નીલે ગગન કે તલે / રાહી વહીં રુક જાતા હૈ

Rahi wahi ruk jata hai
X
Rahi wahi ruk jata hai

  • સ્માર્ટફોન વડે દરરોજ લાખો કરોડો કે કદાચ હેંહેંહેં અબજોની સંખ્યામાં સેલ્ફીઓ પડે છે

મધુ રાય

May 20, 2020, 11:58 AM IST

કોરી લુખ્ખી સુક્કી નવરાશના આ સમયમાં ટીનએજર કિશોર–કિશોરીઓ સેલ્ફી લેવાના ઉદ્યમમાં ગળાડૂબ હશે. સેલ્ફીના ઇતિહાસમાં માનો કે પ્રથમ કિશોરી હતી એક રશિયન રાજકુમારી! પણ પહેલાં તે ‘સેલ્ફી’ શબ્દના અવતારની વાત.
સન 2002માં ઓસ્ટ્રેલિયાની એક પબ્લિક વેબસાઇટ ઉપર પોતાનો ફોટો મૂક્યો ને લખ્યું કે, ‘એઈ રામરામ બાપુ, ને હું કાલે રાતે ભાઈબંધો સાથે દારૂપીને પડી ગ્યો, ને બાપુ મારો હોઠ છોલાઈ ગ્યો. આમાં ટાંકાબાંકા કેમ લેવા ઈ કોઈ કિયે તો એનો પાડ માનું. ને માફ કરજો ફોટામાં ફોકસ બરાબર નથી, કેમ કે ફોટો સેલ્ફી છે.’
તે માણસનું નામ કોઈને માલૂમ નથી, પણ ‘સેલ્ફી’ શબ્દને જન્મ આપનાર તે માટીડો ગણાય છે. ઓસ્ટ્રેલિયામાં શબ્દોને ટૂંકાવવાનો ચાલ છે, બારબેક્યુનું બાર્બી, ફાયરફાઇટરનું ફાયરી, પોસ્ટમેનનું પોસ્ટી ને કદાચ ટોકિંગ પિક્ચર્સનું ટોકી–તેમ સેલ્ફ પોર્ટ્રેટનું સેલ્ફી.
સન 1920માં ન્યૂ યોર્કમાં બાયરન ફોટો કંપનીના પાંચ કારીગરોએ પોતાનો હાથ લંબાવીને ફોટો પાડેલો જેને પ્રથમ સેલ્ફી ગણી શકાય. અથવા સન 1914માં રશિયાના રાજકુટુંબની 13 વરસની ગ્રાન્ડ ડચેઝ આનાસ્તાસિયા નિકોલાઇવેના તાજા શોધાયેલા કોડાક બ્રાઉની બોક્સ કેમેરાથી દર્પણમાં જોઈને પોતાનો ફોટો પાડ્યો ને પોતાની બહેનપણીને મોકલ્યો, ‘આ છબિ અરીસામાં જોઈને મેં પોતે પાડી છે, ને મારા હાથ ધ્રૂજતા હતા.’ સેલ્ફી પાડનાર પહેલી ટીનએજર તે ગણાય છે.
સન 1839માં ફિલાડેલ્ફિયાનો એક ફોટોગ્રાફર રોબર્ટ કાર્નેલિયસ પોતાના કેમેરાના લેન્સ ઉપરથી કપડું હટાવી દોડીને કેમેરાની સામે પંદર મિનિટ સુધી ઊભો રહ્યો. તે પછી daguerreotype નામની નવી પ્રોસેસથી તેની પ્લેટ ઉપરનો ફોટો ડેવલપ કર્યો ને તેની પાછળ લખ્યું, ‘The first light picture ever taken, 1839.’ યાને જગતનું પહેલું પ્રકાશચિત્ર! યા તો કહો કે પ્રથમ સેલ્ફી.
ત્યાર બાદ સન 1880માં સેલ્ફ ટાઇમર શોધાયાં અને 1900માં આવ્યો બ્રાઉની કેમેરા. ફ્રાન્સમાં લુમિયેર બ્રધર્સે કલર ફોટોગ્રાફી બજારમાં મૂકી તે પછી ડિજિટલ ફોટોગ્રાફી 1950માં અને પોલારોઇડ કેમેરા 1970માં આવતાં સેલ્ફ પોર્ટ્રેટ લેવાનું સરળ, સસ્તું ને રમતવાત બની ગયું.
સન 2003માં સોની કંપનીએ મોબાઇલ ફોનમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરા મૂક્યો, જેથી તેના વડે હજારો સેલ્ફીઓ લેવાઈ ને વહેંચાઈ. સન 2015માં સેલ્ફી સ્ટિક બજારમાં આવી, જેના કારણે લોકો હરખપદુડા થઈ ફરવાના સ્થળે, ઐતિહાસિક ઇમારતોની સામે તથા ઠેર ઠેર લાખો સેલ્ફીઓ લેવા લાગ્યા, જેની ઘેલછાથી બીજાઓને ખલેલ થતી અને તે કારણે હવે ઉપર ડિઝનીલેન્ડથી માંડીને આર્ટ મ્યુઝિયમોમાં અને સ્પોર્ટ્સ ઇવેન્ટોમાં સેલ્ફી સ્ટિક ઉપર પ્રતિબંધ છે.
આજે ઇન્ટરનેટ, સોશિયલ માધ્યમો અને અફલાતૂન ફોટા પાડતા સ્માર્ટફોનના કારણે દરેક જણ અને તેનો કાકો ફાંકડો ફોટોગ્રાફર છે. સ્માર્ટફોન વડે દરરોજ લાખો કરોડો કે કદાચ હેંહેંહેં અબજોની સંખ્યામાં સેલ્ફીઓ પડે છે. સેલ્ફીની તથા તે શબ્દની લોકપ્રિયતાના કારણે ઓક્સફર્ડ ડિક્શનેરીએ 2013માં સેલ્ફ પોર્ટ્રેટના લોકબોલીના રૂપને બદલે સેલ્ફીને સ્વતંત્ર નાગરી શબ્દનું સન્માન અર્પ્યું છે.
એક અંદાજ મુજબ આપણે રોજની એક મિલિયન યાને દસ લાખ સેલ્ફી લઈએ છીએ. કેટલાક લાલાઓ ને લલનાઓ પોતાની રોજની સોએક આત્મછબિઓ પાડીને ઠેર ઠેર મોકલે છે; લાગે તો તીર નકર તુક્કો!
દરેક વ્યક્તિને પોતાનો ચહેરો જોવો ગમે છે. અલબત્ત, દાક્તરો કહે છે કે ચારેક લો ત્યાં સુધી ચાલે, પણ રોજની દસ-બાર કે વધુ સેલ્ફીઓ લેતા હોવ તો સાહેબ તેને મનોવિકાર કહેવાય. મદુરાની સ્કૂલ ઓફ મેનેજમેન્ટના વિજ્ઞાની જનાર્દન બાલાકૃષ્ણન કહે છે કે તે મનોવિકારનું નામ રાખ્યું છે ‘selfitis’, સેલ્ફાઇટિસ!
આ મનોવિકાર હાનિકારક તે રીતે કે સેલ્ફીને લગતું પહેલું મૃત્યુ થયું 2014માં જ્યારે ભારતમાં એક છોકરો ઇલેક્ટ્રિક ટ્રેન સાથે સેલ્ફી લેતાં કચરાયો ને મૃત્યુ પામ્યો. સેલ્ફી લેતાં પહાડ પરથી કે ઊંચા સ્થળેથી પડવાના કે ડૂબી જવાના અથવા હિંસક પ્રાણીઓના શિકાર બનવાના કિસ્સા ભારતમાં સૌથી વધુ 19થી 21 વરસના યુવકોમાં થાય છે. તેથી હવે ભારતમાં 16 ‘નો–સેલ્ફી ઝોન’ છે અને રાજકુમારી આનાસ્તાસિયાના દેશ રશિયામાં સેલ્ફીની ઘેલછાથી સંખ્યાબંધ મોત થયાં છે, જેથી 2017માં ત્યાંની સરકારે સેફ સેલ્ફી ગાઈડ કરી છે.
લવ યુ પ્રિન્સેસ આનાસ્તાસિયા!
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી