માનસ દર્શન / શ્રદ્ધા, સાધુસંગ અને હરિનામ વિઘ્ન હરે છે

Shraddha, Sadhusang and Harinam Vighna Hare
X
Shraddha, Sadhusang and Harinam Vighna Hare

  • ‘રામચરિતમાનસ’માં સાધકના જીવનમાં આવતાં વિઘ્નોની વાત છે અને આ વિઘ્નો વિશે વિચારવું જોઈએ

મોરારિ બાપુ

May 24, 2020, 01:56 PM IST

રાષ્ટ્રીય અનુષ્ઠાનનો સંવાદ ચાલી રહ્યો છે ત્યારે જબલપુરથી એક યુવક જણાવે છે કે બાપુ, અમે આધિભૌતિક, આધિવૈદિક અને આધ્યાત્મિક - એ ત્રણેય પ્રકારની પ્રગતિ માટે પ્રવૃત્ત થઈએ છીએ તો વિઘ્નો ઘણાં આવે છે.
વાત સાચી છે. જો આપણે યાત્રા કરવી હોય તો એમાં વિઘ્નો આવવાં સ્વાભાવિક છે. ચાહે કોઈ પણ યાત્રા હોય. તો એ વિઘ્નો કયાં છે અને એ ક્રમશ: આવે છે કે એમાં ક્રમભંગ પણ થાય છે?
મને લાગે છે કે આધિભૌતિક યાત્રામાં વિઘ્નો સ્વચ્છંદ રૂપે આવે છે. ત્યાં કોઈ ક્રમ નથી, સંગતિ નથી. અચાનક અકલ્પ્ય બાધાઓ આવે છે. કેટલીક બાધાઓ પ્રારબ્ધવશ આવે છે. ક્યારેય વિચાર્યું ન હતું ને દુકાળ પડી ગયો, કોઈ નથી ઇચ્છતું ને ભૂકંપ આવી ગયો, કોઈ કલ્પના નથી કરતા ને સુનામી આવી ગઈ! ક્યારેય નહોતી પડી એટલી માત્રામાં ગરમી પડવા લાગી! ઠંડીએ પોતાનો કાર્યકાળ વધારી દીધો! ક્યારેક અસીમ વર્ષા તો ક્યારેક જરાય નહીં અને આજે આપણે જે વિષય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ પણ અકલ્પ્ય યાતના છે! કોને, ક્યારે, કેમ વાઇરસ લાગી જાય, કંઈ ખબર નહીં! બિલકુલ અસહાય સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ.
આ બાધાઓ કે વિઘ્નોની વાતો હું ‘રામચરિતમાનસ’ના આધારે સંવાદના રૂપમાં રજૂ કરવા માગું છું. કથાના પ્રવાહમાં મારી વ્યાસપીઠે ઘણી વાર એનું સંક્ષિપ્ત અથવા તો વિસ્તૃત વર્ણન કર્યું છે.
‘રામચરિતમાનસ’માં સાધકના જીવનમાં આવતાં વિઘ્નોની વાત છે અને આ વિઘ્નો વિશે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ. ચાહે ભૌતિક સફળતા મેળવવી હોય, કોઈ દૈવિક સફળતા મેળવવી હોય કે આધ્યાત્મિક સફળતા મેળવવી હોય ત્યારે આ બાધાઓ આવશે, પરંતુ ‘માનસે’ કહ્યું છે, આપણી યાત્રા આખરી મંજિલ સુધી પહોંચશે, એ માટે ત્રણ જ વસ્તુની જરૂર છે. અખંડ અને અભેદ શ્રદ્ધા, કોઈ સાધુનો સંગ, એનું માર્ગદર્શન અને ત્રીજું પ્રભુનામમાં પ્રિયતા, પરમાત્માના નામમાં રુચિ. શ્રદ્ધા, સાધુસંગ અને હરિનામ વિઘ્ન હરે છે.
‘રામચરિતમાનસ’માં શ્રી ભરતજીની અયોધ્યાથી ચિત્રકૂટની યાત્રા દરમિયાન પાંચ વિઘ્નો આવે છે. ભરતજી પરમ સમર્પિત, પરમ સંત છે. એ વિચારે છે કે મારા રામ ચાલીને ઉઘાડે પગે વનમાં ગયા છે તો હું કેવી રીતે વાહનનો ઉપયોગ કરું? એટલે યથાયોગ્ય સૌની સવારીની વ્યવસ્થા કરી, પરંતુ સ્વયં ભરત પદયાત્રા કરે છે. એમણે વ્રત લઈ લીધું કે હું ચિત્રકૂટ સુધી પદયાત્રા કરીશ અને એ પણ પદત્રાણ વિના. મા કૌશલ્યાએ આ દૃશ્ય જોયું. પોતાની ડોલી ભરત પાસે લેવડાવી અને ભરતને કહ્યું, ‘બેટા, હું તારા પ્રેમને સમજુ છું, પરંતુ તું પગપાળા જઈ રહ્યો છે તો આખી અયોધ્યા ચાલીને જશે. રામવિરહ અને તમારા પિતાના વિરહમાં જનતાની શારીરિક અને માનસિક સ્થિતિ એવી નથી કે આમ પગપાળા એ ચિત્રકૂટ પહોંચી શકે. કોઈ બીમાર થઈ જશે. આપણી જવાબદારી છે. રથમાં બેસી જાઓ.’
માના કહેવાથી ભરત રથમાં બેસી જાય છે. સાધકની ચિત્રકૂટની યાત્રાનું આ પ્રથમ વિઘ્ન છે. આ વિઘ્ન કેમ આવ્યું? આપણા વ્રતને, આપણી સાધનાને જ્યારે લોકો જાણી જાય છે ત્યારે વિઘ્ન આવવું સ્વાભાવિક છે. ભરતને બાંધછોડ કરવી પડી. દિલ માનતું નહોતું, પરંતુ રથનો સ્વીકાર કરવો પડ્યો.
ગંગાના તટ પર પહોંચ્યા. ગુહરાજ વિચારે છે કે ભરતના મનમાં દુર્ભાવ છે, રામ-લક્ષ્મણ જાનકી ચિત્રકૂટમાં એકલાં છે એટલે એ નિષ્કંટક રાજ્ય કરી શકે અને ચૌદ વર્ષ બાદ રામને રાજ્ય પાછું આપવું ન પડે એટલે એ નીકળ્યો છે. ગુહના મનમાં ગેરસમજ થઈ અને એનો સમાજ ભરત સાથે યુદ્ધ કરવા સુધી, એને મારી નાખવા સુધી તૈયાર થાય છે. આખરે સ્થિતિ સ્પષ્ટ થાય છે ત્યારે ગુહ ભરતનાં ચરણોમાં ઢળી પડે છે.
અધ્યાત્મયાત્રાનું આ બીજું વિઘ્ન છે કે વચ્ચેનો સમાજ આપણા વિશે ગેરસમજ કરે, બળવો પોકારે, વિદ્રોહ કરે. વર્તમાન સંદર્ભનો ઉલ્લેખ કરું તો મેં અખબારમાં વાંચ્યું કે બે સાધુ ક્યાંક જઈ રહ્યા હતા, ગેરસમજ થઈ, ભીડ ભેગી થઈ અને એ સાધુઓને મારી નાખ્યા! કારણ શું છે, સત્ય શું છે એની મને ખબર નથી, પરંતુ સાચું શું છે એની તપાસ તો થવી જોઈએ. તો ભરતની યાત્રામાં એ વિઘ્ન આવ્યું કે એના વિશે ગેરસમજ થઈ. જોકે, એ પરમપ્રેમની યાત્રા હતી એટલે પછી વિરોધીઓ પણ શરણાગત થઈ ગયા.
ભરતજી આગળ વધે છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચે છે. સ્વર્ગમાં પણ સુલભ ન હોય એવાં સમસ્ત સુખ ભરદ્વાજજી પોતાના તપબળથી પ્રગટ કરે છે, પરંતુ ભરત મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય અને પોતાની યાત્રામાં એ સુખ-સુવિધા બાધા ન બને એ રીતે એનાથી અલિપ્ત રહે છે. આ ઘટનાને હું ચિત્રકૂટી યાત્રાનું ત્રીજંુ વિઘ્ન કહું છું કે જ્યાં કોઈ પહોંચી ચૂકેલા સાધુ દ્વારા આપણી કસોટી થાય છે.
ત્યારબાદ યાત્રા આગળ વધે છે. ભરતજી જેમ જેમ ચિત્રકૂટની નજીક જઈ રહ્યા છે તેમ દેવરાજ ઇન્દ્ર અને સુરગણ એકઠા થઈને ભરતની યાત્રામાં બાધા નાખવાનું ષડ્યંત્ર રચે છે. ચિત્રકૂટની યાત્રાનું આ ચોથું વિઘ્ન છે, જ્યાં દેવગણ બાધા ઊભી કરે છે, પરંતુ ભરતજી એમાંથી પણ ઊગરી જાય છે.
વ્રતને છોડવું પડ્યું, રસ્તામાં સમાજ દ્વારા ગેરસમજ થઈ, પહોંચી ચૂકેલા સાધુ દ્વારા ભોગ બતાવીને આ સાધુની કસોટી થઈ, દેવગણોએ વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો, એ બધામાંથી ભરતજી પાર ઊતરી ગયા.
હવે તો ચિત્રકૂટ જાણે કે સાવ નજીક દેખાઈ રહ્યું છે. હમણાં જ પ્રભુને મળીએ એવી સ્થિતિ છે. એવે વખતે ભરતના સમાજની આટલી મોટી સંખ્યા જોઈને પશુ-પક્ષી ભયભીત થઈ જાય છે ને પ્રભુના આશ્રમમાં જાય છે. કૌલ-કિરાત આવીને કહે છે કે અયોધ્યાના રાજકુમાર ભરત સૌને લઈને આવે છે. એ સમયે લક્ષ્મણજીના મનમાં બહુ મોટી ગેરસમજ થાય છે અને ઘણું બોલે છે. ભગવાન રામ સજળ નેત્રે લક્ષ્મણના મનનું સમાધાન કરે છે. અધ્યાત્મયાત્રામાં જ્યારે બિલકુલ પામવાની તૈયારી હોય છે ત્યારે પરિવારની જ કોઈ વ્યક્તિ વિરોધ કરશે, પરંતુ જ્યારે બિલકુલ નિજી વ્યક્તિ દ્વારા તમારો વિરોધ શરૂ થઈ જાય અને મૃત્યુ સુધીની વાત આવી જાય ત્યારે સમજવું કે હવે ચિત્રકૂટ દૂર નથી. એ સમયે અખંડ શ્રદ્ધા, સાધુનો સંગ અને હરિનામની પ્રિયતા હશે તો હત્યા કરવાની વાત કરનારા પણ શરણાગત થઈ જશે.
અધ્યાત્મયાત્રાનાં આ વિઘ્નોને ભૌતિક યાત્રાના સંદર્ભમાં પણ ઘટાવી શકાય છે, પરંતુ ત્રણ જ વસ્તુથી એમાંથી પાર ઊતરી શકાય છે- અખંડ શ્રદ્ધા, સાધુસંગ અને હરિનામ. 
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી