કાયદાકીય રીતે લગ્નની યોગ્ય ઉંમર કોને ગણવી તેને લઈને દેશમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. કારણકે એક એવો કેસ સામે આવ્યો છે, જેના કારણે કાયદાના ધુરંધરો પણ ચકરાવે ચડી ગયા છે. હરિયાણામાં રહેતી 16 વર્ષની એક છોકરીએ 21 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા. બન્નેના પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતાં. એટલે આ નવદંપતીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું, 'અમને સુરક્ષા આપો, નહીં તો અમારા પરિવારના લોકો જ અમને મારી નાખશે.' હાઈકોર્ટમાં આ અરજી થઈ એટલે સૌથી પહેલો પ્રશ્ન તો એ જ ઉઠ્યો કે 16 વર્ષે છોકરી લગ્ન કરે તો તેને કાયદેસર ગણવા કે નહીં?
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સ્વરક્ષણ માટે અરજી કરનારા દંપતિ મુસ્લિમ હતાં. જેમણે 8 જૂન 2022ના રોજ નિકાહ કર્યા હતા. એટલે હાઈકોર્ટના જસ્ટિસ જે.એસ.બેદીએ આ કેસમાં મુસ્લિમ પર્સનલ લો પર દિલશાહ ફરદૂનજી મુલ્લાએ લખેલા પુસ્તક 'પ્રિન્સિપલ ઓફ મોહમ્મદન લો'ની કલમ 195ને આધાર ગણી. કોર્ટે ગત જૂન મહિનામાં જ ચુકાદો આપ્યો કે આ દંપત્તિએ કરેલા લગ્ન મુસ્લિમ પર્સનલ લો અનુસાર કાયદેસર છે, એટલે તેમને રક્ષણ આપવામાં આવે. પરંતુ આ કેસમાં હવે 6 મહિના બાદ એક રસપ્રદ વળાંક આવ્યો છે.
ઘર સંસાર ચાલ્યો પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કેસ
પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચુકાદા બાદ અરજદાર નવદંપતિનો તો ઘર સંસરા ચાલવા લાગ્યો. પરંતુ બાળકોના અધિકારોની સુરક્ષા માટે કામ કરતા NCPCR એટલે કે નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે હાઈકોર્ટના ચુકાદા પર વાંધો ઉઠાવ્યો. NCPCRએ આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે CJIની અધ્યક્ષતાવાળી બેંચે NCPCRની અરજી પર સુનાવણી કરી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, 'પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદાને અન્ય કેસમાં આદર્શ ઉદાહરણ તરીકે રજૂ ન કરવામાં આવે. અમે આ અરજી પર વિચાર કરીશું.' આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, NCPCR વગેરેને નોટિસ પાઠવી છે.
આપણા દેશમાં લગ્નની ઉંમર નક્કી કરવામાં ગૂંચવણ કેમ છે?
આપણે ત્યાં વિવિધ ધર્મના પર્સનલ લો અલગ-અલગ છે. જેના દ્વારા જે તે ધર્મની ધાર્મિક બાબતોને સાદી ભાષામાં કહીએ તો કાયદાકીય માન્યતા મળેલી છે. જેમ કે મુસ્લિમ પર્સનલ લો મુજબ મુસ્લિમ છોકરો-છોકરી 15 વર્ષની ઉંમરે લગ્ન કરે તો કાયદેસર જ ગણાશે. હિન્દુ મેરેજ એક્ટ 1955, ઈન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ 1872 મુજબ લગ્ન માટે છોકરીની ઓછામાં ઓછી ઉંમર 18 અને છોકરાની 21 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત સ્પેશિયલ મેરેજ એક્ટ, પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ મેરેજ એક્ટ 2006, પોક્સો એક્ટ 2012માં લખ્યું છે નિર્ધિરીત કરતાં ઓછી ઉંમરે કોઈ બાળકના લગ્ન થશે તો ગૂનો ગણાશે. બસ આ જ કારણે મામલો ગૂંચવાઈ ગયો છે કે કયા કાયદાને મોટો ગણવો, 'મુસ્લિમ પર્સનલ લો'ને કે બીજા કાયદાને?, જેને ભારતીય સંસદે ઘડ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે આવા કેસમાં શું કહ્યું હતું?
કર્ણાટક હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ કેટલાક સમય પહેલા જ , પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ મેરેજ એક્ટને મુસ્લિમ પર્સનલ લોથી ઉપર ગણીને ચુકાદો આપ્યો હતો. યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક ધારો લાગૂ કરવાના સમર્થકો આવા જ કેસોના ઉદાહરણ આપીને તમામ ધર્મના લોકો માટે સમાન કાયદાની વાત કરતા હોય છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજની ટિપ્પણી શું હતી?
ગયા વર્ષે જૂનમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'મુસ્લિમોના લગ્ન મુસ્લિમ પર્સનલ લોને આધીન છે. આ અંતર્ગત કોઈપણ વ્યક્તિ જે જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે તેને લગ્ન માટે લાયક ગણવામાં આવે છે.' આ સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો પુરાવા હાજર ન હોય તો 15 વર્ષની ઉંમરને લગ્ન લાયક ગણવામાં આવે છે. હાઈકોર્ટે કહ્યું કે, 'દેશના દરેક નાગરિકને જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવાનો અધિકાર છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.