એન્કાઉન્ટર / મનુષ્યને બધાં અંગો બબ્બે છે, પણ દિલ એક જ કેમ છે?

Man has all the limbs, but why is the heart the same?
X
Man has all the limbs, but why is the heart the same?

અશોક દવે

Aug 02, 2020, 12:03 PM IST

- હું મારા બીજા નાકથી સૂંઘીને જવાબ આપું છું.
(પ્રશ્નકર્તાઃ વિધિ પ્રજાપતિ, ગોલથરા-કલોલ)
⬛ તમે પહેલાં જે સાઇકલ ચલાવતા હતા, તે હવે વેચો તો કેટલા આવે?
-રાકેશ જણસારી, પાલનપુર
-મારી સાથે સમજો ને… લગભગ અઢીસો-ત્રણસો આવે. મારા વગર લઇ જવી હોય તો 40-50 હજારની તૈયારી રાખવી પડે.
⬛ બેંક લોન લઇને વિદેશ જવું હોય તો?
-હર્ષ એસ. હાથી, ગોંડલ
-હું જરા જોઇ લઉં. મને તમારે આપવાના કાંઇ બાકી રહેતા નથી ને?
⬛ કોરોનાને લીધે બધા ધંધે લાગી ગયા, હવે પોતાના ધંધે વળગવાની શી જરૂર છે?
-નીલેશ જી. વાળા, કોડિનાર-ગીર સોમનાથ
-ગીરના ખૂંખાર સિંહોની વચ્ચે ઊછરેલું પ્રતાપી બાળ આવી આવી વાત કરે છે?
⬛ તમારા મતે લોકડાઉન શું છે?
-રાજુ ટાંક, સોનારિયા-સોમનાથ
-કોરોનાથી બચવાનો એકમાત્ર રસ્તો.
⬛ તમે કયો ફોન વાપરો છો?
મેહુલ પ્રજાપતિ ‘વાઇન્સ’, કુતિયાણા
-પોતાનો.
⬛ ઘરના વાવાઝોડાથી બચવા શું કરવું?
-મહાસુખ દરજી, અમદાવાદ
-ઘરમાં વાવાઝોડું ચાલતું હોય ત્યારે બહારથી બંધ કરીને આપણે બહાર નીકળી જવું.
⬛ ઘણા સ્વ. ફિલ્મસ્ટાર્સને ઇ. સ. 2020નું વર્ષ અભાગિયું નીવડ્યું ને એમાંય કોરોના!
-પ્રકાશ ઝાલા, છીપડી-કલેસર
-આ કોલમ ઇ.સ. 2050 સુધી યથાવત્ ચાલુ રહે, એવી પ્રાર્થના કરો, એમાં મને ને તમને બંનેને ફાયદો છે.
⬛ તમે તો કટાર લેખક છો. ‘એન્કાઉન્ટર’ કરવાનું તમને લાઇસન્સ કોણે આપ્યું?
-શૈલેષ આર. ડોડિયા, ગાંધીનગર
-પરમ કૃપાળુ પરમાત્માએ.
⬛ કોરોનાની રસીના શોધકમાં તમારું નામ આવી જાય તો? -નૂતનકુમાર ભટ્ટ, સુરત
-હું પ્રાર્થના એ કરું છું કે કોરોનાના ભોગ બનનારાઓમાં મારું નામ આવી ન જાય!
⬛ કોઇ શિક્ષક પત્ની ઉપર બે કલાક ભાષણ આપી શકે, પણ પત્ની શિક્ષક હોય તો?
-હેમંત ત્રિવેદી, વડોદરા
-જગતમાં જેટલું દુ:ખ પતિ હોવાનું છે, એટલું પત્ની હોવાનું નથી. બહેનનું ભાષણ તો શરૂ થતાં પહેલાં જ પૂરું થઇ જાય!
⬛ ‘ટિકટોક’ અને ‘યુ-ટ્યુબ’ વચ્ચે યુદ્ધ ચાલે છે, એમાં આપનો અભિપ્રાય શો છે?
-જ્યોતિ ભૂપતભાઇ રાઠોડ, મહુવા
-આપણાથી ચાઇનાનું જે કાંઇ બંધ થઇ શકતું હોય તે બધું બંધ કરવું જોઇએ. ટિકટોક ચીનનું છે.
⬛ તમારી સૌથી ઊંચી ઇચ્છા શું છે? એ પામવા શું કરો? -બિપીન જાની, જામનગર
- અમારા ફ્લેટના ટેરેસ પરની ટાંકી ઉપર કૂતરાં બેસે છે… મરતાં પહેલાં એ બધાને નીચે ઉતારવા છે.
⬛ જો હું ‘અશોક દવે’ હોઉં અને તમે ‘ભાવિની વાઘેલા’ હોત તો કયો પ્રશ્ન પૂછો?
-ભાવિની વાઘેલા, કોટડા-જડોદર, કચ્છ
-‘અશોકભાઇ, અમારે ત્યાં જમવા ક્યારે આવશો?’
⬛ ‘ માણસ માત્ર, ભૂલને પાત્ર’, તો પશુ કોને પાત્ર?
-નોરત એમ. કુમાવત, કાંટ્સવેલ-નવસારી
-હું એ અવતાર લઉં પછી ખબર પડે!
⬛ સગપણ જાહેર થાય ત્યારે હરખનો તરત ફોન કરી દેવો, તો પહેલાં 50માં નામ લખાઇ જાય, શું કહો છો? -નયના માંકડ, માધાપર-કચ્છ
-બીજું નામ મારું લખવું.
⬛ લવ મેરેજ અને અરેન્જ્ડ મેરેજમાં સારું શું?
-મીત કે. નાંઢા, અમદાવાદ
- અફ કોર્સ, અરેજન્ડ જ… કમ સે કમ બંને પાર્ટીઓને બે આંખની શરમ તો નડે ને?
⬛ તમારે કોઇની સાથે કદી પ્રેમ થયો છે?
-જિજ્ઞેશ ભરવાડ. પીપળજ-અમદાવાદ
-‘કહાં તક નામ ગિનવાયે, સભીને હમકો લૂંટા હૈ…!’ (એ લોકો મારા માટે એવું કહે છે!)
⬛ તમે દર વખતે અમારા નામ-સરનામાં અને ફોન નંબર તો લો છો, પણ ક્યારેય ફોન તો કરતા નથી. કરો તો કેવું સારું લાગે?
-નીલેશ આર. પ્રેસવાળા, ભરુચ
-તમારા નામે બીજો કોઇ અઘટિત પ્રશ્ન પૂછી ન જાય એટલે આ પ્રથા રાખી છે. અમે અચાનક કોઇને ફોન પણ કરીએ છીએ.
⬛ રાજકારણીઓ માટે દેશપ્રેમનાં ઇન્જેક્શનો શોધાય તો કેટલો ફેર પડે?
-ધીરજ બ્રહ્મભટ્ટ, જામખંભાળિયા
-આ વર્ગ એટલી હદે બદનામ થઇ ચૂક્યો છે કે, એને દેશપ્રેમના દરિયામાં ડુબાડો તો દરિયો નાલાયક થઇ જાય.
⬛ વારંવાર હાથ ધોતા નથી, તો પરીક્ષામાં ચોરી કરવા જતાં હોઇએ એવું લાગે છે.
-હરેશ લાલવાણી, અમદાવાદ
પ્રભુ તમને પાસ કરે.
⬛ આ લોકડાઉન પૂરું થયું. હવે તમે કેવો અહેસાસ કરી રહ્યા છો?
-ડો. એમ. જી. સરવૈયા, ભાવનગર
-‘બચ ગયા સાલા….!’
⬛ તમે લુચ્ચા છો અને ભોળા દેખાવ છો. અમે ભોળા છીએ, છતાં લુચ્ચા દેખાઇએ છીએ. એવું કેમ? -સુધીર શેઠ, વડોદરા
-અમે લુચ્ચા અને તમે ભોળા, એ સર્ટિફિકેટ તમે ભોળા હોત તો આપત?
⬛ તમને ડિમ્પલ કાપડિયા ગમે છે, તેમ હકીભાભીનો ફેવરિટ એક્ટર કયો?
-કૌશિક શાહ, ભાવનગર
-અશોક કુમાર.
⬛ લોકડાઉને પતિદેવોને રસોઇ કરતા શીખવી દીધી હશે?-કિરણ દરજી, નખત્રાણા-કચ્છ
-તમે જમવા બોલાવો તો અભિપ્રાય આપી શકું.
⬛ ધાર્મિક સિરિયલોનાં વૃદ્ધ પાત્રોને પણ ચશ્માં પહેરેલાં કેમ બતાવતાં નથી?
-દેવાંગ વ્યાસ, અમદાવાદ
-એ જમાનામાં ચશ્માંની દુકાનો હજી ખૂલી નહોતી.
⬛ શું તમે જ્યોતિષી છો?
-અસલમ કટારિયા, ધોરાજી
-લો બીજો સવાલ….!
(પહેલા સવાલના રૂ. એક હજાર છે.)
⬛ લોકડાઉન દરમિયાન પરણેલા યુગલોએ હનિમૂન માટે ક્યાં જવું?
-જીતેન્દ્ર કેલા, મોરબી
-ટેરેસ પર.
⬛ ‘કલમવાળી બાઇ’ સાથે વાત થાય છે?
-જ્યોતિ ભંડારી, અમદાવાદ
મારે મૂછોવાળા ભાઇ સાથે વધુ વાતો થાય!
⬛ તાજમહાલ જૂનામાં લેવાય કે નવો લેવો સારો?
-જયદીપ કણજરિયા, અમદાવાદ
-એ આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે. એને માટે ગૌરવ જ અનુભવાય.
⬛ લોકડાઉનમાં તમે કરેલા કચરા-પોતાંનો અનુભવ કેવો રહ્યો? -પાર્થ સુબા, અમદાવાદ
-તમારો અનુભવ કામે લાગ્યો.
⬛ પત્નીએ રોતા પતિને સમજાવ્યો. (આમાં કોણ રડે છે?) -રેશ્મા મુસાણી, જૂનાગઢ
-જવાબ આપતાં પહેલાં હું…
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું: ‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: [email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી