ભાસ્કર એક્સપ્લેનર:વિશ્વની 300 સંસ્થા કોરોનાની રસી બનાવી રહી છે, 40 હ્યુમન ટ્રાયલ સ્ટેજ પર, રસી કેવી રીતે કામ કરે છે તે સમજો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશા છે કે આ વર્ષે ઇમરજન્સી ઉપયોગ માટે રસીને મંજૂરી મળી જશે. - Divya Bhaskar
આશા છે કે આ વર્ષે ઇમરજન્સી ઉપયોગ માટે રસીને મંજૂરી મળી જશે.

કોરોનાના સેકન્ડ વૅવ સામે લડવા માટે તૈયાર થઇ રહેલી દુનિયા રસીની આતુરતાથી રાહ જોઇ રહી છે. ડબલ્યુએચઓના જણાવ્યાનુસાર 300થી વધુ કંપનીઓ-સંસ્થાઓ કોરોનાની રસી બનાવી રહી છે, જેમાંથી 40થી વધુ રસી હ્યુમન ટ્રાયલ સ્ટેજ પર છે જ્યારે 9 સંસ્થા ત્રીજા તબક્કાની ટ્રાયલ સુધી પહોંચી ચૂકી છે. આશા છે કે આ વર્ષે ઇમરજન્સી ઉપયોગ માટે રસીને મંજૂરી મળી જશે.

સંક્રમણ: વાઇરસ શરીર માટે બાહ્ય આક્રમણ છે, જે શરીરને નબળું પાડી દે છે
વાઇરસ સામાન્ય રીતે નાક, આંખ અને મોઢા વાટે આપણા શરીરમાં પ્રવેશે છે. શરીર માટે વાઇરસ એક બાહ્ય આક્રમણ છે. શરીર તેની સામે લડવાનું શરૂ કરી દે છે પણ એન્ટીબૉડીઝ વિના શરીર નબળું પડવા લાગે છે.

વેક્સીન: બધી રસી એકસરખી, તે ઇમ્યુન સિસ્ટમને એન્ટિબૉડી બનાવવા તૈયાર કરે છે
રસીનું કામ શરીરને વાઇરસ વિરુદ્ધ રક્ષણાત્મક પ્રતિરક્ષા પ્રતિક્રિયા પેદા કરવા માટે તૈયાર કરવાનું હોય છે. સામાન્ય રીતે બધી રસી એકસરખું જ કામ કરે છે. તે શરીરમાં એક પ્રોટીન પહોંચાડે છે, જે કોરોનાનો જ એક નાનો ભાગ હોય છે, જેને સ્પાઇક કહે છે. તે ઓછો નુકસાનકારક હોય છે અને તેનાથી ખતરનાક લક્ષણ સામે નથી આવતા. તે શરીરની ઇમ્યુન સિસ્ટમને એન્ટિબૉડી બનાવવા માટે તૈયાર કરે છે અને પછી વાઇરસ સામે લડતી કોશિકાઓ સંક્રમણ રોકવા કામે લાગી જાય છે.

રશિયા: પહેલી રસીનો દાવો પણ ભરોસા સામે સવાલ
રશિયાએ સ્પૂતનિક વી નામથી કોરોનાની પહેલી રસી બનાવવાનો દાવો કર્યો હતો. ટીકાકારોનું કહેવું છે કે આ રસી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાંથી પસાર ન થઇ હોવાથી વિશ્વસનીય નથી જ્યારે રશિયા લોકોને રસી આપવાનું શરૂ કરી ચૂક્યું છે.

ભારત: કંપનીએ કહ્યું- આ વર્ષે રસી બનાવી લઇશું
ભારતમાં પણ કોરોનાની રસી માટે કામ ચાલી રહ્યું છે. ભારતની ફાર્મા કંપની ડૉક્ટર રેડ્ડીઝ લેબ્સે કહ્યું કે ભારતને ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી મળી શકે છે. કંપનીએ સ્પૂતનિક વી રસીના 10 કરોડ ડોઝ ખરીદવા રશિયા સાથે કરાર કર્યો છે.

ટ્રાયલ: બ્રિટન, ચીન, અમેરિકા, બેલ્જિયમ ત્રીજા તબક્કામાં, ડબલ્યુએચઓને ઓક્સફર્ડ પર ભરોસો
બ્રિટનની ઓક્સફર્ડ યુનિ. અને એસ્ટ્રાજેનેકા ઇન્સ્ટિટ્યૂટ, ચીનની કેનસાઇનો-બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ, સાઇનોવેક, સાઇનોફાર્મ-વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ, બેલ્જિયમની જેનસેન ફાર્માસ્યુટિકલ્સ અને અમેરિકાની મોડર્ના, બાયોએનટેક-ફાઇજર સહિતની સંસ્થાઓમાં કોરોનાની રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ડબલ્યુએચઓનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનથનના જણાવ્યાનુસાર ઓક્સફર્ડ યુનિ.ની પ્રસ્તાવિત રસી અત્યાર સુધીની સૌથી એડવાન્સ વેક્સીન છે. તેને એસ્ટ્રાજેનેકા મોટા પાયે બનાવશે.

નિયમ: સીડીએસસીઓની મંજૂરી બાદ પહેલાં બે વાર પશુઓ, પછી મનુષ્યો પર ટ્રાયલ ફરજિયાત
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને (સીડીએસસીઓ) દેશમાં કોરોના સહિત અન્ય કોઇ પણ રસીના ટ્રાયલ-માર્કેટિંગ માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. સીડીએસસીઓની મંજૂરી બાદ રસીની પશુઓ પર બે વખત ટ્રાયલ કરવી પડશે. અગાઉ એક જ વખત થતી હતી. વેક્સીન લૉન્ચિંગ બાદ તેની અસરો પર નજર રાખવી પડશે. આ મુખ્ય નિયમો નિર્ધારિત છે.

  • પહેલાં વેક્સીન સ્ટ્રેન સુરક્ષિત છે કે નહીં તેની ઓળખ.
  • વિટ્રો સ્ટ્રેન દ્વારા વેક્સીનમાં વપરાયેલી સામગ્રીની ઓળખ.
  • ઉંદર, સસલાં તથા અન્ય નાના પ્રાણીઓ પર પ્રી-ક્લીનિકલ ટ્રાયલનો પ્રથમ તબક્કો પૂરો કરાશે.
  • નાના પશુઓ પર ટ્રાયલ સફળ થયા બાદ મોટા પર ટેસ્ટ.
  • વેક્સીન સલામત હોવાની તપાસ માટે મનુષ્યો પર ટ્રાયલ.
  • મનુષ્યો પર ટ્રાયલ માટે અંદાજે 100 લોકો પર ટેસ્ટ.
  • મનુષ્યો પર ટ્રાયલ બાદ ઇમ્યૂન પ્રોટેક્શન ટ્રાયલ, જેમાં અંદાજે 1 હજાર લોકો પર ટેસ્ટ.
  • મનુષ્યો પર ટ્રાયલના 3 ફેઝમાં સફળતા પછી જ રસીને મંજૂરી અપાશે.
  • સીડીએસસીઓની મંજૂરી બાદ વેક્સીનના માર્કેટિંગ અને પરિણામો પર નજર રખાશે.

કિંમત: ભારત જેવા વિકાસશીલ દેશોમાં એક ડોઝ 220 રૂ.નો, બીજા દેશોમાં મોંઘો રહેવાની શક્યતા
ગયા મહિને મેક્સિકોમાં એક કંપનીના વડાએ કહ્યું હતું કે દ.અમેરિકામાં રસીની કિંમત 296 રૂ. પ્રતિ ડોઝ કે વધુ હોઇ શકે છે.
ભારતમાં રસી બનાવી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું છે કે વિકાસશીલ દેશોમાં કિંમત 220 રૂ. પ્રતિ ડોઝ હશે.
ઓક્સફર્ડ યુનિ. સાથે કામ કરી રહેલી એસ્ટ્રાજેનેકા કંપનીએ કહ્યું છે કે તે લોકોને ઓછી કિંમતે રસી ઉપલબ્ધ કરાવશે. તેનો પ્રયાસ હશે કે તે માત્ર નામનો
નફો કમાય.

અન્ય સમાચારો પણ છે...