તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શકુંતલાનાં મોમ-ડેડી અપ્સરા મેનકા અને ઋષિ વિશ્વામિત્ર તો લાડકીને કોઈ પી. જી. હોસ્ટેલમાં રખાવવા માંગતાં હતાં, પણ હવે તો ત્યાં ય આધારકાર્ડ માંગે છે. કેટલાક ફ્લેટમાલિકો તો વળી છોકરીઓનું ‘કેરેક્ટર-સર્ટિફિકેટ’ ય માંગે છે.
કણ્વ ઋષિ સ્થાપિત અને સંચાલિત સદરહુ આશ્રમ એટલે કે, આ ગર્લ્સ હોસ્ટેલમાં બધી કન્યાઓ હોસ્ટેલની પાછળ આવેલા ગાર્ડનમાં મોબાઇલો મચડી રહી છે, એકમાત્ર શકુંતલાને બાદ કરતાં! એનો ફોન રિ-ચાર્જ કરાવવાનો રહી ગયો હતો, એમાં કાળમુખું લોકડાઉન આવ્યું. મૂઈ બેટરી ય ખલાસ થવા આવી હતી. શકુંતલાની પ્રિય ચમચી (ઋષિઓના જમાનામાં ચમચીઓ માટે ‘સખી’ શબ્દ વપરાતો!) પ્રિયંવદા એના મોબાઇલમાં મસ્ત હતી. શકુંતલા આમ પાછી જેલસ ખરી. એણે પોતાના નાકનું ટેરવું ચઢાવીને પ્રિયંવદા સામે છાશિયું કર્યું. (લાખ પ્રયત્નો છતાં શકુંતલા પેલીને ‘પ્રિયંવદા’ને બદલે ‘પ્રિયવંદા’ કહીને બોલાવતી. આ જ કારણે ઘણી વાર બહુ બોર કરતી પ્રિયંવદાને ભગાડવા માટે વંદા (કોક્રોચ) ભગાવવાળું ‘હિટ’ છાંટતી. સામે છેડે ય ખાસ કાંઈ ઉકાળવા જેવું નહોતું. પેલી આને ‘સકુ’ કહીને બોલાવતી. બંને ફ્રેન્ડ્ઝોને ‘શ’ અને ‘સ’ બોલવામાં અદલાબદલી થઈ જતી.)
શકુંતલાએ પ્રિયંવદાને બૂમ પાડી, ‘પિયુ...પિયુ... પિયુડીઈઈઈ... હાય રામ... કોઈ ભમરો મારી ઉપર ઊડાઊડ કરે છે. ઓ મ્મી ગોડ... કાઢ એને!’ શકુંતલાને જીવાતોથી ખૂબ નફરત. એણે ‘હટ... હટ...’ કર્યું, પણ ભમરો ન ગયો, તે ન જ ગયો. પ્રિયંવદા તરત દોડતી આવીને નફ્ફટ સ્માઇલ સાથે કીધું. ‘ડાર્લિંગ... આ કોઈ ભમરો-બમરો નથી. કોરોના વાઈરસ છે.’
નેચરલી, પિયુડી કોઈ જીવાત-એક્સપર્ટ નહોતી, તે બહેન સકુને એની ઉપર વિશ્વાસ બેસે. એ તો બંને કાનો ઉપર હાથ દબાવી, આકાશ તરફ જોતી ‘બચાવો... બચાવો’ની રાડ્યું પાડે રાખતી હતી.
અહીં હિન્દી ફિલ્મો જેવું નથી કે, હિરોઇનની આ ટિપિકલ બૂમો સાંભળીને હીરો (ઝાંપો ખુલ્લો હોય તો ય) એની મોટરબાઇકને ગાર્ડનની ઝાડી પરથી કુદાવીને પરફેક્ટ લેન્ડિંગ સીધું હિરોઇનના પગ પાસે કરે. જોકે, આવનારે એક્ઝેક્ટ એવું જ કર્યું. શકુંતલી હચમચી ન ગઈ, પણ આવનારની પર્સનાલિટી જોઈને ભમરો-બમરો ભૂલી ગઈ અને આ નવા જીવડા ઉપર પહેલી નજરે જ મોહિત થઈ ગઈ. ‘ચોક્કસ... અહીં તઇણ લાખનું બાઇક હશે!’ એ મોહિત થઈને મનમાં ખુશ થઈ. ‘આને તો લપટાવવો જ છે!’
એ આગંતુક હસ્તિનાપુરનો મહારાજા હતો. નામ એનું દુષ્યંત (જેને વાત આગળ વધ્યા પછી શકુંતલા વહાલમાં તેડેલું બકરીનું બચ્ચું રમાડતી હોય, એમ ‘દુષી’ કહીને બોલાવવાની હતી.) માણસ જરા ચાલુ ટાઇપનો હતો એટલે તદ્દન પહેલી વાર કોઈ યુવતીને જોઈને બહેન બનાવવાની હોય, એને બદલે દુષ્યંત શકુને પ્યારથી મુસ્કુરાતા પૂછે છે, ‘ક્યા હુઆ?’
અલબત્ત, આ લેખના લેખકે કેવળ ધારી લીધું છે કે, એ માણસ મુસ્કુરાઈને બોલ્યો હશે. ધારવાનું એટલે કે, કોરોનાને કારણે દુષ્યંત માસ્ક પહેરીને આવ્યો હતો અને શકુએ તો ખાસ આશ્રમમાં બનેલો ખાદીનો માસ્ક પહેર્યો જ હતો. જવાબમાં પેલી, એની ઉપર ઊડતા ભમરાને બતાવીને કહે છે, ‘ઓંધરો મૂવો છું? ભારતો નહીં? આ ભમરો ક્યારનો શમ્મી કપૂરવેડા કરે છે તે?’
‘ઓહ, આમ વાત છે.’ દુષીએ પોતાની તલવારના એક ઝાટકે ભમરાના બે કટકા કરવાને બદલે, બગલથેલામાંથી ‘ફ્લિટ’નો પંપ કાઢ્યો અને ‘છુછુછુ’ છાંટીને ભગાડી મૂક્યો. પેલો કેમ જાણે હજાર હાથીઓને મારીને આવ્યો હોય એમ શકુડી મોહિત થઈ ગઈ. ‘Aah... What a timing!’ પ્રિયંવદા કોકના પાર્ક કરેલા એક્ટિવા ઉપર બેઠી બેઠી આ બધું જેલસ થઈને જોતી હતી.
આ લોકોમાં પ્રેમ શરૂ કરવામાં વર્ષોનાં વર્ષ ન જાય. અહીં તો ફોર્મ ભરો ને બાળક બહાર! દુષ્યંતે શકુંતલાને બાહુપાશમાં જકડી લીધી. ચુસ્ત આલિંગન તો આપ્યું, પણ ચુંબન કરવા ગયો તો શકુ ગુસ્સે થઈ ગઈ. ફાધરે આપેલા સંસ્કારને કારણે નહીં, પેલો ડોબો એટલું ય સમજતો નહોતો કે, બંનેએ મોઢા પર માસ્ક પહેર્યાં છે, એમાં ચુંબનો તો ઠીક, સામસામું સવારનું બ્રશ પણ કરી ના અલાય. ‘જસ્ટ કીપ અવે, યુ સ્ટુપિડ. એટલું ય ભોન પડતું નહીં કે, હવડે કોરોના ચાલે છઅ, તો જીવાતોવાળું તારું મુઢું આઘું રાખ!’
વિશ્વનું સૌ પ્રથમ ચુંબન કોરોનાના માસ્કને કારણે નિષ્ફળ ગયું હતું.
દુષ્યંતને પોતાની ભૂલનું ભાન થયું. ‘સોરી’ કહીને શકુને પૂછી જોયું, ‘ધેટ્સ ફાઇન યંગ લેડી. તું અત્યારે બિઝી હોય તો, પેલી ‘એક્ટિવા’ પર બેઠેલી તારી બહેનપણીને ‘કિસી’ કરી આવું? એણે માસ્ક પહેર્યું નથી!’ શકુને દુષીના આઈ-ક્યૂ ઉપર નવાઈ લાગી. ગમે ત્યાં ચાલુ પડી જવાનું? પ્રિયંવદા ઓકે... દેખાવમાં સ્માર્ટ હતી, પણ બરડામાં ખંજવાળ આવે તો હાથ ઊંચો કરીને મોબાઇલથી ખંજવાળે. આવીઓની તો બાઓ ય ના ખિજાય!
પછી તો એકબીજાને પચ્ચા વખત ‘આઈ લવ યુઓ’ કહીને બંને છૂટાં પડ્યાં, પણ તે પહેલાં બંનેએ ઘટનાસ્થળે જ ગાંધર્વ-વિવાહ કરી લીધા. બને એટલી સ્પીડમાં શકુને બોલાવી લેવાની લુખ્ખી આલીને દુષ્યંતે બાઇક ભગાવી મારી. પછી તો એઝ યુઝ્વલ. વર્ષોનાં વર્ષ વીતી જાય છે. નથી તો દુષિયો વોટ્સએપના જવાબો આપતો, નથી ‘ટિકટોક’ પર કશું મોકલતો. શકુ પાસે ય હાલમાં તો કોઈ કામ હતું નહીં, એટલે એણે દુષી ડાર્લિંગની ચિંતા શરૂ કરી દીધી. ‘મારા દુષીને કોરોના તો નહીં લાગી ગયો હોય ને?’
(વધુ બોરિંગ પાર્ટ : આવતા અંકે)
ashokdave52@gmail.com
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.