજો કરી રહ્યું છે એનાથી એ સ્પષ્ટ નથી કે અફઘાન સરકાર પોતાના પ્લાનમાં કેટલી સફળ થઈ શકી છે.

અફઘાન સરકાર પાસે તમામ 34 પ્રોવિન્સની રાજધાની અને 407 જિલ્લાને પોતાના કબજામાં લેવા માટે પર્યાપ્ત સેનાનો પણ અભાવ છે. આમેય આ સરકાર થોડા મહિના પહેલાં સુધી અમેરિકા અને નાટો દેશોના સૈનિકોની મદદ પર નિર્ભર હતી. આ સપોર્ટ હટ્યા પછી તેના માટે મુશ્કેલીઓ દરરોજ વધી રહી છે.

શું તાલિબાન ભારત અને દુનિયા માટે કોઈ જોખમ છે?
અનેક એક્સપર્ટ્સ કહે છે કે તાલિબાન અફઘાનિસ્તાનની લોકતાંત્રિક સંસ્થાઓ, નાગરિકોના અધિકારો અને પ્રાદેશિક સુરક્ષા માટે જોખમરૂપ છે. આ સંગઠને દુનિયાના સૌથી શક્તિશાળી સિક્યોરિટી અલાયન્સ નાટોનો સામનો કર્યો છે. એવામાં એનું મોરલ ઘણું હાઈ છે.

તાલિબાનને મોનિટર કરનારી UNની ટીમે 2021ના પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આ સંગઠનને આતંકી સંગઠન અલ-કાયદા સાથે મજબૂત સંબંધ છે. રિપોર્ટ અનુસાર અલ-કાયદા પર તાલિબાનની પકડ સતત મજબૂત થઈ રહી છે. એટલે સુધી કે અલ-કાયદાને સંસાધન ઉપલબ્ધ કરાવવાથી લઈને ટ્રેનિંગ સુધીની વ્યવસ્થા તાલિબાન કરી રહ્યું છે. લગભગ 200થી 500 અલ-કાયદા આતંકીઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં છે. તેના અનેક નેતા પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર આસપાસ છુપાયેલા છે, એટલે સુધી કે અમેરિકન ઓથોરિટીઝ માને છે કે અલ-કાયદા ચીફ અલ-જવાહિરી પણ અહીં જ ક્યાંક છુપાયેલો છે. જોકે 2020માં તેના માર્યા જવાની પણ અફવા હતી.

અમેરિકા, નાટો, અફઘાન સરકાર અને તાલિબાને છેલ્લા બે દાયકામાં શું ગુમાવ્યું?
2007 પછીથી ચાલી રહેલા સંઘર્ષમાં 6 હજારથી વધુ અમેરિકી સૈનિકો, એક હજારથી વધુ NATO સૈનિકો માર્યા ગયા. આ યુદ્ધમાં લગભગ 47 હજાર સામાન્ય લોકોના જીવ ગયા. જ્યારે લગભગ 73 હજાર અફઘાન સૈનિકો અને પોલીસવાળાના પણ મોત થયાં. એવું મનાય છે કે આ દરમિયાન 10 હજારથી વધુ તાલિબાન લડાકુઓ પણ માર્યા ગયા છે. તાલિબાન અત્યારે છેલ્લાં વીસ વર્ષમાં સૌથી મજબૂત છે. તેની પાસે એક લાખથી વધુ યોદ્ધાઓ છે.

ક્યારે અને કેવી રીતે બન્યું તાલિબાન?

  • અફઘાન ગેરિલા યોદ્ધાઓએ 1980ના દાયકાના અંત અને 1990ની શરૂઆતમાં આ સંગઠનની રચના કરી હતી. આ એ સમય હતો જ્યારે અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘનો કબજો (1979-89) હતો. આ યોદ્ધાઓને અમેરિકન ગુપ્તચર એજન્સી CIA અને પાકિસ્તાનની ISIનું સમર્થન પ્રાપ્ત હતું.
  • અફઘાન યોદ્ધાઓની સાથે પશ્તુન આદિવાસી સ્ટુડન્ટ પણ તેમાં સામેલ હતા. આ લોકો પાકિસ્તાનની મદરેસાઓમાં ભણતા હતા. પશ્તુનમાં સ્ટુડન્ટને તાલિબાન કહે છે. અહીંથી તેમને તાલિબાન નામ મળ્યું.
  • અફઘાનિસ્તાનમાં પશ્તુન બહુમતીમાં છે. દેશના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં તેમની સારી પકડ છે. જ્યારે પાકિસ્તાનના ઉત્તર અને પશ્ચિમી વિસ્તારમાં પણ પશ્તુનની બહુમતી છે.
  • સોવિયેત સંઘના અફઘાનિસ્તાનમાંથી ગયા પછી આ આંદોલનને અફઘાનિસ્તાનના સામાન્ય લોકોનું સમર્થન મળ્યું. આંદોલનની શરૂઆતમાં તેને ચલાવનારા યોદ્ધાઓએ વચન આપ્યું કે સત્તામાં આવ્યા પછી દેશમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થશે. તેની સાથે જ શરિયાના કાયદાને કડકાઈથી લાગુ કરવામાં આવશે.
  • પોતાના વિરોધી મુજાહિદીન ગ્રુપ સાથે ચાલેલા ચાર વર્ષના સંઘર્ષ પછી અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયો. તેની સાથે જ દેશમાં કડકાઈથી શરિયા કાયદો લાગુ થયો. 1994માં તાલિબાને કંદહાર પર કબજો કર્યો. સપ્ટેમ્બર 1996માં કાબુલ પર કબજાની સાથે જ અફઘાનિસ્તાન પર તાલિબાનનું સંપૂર્ણપણે નિયંત્રણ આવી ગયું. આ વર્ષે તાલિબાને અફઘાનિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કરી દીધું. મુલ્લા મોહમ્મદ ઉમર દેશના આમિર-અલ-મોમિનીન એટલે કે કમાન્ડર બનાવાયા.
  • 2001 અગાઉ અફઘાનિસ્તાનના 90% વિસ્તારો તાલિબાનના કબજામાં હતા. આ દરમિયાન શરિયા કાયદાને કડકાઈથી લાગુ કરાયો. મહિલાઓને બુરખો પહેરવા કહેવામાં આવ્યું. મ્યુઝિક અને ટીવી પર પ્રતિબંધ લગાવી દેવાયો. જે પુરુષોની દાઢી નાની હોય તેમને જેલમાં પણ નાખી દેવાતા હતા. લોકોની સામાજિક જરૂરિયાતો અને માનવાધિકારોની અવગણના કરવામાં આવી.