ભાસ્કર એક્સપ્લેનર:5Gથી હજારો વિમાનોને જોખમઃ વિમાનોને ઊંચાઈ બતાવનાર મીટર થઈ જાય છે બેકાર; લેન્ડ નહીં કરી શકે, જાણો બાકીનાં જોખમ

4 મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

એર ઈન્ડિયાએ અમેરિકા માટે પોતાની ફ્લાઈટ્સમાં કાપ મૂકી દીધો છે. તેણે એવું 19 જાન્યુઆરીથી અમેરિકામાં લોન્ચ થયેલી 5G સેવાને ધ્યાનમાં રાખીને કર્યું છે. અનેક અમેરિકન એરલાઈન્સ અગાઉથી જ એરલાઈન્સ પર અસર પડવાની વાત કહીને 5Gના લોન્ચિંગને ટાળવાની અપીલ કરી રહી હતી.

ચાલો, સમજીએ કે આખરે કઈ રીતે 5G નેટવર્કથી એરલાઈન્સ પર પડશે અસર? આખરે કેમ 5Gને ટાળવાની થઈ માગ? ભારત પર પડશે એની કેટલી અસર?

5G ટેકનોલોજીથી વિમાનોને શું છે મુશ્કેલી?

અમેરિકામાં સિવિલ એવિએશનને રેગ્યુલેટ કરનારી એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FFA) અને ઓછામાં ઓછી 10 અમેરિકન એવિએશન કંપનીઓએ 5G સેવાથી વિમાનોના ઓપરેશન અને સુરક્ષા પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરી છે.

હવે જાણીએ એવું કેમ કહેવામાં આવી રહ્યું છે...

 • 5G સેવાઓ રેડિયો સિગ્નલ પર આધારિત હોય છે. અમેરિકામાં 5G માટે જે રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે એને C-બેન્ડ નામથી ઓળખવામાં આવે છે.
 • વાસ્તવમાં અમેરિકાએ 2021માં પોતાની મોબાઈલ કંપનીઓ માટે 5Gના મિડ-રેન્જ બેન્ડવિડ્થ (3.7-3.9 GHz)ની ફ્રિકવન્સીની હરાજી કરી હતી. જ્યારે વિમાનના અલ્ટીમીટર રેડિયો સિગ્નલ પણ લગભગ આ જ રેન્જવાળી ફ્રિકવન્સી 4.2-4.4 GHz)નો ઉપયોગ કરે છે.
 • 5Gની ફ્રિકવન્સી અને વિમાનના અલ્ટીમીટરની ફ્રિકવન્સી લગભગ એક જ રેન્જમાં હોવાને કારણે જ વિમાનોની સુરક્ષા અને તેના ટ્રાવેલ રૂટ એટલે કે નેવિગેશન માટે જોખમ સર્જાવાની આશંકા રહે છે.
 • અલ્ટીમીટર માત્ર પ્લેન જમીનથી કેટલી ઊંચાઈ પર ઊડી રહ્યું છે એ જ માપતું નથી, પરંતુ એની સેફ્ટી અને નેવિગેશન સિસ્ટમ માટે પણ ડેટા પ્રોવાઈડ કરે છે.
 • 5G ટ્રાન્સમિશન પ્લેનના અલ્ટીમીટર જેવાં યંત્રો યોગ્ય રીતે કામ કરવામાં અવરોધ પેદા કરી શકે છે, એનાથી પ્લેનનું લેન્ડિંગ પ્રભાવિત થવાનું જોખમ રહે છે.
 • અલ્ટીમીટરનો યુઝ જહાજની ઊંચાઈ બતાવવા ઉપરાંત ઓટોમેટિક લેન્ડિંગમાં પણ કરવામાં આવે છે.
 • અલ્ટીમીટરનો ડેટા વિમાનો માટે ખતરનાક મનાતા વિન્ડ શીયર એટલે કે વાતાવરણમાં શોર્ટ ડિસ્ટન્સ પર હવાની સ્પીડ/કે દિશામાં અંતર વિશે સાવધ કરવામાં પણ કામમાં આવે છે.
 • અલ્ટીમીટરના પ્રભાવિત થવાથી ખરાબ હવામાન, વાદળો કે ધુમ્મસ દરમિયાન વિમાન માત્ર વિઝ્યુઅલ ડેટા પર નિર્ભર રહેવા મજબૂર થશે, જેનાથી લેન્ડિંગ અને ટેક ઓફ પ્રભાવિત થશે.
 • પ્લેનના રેડિયો અલ્ટીમીટરના પ્રભાવિત થવાથી વિમાનની ઓટોમેશન સિસ્ટમ કે પાયલોટ ખાસ કરીને જમીનની નજીક પહોંચવા પર સચોટ અંદાજ ન મેળવી શકવાથી દુર્ઘટનાની આશંકા વધુ રહેશે.

હજારો ફ્લાઈટ્સ રદ થવાથી અબજોનું નુકસાન થવાની આશંકા
યુનાઈટેડ એરલાઈન્સ સીઈઓ સ્કોટ કિર્બીએ ગત મહિને કહ્યું હતું કે અમેરિકામાં 5G સેવાઓ શરૂ થવાથી ઓછામાં ઓછાં 40 મોટાં એરપોર્ટ પર રેડિયો અલ્ટીમીટરનો ઉપયોગ થઈ શકશે નહીં.

રૉઇટર્સના જણાવ્યા અનુસાર, આનાથી રોજ સરેરાશ 1000 ફ્લાઈટ્સ કેન્સલ, ડાઈવર્ટ કે વિલંબિત થશે અને હજારો પેસેન્જર પ્રભાવિત થશે. એમાં કાર્ગો અને પેસેન્જર બંને પ્રકારનાં વિમાનોના પ્રભાવિત થવાની વાત કરવામાં આવી રહી છે.

આ રિપોર્ટ અનુસાર, એનાથી અમેરિકન એવિએશન ઈન્ડસ્ટ્રી અને મુસાફરોને દર વર્ષે લગભગ 12 હજાર કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે.

દુનિયાના અનેક દેશ કોઈ નુકસાન વિના કેવી રીતે કરી રહ્યા છે 5Gનો ઉપયોગ?
અમેરિકામાં ભલે વિમાનોને 5Gથી નુકસાનની વાત મોટો મુદ્દો બની ગઈ છે, પરંતુ દુનિયાના અનેક એવા દેશો પણ છે જ્યાં વિમાનોને કોઈ મુશ્કેલી વિના જ 5Gનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

 • યુરોપના 27 દેશમાં વિમાનોના ઉડ્ડયનમાં 5Gને કારણે કોઈ ફરિયાદ મળી નથી અને યુરોપિયન એવિએશન એજન્સીએ કહ્યું હતું કે આ સમસ્યા માત્ર અમેરિકામાં જ છે.
 • યુરોપિયન યુનિયનના 27 દેશ અમેરિકાની તુલનામાં ઓછી ફ્રિકવન્સી (3.4-3.8 GHz)વાળા 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.
 • ફ્રાંસમાં વિમાનોના અલ્ટીમીટર માટે યુઝ કરવામાં આવનારી ફ્રિકવન્સી (3.6-3.8 GHz) અમેરિકા દ્વારા યુઝ કરવામાં આવનારી અલ્ટીમીટર ફ્રિકવન્સી (4.2-4.4 GHz)ની તુલનામાં ઓછી છે. આ સાથે જ ફ્રાંસ અમેરિકાની તુલનામાં ઓછા 5G પાવર લેવલનો ઉપયોગ કરે છે.
 • ફ્રાંસ જેવા કેટલાક દેશોએ આવી કોઈ સમસ્યાથી બચવા માટે એરપોર્ટની આસપાસ “બફર ઝોન” બનાવી દીધા છે, જ્યાં 5G સિગ્નલ પ્રતિબંધિત છે. આ સાથે જ અહીં એન્ટેનાને થોડું નીચે તરફ ઝુકાવી દેવામાં આવે છે, જેનાથી વિમાનના સિગ્નલમાં કોઈ અવરોધ ન આવે.
 • સાઉથ કોરિયામાં એપ્રિલ 2019થી જ 5G સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ત્યાં એને કારણે વિમાન સેવાઓના રેડિયો સિગ્નલમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી નથી.

ટેલિકોમ ઈન્ડસ્ટ્રીએ પ્લેન પર અસરની આશંકાને નકારી દીધી
અમેરિકામાં 5G સેવા લાવનાર કંપનીઓ વેરિઝોન અને AT&T કહે છે કે ઓછામાં ઓછા 40 અન્ય દેશોમાં 5G સેવાઓ શરૂ થઈ ચૂકી છે. એમાંથી કોઈપણ દેશમાં વિમાન સેવાઓમાં કોઈ પ્રકારનો અવરોધ થયાની ફરિયાદ મળી નથી.

અમેરિકન ટેલિકોમ કંપનીઓએ આવી કોઈપણ મુશ્કેલીથી બચવા માટે ફ્રાંસની જેમ ઓછામાં ઓછાં 50 અમેરિકન એરપોર્ટ પર છ મહિના માટે બફર ઝોન બનાવવા અંગ સહમતી દર્શાવી છે.

ભારત પર પડશે કેવી અસર?
ભારતમાં આગામી થોડા મહિનાઓમાં દિલ્હી, મુંબઈ સહિત 13 મોટાં શહેરોમાં 5Gની ટ્રાયલ શરૂ થવાની છે. અમેરિકામાં 5G સેવાઓની વિમાનો પર પડનારી અસરને જોતાં એર ઈન્ડિયાએ 19 જાન્યુઆરીથી અમેરિકા માટે પોતાની ફ્લાઈટ્સને ઘટાડી છે કે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી છે.

ભારતમાં અત્યારે 5G સેવાઓની એવિએશન ઈન્ડસ્ટ્રી પર અસર સામે આવવાનું બાકી છે, પરંતુ અમેરિકામાં આ પ્રકારની મુશ્કેલીઓ પછી મનાય છે કે જ્યારે ભારતમાં 5G સેવાઓ શરૂ થશે તો સરકાર ફ્રાંસની જેમ એરપોર્ટની આસપાસ બફર ઝોન બનાવવા કે યુરોપિયન દેશોની જેમ ઓછી ફ્રિકવન્સીવાળી 5G સેવાઓના ઉપયોગને મંજૂરી આપી શકે છે.

બોઈંગ વિમાનો પર સૌથી વધુ અસર

રિપોર્ટ્સ અનુસાર, 5G સેવાઓની સૌથી વધુ અસર બોઈંગ વિમાનો પર પડવાની આશંકા છે.

 • એર ઈન્ડિયાએ ચાર અમેરિકન શહેર માટે પોતાની બોઈંગ-777ની ફ્લાઈટ્સ ઓછી કરે છે કે રદ કરી દીધી છે.
 • આ કારણથી બોઈંગ 777નો યુઝ કરનારી સૌથી મોટી એરલાઈન્સ દુબઈની એમિરેટ્સે પણ નવ અમેરિકન શહેરો માટે પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.
 • જાપાનની બે મુખ્ય એરલાઈન્સ ઓલ નિપ્પોન એરવેઝ અને જાપાન એરલાઈન્સે પણ અમેરિકા માટે પોતાના બોઈંગ 777 વિમાનોના ઉડ્ડયન અટકાવ્યા છે અથવા વિમાન બદલીને ફ્લાઈટ્સ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

5G અને 4G સેવાઓમાં શું છે તફાવત?
દરેક દાયકામાં ટેલિકોમ કે વાયરલેસ ઈન્ડસ્ટ્રી પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે અને નેટવર્કને અપગ્રેડ કરે છે. જેમકે-90ના દાયકામાં 2G, 2000ના દાયકામાં 3Gની બોલબાલા હતી, ગત દાયકામાં 4G છવાયું અને આ દાયકામાં 5G છવાયેલું રહેશે.

 • 2G, 3G, 4G કે હવે 5Gમાં સૌથી મોટો તફાવત સ્પીડનો હોય છે. સ્પેક્ટ્રમમાં જેટલી વધુ ફ્રિકવન્સી હશે એટલી જ ઝડપી સર્વિસ હશે. આથી 5Gની હરાજીમાં ઓપરેટર્સ હાઈ ફ્રિકવન્સી મેળવવા માગે છે.
 • 5G નેટવર્કની 4G કરતાં લગભગ 100 ગણી વધુ સ્પીડ હશે. 4Gમાં મહત્તમ સ્પીડ 100 MBPS હોઈ શકે છે તો જ્યારે 5Gમાં એ 20000 MBPS સુધી જઈ શકે છે.
 • 5G સેવાઓમાં નેટવર્કની સ્પીડ માટે ત્રણ અલગ-અલગ ફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. લૉ બેન્ડવિડ્થ, મિડ બેન્ડવિડ્થ અને હાઈ બેન્ડવિડ્થ.
 • 5G સર્વિસિઝમાં ઉપયોગમાં લેવાનાર મિડ કે હાઈ ફ્રિકવન્સીથી જ વિમાનના ઓપરેશન માટે જોખમ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.