માનસ દર્શન / ફાટે પણ ફીટે નહીં એ જ જીવજાન મિત્રતા

The same lifelong friendship that will not be torn apart
X
The same lifelong friendship that will not be torn apart

  • દુષ્ટ મિત્રને સન્માર્ગે વાળે એ સાચો મિત્ર છે. આફતના સમયે પણ એનો સંગ છોડે નહીં અને સુખના સમયે ક્યારેય પણ સામો ન મળે એ જ સાચો મિત્ર ગણાય છે

મોરારિ બાપુ

Aug 02, 2020, 12:11 PM IST

રામચરિતમાનસ’ના ‘કિષ્કિન્ધાકાંડ’માં રામચંદ્રજી અને લક્ષ્મણ સીતાજીની શોધમાં આગળ વધે છે અને ઋષ્યમૂક પર્વત પાસે આવી પહોંચે છે. આ પર્વત પર વાલિના જુલમથી ત્રાસી ગયેલો સુગ્રીવ રહે છે. બે અતુલિત બળવાન અને રૂપવાન રામ અને લક્ષ્મણને સામેથી આવતાં જોઇને સુગ્રીવ ભયભીત થાય છે અને હનુમાનને કહે છે, ‘જુઓને, આ સામેથી આવે છે એ કોણ છે? પર્વતના શિખર પર મને મારવા માટે વાલિ આવી શકતો નથી એટલે મારો સંહાર કરવા માટે એણે ષડ્્યંત્ર ગોઠવ્યું હોય એમ લાગે છે.’
બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને હનુમાનજી નીચે આવે છે અને વિવેકપૂર્ણ વાણીમાં પૂછે છે, ‘હે શ્યામ અને ગૌર દેહધારી માનવો, આપ કોણ છો? આ વનની ભૂમિમાં શા માટે ફરો છો? આવી કઠોર ભૂમિ પર આપના કોમળ ચરણ મૂકવાનું પ્રયોજન શું?’

રામચંદ્રજી ઉત્તર આપતાં કહે છે કે અમે બંને અયોધ્યાના રાજા દશરથના પુત્રો છીએ અને અમારા પિતાની આજ્ઞા માનીને એમના વચનના પાલનાર્થે વનમાં ફરીએ છીએ. અમારી સાથે મારાં ધર્મપત્ની સીતા પણ હતાં, પરંતુ અમારી ગેરહાજરીમાં કોઇ રાક્ષસે મારાં પત્ની સીતાનું અપહરણ કર્યું છે. એની ભાળ મેળવવા માટે અમે બંને ભાઇઓ નીકળ્યા છીએ. રામચંદ્રજીનો પરિચય સાંભળતાં જ હનુમાનજી આનંદમાં આવી ગયા અને પોતે જે વ્યક્તિને શોધતા હતા, તે પ્રભુ શ્રી રામ સામે ચાલીને પોતાને મળ્યા છે એ જાણીને એમને વિશેષ આનંદ થયો.
શ્રી હનુમાનજી કહે છે, ‘પ્રભુ, આ પર્વત પર વાનરરાજ સુગ્રીવ રહે છે, એ આપના સેવક છે. સીતાની શોધમાં એ આપણને સહાયભૂત થાય એમ લાગે છે. આપ એની સાથે મૈત્રી કરો અને એને દીન જાણીને નિર્ભય કરી દો.’

રામચંદ્રજી કહે છે, ‘મારી સાથે મિત્રતા કરવી હોય તો તું જઇને સુગ્રીવને અહીં મારી પાસે લઇ આવ.’ તો હનુમાનજી કહે છે, પ્રભુ, સુગ્રીવ સામે ચાલીને આવે તો સુગ્રીવે મૈત્રીસંબંધ બાંધ્યો ગણાય અને સુગ્રીવ જીવ છે. જીવનો ભરોસો કેટલો? ક્યારે સંબંધ તોડી નાખે એ કહેવાય નહીં. આપ તો બ્રહ્મ છો, આપ મૈત્રીસંબંધ સ્થાપો તો તૂટે નહીં, કાયમ રહે. માટે આપ ચાલો.’ શ્રી હનુમાનજી પોતાના એક ખભે રામને અને બીજા ખભે લક્ષ્મણજીને બેસાડી પર્વતના શિખરે પહોંચાડે છે.

સુગ્રીવ બંનેનું સ્વાગત કરે છે. હનુમાનજી આજુબાજુના પ્રદેશમાંથી લાકડાં લાવીને સળગાવે છે. બંનેનો પરિચય કરાવે છે અને અગ્નિની સાક્ષીએ મૈત્રીસંબંધ પાકો કરે છે. અગ્નિની સાક્ષી એ ગર્ભિત ઇશારો છે. લાકડાંને અગ્નિની જરૂર પડે અને અગ્નિને ટકી રહેવા માટે લાકડું જોઇએ, પણ આ બંનેને પવનની જરૂર રહે છે. પરંતુ પવનને કોઇની પણ જરૂર રહેતી નથી. રામને સુગ્રીવની જરૂર છે અને સુગ્રીવને રામની જરૂર છે, પરંતુ પવનપુત્ર હનુમાનજી બિલકુલ સ્વાર્થરહિત જીવન જીવે છે. એમણે નિ:સ્વાર્થ રહીને બંને સાથે મૈત્રી કરાવી આપી.

રામ અને સુગ્રીવ એકબીજાને કુશળ સમાચાર પૂછે છે, સુખ-દુ:ખની વાતો કરે છે. રામ સુગ્રીવને પૂછે છે કે તમે રાજા થઇને આ જંગલમાં શા માટે રહો છો? સુગ્રીવે અથથી ઇતિ સુધીની પોતાની વાત કરી. હું અને વાલિ બંને સગા ભાઇઓ છીએ. એક રાત્રે અમારે ત્યાં એક માયાવી રાક્ષસ આવી પહોંચ્યો અને તેણે વાલિને લડાઇ કરવા લલકાર્યો. વાલિ ગદા લઇને એને મારવા દોડ્યો. હું પણ એમની સાથે ગયો. માયાવી રાક્ષસ ગુફામાં ભરાઇ બેઠો. વાલિએ કહ્યું કે ભાઇ સુગ્રીવ, હું ગુફામાં રાક્ષસને મારવા જાઉં છું. પંદર દિવસ તું મારી રાહ જોજે. પંદર દિવસમાં પાછો ન ફરું તો માની લેજે કે મારું મૃત્યુ થયું છે. પંદર દિવસ થયા પણ કોઇ પાછું ફર્યું નહીં, પણ ગુફાના પ્રવેશદ્વારમાંથી લોહીની ધારા વહેવા લાગી. એટલે મને થયું કે નક્કી વાલિ મરી ગયો. હું ગભરાયો અને રાક્ષસની બીકે ગુફાના પ્રવેશદ્વાર પર શિલા ગોઠવીને ત્યાંથી નાસી ગયો.
કિષ્કિન્ધાનગરીના લોકોએ મને ગાદીએ બેસાડ્યો. હું રાજ કરવા લાગ્યો, પણ વાલિ જીવતો હતો. વાલિ કિષ્કિન્ધામાં આવી પહોંચ્યો અને મને ગાદી પર બેઠેલો જોઇને ક્રોધાયમાન થયો. મને ખૂબ મારી ત્યાંથી હાંકી કાઢ્યો અને મારી પત્નીને પણ એણે લઇ લીધી! હું ઋષ્યમૂક પર્વત પર આવ્યો. શાપને કારણે વાલિ અહીં સુધી આવી શક્યો ન હતો, છતાં હું અહીં એની બીકથી ગભરાયેલો રહું છું. સુગ્રીવની વાત સાંભળીને રામે કહ્યું, ‘સુગ્રીવ, મારી પ્રતિજ્ઞા સાંભળ. તારા વાલિને હું એક જ બાણથી મારી મોતને ઘાટ ઉતારીશ. હું એનો નાશ કરીશ. તું મારો થઇ જા અને મારી સાથે આવ.’ પ્રભુ કહે છે –

જે ન મિત્ર દુ:ખ હોહિં દુખારી.
તિન્હહિ બિલોકત પાતક ભારી.
જાકર ચિત અહિ ગતિ સમ ભાઇ,
અસ કુમિત્ર પરિહરોહિં ભલાઇ.


‘હે સુગ્રીવ, જે માણસ મિત્રના દુ:ખે દુ:ખી થતો નથી એવા માણસનું મોં જોવું એ નર્ક સમાન છે, એથી પાપ લાગે છે. પોતાનું ગમે તેવું મહાન કષ્ટ હોય, તો પણ એને મોટું સ્વરૂપ આપવાને બદલે તૃણવત્ લેખવું જોઇએ અને મિત્રના નાના સરખા દુ:ખને પર્વત જેવડું માનીને એની વહારે જવું જોઇએ. દુષ્ટ માર્ગે જતાં મિત્રને કે દુષ્ટ મિત્રને સન્માર્ગે વાળે એ સાચો મિત્ર ગણાય છે. આફતના સમયે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એનો સંગ છોડે નહીં અને સુખના સમયે ક્યારેય પણ સામો ન મળે એ સાચો મિત્ર છે.’

ફાટે પણ ફીટે નહીં એ જ જીવજાન મિત્રતા. ઘણા માણસો બોલે કે કામ પડે ત્યારે કહેજો, માથું આપવા હું ખડેપગે તૈયાર છું! માથાને શું કરવું છે? પણ તમે પરીક્ષા કરજો. કહેજો કે ભાઇ, અત્યારે મારે હજાર રૂપિયા જોઇએ છે, જો તરત કાઢી આપે તો સાચો મિત્ર. નહીંતર તો કહેશે, યાર! તું બે મિનિટ મોડો પડ્યો! તો જે સાથ આપે છે એ જ સાથી છે, એ જ સાચો મિત્ર છે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી