તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તડ ને ફડ:હિજરતી મજૂરો : ભારત માટે ચકડોળે ચઢેલો સવાલ

9 મહિનો પહેલાલેખક: નગીનદાસ સંઘવી
 • કૉપી લિંક
 • જે મળ્યું તે વાહન, રેલ, બસ, ટ્રકમાં ભરાઈને અથવા પગે ચાલીને પણ મજૂરોએ સ્થળાંતર કર્યું

આગળ ચાલવા કરતાં પાછલા પગે ચાલવું વધારે અઘરું છે. કોરોનાથી બચવા માટે બધી આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવાનો આદેશ તો અમલમાં મુકાયો, પણ દોઢ મહિના પછી તાળાબંધી ખોલવાનું કામ અનેક અવનવા કોયડાઓ ઊભા કરે છે અને આર્થિક મંદીને ઓળંગીને પાછા મૂળ સ્થાને પહોંચવામાં એકાદ-બે વર્ષ લાગશે તેવું નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કહે છે. તાળાબંધી ખોલવામાં ઉતાવળ કરવા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ખાસ ચેતવણી આપી છે. ખોટી ઉતાવળ કરશો તો ફરી અને વધારે કડક તાળાબંધી કરવી પડશે. આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા દરેક દેશ થનગની રહ્યો છે, પણ દરેક દેશને પોતપોતાના આગવા સવાલો મૂંઝવે છે. ભારતમાં હિજરતી મજૂરોનો સવાલ ચકડોળે ચડ્યો છે. કોરોનાના કેન્દ્ર જેવાં મોટાં શહેરોની ઝૂંપડપટ્ટીમાં નરકવાસો કરનાર મજૂરોની કમાણી કોરોનાએ બંધ કરી તેથી આ મજૂરોએ વતનની વાટ પકડી ને થોડી અવઢવ પછી આ મજૂરોને ઘેર પહોંચાડવા બંધ પાડવામાં આવેલી રેલગાડીઓ ખાસ ફરી શરૂ કરવામાં આવી. હજારો મજૂરો પોતપોતાનાં ઘેર ઉપડ્યા. જે મળ્યું તે વાહન, રેલ, બસ, ટ્રકમાં ભરાઈને અથવા પગે ચાલીને પણ મજૂરોએ સ્થળાંતર કર્યું. આ સ્થળાંતર અથવા હિજરતે બે બાજુની મુશ્કેલી ઊભી કરી છે. કોરોનાનો સપાટો હળવો થાય અથવા હળવો હોય ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા સરકાર આતુર છે, કારણ કે ઉત્પાદન-વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જાય તો લોકો ભૂખે મરે. કોરોનાના રોગથી મરે કે ભૂખ્યા પેટે મરી જાય, પણ તેનાથી મરણમાં કશો ફરક નથી. ભારતમાં ઘણા જિલ્લાઓમાં કોરોના નહીંવત્ છે. તેથી આવા વિસ્તારોમાં કારખાનાં, ખેતીવાડી, દૂધ-શાકભાજીના ખરીદ-વેચાણનું કામકાજ શરૂ કરવાની છૂટ સરકારે આપી છે, પણ આ કામકાજ કરે તેવા મજૂરો, કામદારો, કારીગરો તો વતનમાં જઈને બેઠા છે. ઊભો પાક સુકાય છે. શેરડી-કેળાં સડી જાય છે, પણ તેને વાઢવા-ઉતારવા માટે માણસો મળતા નથી. તેથી જે રાજ્યોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકસેલી છે તેમને માણસોની ટંચાઈ નડે છે. મહારાષ્ટ્ર સરકારે 40,000 મજૂરોને વતન જવા માટે રેલવે ગાડીની વ્યવસ્થા કરી આપી, પણ હવે આ સગવડ રદ કરવામાં આવી છે. કર્ણાટકની સરકારે જાહેર કરેલી 13 ટ્રેનો મજૂરોને લઈ જવાની હતી તે રદ કરવામાં આવી છે. આ પરપ્રાંતીય મજૂરોને રોકાઈ જવાની વિનંતી કરી શકાય, પણ કારખાનાદારો કે જમીનદારોની સેવા માટે ફરજિયાત ન રોકી શકાય નહીં. આ મજૂરો કંઈ વેઠિયા કે ગુલામો નથી કે શ્રીમંતો કે સરકારો તેમની જોડે ફાવે તેમ વર્તી શકે. તમારી સગવડ માટે મોકલી આપો અને તમારી સગવડ પ્રમાણે અટકાવી રાખો, પણ વાહનવ્યવહારનાં સાધનો બધાં સરકારના હાથમાં છે. રેલવે કે બસ પર પ્રતિબંધ મૂકીને મજૂરોને અટકાવી શકાય છે. સામા છેડે પણ વાંધાવચકા છે. મોટાભાગના હિજરતી મજૂરો બિહાર-ઉત્તરપ્રદેશના છે અને આ બંને રાજ્યોએ તેમના આવવા સામે વિરોધ ઉઠાવ્યો છે. એક તો રોગના ચેપી વિસ્તારમાંથી આવતા મજૂરોના કારણે અત્યાર સુધી મુક્ત રહેલા વિસ્તારોમાં પણ કોરોના ફેલાય તો મુશ્કેલીનો પાર ન રહે, કારણ કે આર્થિક રીતે પછાત આ વિસ્તારોમાં દવા-સારવારનાં સાધનો અતિશય ટાંચાં છે. વર્ષો અને દાયકા સુધી ગુજરાત-મહારાષ્ટ્રમાં વસવાટ કરનાર આ મજૂરો મોટી સંખ્યામાં એકાએક આવે તો તેમના માટે રહેણાક, રાશન, પાણી, રસ્તાની વ્યવસ્થા કરવી પડે અને આ આર્થિક તેમજ વહીવટી બોજો ઉઠાવવા માટે બિહાર કે ઉત્તર પ્રદેશની સરકારો તૈયાર નથી. તેથી તેમણે આ મજૂરોને પોતે છે ત્યાં જ રોકાઈ રહેવાની સલાહ આપી છે. આવી સલાહ આપવી સહેલી છે, પણ એના અમલમાં અનેક મુશ્કેલી છે. દેશના ત્રેવીસ જેટલા ઔદ્યોગિક વિસ્તારોમાં ઠાંસોઠાંસ ભરાયેલા મજૂરો કોરોનાના કારણે દોઢક મહિનાથી બેકાર છે. સરકાર કે સેવા સંસ્થાઓએ મફત પહોંચાડેલું અનાજ ખાય છે. આ સંસ્થાઓ પોતાની સગવડ અને વ્યવસ્થા જાળવવા માટે નિશ્ચિત ખોરાક તૈયાર કરે છે અને દરેક માણસને દરેક વખતે એકનો એક ખોરાક ખાવાનું ગમતું પણ નથી અને ફાવતું પણ નથી. આવા અનાજનો પુરવઠો અતિશય ટાંચો હોય છે અને અનિયમિત હોય છે. એક સંસ્થાએ કરેલા સર્વે મુજબ બેંગલુરુના બેકાર મજૂરોએ કરેલી માગણીમાંથી ત્રીજા ભાગનું અનાજ એકવીસ-બાવીસ દિવસ પછી આવ્યું. આમાં વહીવટીતંત્રનો દોષ નથી. કામ નવતર છે અને ઘણું વિશાળ છે. લાખો ને કરોડો માણસોને રોજરોજ જરૂરી અનાજ પહોંચાડવાનું કામ કોઈ પણ સરકાર કરી શકે નહીં. અનાજનાં સરકારી ગોદામો ફાટફાટ થાય છે અને અનાજનું મફત વિતરણ કરવા માટે સરકાર તૈયાર છે. સર્વોચ્ચ અદાલતે આવો આદેશ આપ્યો છે. અનાજ સલામતી કાયદો પણ ઘડાયો છે, પણ જરૂરિયાતમંદ લોકોને અનાજ પહોંચાડવું શી રીતે? કોણ દેવા જાય અને કેવી રીતે પહોંચી વળાય? રેશનશોપવાળા લોકો મફત મળેલું અનાજ ભૂખે મરતા ગરીબ લોકોને આપવાના બદલે મોંઘા ભાવે વેચી મારે છે. વળી, બધા પાસેે રેશનકાર્ડ હોતાં નથી અને રેશનકાર્ડ મેળવવા માટે સરકારી અમલદારોને લાંચ આપવી પડે છે. સરકારી ગોદામોમાંથી અનાજ ગરીબોના હાંડલા સુધી પહોંચે તેના કરતાં આ અનાજ સડી જાય તેમાં શરાબ બનાવનાર કારખાનાદારને વધારે ફાયદો છે. સડેલું અનાજ મફતના ભાવે મળે અને તેમાંથી બનેલો દારૂ મોંઘા ભાવે વેચી શકાય તેથી અનાજની વહેંચણીમાં આ લાગવગીમાં લોકો અવરોધ નાખ્યા કરે છે, પણ આ મુશ્કેલીઅો કામચલાઉ છે. ઉદ્યોગધંધા શરૂ કરવાની જાહેરાત સરકારે કરી છે અને અડધા ભારતમાં ગ્રીનઝોનમાં બધું કામકાજ શરૂ કરવાની છૂટ આપી છે, પણ આ છૂટ હાલ પૂરતી નકામી છે. ગ્રામ વિસ્તારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને કારખાનાંઓ મોટા કારખાનાંઓ પર આધારિત હોય છે અને 53 ટકા ઉત્પાદન કેન્દ્રો કોરોનાગ્રસ્ત 20 કેન્દ્રોમાં અટવાયેલાં છે. આ 20 કેન્દ્રો અને 130 જિલ્લાઓમાં કારખાનાં ધમધમતાં ન થાય ત્યાં સુધી ભારતના છસો જિલ્લાઓમાં કામગીરી થઈ શકે નહીં. મજૂરો ત્યાં જઈને બેઠા છે અથવા બેસવા માગે છે, પણ તેમની જરૂર 130 જિલ્લાઓમાં છે. જ્યાં કામકાજની પરવાનગી મળતી નથી. nagingujarat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો