તડ ને ફડ:તાળાબંધીએ અનેક સવાલો ઊભા કર્યા!

3 વર્ષ પહેલાલેખક: નગીનદાસ સંઘવી
  • કૉપી લિંક
  • કોરોનાથી બચવા દેશમાં તાળાબંધી જરૂરી હતી, પણ તેનું આગોતરું આયોજન થયું નહોતું, તેના કારણે મજૂરોની વતન વાપસી સહિત અનેક સમસ્યાઓ ઊભી થઈ

એક મૂરખાને કાં તો સો ફટકા ખાવા અને કાં તો સો ડુંગળી ખાવી તેવી સજા કરવામાં આવી. મૂરખ માણસે વગર વિચાર્યે ડુંગળી ખાવાનો વિકલ્પ સ્વીકાર્યો. ઘણી ડુંગળી ખાધા પછી સહન ન થયું, તેથી ફટકાની સજા કબૂલ કરી લીધી. પરિણામે બંને સજાઓનો સામટો ભોગવટો કરવો પડ્યો. કોરોના વાઇરસનો સામનો કરવા માટે ભારત સરકારે અપનાવેલી તાળાબંધીના કારણે ભારતીય અર્થતંત્રની કેડ ભાંગી નાખી અને હવે તાળાબંધી ખોલવાથી રોગનો ફેલાવો વધારે વકરે તેવો ભય છે. ભારત સરકારના આ અવિચારી, અતિશય ઉતાવળિયા પગલાની ટીકા વિશ્વવિખ્યાત ફોર્બ્સ જેવી નિષ્ણાત આર્થિક સંસ્થાએ કરી છે. તાળાબંધી જરૂરી છે, પણ તેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું નહીં. માત્ર ચાર જ કલાકમાં સજ્જડ તાળાબંધી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી. યોગ્ય સમય અપાયો હોત તો ફાજલ પડેલા મજૂરો વતન પહોંચી શક્યા હોત. કારખાનાદારોના માલની વ્યવસ્થા ગોઠવી લેવામાં આવી હોત અને આમ જનતાને જરૂરી માલસામાન ભરી લેવાનો સમય મળ્યો હોત. ખેતપેદાશ અને ખેતીકામની ગોઠવણ વધારે સારી રીતે થઈ હોત. જે વિસ્તારોમાં રોગચાળાનું નામોનિશાન નહોતું તેને આવરી લેવાની કશી જરૂર ન હતી. ચીની સરકાર આપણાં કરતાં વધારે શાણી પુરવાર થઈ છે. હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં પ્રગટ થયેલો આ રોગચાળો અતિશય ચેપી છે, અતિશય ઝડપથી ફેલાય છે અને તેની કશી દવા નથી તે વાસ્તવિકતા સમજવામાં અને સ્વીકારવામાં પખવાડિયું ગયું. જાણકારી મળી અને ખાતરી થઈ કે તરત જ ચીને હુબેઈ પ્રાંત ફરતે સખત તાળાબંધી લગાવી, પણ બીજા પ્રાંતોને મુક્ત રાખ્યા. રોગચાળાના ફેલાવા જોડે તાળાબંધીનો ફેલાવો કરવામાં આવ્યો. આ રોગચાળો તદ્દન નવતર છે અને તેનો ચેપ અતિશય ઝડપથી લાગે છે તેવું સંશોધન કરનાર ઓસ્ટ્રેલિયાના તબીબીશાસ્ત્રી નિકોલાઈ પેટ્રોવ્સ્કીના વિશ્લેષણ અનુસાર માનવ સમાજમાં આટલી ઝડપથી ફેલાયો હોય તેવા બીજા કોઈ રોગચાળાનો અનુભવ આપણને થયો નથી. કાં તો આ વિષાણુ જાતે જ ચેપી છે અથવા તેને માનવ કોષ સાથે જોડી દઈને ચેપી બનાવવામાં આવ્યો છે. આ બાબતની ઉગ્ર ચર્ચા દુનિયાભરમાં ચાલી રહી છે, પણ નિકોલાઈ પેટ્રોવ્સ્કીના કહેવા પ્રમાણે બંને વાત બની શકે છે. અમેરિકાના રાજપુરુષો આ વિષાણુ ચીની પ્રયોગશાળામાં પેદા કરવાનો આરોપ મૂકે છે અને તેના પુરાવા હોવાનો દાવો કરે છે, પણ આ પુરાવા જાહેર કરવામાં આવતા નથી. અમેરિકન સરકાર નરાતાળ જુઠ્ઠાણાં ચલાવવા માટે જાણીતી છે. ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન માનવવંશનું નિકંદન નીકળી જાય તેવાં હથિયાર ધરાવે છે તેવો આરોપ મૂકીને ઇરાક પર ચડાઈ કરવામાં આવી અને સદ્દામ હુસૈનને ફાંસીએ લટકાવવામાં આવ્યો. આવાં કોઈ હથિયાર હતાં જ નહીં અને અમારી જાહેરાત તદ્દન જુઠ્ઠાણું હતી તેવું અમેરિકન પ્રમુખ બુશે કબૂલ કરવું પડ્યું. આવું જ ઇરાનની બાબતમાં પણ થયેલું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર આરોપ મૂકે છે તેના સમર્થનના પુરાવા અમારી પાસે નથી તેવું અમેરિકન જાસૂસ સંસ્થાએ જાહેર રીતે કબૂલ કર્યું છે. સરકાર પાસે પુરાવા હોય અને સરકારી જાસૂસ સંસ્થાને તેની જાણ ન હોય તેવી વાત માનવા કોઈ તૈયાર નથી. ચીને આ આક્ષેપ નકારી કાઢ્યો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળો કુદરતી હોવાનું જાહેર કર્યું છે. ગુસ્સે ભરાયેલા પ્રમુખ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાને આપવામાં આવતી આર્થિક સહાય અટકાવી દીધી છે અને આ સંસ્થામાંથી ખસી જવાની ધમકી પણ આપી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, જર્મનીએ આ બાબતની તપાસ કરવાની માગણી કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની તાજેતરમાં મળેલી બેઠકમાં આ તપાસણી માટે એકવીસ દેશોના નિષ્ણાતોની સમિતિ પોતાનું કામ શરૂ કરશે. કાને પડ્યું સંભળાય નહીં તેવા આ વૈશ્વિક કોલાહલમાં આપણે મુદ્દાની વાત વિસારે પાડીએ તે ચાલે નહીં. તાળાબંધીનો નિર્ણય અને તેનો અમલ યોગ્ય વિચારણા અને આયોજન વગર થયો છે. માજી નાણામંત્રી પી. ચિદમ્બરે ભારત સરકારને કઈ દિશામાં ચાલવું છે તેનું ભાન નથી તેવી ટીકા કરી છે અને તાળાબંધીની આર્થિક નુકસાની સહન કર્યા પછી તાળાબંધી ઉઠાવી લેવાથી રોગચાળાના ઝડપી ફેલાવાનો ડર ડોકિયાં કરી રહ્યો છે. આ મહાસંકટનો સામનો કરવા માટે બધા પક્ષો અને બધા આગેવાનો સાથે મળીને કામ કરશે અને તેમાંથી રાજકીય વિખવાદ દૂર રાખવામાં આવશે તેવી અપેક્ષા ઠગારી નીવડી છે. આ સંકટ અંગે અને ખાસ કરીને હિજરતી મજૂરોની સમસ્યા અંગે સોનિયા ગાંધીએ વિરોધ પક્ષોના આગેવાનોની પરિષદ બોલાવી છે. વતન પાછા ફરેલા મજૂરો અને કારખાનાંઓ માટેની મજૂરટંચાઈ અતિશય ગૂંચવાયેલા પ્રશ્નો છે અને રોગચાળાના સંકટ પછી જબરદસ્ત આર્થિક સંકટ ભારતીય અર્થતંત્ર સામે તોળાઈ રહ્યું છે ત્યારે સરકારની દુખતી નસ દબાવવા માટે રાજકીય વિખવાદ જગાવવા માટેની આ પરિષદ રાષ્ટ્રની એકતામાં ભંગાણ પાડવા બરાબર ગણાવું જોઈએ. સામા પક્ષે સત્તાધારી પક્ષ ભાજપે પણ અણછાજતું અને અકોણું વર્તન અપનાવ્યું છે. અન્ય રાજ્યો અને વિસ્તારોમાંથી ઉત્તર પ્રદેશમાં આવી પહોંચેલા મજૂરોને પોતપોતાના ગામડે પહોંચાડવા માટે એક હજાર બસ આપવાની પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરેલી દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. બધા પક્ષોનો સહકાર લેવાનો હોય તો આ દરખાસ્ત તાબડતોબ અપનાવી લેવી જોઈએ. આના કારણે કોંગ્રેસને પ્રતિષ્ઠા મળશે તે વાત સાચી છે, પણ જે પક્ષ અથવા વ્યક્તિ લોકહિતનાં કામ કરે તેને જશ મળે તેમાં નવાઈ નથી. જશ મળવો જોઈએ. સંકટ નિવારણમાં સહભાગી થનારનો ઇરાદો જોવાનું યોગ્ય નથી. સહભાગી થનારનાં વધામણાં થવાં જોઈએ. લોકસભાની છેલ્લી બે ચૂંટણીઓ 2014 અને 2019માં પડેલા મરણતોલ ફટકા પછી કોંગ્રેસ પક્ષ પોતાને ફરી પગભર કરવા માટે કોશિશ કરી રહ્યો છે, પણ પરિષદો બોલાવવાથી કે લોકસેવાના એકાદ ઉપક્રમથી કોંગ્રેસ પોતાનું સ્થાન ફરી જમાવી શકશે તેવો ખ્યાલ કોઈને ગળે ઊતરે તેમ નથી. કોંગ્રેસની સૌથી મોટી ઊણપ એ છે કે દેશની આમ જનતા સુધી અવાજ પહોંચાડી શકે તેવો કોઈ આગેવાન કોંગ્રેસ પાસે રહ્યો નથી. જવાહરલાલજીના જમાનાથી નેહરુ ગાંધી કુટુંબ કોંગ્રેસ પક્ષને પોતાની બાપીકી જાગીર સમજે છે અને સોનિયા ગાંધી બહારના કોઈ આગેવાનને સાંખી લેવા તૈયાર નથી.  nagingujarat@gmail.com

અન્ય સમાચારો પણ છે...