તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તડ ને ફડ:નેપાળની આડોડાઈ ભારતના જોડામાં ઘૂસેલી કાંકરી સાબિત થશે!

3 મહિનો પહેલાલેખક: નગીનદાસ સંઘવી
  • કૉપી લિંક
  • નેપાળ જે વિસ્તારનો દાવો કરે છે તે દાયકાઓથી ભારતનાં કબજામાં છે અને તેનો વહીવટ પણ ભારત સરકાર કરે છે તેવી દલીલ પણ ભારતે કરી છે

મોટો ડુંગર ચડવામાં પગને તકલીફ પડે તેના કરતાં જોડામાં રહેલી નાની કાંકરી વધારે ત્રાસરૂપ થઈ પડે છે. ચીન જોડેનો સંઘર્ષ ગાજે છે તે થોડા વખતમાં આપોઆપ શાંત પડી જવાનો છે, કારણ કે ભારત અને ચીન, બેમાંથી કોઈ પણ દેશને અથડામણમાં ઉતરવાની ઇચ્છા નથી, પણ નેપાળની કાંકરી આપણા માટે લાંબા વખત સુધી ત્રાસરૂપ થઈ પડવાની છે. નેપાળની આડોડાઈ અંગે કડક કે દંડાત્મક પગલાં ભરવાનું ભારત માટે શક્ય નથી, કારણ કે આપણી તાકાત જ આપણા માટે બંધનરૂપ બની ગઈ છે. નેપાળ નાનું અને નબળું હોવાથી તેની સામે કોઈ કડક પગલાં ભરવામાં આવે તો તે આપણા માટે બદનામીરૂપ થઈ પડે અને આપણે નાના નબળા પાડોશી દેશોને પરેશાન કરીએ છીએ તેવો અપપ્રચાર દુનિયાભરમાં થાય. રાજીવ ગાંધીએ માલદીવ્સ અને શ્રીલંકામાં લશ્કરી દરમિયાનગીરી કરી ત્યારથી આ બાબતમાં ભારતની મથરાવટી એવી થઈ ગઈ છે. તેથી નેપાળ જોડે ભારત સરકારે સાથળે થયેલા ગુમડાંની જેમ નાજુક હાથે જ કામ લેવું પડે. નેપાળની કથા ઘણી લાંબી છે અને ગૂંચવાયેલી પણ છે, પરંતુ નેપાળની આજની પરિસ્થિતિ માટેની જવાબદારી ભારત સરકાર નકારી શકે તેમ નથી. ભારતની આઝાદીની ચળવળમાં કેટલાંક નેપાળી નેતાઓએ સીધી રીતે ઝંપલાવ્યું હતું અને પ્રજા પરિષદનાં નેજા તળે નેપાળમાં લોકશાહી સરકાર સ્થાપવાનો પ્રયાસ પણ બ્રિટિશ રાજવટ દરમિયાન થયો હતો. ભારતને આઝાદી મળી ત્યારે નેપાળમાં રાજગાદી શાહ વંશની અને સત્તાની લગામ રાણા કુટુંબોના વડાપ્રધાનોની હતી. આ પરિસ્થિતિની સામે નેપાળનાં રાજવી ત્રિભુવન સિંહે વિદ્રોહ પોકાર્યો અને ભારતીય દૂતાવાસમાં આશરો લીધો. ભારત સરકારના પ્રભાવના કારણે નેપાળમાં પ્રજાસત્તાક તંત્રનો આરંભ થયો ત્યારથી આજ ઘડી સુધી નેપાળના રાજકારણમાં સતત ઉથલપાથલ થયા કરી છે અને નેપાળમાં રાજાશાહી ખતમ થયા પછી 2012થી ઉગ્રપંથી માર્ક્સવાદીઓ (માઓવાદીઓ)નો પ્રભાવ જામ્યો છે. એક જ વિચારશરણીના કારણે નેપાળ અને ચીન વચ્ચેનો મૈત્રી સંબંધ ગાઢ થતો રહ્યો છે. નેપાળમાં ચાલતી રાજકીય અથડામણ વખતે ભારત સરકારે નેપાળમાં આર્થિક નાકાબંધી કરી (2015) ત્યારથી નેપાળમાં ભારત વિરોધી વાતાવરણ વધારે ને વધારે વિકસતું જાય છે. ચીને નેપાળને આર્થિક સહાય આપવાનું વચન આપ્યું છે અને નેપાળની આર્થિક ગુલામી નાબૂદ કરવા માટે રેલ્વે લાઈન નાખી આપવાનું વચન પણ આપ્યું છે. નેપાળ ચોતરફથી ઘેરાયેલું અને બીન-બંદરી રાજ્ય છે અને પરદેશી માલ આયાત કરવા માટે નેપાળે કોલકાતા બંદરનો આશરો લઈને ભારતના પ્રદેશમાંથી માલ-સામાનની અવજરજવર કરવી પડે છે. આયાતી માલ પર જકાત નાખવામાં ન આવે અને માલવાહક સગવડો આપવામાં આવે તે માટે નેપાળ ભારતનું મોહતાજ છે. નેપાળનું સંરક્ષણ કરવાની જવાબદારી અને સત્તા ભારત સરકાર ભોગવે છે, કારણ કે નેપાળ ભારતનું આગણું છે અને ચીને મધ્ય એશિયાથી પશ્ચિમ એશિયાથી લઈને યુરોપ સુધી એક રસ્તો, એક પટ્ટોની દરખાસ્ત મૂક્યા પછી નેપાળનું મહત્ત્વ વધ્યું છે. નેપાળે ભારત સરકાર પર સરહદી ઘૂસણખોરીનો આક્ષેપ મૂક્યો છે અને આઠસો ચોરસ કિલોમીટર જેટલો પોતાનો પ્રદેશ ભારત સરકારે પચાવી પાડ્યાની કાગારોળ શરૂ કરી છે. આ પ્રદેશ પોતાનો છે તેવું દર્શાવતા નવા નકશાઓ તૈયાર કરાવીને આ નકશાઓ માટે નેપાળી પાર્લામેન્ટની મંજૂરી મેળવી છે. ભારત સરકારે ખામોશી અપનાવી છે. નકશાબાજી પડતી મૂકીને સરહદની ચર્ચા કરવા માટે નેપાળને આમંત્રણ આપ્યું છે. નેપાળ જે વિસ્તારનો દાવો કરે છે તે પ્રદેશ વર્ષોથી, દાયકાઓથી ભારતનાં કબજામાં છે અને તેનો વહીવટ પણ ભારત સરકાર કરે છે તેવી દલીલ પણ કરી છે. નેપાળમાં ભારતીયો નથી, પણ ભારતમાં નેપાળીઓએ મોટાપાયે પગપેસારો કર્યો છે. સિક્કીમના ટચુકડા રાજ્યમાં નેપાળીઓએ પગદંડો જમાવ્યો છે અને આર્થિક-રાજકીય બાબતમાં પોતાનું વર્ચસ્વ જમાવીને સિક્કીમના મૂળ રહેવાસીઓનું મહત્ત્વ ઓછું કરી નાખ્યું છે. પોતાનો પગ કાયમ માટે જામેલો રહે તે માટે નેપાળી આગેવાનો અનામત બેઠકોની માંગણી કરી રહ્યા છે. અનામતની માંગણી નબળા કે પછાત લઘુમતી કોમના લોકો કરે તે સમજી શકાય છે, પણ બહુમતી ધરાવતા નેપાળી આગેવાનોની માંગણી કોઈ રીતે વાજબી ઠરાવી શકાય તેમ નથી. જોકે, સિક્કીમ એક જ મુદ્દો નથી. બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં નેપાળીઓની વસ્તી સતત વધતી જાય છે અને એંશીના દાયકામાં નેપાળીઓના આગેવાન સુભાષ ઘિશિંગે બંગાળમાંથી અલગ કાપીને ગોરખા લેન્ડનું નવું રાજ્ય સ્થાપવા માટે આંદોલન ચલાવ્યું હતું, પણ તે વખતે બંગાળમાં જ્યોતિ બસુ જેવા મજબૂત અને વિચક્ષણ મુખ્યમંત્રી હતા અને માર્ક્સવાદી પક્ષનો સૂરજ મધ્યાહ્્ને તપતો હતો. ગોરખા લેન્ડ આંદોલનમાં ઘણી હિંસાખોરી થઈ છતાં જ્યોતિ બસુએ આ બાબતમાં મચક આપી નહીં. સ્થાનિક વહીવટી બાબતોમાં ગોરખાઓનો અવાજ વધારે મજબૂત બને તેવી શરતે સમાધાન થયું, પણ આ ચળવળ હજુ પૂરેપૂરી શમી નથી. ભારત સરકાર કે બંગાળ સરકાર નબળાં પડે તો આ પ્રકારનું આંદોલન ફરી શરૂ થવાની વકી રાખવામાં આવે છે. નેપાળનો પ્રશ્ન જોડામાં ઘૂસેલી કાંકરી છે અને તેનાં પડઘા પટછંદા લાંબો વખત આવવાના છે. નેપાળનું વાંછળું કૂદાકૂદ કરે છે, કારણ કે તેને ચીન જેવી મહાખૂંટીનો સહારો મળેલો છે. nagingujarat@gmail.com

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો