તડ ને ફડ / કોરોનાની મુશ્કેલી કાયમી નથી તેમ કામચલાઉ પણ નથી

The problem with Corona is not permanent but also temporary
X
The problem with Corona is not permanent but also temporary

  • ભારતની ખુશનસીબી છે કે આવી કટોકટીના ટાણે અતિશય કડવા છતાં જરૂરી નિર્ણયો કરે અને પગલાં ભરે તેવી મજબૂત આગેવાની આપણી પાસે છે

નગીનદાસ સંઘવી

Apr 01, 2020, 05:19 PM IST

અમદાવાદ.
કોરોનાએ આખી દુનિયાને ઊંધીચત્તી કરી નાખી છે અને સરકાર, સમાજ, લોકો કોરોના સિવાયની કોઈ વાત કરવા કે સાંભળવા તૈયાર નથી. આવો રોગચાળો કંઈ પહેલી જ વખત થયો તેવું નથી. બરાબર સો વર્ષ અગાઉ પહેલું વિશ્વયુદ્ધ ખતમ થયાના બીજે વર્ષે આખી દુનિયામાં ન્યુમોનિયાનો રોગચાળો ફાટી નીકળ્યો. ચાર વર્ષના મહાયુદ્ધમાં જેટલા માણસો મર્યા તેના કરતાં બમણા માણસો ન્યુમોનિયાનાં કારણે એક વર્ષમાં મર્યાં. પ્લેગની મહામારી આવતી ત્યારે લોકો ઘરબાર છોડીને બહાર ઝૂંપડાંમાં રહેવા જતાં. પ્લેગના દર્દીને અંગ્રેજ સરકાર ફરજિયાત હોસ્પિટલમાં લઈ જતી ત્યારે લોકો દર્દીને સંતાડી રાખતા. તેમને શોધી કાઢવા માટે પુણેના કલેક્ટરે લશ્કરી અમલદારો મોકલ્યા. ઉશ્કેરાટના કારણે ચાફેકર ભાઈઓએ ખુનામરકીનો આશરો લીધો. રોગચાળાના પ્રકાર અને કારણ તો કોઈ જાણતું નથી, પણ ચારસો વર્ષ અગાઉ યુરોપમાં ફાટી નીકળેલા રોગચાળાને કાળા મોત (black death)નું નામ અપાયું છે અને યુરોપની 30 ટકાની વસ્તીનો આ રોગચાળામાં ભોગ લેવાયો. દરરોજ એટલા માણસો મરે કે દાટવાવાળા જડે નહીં. લંડન શહેરમાં મડદાં ભેગાં કરવા માટે શેરીઓમાં ફરતી શબ ગાડીઓ પોકારો પાડતી ‘મડદાં લાવો, ઘરમાં હોય તો મડદાં લાવો.’
આવી મહામારીઓ જેટલાં મરણ કોરોનાએ નિપજાવ્યા નથી, પણ દુનિયાભરમાં કોરોનાની દહેશતના કારણે બધો વહેવાર ઠપ્પ થઈ ગયો છે. બધી જાતનો વાહનવહેવાર- ટ્રેનો, વિમાનો, આગબોટોને અટકાવી દેવામા આવ્યા છે. લોકો પોતપોતાના ઘરમાં નજરબંધીના કેદખાનામાં સ્વેચ્છાએ અથવા સરકારી આદેશથી પુરાયા છે. દુકાનો, કારખાનાઓ બંધ પડ્યાં છે અને બધી જાતની લેવડદેવડ ખોરવાઈ પડી છે. આ બધી અસરનો સામટો સરવાળો કોરોનાનો કાળ વીત્યા પછી દુનિયાએ ભોગવવો પડશે.
છેલ્લાં બસો વર્ષમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે દુનિયા આખીના લોકો વેપાર, અભ્યાસ, મોજ કરવા અથવા કાયમી રહેણાક માટે સતત ઘૂમતા-ફરતા હતા. આંતર જાતીય, આંતર ધર્મી અને આંતરરાષ્ટ્રીય મૈત્રી અને લગ્નોના કારણે એક નવા સમાજનું ઘડતર થઈ રહ્યું હતું. તે કોરોનાના ભયના કારણે અચાનક અટકી પડ્યું છે અને દરેક સમાજ પોતપોતાના પ્રદેશમાં સંકોચાઈ ગયો છે. આ નવતર આફત સામે ટક્કર ઝીલવા માટે સમાજમાં એકજૂટ થવાની ભાવના પ્રબળ બની છે અને રાષ્ટ્રવાદ પ્રખર થવા લાગ્યો છે. આવી આફતના પ્રસંગે હરકોઈ પ્રકારના યુદ્ધ પ્રસંગે ગભરાટ ટાળવો જોઈએ. મહામારી સામે પૂરા જોશથી લડી લેવું જોઈએ, પણ ગભરાટ વગર લડવું જોઈએ. રોગચાળા કરતાં પણ રોગનો ભય વધારે જોખમી છે તેવી એક જૂની કથા ફરી-ફરીને કહેવા જેવી છે.
માનવીનું રૂપ ધારણ કરેલો પ્લેગ ભારતમાં આવી રહ્યો હતો. કોઈ મહાત્માએ કરેલી પૂછપરછ વખતે પ્લેગે કહ્યું કે યમદેવની આજ્ઞાથી એંશી હજાર માણસોને મારવા માટે જઈ રહ્યો છું. પોતાનું કામ પતાવીને પાછા ફરી રહેલા પ્લેગને મહાત્માએ કહ્યું કે તારા કારણે તો લાખ ઉપરાંત લોકોના મરણ થયા છે. પ્લેગે કહ્યું કે મેં તો એંશી હજાર જ માર્યા છે. બાકીનાં લોકો તો ભય અને ફફડાટના કારણે અવસાન પામ્યા છે. તેમાં મારી કશી કામગીરી કે જવાબદારી નથી.
કોરોના સામે ટક્કર ઝીલવા માટે નિષ્ણાતો અને સરકારના આદેશનું પાલન ગભરાટ વગર અને સ્વસ્થ રીતે કરવું જોઈએ. આવા વિકટ પ્રસંગે અગવડ પડવાની જ છે. બીજા વિશ્વયુદ્ધમાં સંડોવાયેલા દેશોએ વેઠેલી યાતના અને અગવડની સરખામણીએ આ અગવડ નજીવી છે. વડાપ્રધાન મોદીએ કોરોને મહાભારતના યુદ્ધ કરતાં ભયંકર ગણાવ્યો છે. મહાભારતની લડાઈ તો અઢાર દિવસે પૂરી થઈ. આ જંગ એકવીસ દિવસ ચાલશે તેવું અત્યારે કહેવાયું છે, પણ લડાઈ શરૂ થયા પછી ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે તે કોઈ અગાઉથી ઠરાવી શકે નહીં.
કોરોનાની મુશ્કેલી કાયમી નથી તેમ કામચલાઉ પણ નથી. આ રોગચાળા શમી જાય ત્યાર પછી ઘણાં લાંબા સમય સુધી તેના પરિણામો માનવજાતે સહન કરવા પડશે. ભારતની ખુશનસીબી છે કે આવી કટોકટીના ટાણે અતિશય કડવા છતાં જરૂરી નિર્ણયો કરે અને પગલાં ભરે તેવી મજબૂત આગેવાની આપણી પાસે છે. અનેક ટચૂકડા પક્ષોની બનેલી નબળી સરકાર આખા દેશમાં ત્રણ અઠવાડિયા સુધી તાળાબંધી જાહેર કરી શકે નહીં. લોકશાહીમાં પ્રજાની સગવડ સાચવવાનું અને પ્રજાને ખુશ કરવાનું કામ શાસકોએ બજાવવું પડે છે, પણ આફત આવી પડે ત્યારે કોઈ સિંહ નાદ ગાજી ઊઠે તે દેશના સદ્્ભાગ્ય છે. કોરોના જેવા અગમ્ય અને અગોચર ઓથાર સામે લડી લેવા માટે, ખુવાર થઈ જવા માટે નરેન્દ્ર મોદી માત્ર બોલતા નથી, કરે પણ છે. ઘરમાં પુરાઈ રહેવાની હાકલ કરનાર વડાપ્રધાન જાતે જ બધું કામકાજ ઘરમાં બેસીને કરે છે. વડાપ્રધાન કરી શકે તે બધાથી થઈ શકે નહીં. લોકોએ બહાર તો જવું જ પડે, પણ વિના કારણે, વગર જરૂરે સરકારી દોરવણીનો અનાદર કરનાર માત્ર પોતાનો, દેશનો-સમાજનો નહીં, પણ પોતાનો અને પોતાના કુટુંબનો પણ શત્રુ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી