તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • 4 Ordinary People Will Go Into Space For The First Time; How Did All This Happen? What Will These People Do After 3 Days Of Going Into Space?

ભાસ્કર એક્સપ્લેનર:સ્પેસમાં પ્રથમવાર જશે 4 સામાન્ય લોકો; કઈ રીતે થયું આ બધાનું સિલેક્શન અને અંતરિક્ષમાં જઈને 3 દિવસ શું કરશે આ લોકો?

6 દિવસ પહેલાલેખક: આબિદ ખાન

એલન મસ્કની કંપની સ્પેસએક્સ નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. 15 સપ્ટેમ્બરના રોજ પ્રથમ ઓલ-સિવિલિયન ક્રૂને સ્પેસમાં મોકલી રહી છે. આ મિશનને ઈન્સ્પિરેશન 4 નામ આપવામાં આવ્યું છે. મિશનમાં 4 લોકો અંતરિક્ષની સફરે જશે. આ તમામ સામાન્ય લોકો છે, એટલે કે એમાંથી કોઈપણ એસ્ટ્રોનોટ નથી.

15 સપ્ટેમ્બરના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરથી આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ હજુ લોન્ચિંગનો ટાઈમ જણાવ્યો નથી, પરંતુ કહ્યું છે કે અંતિમ નિર્ણય હવામાનને જોઈને લેવામાં આવશે.

સમજીએ કે આ મિશન શું છે? ક્રૂમાં કોણ-કોણ સામેલ છે? તેમનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવ્યું છે? સમગ્ર મિશન કેટલું ખાસ છે? અને મિશનનો ઉદ્દેશ શું છે?...

પ્રથમ મિશન વિશે જાણી લઈએ
આ મિશનને ઈન્સ્પિરેશન 4 મિશન નામ આપવામાં આવ્યું છે. મિશનનું ફંડિંગ બિલિયોનેર જેઅર્ડ ઈસાકમેન કરી રહ્યા છે. તેમણે મિશન માટે પોતે પૈસા આપ્યા છે અને ચેરિટી ફંડિંગ માટે પણ પૈસા એકત્ર કર્યા છે. મિશનનો ઉદ્દેશ અમેરિકાના ટેનેસીમાં સેન્ટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલ માટે ફંડિંગ મેળવવાનું છે. મિશનને લીડ કરી રહેલા ઈસાકમેન તેના દ્વારા 200 મિલિયન ડોલરની રકમ એકત્ર કરવા માગે છે. તેમણે ઘોષણા કરી છે કે અડધી રકમ તેઓ પોતાની પાસેથી હોસ્પિટલને આપશે.

આ મિશન દ્વારા લોકોને પ્રેરિત કરવામાં આવશે અને કેન્સર પ્રત્યે જાગૃતિ પણ વધારવામાં આવશે. આ કારણથી મિશનના સભ્યોને અલગ-અલગ હ્યુમન વેલ્યુ આપવામાં આવી છે, જેમ કે લીડરશિપ, હોપ, ઈન્સ્પિરેશન અને પ્રોસ્પેરિટી.

મિશનના એક સભ્ય સેન્ટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ પણ છે અને કેન્સર સર્વાઈવર છે. તેમનો કેન્સરનો ઈલાજ એ જ હોસ્પિટલમાં થયો છે.

કોણ છે ક્રૂ-મેમ્બર?
જેઅર્ડ ઈસાકમેનઃ મિશનની સમગ્ર કમાન ઈસાકમેનના હાથમાં હશે. 38 વર્ષીય ઈસાકમેન શિફ્ટ4પેમેન્ટ નામની પેમેન્ટ કંપનીના ફાઉન્ડર અને CEO છે. 16 વર્ષની વયમાં જ તેમણે આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેઓ બિલિયોનેર છે. તેઓ પ્રોફેશનલ પાયલોટ છે અને પોતાની પાયલોટ ટ્રેનિંગ કંપની દ્વારા અમેરિકન એરફોર્સના પાયલોટને ટ્રેનિંગ આપે છે.

હેલી આર્કેનોઃ હેલી કેન્સર સર્વાઈવર છે. 29 વર્ષની હેલી અંતરિક્ષમાં જનાર સૌથી નાની વયની અમેરિકન નાગરિક બનશે. તેને હાડકાંનું કેન્સર હતું અને તેનો ઈલાજ ટેનેસીની સેન્ટ જૂડ હોસ્પિટલમાં થયો હતો. આ હોસ્પિટલ માટે ઈસાકમેન ફંડ પણ એકત્ર કરી ચૂક્યા છે અને મિશન દ્વારા જે રકમ પ્રાપ્ત કરાશે એ પણ આ જ હોસ્પિટલને ડોનેટ કરવામાં આવશે. મિશનમાં હેલીને મેડિકલ ઓફિસરની જવાબદારી મળી છે.

શૉન પ્રોક્ટરઃ 51 વર્ષીય પ્રોક્ટર એરિઝોનાની એક કોલેજમાં જિયોલોજીના પ્રોફેસર છે. પ્રોક્ટરના પિતા અપોલો મિશન દરમિયાન નાસાની સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ ખુદ અનેકવાર નાસાના સ્પેસ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે.

ક્રિસ સેમ્બ્રોસ્કીઃ 42 વર્ષના ક્રિસ અમેરિકન એરફોર્સના પાયલોટ રહ્યા છે અને ઈરાક યુદ્ધમાં પણ સામેલ છે. હાલ ક્રિસ એરોસ્પેસ અને ડિફેન્સ નિર્માતા કંપની લૉકહીડ માર્ટિનની સાથે કામ કરી રહ્યા છે.

મિશનની ખાસિયત શી છે?

 • ધરતીની કક્ષામાં જનારા આ પ્રથમ નોન પ્રોફેશનલ એસ્ટ્રોનોટના ક્રૂ છે. આ મિશનના ચારેય સભ્ય આ અગાઉ ક્યારેય અંતરિક્ષમાં ગયા નથી. ચારેય સામાન્ય લોકો છે.
 • આ અગાઉ બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસશિપે પણ પ્રાઈવેટ સ્પેસ ટૂરિઝમની શરૂઆત કરીને ઉડ્ડયન કર્યું હતું, પરંતુ આ બંને સ્પેસક્રાફ્ટ એજ ઓફ સ્પેસ સુધી જ ગયા હતા, પરંતુ ઈસાકમેનનું સ્પેસક્રાફ્ટ ધરતીની ઓર્બિટમાં ચક્કર લગાવશે. અંતરના હિસાબે જોવા જઈએ તો આ પ્રથમવાર બંને સ્પેસક્રાફ્ટથી લગભગ 475 કિમી દૂર જશે.
 • બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસશિપના મિશન થોડી મિનિટોના જ હતા. એ લોકો સ્પેસમાં ગયા અને થોડી મિનિટો પછી ફરીવાર ધરતી પર પરત આવી ગયા, પરંતુ આ મિશન ત્રણ દિવસનું છે.
 • આ સ્પેસક્રાફ્ટમાં બે ટ્રેન થયેલા પાયલોટ છે, પરંતુ સ્પેસક્રાફ્ટને ઓપરેટ કરવામાં તેમનો કોઈ રોલ નથી. વર્જિન સ્પેસશિપના બે પાયલોટ ઓપરેટ કરી રહ્યા હતા.

મિશન મેમ્બરના સિલેક્શનની કહાની પણ રસપ્રદ છે

 • જેઅર્ડ ઈસાકમેન જ આ સમગ્ર મિશનને ફંડ આપી રહ્યા છે. તેમના ઉપરાંત બાકીના ત્રણ લોકોનું સિલેક્શન પણ ઈસાકમેને જ અલગ-અલગ રીતે કર્યું છે. સમગ્ર મિશનને ઈન્સ્પિરેશન 4 નામ આપવામાં આવ્યું છે અને ચારેય લોકોને અલગ-અલગ હ્યુમન વેલ્યુ અસાઈન કરાઈ છે. ઈસાકમેન ટ્રિપમાં લીડરશિપ વેલ્યુને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે.
 • ઈસાકમેનની કંપની શિફ્ટ4પેમેન્ટે એક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. કોમ્પિટિશનમાં સામેલ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ એક દુકાન શરૂ કરે અને એમાં શિફ્ટ4પેમેન્ટના પેમેન્ટ ગેટવેથી લેવડદેવડ કરે. શૉન પ્રોક્ટરે MySpace2Inspire.com નામથી વેબસાઈટ શરૂ કરી અને પોતાના આર્ટવર્ક વેચ્યા. તેઓ શા માટે સ્પેસમાં જવા માટે એક પર્ફેક્ટ કેન્ડિડેટ છે, એ સમજાવવા માટે તેમણે એક કવિતા પણ લખી હતી. મિશનમાં તેઓ સમૃદ્ધિને રિપ્રેઝન્ટ કરે છે.
 • ક્રિસ સેમ્બ્રોસ્કીનું સિલેક્શન પણ રસપ્રદ રીતે થયું છે. સેન્ટ જૂ઼ડની ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલ માટે ઈસાકમેનની કંપનીએ ફંડ રેઝ કર્યું હતું. ડોનેટ કરનારા તમામ લોકોને એક ટિકિટ આપવામાં આવી હતી. આ ટિકિટ કોઈને પણ આ મિશનનો હિસ્સો બનાવી શકે છે. ક્રિસના એક દોસ્તે પણ આ કેમ્પેનમાં ડોનેટ કર્યું હતું. સ્પેસમાં ક્રિસની રુચિ જોઈને તેમણે પોતાની ટિકિટ ક્રિસને આપી દીધી અને આ રીતે ક્રિસનું સિલેક્શન થયું. ક્રિસ મિશનમાં ઉદારતાને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે.
 • ટ્રિપ માટે સૌપ્રથમ હેલી આર્કેનિયોક્સને પસંદ કરાયા હતા. હેલી કેન્સર સર્વાઈવર છે અને એ જ હોસ્પિટલમાં કામ કરે છે જ્યાં ક્યારેક કેન્સરનો ઈલાજ થયો હતો. ઈસાકમેન પણ તેમની જ હોસ્પિટલ માટે ડોનેશન કેમ્પેન ચલાવી ચૂક્યા છે. કેન્સરથી જીત અને બાકીના લોકોને પ્રેરિત કરવા માટે હેલીનું સિલેક્શન થયું છે. તેઓ મિશન દરમિયાન આશાને રિપ્રેઝન્ટ કરશે. આ ચારેય આ વર્ષે માર્ચથી જ મિશન માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે.

સ્પેસક્રાફ્ટ વિશે પણ જાણી લો
ચારેય લોકો ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષમાં જશે. આ સ્પેસક્રાફ્ટ એકસાથે 7 લોકો સુધીના સ્પેસમાં લઈ જઈ શકાય છે. આ હ્યુમનને સ્પેસમાં લઈ જનારૂં પ્રથમ પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ પણ છે. આ સ્પેસક્રાફ્ટને ફાલ્કન-9 રોકેટથી લોન્ચ કરાશે.

મિશનમાં કેટલી રકમ ખર્ચ થશે?
આ સમગ્ર ટ્રિપનો ખર્ચ જેઅર્ડ ઈસાકમેન ઉઠાવી રહ્યા છે. મિશનની ટોટલ કોસ્ટનો પણ હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ઈસાકમેને મિશન માટે સ્પેસએક્સને સારીએવી રકમ આપી છે. કદાચ મિશન સંપન્ન થયા પછી ઈસાકમેન ખર્ચની વિગતો જાહેર કરે.

પોતાની સાથે અનેક ચીજો લઈ જશે ચારેય ટૂરિસ્ટ
આ સમગ્ર મિશન હોસ્પિટલ માટે ફંડ રેઝિંગ માટે કરવામાં આવી રહ્યું છે, આથી ચારેય મિશન મેમ્બર પોતાની સાથે અનેક ચીજો લઈ જશે. અંતરિક્ષથી પરત આવ્યા પછી પૈસા એકત્ર કરવા માટે આ ચીજોની હરાજી થશે.

 • મિશન મેમ્બર્સ જે જેકેટ પહેરીને જશે, તેના પર સેન્ટ જૂડ હોસ્પિટલના દર્દીઓએ સ્પેશિયલ આર્ટવર્ક કર્યું છે. એની પણ હરાજી કરાશે.
 • એક યુકુલેલે (4 તારવાળું ગિટાર) પણ સાથે લઈ જવાશે, જેને ક્રિસ સેમ્બ્રોસ્કી સ્પેસમાં વગાડશે.
 • અપોલો 11 મિશનની 50મી વર્ષગાંઠ પર બનાવવામાં આવેલી એક ખાસ પેન પણ મિશન મેમ્બર સાથે લઈ જશે. આ પેનને અપોલો 11 સ્પેસક્રાફ્ટના મટીરિયલમાંથી બનાવવામાં આવી છે.
 • એક એવા આર્ટવર્કને પણ સાથે લઈ જવાશે, જે આ અગાઉ સમુદ્રની ઊંડી ખીણમાં પણ લઈ જવાયું હતું. આ આર્ટવર્ક દુનિયાનું પ્રથમ આર્ટવર્ક હશે, જેને સમુદ્રની ઊંડાઈ અને સ્પેસની ઊંચાઈ બંનેમાં લઈ જવાયું છે. આ ઉપરાંત અન્ય અનેક ચીજો પણ છે, જે મિશન દરમિયાન સાથે જશે.