તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બુધવારની બપોરે:પોલીસ સ્ટોરી

3 મહિનો પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક
  • સિક્સર: ધોતીયાને શું કહેવાય? લોકગાઉન

ભારતના પોલીસ ખાતા વિશે જેટલું જાણું છું, એટલું ડરનો માર્યો જાણું છું. મેં કાંઈ ગુન્હો કે ગુન્હાનો વિચારમાત્ર પણ ન કર્યો હોય, છતાં સામે કોઈ પોલીસવાળાને જોઉં છું તો ફફડાટથી મને દિલ્હીની તિહાર જેલ યાદ આવવા માંડે છે. (આવવી તો જોઈએ સાબરમતીની જેલ… ઘરથી નજીક પડે એ વળી સારી! પણ આપણને શું કે, નવા નવા પર્યટન સ્થળો જોવાનો શોખ!) મને જેટલા ચટાપટા ને થોકડાવાળા કપડાં (…ને માથે ચોકડાવાળી ગોળ ટોપી) શોભતા નથી, એટલે બીકનો માર્યો ઘરમાં કે ઘરની બહાર પણ ચોકડાવાળા શર્ટ-પેન્ટ નથી પહેરતો. ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઊભી હોય ને સામે પોલીસવાળો મને અમસ્તો જોતો હોય, તો હું મનથી ડિફેન્સમાં આવી જઉં છું અને કાંઈ પૂછે તો કયા કયા જવાબો આપવાના, એની તૈયારીઓ કરવા માંડુ છું. નાનપણમાં ખાડીયામાં તોફાનો થતા ત્યારે પોલીસ જોઈને પથ્થર મારવાના અને મારીને ભાગી જવાનું. પોળની ઊંડી ગલીઓમાં! એ વાત જુદી છે કે, ગુજરાતની પોલીસ દોડાદોડીમાં બહુ માનતી નથી. બટાકાના થેલા જેવા પેટો લઈને દોડવું એના કરતા પેલાને જવા દેવો શરીરને ઓછું નુકસાન કરે, એ થિયરીને કારણે અમે બચી જતા, પણ અમારો 92 લાખ જોખમોનો ધણી જેન્તી જોખમ આવી દોડમદોડીમાં ભરાઈ ગયો હતો. પાછળ પડેલી પોલીસથી બચવા જેન્તી કાચી સેકન્ડ માટે દોડ હારી ગયો અને પોલીસે ઝડપી લીધો હતો. એ પછી જમીન પર પડેલા જેન્તીને પોલીસોએ જે હદે દંડાના ફટકા માર્યા છે, એ યાદ આવે ત્યારે ભયના માર્યા આજે એ વાતના 50-50 વર્ષ પછી ય ઊંઘમાં અમારાથી ચીસ પડાઈ જાય છે, ‘સાહેબ… હું નહોતો… હું નહોતો…!’ જેન્તીનો આખો બરડો જાંબલી-જાંબલી થઈ ગયો હતો, એ તો ઠીક, પણ બે વર્ષ સુધી તો જેન્તી સીધાને બદલે કાનખજૂરાના વળાંકો લઈને માંડ ચાલી શકતો હતો. બધા અંગો ભેગા કરીને! ‘રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા… હોઓઓઓ…’ ભજનની એ પંક્તિ પોલીસના દંડા માટે ગવાતી નથી. આમાં તો બરડો સૂઝીને પાપડના લૂવા જેવો થઈ જાય છે, દંડા ખાધા પછી અને છ મહિના સુધી તો તમે ‘ઓય વોય… મરી ગયો રે… હવે નહીં કરું…’ જેવી અછાંદસ કવિતાઓ ઊંઘમાં ય ગાયા કરો છો. ભગવાનની દયાથી અને પોલીસની નજરચૂકથી આજ સુધી હું બચી ગયો છું એટલે દંડા ખાધા પછીનું જીવન કેવું હોય છે, એ તમે from the horse’s mouth (એટલે કે, ‘ઘોડે કે મુખ સે…) વાંચી નહીં શકો. આ લેખ કોઈ પોલીસકર્મી વાંચતો હોય તો, ‘તમે લઈ ગયા ને અમે રહી ગયા’ જેવું મારા માટે ન સમજશો. ‘કાંઈ વાંધો નહીં… એ વખતે બચી ગયા’તા, તો હવે ખાઈ લો…’ મરતા પહેલા પોલીસના બે-ચાર દંડા ખાઈ લેવા છે. એવા મારા કોઈ સપના નથી. એ તો આજે ખબર પડે છે કે, પોલીસ આપણો કોઈ દુશ્મન નહોતો તે ગયા ભવના વેર વાળવા આપણી પાસે ભરરસ્તે ઉઠબેસ કરાવતો. એ એની ડ્યૂટી અને આપણી દોડ કાચી હતી. બદલામાં આપણે એને ગાળો ખવડાવી છે, દંડા ખાધા વગર પણ! પોલીસ અમારા જમાનામાં ‘મફતલાલ’ કહેવાતો ને આજે ‘ઠોલો’ કહેવાય છે, એ હિસાબે એના રૂતબામાં કોઈ ફેર પડ્યો નથી. શાકભાજીની લારી પાસે એને ઊભેલો જુઓ એટલે કન્ફર્મ્ડ માની જ લેવાનું કે એ મફત શાક લેવા ઊભો છે. ટ્રાફિકના કોઈ ગુન્હા માટે પકડાઈએ એટલે માની જ લેવાનું કે, એ ગુસ્સે ન થાય એમ ધીમા અને શરમાળ અવાજે પૂછી જોવાનું, ‘સાહેબ દસ રૂપિયા બરોબર છે?’ આપણે પોલીસને એના ખાસ કોઈ વાંક વગર ભારે બદનામ કર્યો છે. અંગત રીતે, એક સવાલ આપણી જાતને પૂછવા જેવો ખરો કે, ‘આપણું એણે શું બગાડ્યું છે?’ સાલું, હોટલના વેઈટરોની ટિપના ભાવ ઊંચકાયા, પણ પોલીસ માટે આપણે દસની નોટ જ અલાયદી રાખી છે. એ જવા દે, તો આપણા મિનિમમ રૂ. 100 પ્લસ કોર્ટના ધક્કા બચ્યા, એ ગણતરી કરતા નથી, પણ પોલીસ છે એટલે ‘દસમાં જ પતી જશે.’ એવો ખ્યાલ રાખીને બેઠા છીએ. મને યાદ આવે છે, જનતા કરફ્યૂની સફળતા પછી મોદી સાહેબે આહ્્વાન આપ્યું હતું, ઘરની બાલ્કનીઓમાં ઊભા રહીને થાળી અને પિપુડાં વગાડવાનું. પોલીસ જ નહીં, ડોક્ટરો પણ કોરોના જેવા ઘાતક મહારોગમાં આપણને બચાવવા પોતાનો જાન જોખમમાં મૂકી દે છે. ઈનામરૂપે, ડોક્ટરોને આજે એક એક કોરોના ભગાડવાના આઠેક લાખ રૂપિયા આપવા પડે છે, ભલે એમાં કોરોના મટાડવાની કોઈ ગેરન્ટી નહીં. એમનો દવાદારૂનો ખર્ચો (રસી…?) કદાચ હજાર રૂપિયાનો ય નહીં આવતો હોય, પણ ‘જાન બચી લાખો પાયે’ના ધોરણે ડોક્ટરો તો માંગે એટલા ‘બાપા કહીને’ આપી દેવા પડે છે… એની સામે આપણે પોલીસોને શું આપ્યું? સરકાર તો આપણને સાંભળતા ય શરમ આવે, એટલો બેશરમ પગાર આપે છે. બીજે ક્યાંકથી આવક ઊભી કરવા જાય ને પકડાય તો ગઈ નોકરી! આ કોરોનાના ત્રણ મહિનાથી આપણે એની બીક રાખી છે, પણ એની કદી ચિંતા કરી છે? કોરોના અડશે તો પહેલો એને અડશે. આપણે તો ઘરમાં સબ-સલામત બેઠા છીએ, ને એમાં ય રોજ મિનિમમ બાર કલાક આગ ઓકતા સૂરજની નીચે ખડે પગે ઊભા રહેવાનું, ટોળું સામે પથ્થરો માટે કે મોંઢા ઉપર કોરોનાવાળું થૂંકે તો ય સહી લેવાનું. તોફાનો સિવાય પણ કુદરતી આફતો વખતે હરાયા ઢોરની જેમ કામે વળગવાનું અને ઘેર લાડકી દીકરીની ‘હેપ્પી બર્થ-ડે’ હોય તો રાહ જોતી દીકરી ઊંઘી જાય તે પહેલા પહોંચવા મળશે કે નહીં… સબ ઈન્સપેક્ટર સાહેબ જાણે! ઘરમાં પતિ-પત્ની વચ્ચે મા-બહેનની ગાળોવાળા ઝઘડા હોય ને દીકરીને ડોક્ટર કે સી.એ. બનાવવાના અભરખા હોય ને પાંચ પેઢીમાં પહેલીવાર દીકરી ડોક્ટર બનવા જઈ રહી હોય, પણ ઘરમાં ગરીબી કરતા ય ગાળો વધારે અપમાનજનક લાગે. આવા સંતાનો ડોક્ટર/ એન્જિનિયર તો શું, દસમું પાસ કરે તો ય પી.એચ.ડી. કર્યું કહેવાય! આપણે કોરોના પીડિતો માટે થેલી ઊઘરાવી. દસે દિશાથી સબડતા પોલીસો માટે રૂપિયો ય ઉઘરાવ્યો? અને ઉઘરાવીએ તો ખુમારીવાળાઓ લેશે પણ નહીં થેલી આપવી હોય તો કોઈ જુએ નહીં એમ છાનીમાની આપવી પડશે. નહીં તો માનશે નહીં કે, ગુજરાતની પ્રજા બીજાની ચિંતા કરતી આટલી દયાવાન ક્યાંથી થઈ ગઈ?  ashokdave52@gmail.com

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો