તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તડ ને ફડ:રાજ્યસભાની ચૂંટણી ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક બની રહેશે!

3 મહિનો પહેલાલેખક: નગીનદાસ સંઘવી
  • કૉપી લિંક
  • ભાજપ રાજ્યસભામાં બહુમતી ધરાવતો નથી, તેથી તે રાજ્યસભાની દરેક પેટાચૂંટણી જીતવા માટે કમર કસીને મેદાનમાં ઊતરે છે

રાજ્યસભાની 24 બેઠકોની પેટા ચૂંટણી બે દિવસ પછી 19 જૂનના રોજ ભારતમાં દસ રાજ્યોમાં થવાની છે અને સૌથી વધારે ધમાધમ ગુજરાતમાં છે, કારણ કે આ રાજ્યસભાની ચૂંટણી ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનું વળાંક બિંદુ છે, કારણ કે ભાજપના ગુજરાતી આગેવાનોએ ગજા ઉપરવટનો દાવ ખેલીને વિજયની લગોલગ પહોંચી જવાની સંભાવના ઊભી કરી છે.

આ ચૂંટણી લોકો કરતા નથી, પણ વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો કરે છે. લોકોના મત અને માનસ જાણવાનું અઘરું છે તેથી લોકસભાની ચૂંટણી હંમેશાં અનિશ્ચિત હોય છે, પણ ધારાસભ્યો પોતપોતાના પક્ષોની શિસ્તથી બંધાયેલા હોય છે, તેથી કોણ કોને મત આપશે તે અગાઉથી નક્કી જાણી શકાય છે. કોઈ ધારાસભ્ય પક્ષના આદેશની વિરુદ્ધ મત આપે તો તેને શિસ્તભંગની સજા સહેવી પડે છે. આ ચૂંટણીમાં મતદાન અને મતગણતરી બંને અલગ રીતે થાય છે. રાજ્યસભાની ચૂંટણીમાં બહુમતી-લઘુમતીની કિંમત હોતી નથી, પણ ઠરાવેલા ક્વોટા જેટલા મત મેળવે તે જીતી જાય છે. દરેક મતદાર પોતાના મનપસંદ ઉમેદવારને પહેલો નંબર આપે છે, પણ બીજા ઉમેદવારોને પણ બે, ત્રણ, ચાર એમ છેક છેલ્લા આંકડા સુધી મત આપી શકે છે, તેથી પોતાના પક્ષના કયા મતદારે કયા ઉમેદવારને એક નંબરનો મત આપવો તે પણ ઠરાવવું પડે છે.

ગુજરાતમાં જીતી જવા માટે 35 મતનો ક્વોટા ઠરાવવામાં આવ્યો છે અને વિધાનસભાસદોની સંખ્યા અનુસાર ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવાર જીતી શકે તેમ હતા, પણ ભાજપે ત્રીજા ઉમેદવારનું નામ જાહેર કર્યું અને તેને જિતાડી લાવવા માટે કોંગ્રેસી ધારાસભ્યોની પાટલી બદલવાની કવાયત શરૂ કરી. અત્યાર સુધીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યાં છે, પણ વિધાનસભામાંથી રાજીનામાં આપ્યાં નથી, તેથી ભાજપના ઉમેદવારોને મત આપનાર ધારાસભ્યોની સંખ્યા વધીને 103 થઈ છે અને કોંગ્રેસી મતદારોની સંખ્યા ઘટીને 65ની થઈ છે. ભાજપે ત્રીજા ઉમેદવારને જિતાડવા માટે 105 મત મેળવવા પડે અને કોંગ્રેસે પોતાના બીજા ઉમેદવારને જિતાડવા માટે 70 મત જોઈએ.

ગભરાઈ ઊઠેલા કોંગ્રેસી આગેવાનોએ પોતાના ધારાસભ્યોને ત્રણ જુદાં જુદાં સ્થાને નજરબંધ રાખ્યા છે અને તેમને વારંવાર ફેરવવામાં આવે છે. ભાજપ અમારા ધારાસભ્યોને લલચાવીને નાણાં આપીને લઈ જાય છે તેવો કોંગ્રેસી આગેવાનોએ કાઢેલાે બળાપો સાચો છે, પણ નકામો છે. રાજકારણ નીતિમત્તાનું ક્ષેત્ર નથી અને હરીફને પછાડવા કે માત કરવા માટે સમજાવટ(સામ), નાણાં(દામ), ભય(દંડ) અને ભંગાણ(ભેદ) જેવાં બધાં સાધનો વાપરવામાં આવે છે. કોંગ્રેસી ધારાસભ્યોને કોઈ ને કોઈ રીતે મોં બદલો ચૂકવવાની દરખાસ્ત થઈ હોવાનો સંભવ છે, પણ દસ કરોડ ને વીસ કરોડ જેવી રકમ ચૂકવાઈ હોય તે વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. પાટલી બદલું ધારાસભ્યો મોં બદલાની રકમ ગજવામાં આવ્યા પછી મત આપશે જ તેવું ખાતરીબંધ કહી શકાય નહીં. જેને રકમ આપવામાં આવે તેનો મત પાકો નથી, પણ જેને રકમ ન મળી હોય તે તો તમારો કટ્ટર વિરોધી બને તે સ્વાભાવિક છે.

રાજકારણમાં રોકડી ચુકવણીની વાતો થતી હશે, પણ આટલાં નાણાં કોઈ ચૂકવતું નથી અને રાજ્યસભાની બેઠકની કિંમત આટલી મોટી નથી. ધારાસભ્યોને સાથે લઈને નાસભાગ કરવાનો હવે આજના જમાનામાં કશો અર્થ રહ્યો નથી. મોબાઇલ અને સ્માર્ટ ફોનની સગવડના કારણે એકબીજાનો સંપર્ક સાધી શકાય છે અને ત્રીજાને જાણ પણ થતી નથી. લોકસભામાં પ્રચંડ બહુમતી ધરાવનાર ભાજપ રાજ્યસભામાં બહુમતી ધરાવતો નથી, તેથી ભાજપ રાજ્યસભાની દરેક પેટાચૂંટણી જીતવા માટે કમર કસીને મેદાનમાં ઊતરે છે. આ વખતની પેટાચૂંટણી 24 બેઠકોમાં ભાજપ ધાર્યા પ્રમાણે બેઠક જીતી શકે તો તેની કુલ બેઠકમાં નવનો વધારો થાય. રાજ્યસભામાં બહુમતી મેળવવા માટે 145 બેઠક જોઈએ તે ભાજપ પાસે નથી. કોંગ્રેસ પાસે પણ નથી, પણ ભાજપ અને તેના સાથી પક્ષો બહુમતીની લગોલગ પહોંચી જવા આવ્યા છે.

આ ચૂંટણી ગુજરાતના પ્રાદેશિક રાજકારણમાં અનોખું મહત્ત્વ ધરાવે છે. 1960થી આજ સુધી ગુજરાત હંમેશાં દ્વિપક્ષી રહ્યું છે. ગુજરાતમાં ત્રીજા પક્ષો સ્થપાય છે, પણ ટકતા નથી. તેથી અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ ટકી રહેવાની જહેમત કરવી પડે છે.

કોંગ્રેસે પસંદ કરેલા બે ઉમેદવારોમાંથી એક જ જીતી શકે તેવું થાય તો તેના કારણે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ઘણો વધારે સળગી ઊઠે. એક જ ઉમેદવાર જીતવાનો હોવાથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંને પહેલા નંબરના ઉમેદવાર બનવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. ભરતસિંહને બીજો નંબર આપવામાં આવે તો તેમનો પરાજય નિશ્ચિત થઈ જાય અને ભરતસિંહની અવગણના થાય તો કોંગ્રેસમાં યાદવાસ્થળીનો પ્રારંભ થાય તેવી આશંકા સેવવામાં આવે છે.

વહેવારુ રાજકારણમાં કોને, ક્યારે, કેટલું, કેવી રીતે અપાય છે તે અતિશય મહત્ત્વનો મુદ્દો હોય છે. ત્યાગ, લોકસેવા, પક્ષનિષ્ઠા જેવા શબ્દો સભામાં તાળીઓ પડાવવા માટે ઉપયોગી છે, પણ આ શબ્દો રાજકારણમાં ચલણી સિક્કા નથી. ખખડધજ બની ગયેલા ગુજરાત કોંગ્રેસ પક્ષને માટે રાજસભાની આ ચૂંટણી અતિશય નિર્ણાયક મહત્ત્વની બની રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની જે હાલત છે તે માટે કેવળ પ્રાદેશિક આગેવાનોને જ જવાબદાર ગણવા તે ગેરવાજબી ગણાય, કારણ કે સંગઠનને ટકાવી રાખવા માટે યોગ્ય આગેવાનોની વરણી કરવાની સત્તા અને જવાબદારી મોવડી મંડળની છે.  nagingujarat@gmail.com

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો