બુધવારની બપોરે / નાસ લેવો ય કળા છે

Sniffing is an art
X
Sniffing is an art

  • સિક્સર: દ્વંદ્વ કહાં તક પાલા જાયે, યુદ્ધ કહાં તક ટાલા જાયે, ઔર તૂ ભી હૈ રાણા કા વંશજ, ફેંક જહાં તક ભાલા જાયે, દોનોં તરફ લિખા હો ‘ભારત,’ સિક્કા વો હી ઉછાલા જાયે.

અશોક દવે

May 20, 2020, 12:19 PM IST

જગતના તમામ સજ્જન પુરુષોને એક જ સાસુ હોય. સજ્જન હોવાને કારણે એક સાસુ વસાવી હોય છે કે, એક જ સાસુ હોવાને કારણે સમાજ એને સજ્જન તરીકે ઓળખે છે. એ સવાલ પુછાવો જોઈએ. તો મારો જવાબ એ છે કે, બહાર નજર કરતા રહેવાની એક ગોરધનની હિંમતના અભાવને કારણે હું આજ સુધી સજ્જન રહી શક્યો છું. હું કબૂલ કરું છું કે, મારામાં એ હિંમત નથી. એવું સાહસ કરવા જઉં તો સાસુ અને વાઇફ ભેગી મળીને મને થાંભલે બાંધે એવી છે. મારા ઘરમાં તો પોતાનો થાંભલો ય નથી, બાજુવાળાના બંગલામાં છે. મારી બંને લલિતા પવારો મને ત્યાં જઈને બાંધે એવી છે!
ગણવામાં કોઈ ભૂલ થઈ ન હોવાની ખાતરી સાથે કહું છું કે, સાસુ ભલે એક છે, પણ એના નાકનાં ફોયણાં આઠ-દસ છે. શરીરશાસ્ત્રના નિયમ મુજબ તો એને ય આપણી જેમ બે જ ફોયણાં છે, પણ બારે માસ શરદી રહેતી હોવાથી, રામ જાણે એ કેટલાં ફોયણાં વાપરે છે કે, વરસાદ પડતો હોય ને નાના ગામના એક નાનકડા મકાનના છાપરેથી લાલ રંગનાં વાળેલાં નળિયાંઓમાંથી નાનકડા ધધૂડા પડતા હોય, એમ સાસુજીના નાકનાં ફોયણાં ભેગા મળીને અનરાધાર વરસે છે. એને બારમાસી શરદીનો કોઠો છે. હ્યુમર પણ એવી કરે કે, આપણી છટકે. કહે કે, ‘જમાઇરાજ, મારા નાકમાંથી નીકળતું પાણી RO પ્લાન્ટ જેવું ‘સબસે શુદ્ધ પાણી છે!’
આ વખતની એની શરદીએ માઝા મૂકી. નાકમાંથી સતત નીકળતો સિસૂડ-સિસૂડ અવાજ અને ‘હાય મા... મરી ગઈ રે...’ નામના સતત નારાએ મને અને વાઇફને ચિંતામાં મૂકી દીધાં છે. (આ લેખ વાઇફ વાંચવાની છે, એટલે વાક્યમાં ‘મને’ પણ ઉમેર્યું છે.) ગોડ પ્રોમિસ. હું તો મનોમન ખૂબ રાજી થતો હતો કે, ‘હાઆઆઆ....શ,’ ડોસીને ઉપડવાનો ટાઇમ હવે થયો કહેવાય... નહીં તો નાક આટલું ધગધગે નહીં! આ એના ઉપડવાની તૈયારી જ કહેવાય. આ મામલામાં મારાથી બહુ વિવેકી ય બની શકાતું નથી. હું જરા અમથો આગ્રહ કરવા જઉં કે, ‘સાસુજી, બહુ ખેંચ્યું! ઉપડો હવે!’ તો મારા ખોબલામાં મ્હાંય નહીં એટલો વિનય દાખવીને મને સામી ચોંટશે, ‘અરે હોય અસોકકુમાર... પે’લા તો તમારે જાવાનું હોય. તમારી તો જુવાનજોધ ઉંમર છે. મારો જવાનો આ કાંય ટાઇમ છે? તમે તિયારે ઉપડો ને તિયાં તમારા બાપુજી મળે તો કે’જો, મારી બવ ‘વરી’ કરવા જેવી નથી. હું આંઈ ટેસથી રઉં છું. હાલ પૂરતો આંગડિયો (એટલે કે મને) મોકલી આઇપો છે. ઇ તમને મોઢામોઢ શમાચારું દેસે!’
અલબત્ત, આ બધાં તો મેં જોયેલાં સપનાંઓ છે. વાસ્તવમાં આપણે તો પરમેશ્વરને પ્રાર્થના કરી શકીએ. દેવું ન દેવું એના હાથમાં છે, કે ‘આવતા જનમમાં ભલે મને ધરતી ઉપર થોડો મોડો મોકલજે, પણ આને ટાઇમસર ઉપર બોલાવી લે.’ આ વખતની એની શરદી જોઈને ડોસી ઉપર દયા આવી જાય કે, સ્ત્રી ખેંચી ખેંચીને કેટલું ખેંચે? (‘ખેંચવાનું’ એટલે લાંબા શ્વાસ ખેંચવાની વાત થાય છે. જીવતર કેટલું ખેંચે એની નહીં!) આને વળી નાક સિસૂડ-સિસૂડ થતું હોય તો છત્રીની ક્લિપ ખેંચી, ઊંચી કરીને ખોલતા હોઈએ, એમ એનું નાક ખોલવાનું હોય છે. એ તો જેને ફાવે એને જ ફાવે. કમનસીબે, મને ફાવી ગયું છે, એટલે ચોમાસામાં તો ઓફિસમાં ફોન આવે કે, ‘જરા મમ્મીનું નાક ખોલી જાઓ! બહુ ટાઇટ થઈ ગયું છે!’
ક્લિપ ‘ગળા ઉપર’ દબાવવાની હોય તો આપણને થોડો ઉમળકો ય રહે. નાક પર દબાવવાથી તો સાસુજીના નાકમાંથી નીકળતા શેડા હાથમાં આવે છે. ગળાનું રિઝલ્ટ તરત આવી જાય!
હકી વળી ક્યાંકથી ખબર લાવી કે, શરદી આટલી બધી વધી ગઈ હોય તો ‘વિક્સ’ નાંખીને, માથે જાડું કપડું ઓઢાડીને ઉકળતા ગરમ પાણીમાં નાસ લેવડાવો. મારો સસરો કેટલો જબરો નીકળ્યો કે, આવી બધી માથાકૂટમાં પડવું જ ના પડે, એટલે વહેલો ટપકી ગયો. આ લોકોના આખા ખાનદાનમાં (આના સિવાય) એકે ય પીસ ટકાઉ નીકળ્યો નથી. બધા પોતપોતાનો સમય આવે એટલે ઉપડી જ ગયા છે, પણ સસુરજી કે સાળાઓને બરડે બામ ચોળી આપવા જેવાં કામો મારે કરવાનાં હોય? હું તો જમાઈ છું કે, ચમ્પી-માલિશવાળો!
ટૂંકમાં, સાસુને નાસ લેવડાવવાનું મને સોંપવામાં આવ્યું. હિન્દી ફિલ્મોમાં વિલન પ્રાણ શરાબના પ્યાલામાં ઘેનની બે ગોળીઓ નાખી હિરોઇનને લાંબી કરી નાંખતો, એમ મને નાસના પાણીમાં સિમેન્ટ ભેળવવાની ઇચ્છા થઈ, પણ એના કરતાં વધુ મનમોહક ઉપાય યાદ આવ્યો. ટેબલ પર મૂકેલા ધગધગતા ગરમ પાણીના તગારામાં સાસુને નીચી નમાવી, માથું ચારે બાજુથી ઢંકાય એટલા ધાબળા ઓઢાડીને ઊંડા શ્વાસો લેવડાવવા! થોડી વળી નામ પૂરતી દાઝશે, પણ એટલા ’દિ તો મોઢું બંધ રાખશે! સુઉં કિયો છો?
મારી ભૂલ એ થઈ કે, એનું માથું ઓઢાડીને નીચે વળવાનું કહ્યું, પણ કેટલું વળવાનું, એ કોષ્ટક નહોતું આપ્યું. બિચારીનો વાંક ય નહોતો કે, ઓઢ્યા પછી મહીં અંધારામાં કશું દેખાતું નહોતું, એમાં ધબ્બ દઈને માથું નમાવ્યું, તે કાન સુધી ગરમ લ્હાય જેવા પાણીમાં બોળાઈ ગયું. આવું કાંઈ થાય તો ઊંડો શ્વાસ લેવાની મેં ના પાડી હતી ને તો ય પ્રાણાયામ કરતી હોય એટલું ઊંડું પાણી ખેંચ્યું. ચીસાચીસ, બૂમાબૂમ અને દોડાદોડ... બહાર નીકળી ત્યારે સાસુમાનું નાક પંજાબી સમોસું ચોંટાડ્યું હોય એવું દેખાતું હતું.
એક વાતની તો મને ય ખબર પડે છે કે, તમારામાંથી 97.54 ટકા વાચકોને હું એક ક્રૂર અને નફ્ફટ જમાઈ લાગતો હોઈશ! વાસ્તવમાં, આજ સુધી મેં જોયેલી તમામ વ્યક્તિઓમાં મારી પૂજ્ય સાસુ પરફેક્ટ હસમુખી, નિખાલસ, પોતાની ઉપર હસવા માટે અમને સૌને પાનો ચઢાવે અને ખાસ તો એની મજાકો ઉડાવવાની મોકળાશ આપતો આ લેખ લખવાનો સબ્જેક્ટ અને ઉત્સાહ એણે જ આપ્યો છે. ‘અસોક (મને એ ‘કુમાર ફુમાર’ નથી કહેતી.) એવું કાંય લખ્ખો કે, કોરોના લોકડાઉનમાં ઘરે બેસીને કંટાળેલા તમારા વાચકોને ખોટું તો ખોટું ય હસવું આવે. બાકી તમારા લેખો વાંચીને હાચું તો કોણ હઈસું છે?’{
[email protected]
સ્પષ્ટતા : કળશ પૂર્તિના ગયા અંકમાં ‘બુધવારની બપોરે’ કોલમ માત્ર હળવાશ ખાતર જ લખાઈ હતી. આમ છતાં જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો કાળજી રાખવાની ખાત્રી સાથે દિલગીરી વ્યક્ત કરું છું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી