ડૉક્ટરની ડાયરી / સાથ ભીગે બારિશ મેં યે અબ મુમકિન નહીં,ચલો ભીગતે હૈં યાદોં મેં તુમ કહીં... મૈં કહીં

Saath Bhige Barish Mein Yeh Ab Mumkin Nahin, Chalo Bhigte Hain Yaadon Mein Tum Kahin ... Main Kahin
X
Saath Bhige Barish Mein Yeh Ab Mumkin Nahin, Chalo Bhigte Hain Yaadon Mein Tum Kahin ... Main Kahin

  • અત્યારે તને જે ખોટ સાલે છે તે મિત્રોની સંગતની છે. જ્યારે જ્યારે રિચમંડ સિટીની રિચનેસ તને ઓછી લાગે ત્યારે અહીં ચાલ્યો આવજે
  • અમારા 175ની બેચમાંથી કોઇ શ્રીમંત ન હતું. બધાના ખિસ્સાં ખાલી હતાં, પણ મગજ તરબતર હતાં. છાતીમાં હૃદય નહોતું ધબકતું, પણ સપનાંઓ ધબકતાં હતાં

ડો. શરદ ઠાકર

Jun 24, 2020, 12:13 PM IST

જિંદગીમાં ક્યારેય જોયા ન હોય તેવા દિવસો ચાલી રહ્યા છે. જનતા કર્ફ્યૂની જાહેરાત થઇ ત્યારથી જ બધાનાં સમયપત્રકો ખોરવાઇ ગયાં છે. મારી અંગત વાત કરું તો આ દિવસોમાં હું કેલેન્ડર અને ઘડિયાળના બંધનમાંથી મુક્ત થઇ ગયો છું. મનફાવે ત્યારે જાગું છું અને આંખો ઘેરાય ત્યારે જ ઊંઘું છું. માત્ર પસંદગીના જ મિત્રો સાથે ફોન પર વાત કરું છું. મોટા ભાગનો સમય પૌત્રને રમાડવામાં વિતાવું છું. ઉનાળો પૂરબહારમાં ખીલ્યો છે એટલે દિવસો સોનાવરણા બની ગયા છે અને રાતો રૂપેરી. મને વૈશાખી તડકો ખૂબ ગમે છે. ભરબપોરે ઉઘાડી બાલ્કનીમાંથી સૂરજ દ્વારા ફેંકાતા ભડકા મારા શયનખંડને દઝાડી રહ્યા હોય ત્યારે એ. સી. અને પંખો બંધ કરીને પથારીમાં પડ્યા રહેવું મને ખૂબ ગમે છે અને એટલું જ ગમે છે મધરાત પછીની શીતળ વાયુલહેરમાં પોઢીને ગેબી ધ્યાનમાં ખોવાઇ જવાનું. ધ્યાન કરતાં કરતાં ઊંઘ આવી જાય તો એ નિદ્રા પણ ધ્યાનાવસ્થા જ બની જાય છે.

આવી જ તાજેતરની એક સવાર હતી. હું કુંડલિનીનાં સાત ચક્રો વચ્ચે વિચરણ કરી રહ્યો હતો. ત્યાં અચાનક મને ભાસ થયો કે મારા મોબાઇલની ઘંટડી વાગી રહી છે. મેં હાથ વડે ફંફોસીને મોબાઇલ શોધી કાઢ્યો. કોલ રિસીવ કર્યો. દરિયા પારથી આવતો અવાજ હતો. અમેરિકાના વર્જિનિયા સ્ટેટના રિચમંડ સિટીમાંથી ડો. કમલેશ દવે બોલી રહ્યો હતો, ‘શું ચાલે છે લ્યા? ઊંઘતો હોઇશ ખરું ને? હું હમણાં જ નવરો પડ્યો. એક 94 વર્ષની વૃદ્ધાને સ્ટેન્ટ મૂકી આપ્યો. પછી વિચાર આવ્યો કે તારી સાથે વાત કરું.’
અમે દોઢેક કલાક સુધી વાતો કરતા રહ્યા. ઇન્ડિયામાં મારે હજુ સવારની ચા પીવાની બાકી હતી અને મારો મિત્ર ત્યાં (અહીંના ભાવે) દોઢેક લાખ રૂપિયા રળીને બેઠો હતો. ખાલી પેટ અને ભરેલું મોં વાતે વળગ્યાં હતાં.

કમલેશ અને હું 70ના દાયકામાં જામનગરની મેડિકલ કોલેજમાં સહાધ્યાયી હતા. તે સમયના મોટા ભાગના મિત્રો હાલમાં વોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલા છીએ. ક્યારેક એકાદ મિત્ર જૂનો ગ્રૂપ ફોટો ગ્રૂપમાં મૂકી દે છે. ચહેરા પરથી અમે કોઇને ઓળખી શકતા નથી. સમય માનવીને આટલી હદે બદલાવી નાખતો હશે! જોકે, એક બાબતમાં સમય હારી ગયો છે. ચહેરાઓને બદલવામાં સફળ થયેલો સમય અમને બધાને ભીતરથી બદલી શક્યો નથી. ભૂજના સિનિયર ફિઝિશિયન ડો. પી. એન. આચાર્ય તમામ ભૌતિક સુખો માણી લીધા પછી વોટ્સએપ ગ્રૂપમાં વસવસો વ્યક્ત કરતાં કહે છે, હાય દોસ્તો! વો કોલેજિયન કી ચાય, રામ ડેરી કા આલુમટર, મદ્રાસ કાફે ડોસા, રાત કો મિક્સ ભજિયાં ઔર લખુ કા રગડા- યહી યાદેં જીને કા સહારા બન ગઇ હૈ.’ અને તરત પ્રતિસાદમાં 30-40 થમ્સઅપના ઇમોજી વરસી પડે છે. પોરબંદરના ડો. જે. જે. થાનકીને વિનુભાઇની કેન્ટિનના ગાંઠિયા યાદ આવી જાય છે. આદમની ચા તો અમારા બધાની રક્તવાહિનીઓમાં લોહીમાં ભળીને દોડી રહી છે. કેવા મજાના એ દિવસો હતા! બે-પાંચ જણાને બાદ કરતાં અમારા 175ની બેચમાંથી કોઇ પણ શ્રીમંત ન હતું, પણ બધા જ મેરિટ પર આવેલા વિદ્યાર્થીઓ હતા. ખિસ્સાં ખાલી હતાં, પણ મગજ તરબતર હતાં અને છાતીમાં હૃદય નહોતું ધબકતું, પણ સપનાંઓ ધબકતાં હતાં. પ્રખ્યાત થવાનાં સપનાં, સફળ થવાનાં સપનાં અને ધનવાન થવાનાં સપનાં. બહુ ઓછા મિત્રોને બાદ કરતાં બાકીના તમામનાં સપનાંઓ સાકાર થયાં છે. એમાં ડો. કમલેશ દવે પણ ખરા.

ફોનમાં ડો. કમલેશ અત્યારે અતીત રાગમાં ખોવાઇ ગયા હતા. કહી રહ્યા હતા, ‘હમણાં રિશી કપૂર મૃત્યુ પામ્યા. અમે સારા મિત્રો હતા. અમેરિકા આવે ત્યારે એ અચૂક મારા ઘરે પધારે. એક વાર રિશી અને નીતુ મારા ઘરે મહેમાન બનીને આવ્યાં હતાં. કેટલાક મિત્રોને પણ મેં બોલાવ્યા હતા. અમે પુરુષો એક તરફ મહેફિલ જમાવીને બેઠા હતા. અમારી મહેફિલ ‘ભીની’ મહેફિલ હતી અને નીતુ અમારાથી થોડે દૂર લેડીઝ ગ્રૂપમાં બેઠી હતી. અચાનક રંગમાં આવી ગયેલા રિશીએ મને પૂછ્યું, સચ સચ બતા યાર, તુમ્હારી ટીનએજ મેં તુમ કિસ હિરોઇન પે મરતે થે? મેં (ડો. કમલેશે) જે સાચું હતું તે બોલી નાખ્યું. ‘બૂરા મત માનના, કોલેજ કે દિનોં મેં હમારી સ્વપ્નસુંદરી સિર્ફ હેમામાલિની થી. દૂસરે નંબર પર ઝિનત અમાન આતી થી. તુમ્હારી નીતુ કા નામ ઉસ વક્ત કી યાદી મેં નહીં થા. ’

સાંભળીને રિશીએ ડો. કમલેશની છાતીમાં એક હળવો મુક્કો માર્યો. પછી એક આંખ મીંચકારીને કહ્યું, ‘આવાઝ ધીમી રખ દોસ્ત. અગર નીતુને સુન લિયા તો બરદાસ્ત નહીં કર પાયેગી.’
ડો. કમલેશના મહેલનુમા બંગલામાં પાકિસ્તાની ગઝલગાયક ગુલામ અલી આવી ગયા છે. તલત અઝીઝ તો મારો ગાઢ મિત્ર. મારી દીકરીના મેરેજમાં એ જ તો પરફોર્મ કરવા આવ્યો હતો.’
ડો. કમલેશ દવે અમેરિકામાં જઇને ખૂબ સારું નામ કમાયા છે. એક સમયે અમેરિકાના પ્રેસિડન્ટના અંગત કાર્ડિયોલોજિસ્ટ તરીકે સ્થાન શોભાવી ચૂક્યા છે. રિચમંડ સિટીમાં ભવ્યાતિભવ્ય બંગલો ધરાવે છે. બંગલાની આગળના ખુલ્લા ભાગમાં બીજા બે બંગલાઓ બાંધી શકાય તેટલી વિશાળ જમીન છે અને બંગલાની પાછળનું ખુલ્લું ઢોળાવવાળું મેદાન વળાંક લેતી જેમ્સ નદીને અડકે છે. આ એ નદી અને એ સ્થાન છે જ્યાં સદીઓ પહેલાં બ્રિટિશ લોકો આવ્યા હતા અને ઘમસાણ યુદ્ધ ખેલાયું હતું. અત્યારે એ નદીનો કેટલોક ભાગ એના કિનારા સહિત ડો. કમલેશ દવેની અંગત માલિકી હેઠળ આવે છે.

ડો. કમલેશ દવે અને પત્ની બકુલાબહેન બે સંતાનોનાં માતા-પિતા છે. મોટો દીકરો અને નાની દીકરી. દીકરાના મેરેજ ચંદા કોચરની સગી ભાણી સાથે થયાં છે. દીકરીનાં લગ્ન શશિ થરૂરના પુત્ર જોડે થયાં છે.
સાંસારિક જવાબદારીઓથી પરવારી ચૂકેલા, અમેરિકાના સુંદરતમ સ્થાન પર જિંદગી માણી રહેલા અને ડોલરિયો વરસાદ ઝીલી રહેલા ડો. કમલેશ દવેના મનમાં અત્યારે એક જ વાતનો અફસોસ ચાલી રહ્યો છે. એ મને કહી રહ્યા છે, ‘શરદ, જ્યારે ફાકામસ્તીના દિવસો હતા, જ્યારે નસીબમાં સાઇકલસુખ પણ લખાયું ન હતું, પાંચ-પાંચ કિલોમીટર પગે ચાલીને 3 રૂપિયા અને 10 પૈસાની ટિકિટ ખરીદીને ફિલ્મો જોવા જતા હતા અને પાછા ફરતા 1 રૂપિયા અને 40 પૈસાની રગડાપેટિસ ખાધા પછી 25 પૈસાની ચા પીતા હતા ત્યારે જે નશો ચડતો હતો એવો દુનિયાના જૂનામાં જૂની શરાબમાં પણ માણવા ન મળે. એમાં પણ જો ખિસ્સું ગરમ હોય તો મસાલાવાળું પાન જમાવતા હતા. સાલું, પાન બહુ મોંઘું પડતું હતું. પૂરા એક રૂપિયાનું, પણ માથાદીઠ પાંચ-છ રૂપિયામાં જે શહેનશાહી ભોગવવા મળતી હતી તે આજે કેમ માણવા નથી મળતી?’

મેં કહ્યું, કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ. ત્યારે તારી પાસે સાઇકલ ન હતી અને પછી એક સમય એવો આવ્યો કે અમિતાભ બચ્ચન કરતાં પહેલાં તારી પાસે રોલ્સ રોયસ કાર આવી ગઇ હતી. અત્યારે તને જે ખોટ સાલે છે તે મિત્રોની સંગતની છે. જ્યારે જ્યારે રિચમંડ સિટીની રિચનેસ તને ઓછી લાગે ત્યારે અહીં ચાલ્યો આવજે. જામનગર શહેર, ત્યાંનું મડિકલ કેમ્પસ, આદમની કેન્ટિન અને ડો. કિશોર મહેશ્વરી અને ડો. દેવાંશુ શુક્લ જેવા મિત્રો પાંપણની જાજમ બિછાવીને આજે પણ તારી અને મારી પ્રતીક્ષામાં તત્પર થઇને ઊભા છે.’
દોઢ કલાક પછી કોલ પૂરો થયો. કોરોનાના રાક્ષસે સર્જેલો મૃત્યુનો ઓથાર ઓસરી ગયો હતો અને જીવનનો ઉજાસ ઝળહળી ઊઠ્યો હતો. 
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી