ભાસ્કર એક્સપ્લેનર:5 દિવસના વેક્સિન ડોઝ બચ્યા છે ભારતમાં; જાણો કઈ રીતે દૂર થઈ શકે છે વેક્સિનનું સંકટ

6 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

કોરોનાવાયરસની બીજી લહેરની સાથે જ વેક્સિનેશને પણ ઝડપ પકડી છે. દરરોજ લગભગ 34 લાખ વેક્સિન ડોઝ આપવામાં આવી રહ્યા છે. એને કારણે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં કેટલાંક રાજ્યોમાં વેક્સિનના ડોઝની અછત સર્જાઈ છે. તેમની પાસે જે સ્ટોક છે એ બે-ત્રણ દિવસ ચાલે એટલો છે. સમગ્ર દેશમાં રાજ્યોની પાસે જે સ્ટોક છે એ 5-6 દિવસથી વધુ નહીં ચાલે.

9 એપ્રિલની સવાર સુધી 9.43 કરોડ ડોઝ આપી દેવાયા છે. 60%થી વધુ ડોઝ 8 રાજ્યોમાં અપાયા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન આ લિસ્ટમાં સૌથી આગળ છે. કેન્દ્ર સરકારની પાસે અત્યારે 4.3 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે, જે રાજ્યોને ધીમે ધીમે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એને ઉમેરી દઈએ તો સમગ્ર દેશમાં અત્યારે 12 દિવસનો ક્વોટા ઉપલબ્ધ છે. આરોગ્ય મંત્રાલયની તરફથી જારી આંકડાઓ અનુસાર અત્યારના સમયે બે વેક્સિન- કોવેક્સિન અને કોવિશીલ્ડ લગાવાઈ રહી છે. એને ઉમેરીને દર મહિને 7 કરોડ ડોઝનું પ્રોડક્શન થઈ રહ્યું છે. આ આધારે માત્ર 25 લાખ ડોઝ જ રોજ આપી શકાય છે.

આ કારણથી માગણી થઈ રહી છે કે રશિયન વેક્સિન સ્પુટનિક V સહિત અન્ય વેક્સિનને પણ મંજૂરી આપવામાં આવે, જેથી રાજ્યોમાંથી આવી રહેલી ડિમાન્ડ પૂરી કરી શકાય.

આ વેક્સિનને જલદી મંજૂરી મળે તો પૂરી થઈ શકશે ડિમાન્ડ!

  • ભારતમાં અત્યારે બે જ વેક્સિન લગાવવામાં આવી રહી છે - કોવિશીલ્ડ અને કોવેક્સિન. કોવિશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ ફર્મ એસ્ટ્રાજેનેકાએ મળીને તૈયાર કરી છે. ભારતમાં તેનું પ્રોડક્શન પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કરી રહી છે, જ્યારે કોવેક્સિનને હૈદરાબાદની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સાથે મળીને બનાવવામાં આવે છે અને તેનું પ્રોડક્શન હૈદરાબાદમાં થઈ રહ્યું છે.
  • ભારતના ડ્રગ રેગ્યુલેટર પાસેથી અમેરિકન કંપની ફાઈઝરે પણ પોતાની વેક્સિન માટે ડિસેમ્બરમાં અપ્રૂવલ માગી હતી, પરંતુ તેના માટે -70 ડીગ્રી સેલ્સિયસની કોલ્ડ ચેઈન જરૂરી છે, જે ભારતીય સેટઅપમાં મુશ્કેલ છે. આ કારણથી એને મંજૂરી મળી નથી. રશિયન વેક્સિન સ્પુટનિક V માટે હૈદરાબાદની કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીએ ઈમર્જન્સી અપ્રૂવલ માગી છે. એને ટૂંક સમયમાં જ અપ્રૂવલ મળી શકે છે અને જો એવું થશે તો વેક્સિનની અછતના સંકટને મહદંશે દૂર કરી શકાશે.
  • અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની વેક્સિન ZyCoV-D માટે પણ કંપની એક-બે મહિનામાં અપ્રૂવલ માગી શકે છે. આ સ્વદેશી વેક્સિનની અત્યારે દેશભરમાં ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલના અનુસાર તેમની વેક્સિન મે અથવા જૂનમાં બજારમાં આવી શકે છે.
  • ભારતમાં ICMRના વેક્સિન લેન્ડસ્કેપ અનુસાર પુણેની જેનોવા ફાર્માસ્યુટિકલ્સની mRNA વેક્સિન, બેયર કોલેજ ઓફ મેડિસિનની સાથે હૈદરાબાદની બાયોલોજિકલ Eની વેક્સિન, ભારત બાયોટેકની ઈન્ટ્રાનેજલ વેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની તરફથી નોવાવેક્સની કોવોવૈક્સ વેક્સિનની ટ્રાયલ્સ ચાલી રહી છે. બાયોલોજિકલ E ભારતમાં જોહન્સન એન્ડ જોહન્સનની જેનસેન ફાર્માની વેક્સિનની બ્રિજિંગ ટ્રાયલ્સ કરવાની છે.

દુનિયાભરમાં શું છે વેક્સિનની સ્થિતિ?

  • WHOના વેક્સિન લેન્ડસ્કેપ અનુસાર, અત્યારે સમગ્ર દુનિયામાં 272 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એમાં 86 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. એટલે કે તેમની સેફ્ટી, એફિકસી તપાસવામાં આવી રહી છે. જ્યારે, 186 વેક્સિન પ્રી-ક્લિનિકલ ફેઝમાં છે, એટલે કે તેના પર લેબોરેટરીમાં જ તપાસ ચાલી રહી છે.
  • ન્યૂયોર્ક ટાઈમ્સના વેક્સિન ટ્રેકર અનુસાર અત્યારના સમયે 50 વેક્સિન ફેઝ-1ની ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. 35 વેક્સિન ફેઝ-2 અને 23 વેક્સિન ફેઝ-3 ટ્રાયલ્સમાં છે. 5 વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી છે, જ્યારે 8 વેક્સિનને ફુલ અપ્રૂવલ મળી ચૂકી છે. આ દરમિયાન 4 વેક્સિન એવી પણ રહી, જેની ટ્રાયલ્સ કોઈને કોઈ કારણથી બંધ કરવી પડી.