તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નીલે ગગન કે તલે:‘જૂનટીન્થ’ની ગાથા

3 મહિનો પહેલાલેખક: મધુ રાય
  • કૉપી લિંક
  • જૂનટીન્થ અમેરિકાના બીજા આઝાદી દિન તરીકે ઉજવાય છે

જુલાઈ 4 અમેરિકાનો આઝાદી દિન છે, પરંતુ અમેરિકાના ઘોર ગૃહયુદ્ધ (સિવિલ વોર) પછી સન 1865ના જૂનની 19મી તારીખે જનરલ ગોર્ડન ગ્રેન્જરે ઘોડે ચડીને ટેક્સાસ રાજ્યના ગાલવેસ્ટન નગર મધ્યે એક રાષ્ટ્રીય ઐલાન કીધો કે હવે પછી અમેરિકામાં સર્વ ગુલામો આઝાદ થાય છે. તે દિવસથી ‘જૂન’ અને ‘નાઇન્ટીન્થ’ શબ્દોને જોડીને શબ્દ બન્યો છે ‘જૂનટીન્થ’ જે અમેરિકાના બીજા આઝાદી દિન તરીકે ઉજવાય છે, અંતત: કાળા લોકો માટે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લિંકન તમામ ગુલામોને આઝાદ કરવાની વાત લાવ્યા અને સિવિલ વોર ફાટી નીકળેલું જેમાં ઉત્તરનાં રાજ્યો સામે ગુલામી નાબુદીના કટ્ટર વિરોધમાં દક્ષિણનાં રાજ્યોએ બળવો કીધેલો અને આખરે તેમની હાર થતાં રાષ્ટ્રપ્રમુખ લિંકને 1863ના જાન્યુઆરી માહની 1લી તારીખે મુક્તિઘોષણા (ઇમેસિપેશન પ્રોક્લેમેશન) કરીને આખા દેશમાં ગુલામોની આઝાદીનો કાયદો લાગુ કરેલો. છતાં એનો અમલ શિથિલ હતો. જેમકે ટેક્સાસ રાજ્યના 250,000 ગુલામોને જાણ પણ નહોતી કે તેઓ કાયદેસર રીતે આઝાદ છે! તેથી જનરલ ગ્રેન્જરે ટેક્સાસમાં પેલો ઐલાન કીધેલો. કોઈ કહે છે કે તે જમાનામાં યુદ્ધ પૂરું થયાના ને મુક્તિ ઘોષણાના સમાચાર લાવનાર ખેપિયાની રસ્તામાં જ હત્યા થયેલી, ગોરા અમેરિકનો કાળા લોકોને સમાન ગણવા તૈયાર નહોતા. જાહેરનામામાં પણ કહેવાયેલું કે ગુલામો હવે ‘ગુલામ’ નહીં પણ પગારદાર ખેતમજૂર ગણાશે. છતાં ઘણા ગુલામોને ‘પગાર’ મળે તો પણ હાલના માલિકોના નોકર રહેવાનું પસંદ નહોતું ને તેવા ગુલામોનાં ધાડાંના ધાડાં તરત જ ચાલી નીકળેલાં બીજે વેચાયેલા પોતાના ભાઈભાંડુઓને ખોજવા ને હાલ કરતાં બહેતર રહેઠાણ, કામની શોધમાં. મુક્તિ ઘોષણા બાદ તથા તે પછી જાહેરનામાના ઐલાન બાદ પણ હજી કેટલાય નિર્દય માલિકો જાહેરાતના સમાચાર દબાવી બેઠેલા અને જનરલ ગ્રેન્જરને ગુલામોને છોડાવવા માટે સૈનિકો મોકલવા પડતા હતા. એલેક્સ સિમ્પસન નામે એક ઘોડાચોર માલિકને તો 1868માં ફાંસી અપાઈ તે પછી જ તેના ગુલામોનો છૂટકારો થયેલો. ઘણા માલિકો ગુલામોને પોતાની સંપત્તિ ગણતા હતા ને જે કોઈ છૂટું થવા માગે તેને ઢોરમાર મારવામાં આવતો કે ન જ માને તેવાની હત્યા કરાતી. આઝાદ થઈ શકેલા ગુલામોને મુક્તિદિન ઉજવવા કોઈ જાહેર મેદાન કે મંડપમાં પ્રવેશવાની મનાઈ હતી, તેથી 1870માં કેટલાક આઝાદ ગુલામોએ આપસમાં ફાળો ઉઘરાવી $800 આપી 10 એકર જમીન ખરીદી તેને ‘મુક્તિ મેદાન’ (ઇમેસિપેશન પાર્ક) બનાવ્યું. કાળા લોકો માટે ભેગા થવાની તે એકમાત્ર જાહેર જગ્યા હતી. ગોઝારી જિમ ક્રોવ સંહિતા હેઠળ કાળા તથા ગોરાઓ માટે સ્કૂલોમાં, બસોમાં, ભોજનાલયો કે જાહેર સ્થળોમાં ફરજિયાત અલગ અલગ બેસવાના કાયદા હતા. કાળા–ગોરાનાં લગ્નો ગેરકાયદેસર હતાં અને કાળા લોકો કહેતા કે તમારી આસપાસ શોષણના અજગરની ભરડો હોય ત્યારે તમે એવી નામની આઝાદી ઊજવીને કરો પણ શું? આખરે 1960ના દાયકામાં મહાત્મા ગાંધીના અનુયાયી માર્ટિન લૂથર કિંગ નામના કાળા નેતાએ સમાન હક માટે, આભડછેટના અંત માટે દર વર્ષે 19મી જૂનના રોજ ‘પુઅર પીપલ્સ માર્ચ’ યાને દરિદ્ર નારાયણની અહિંસક પદયાત્રા કાઢવાની પ્રથા દાખલ કરી અને તે રીતે ‘જૂનટીન્થ’નો ફરી ઉદય થયો. ટેક્સાસ રાજ્યમાં સૌપ્રથમ જૂનટીન્થને જાહેર રજાનો દરજ્જો અપાયો. બરાક ઓબામા જ્યારે સાદા સાંસદ હતા ત્યારે તેમણે જૂનટીન્થને રાષ્ટ્રીય રજા બનાવવા પ્રસ્તાવ મૂકેલો જે ઓબામાના રાષ્ટ્રપ્રમુખ હોવા દરમિયાન પસાર થયો નહોતો. એક 90 વરસની ઓપલ લી નામે મહિલાએ જૂન્ટીન્થને જાહેર રજા બનવવાના પ્રચાર માટે 2016માં ગામે ગામે પદયાત્રા શરૂ કરેલી. એલ જે ગ્રાફ નામના ગુલામે જૂનટીન્થનો ઝંડો પણ બનાવેલો જેમાં લાલ બ્લૂ ને સફેદ રંગોથી સુચવાયેલું કે અમે કાળા લોકો પણ ગોરા જેટલા જ અમેરિકન છીએ. હમણાં સુધી જૂનટીન્થ સાદાં સરઘસ, સંગીત મેલાવડા ને ખાણીપીણીથી શાંતિપૂર્વક ઉજવાતો તહેવાર હતો. હમણાં સુધી ગોરાઓના બીજા બધાને હીણા ગણે છે. આ વર્ષે જોર્જ ફ્લોયડ નામે કાળા માણસની ગરદન ઉપર ગોઠણ દબાવી તેની હત્યા કરનાર ગોરા પોલીસની સામે દેશભર ને દુનિયાભરમાં તુમુલ આંદોલનો થયાં છે. હાલના રાષ્ટ્રપ્રમુખ કાળા ઓબામાનો ફોટો પણ વ્હાઇટ હાઉસમાં રાખવા દેતા નથી અને કહે છે કે મને જૂનટીન્થના ઇતિહાસનો ખાસ ખ્યાલ નથી. આ છે જૂનટીન્થની ગાથા. જય માર્ટિન લૂથર કિંગ.  madhu.thaker@gmail.com

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો