તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માનસ દર્શન:સંપ્રદાય આગ્રહ રાખે, અધ્યાત્મ ઔદાર્ય દાખવે

13 દિવસ પહેલાલેખક: મોરારિ બાપુ
  • કૉપી લિંક
  • સત્ય, પ્રેમ અને કરુણા સાર્વભૌમ છે; એને તમે કેદ નથી કરી શકતા

ગુજરાતમાં રૂખડ એક ભગત થયા; એક સંત થયા. એ અલગારી હતા; ગિરનારના જંગલોમાં ઘૂમતા રહ્યા. એમણે એક ઊંચાઈ અને એક પ્રકારની જાગૃતિ પ્રાપ્ત કરી લીધી હતી. એક ગામડિયા, સાવ અભણ, દુન્યવી ભાષામાં સાવ ગમાર. તેઓ સાધનામાં કંઈક એવી ઊંચાઈએ પહોંચે છે અને પછી એને જોઈને કોઈએ એક પદ ગાયું કે આ માણસની સાધનાની અવસ્થા કેવી-કેવી છે! એવા એક રૂખડ બાવાનું પદ ગુજરાતમાં ગાવામાં આવે છે. ‘રૂખડ’ શબ્દનો ‘પરમહંસ’ એવો પર્યાય કરવો હોય તોપણ મને વાંધો નથી. અવધૂતી, અદ્્ભુતી અને અનુભૂતિથી સભર એવા એક ગિરનારી બાવા રૂખડ, એક ભક્ત ગિરનારમાં થયા, એના વિશેનું પદ છે કે-

રૂખડબાવા તું હળવે હળવે હાલ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે મોરલી માથે નાગ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.

ગિરનાર તો અવધૂતોની ભૂમિ છે. ગરવા ઉપર નરવો છવાઈ ગયો હતો; અને ધ્યાન દેજો, ક્યારેક ક્યારેક અઠ્ઠાવીસ વર્ષમાં કોઈ બુદ્ધપુરુષ આ શરીર છોડીને ચાલ્યા જાય છે; કોઈ બત્રીસ વર્ષમાં શરીર છોડીને ચાલ્યા જાય છે. જેમ કે જગદગુરુ શંકરાચાર્ય કે પછી સ્વામી વિવેકાનંદ. એ ચાલીસની અંદર ચાલ્યા ગયા. અને આપણે કહીએ છીએ કે બહુ જલદી ચાલ્યા ગયા! એ તો કાલગણનામાં આપણને એવું લાગે કે સાધુ જલદી ચાલ્યા ગયા. બાકી આધ્યાત્મિક ચાલ જુઓ તો એ બહુ ધીરેધીરે જાય છે. એમની યાત્રા દરેકને સ્પર્શતી જાય છે. પ્રાચીન ભજનોના ગુજરાતના સમર્થ ગાયક લક્ષ્મણબાપા બારોટે પૂછ્યું કે બાપુ, હળવે-હળવે હાલવાનો મતલબ શું? કોઈ સાધુ આપણને જલદી મળે એવું જ આપણે તો ઇચ્છીએ છીએ. મેં કહ્યું કે એ તો આપણી તીવ્રતા હોય છે. પરંતુ સાધુનો સ્વભાવ હોય છે કે કોઈ એકને જલદી મળવામાં બીજા અનેક રહી જાય. સાધુને કોણ આમ અને કોઈ ખાસ? સાધુ તો રામસભાના રસિયા હોય છે. સાધુ તો આમરસ અને રામરસ બંને તત્ત્વોના રસિક હોય છે. ગાંધીબાપુ નરસિંહ મહેતાનું આ પદ નિત્ય ગાતા હતા-

વૈષ્ણવજન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે.

સાધુ એ છે જે વ્યથિતની ચિંતા કરે. એમણે ધીરે ચાલવું જોઈએ, હળવે ચાલવું જોઈએ. એ ખાસ પાસે ચાલ્યા જાય તો ખાસ પણ એક માયા છે. એનો મતલબ એવો નથી કે એ ખાસની ઉપેક્ષા કરે. એમની પાસે મોટેભાગે ખાસ અને આમનો ભેદ ટળી જાય છે. જેમને લેવું હોય એ લઈ લે. એમનો કોઈ આગ્રહ નથી હોતો; એમની ઉદારતા હોય છે. આગ્રહ અને ઔદાર્યમાં ફરક છે. સંપ્રદાય આગ્રહ રાખે છે, અધ્યાત્મ ઔદાર્ય દાખવે છે. જેવી જેમની ઉદારતા.

એક મુસ્લિમ સંપાદક મને પૂછી રહ્યા હતા કે બાપુ, એક સમાચાર મળ્યા છે કે કોઈ હજ પઢવા ગયા ત્યારે આપે એમને શુભકામના પાઠવી છે; તો એ શું વાત છે? મેં કહ્યું કે એ કંઈ મોરારિબાપુની ઉદારતા નથી; એ હિન્દુધર્મની ઉદારતા છે. ‘ઉદારચરિતાનાં વસુધૈવ કુટુમ્બકમ્.’ જે ઔદાર્ય છે એ સનાતન ધર્મની વૈદિક પરંપરાનું તથા નાત-જાતથી જેમને કોઈ લેવા-દેવા ન હતી એવા ઋષિમુનિઓનું છે. મોરારિબાપુ ક્યાં મોકલી રહ્યા છે? હનુમાન એમને રહેમાન પાસે મોકલી રહ્યા છે. એવું ઔદાર્ય હોવું જોઈએ.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેને ‘નેરો ડોમેસ્ટિક વોલ’ કહે છે; એ સંકીર્ણ સામાજિક દીવાલ છે, જે સમાજને કાપી રહી છે! જેને આપણે ધર્મ કહીએ છીએ એવા સંપ્રદાયો સંકીર્ણ હોય એવું બની શકે! સત્યને ખાસ-આમનો ભેદ નથી હોતો. અને કરુણાને કોઈ ખાસ-આમનો ભેદ નથી હોતો. કરુણામાં જો ભેદ હોય તો એ કરુણા કરુણા નથી, રુગ્ણતા છે. પ્રેમમાં જો ભેદ હોય તો પ્રેમ, પ્રેમ નથી, જમાનાનો વહેમ છે. અને સત્યમાં જો ભેદ હોય તો સત્યના સ્વાંગમાં ઊછરી રહેલું માણસનું જૂઠ છે. મારી વ્યાસપીઠ સત્ય, પ્રેમ, કરુણાની વાત કરી રહી છે. અને જ્યારે વિનોબાજીમાંથી મને એનું પ્રમાણ મળ્યું ત્યારે વિશેષ બળ મળ્યું. એમણે પણ એ જ વાત કરી છે.

એક ભિખ્ખુણી બુદ્ધની મૂર્તિ લઈને ઘૂમતી રહે છે. બુદ્ધ બહુ જ પ્યારા છે, બહુ જ સુંદર છે. તો એ ભિખ્ખુણી હતી એ શું કરતી? એ જ્યારે મૂર્તિને ઘૂપ કરતી હતી ત્યારે એ સુવર્ણમૂર્તિમાં ડૂબી જતી હતી અને એને એક જ ચિંતા હતી કે બુદ્ધની એક હજાર મૂર્તિઓ છે પરંતુ હું જે ઘૂપસળી જલાવું છું એની સુગંધ કોઈ બીજા બુદ્ધના નાકમાં ન જવી જોઈએ; મારા બુદ્ધને જ મળવી જોઈએ. આ મારા બુદ્ધ છે; મારી ભક્તિ છે. મારા બુદ્ધ સિવાય બીજા કોઈ બુદ્ધ એ કેમ લઈ જાય? પરંતુ હવાને કોણ રોકે? એ તો જે બાજુ હવા જાય એ બાજુ ખુશ્બૂ જાય. તો એ વચ્ચે પરદો નાખતી હતી. પરદો આમ કરે, તેમ કરે! એમ કરતાં કરતાં એ પાગલ જેવી થઈ ગઈ! એ ધૂપસળી બુદ્ધના નાકમાં રાખતી જેથી ખુશ્બૂ બીજા પાસે ન જાય! પરંતુ થયું એવું કે લગભગ એક મહિનામાં બુદ્ધનો ચહેરો કાળો થઈ ગયો! વાર્તા ત્યાં પૂરી થઈ જાય છે. પ્રેમ કરનારા સત્યના આગ્રહી અને કર્મના આગ્રહી જ્યારે મારી મૂર્તિને જ લાભ થાય, એવું કહે ત્યારે દરેક પ્રેમી પોતાના પ્રેમીનું મોં કાળું કરી નાખે છે. પ્રત્યેક પૂજારી પોતાના ઈષ્ટની મૂર્તિને કાળું ધબ્બું લગાવી દે છે. પ્રેમ સાર્વભૌમ છે; એને તમે કેદ નથી કરી શકતા. એમાં આમ અને ખાસનો ભેદ નથી રહી શકતો. સત્ય આમ અને ખાસનો ભેદ નથી કરી શકતું. પ્રેમને વહેંચો. પ્રેમ વહેંચશો નહીં તો એ વહેમ છે, એક ધોખો છે, પ્રપંચ છે. કરુણા છે એને વહેંચો. કરુણા વહેંચાશો નહીં તો એ રુગ્ણતા છે. સત્ય હોય તો તમે ભેદ નથી કરી શકતા. સત્ય આપણા માટે; પ્રેમ બીજા માટે અને કરુણા બધા માટે. સત્ય છે એકવચન; પ્રેમ છે દ્વિવચન અને કરુણા છે બહુવચન.
(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો