તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદી 70ના થયા:20 વર્ષ પહેલાં જે ડાયરીને મોદી આગમાં સળગાવી રહ્યા હતા, તે જ પાનાંમાંથી 'લેટર્સ ટુ મધર' પુસ્તક બન્યું, વાંચો એ બનવાની વાત, સાથે અન્ય કિસ્સા પણ..

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: ભાવના સોમૈયા
  • કૉપી લિંક
ગુજરાતી પુસ્તક 'સાક્ષીભાવ'નો અંગ્રેજી અનુવાદ જાણીતાં તથા પદ્મશ્રીથી સન્માનિત લેખિકા ભાવના સોમૈયાએ કર્યું છે. - Divya Bhaskar
ગુજરાતી પુસ્તક 'સાક્ષીભાવ'નો અંગ્રેજી અનુવાદ જાણીતાં તથા પદ્મશ્રીથી સન્માનિત લેખિકા ભાવના સોમૈયાએ કર્યું છે.

ચાર દાયકાથી હિન્દી ફિલ્મ પત્રકારત્વક્ષેત્રે સક્રિય રહેલાં ભાવના સોમૈયાએ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતી પુસ્તક 'સાક્ષીભાવ'નો અંગ્રેજીમાં 'લેટર્સ ટુ મધર' નામે અનુવાદ કર્યો છે. આ તેમનું સત્તરમું પુસ્તક છે. પદ્મશ્રીથી સન્માનિત ભાવનાબેન પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના પ્રસંગે 'દિવ્ય ભાસ્કર'ના વાચકો સાથે આ પુસ્તકની સર્જન પ્રક્રિયા વિશે રસપ્રદ વાતો માંડે છે. હવે ઓવર ટુ ભાવના સોમૈયા...

1986નો દિવસ હતો. એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર એવા નરેન્દ્ર મોદીએ કોઈ અંતરિયાળ વિસ્તારમાં શિબિરનું આયોજન કર્યું હતું. અંધારી રાતે નરેન્દ્ર મોદી નાઈટ લેમ્પના અજવાળે પોતાની ડાયરી લખવા બેઠા. આ ડાયરીમાં તેઓ દેવી માને 'જગત જનની' તરીકે સંબોધિત કરીને પોતાના હૃદયના પેટાળમાં સંઘરી રાખેલી લાગણીઓ કાગળ પર સીંચતા હતા. વિવિધ મુદ્દાઓ પર ચાલતી તેમની કલમમાંથી ટપકતા શબ્દો ઘણે અંશે ફિલોસોફિકલ હોવા છતાં ભારોભાર લાગણીથી નીતરતા હતા. કદાચ આ જ કારણ હતું કે તેઓ દર થોડા સમયાંતરે એક તાપણું પ્રગટાવતા અને પોતાની એ ડાયરીઓ તેમાં હોમી દેતા. એમનો આ ક્રમ વર્ષો સુધી ચાલતો રહ્યો. ખરું પૂછો તો દાયકાઓ સુધી...

આ વાતને વર્ષો વીત્યાં. હવે 2000નું વર્ષ ચાલતું હતું અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીની ખુરસીએ બિરાજતા હતા. એક દિવસ પોતાના ગાર્ડનમાં બેઠાં બેઠાં આ જ રીતે તેઓ પોતાની ડાયરીનાં પાનાં ફાડી ફાડીને અગ્નિ દેવતાને હવાલે કરી રહ્યા હતા. ત્યાં જ તેમના બંગલે તેમના એક પ્રિય મિત્ર આવી ચડ્યા. બંગલાના સ્ટાફ મેમ્બર તેમને મોદી જ્યાં બેઠા હતા ત્યાં ગાર્ડન તરફ દોરી ગયા. પોતાની જ ડાયરીનો નાશ કરી રહેલા મોદીને જોઈને તે મિત્રને ભારોભાર આઘાત લાગ્યો. તેમણે તરત જ મોદીના હાથમાંથી એ અડધી બચેલી ડાયરી ખૂંચવી લીધી. તેમણે નરેન્દ્ર મોદી પર રોષ પણ ઠાલવ્યો કે તેમને પોતાના સર્જનની કદર કેમ નથી. મોદી એ ડાયરીને વધુ નુકસાન ન પહોંચાડે એ માટે તે મિત્ર બાકી બચેલી ડાયરીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા.

આ પ્રસંગને પણ 14 વર્ષનાં વહાણાં વીતી ગયાં. હવે વર્ષ હતું 2014નું અને સ્થળ હતું મુંબઈનું ભાઈદાસ ઓડિટોરિયમ. પ્રસંગ હતો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તક 'સાક્ષીભાવ'ના વિમોચનનો. ખીચોખીચ ભરેલા ભાઈદાસ ઓડિટોરિયમમાં એક અજબ ઊર્જા અને ઉત્કંઠા હવામાં તરતી હતી. બહાર રસ્તા પર ચિક્કાર ટ્રાફિકજામ સર્જાયો હતો અને જેટલા લોકો અંદર હતા તેના કરતાં ક્યાંય વધુ લોકો ઓડિટોરિયમની બહાર હતા. કાર્યક્રમ શરૂ થયો અને એક પછી એક વક્તાઓનાં પ્રવચનોનો દોર ચાલ્યો.

આખરે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થઈ અને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. હવે આ પુસ્તક પાછળ તેમની કેફિયત જાણવા મળવાની હતી. તેમણે જણાવ્યું કે આ પુસ્તક સાક્ષીભાવ બે વ્યક્તિના સતત પ્રોત્સાહનના પરિણામસ્વરૂપે આકાર લઈ રહ્યું છે. તેમાંની પહેલી વ્યક્તિ એટલે નરેન્દ્રભાઈ પંચાસરા, જેમણે મોદીના હાથમાંથી ડાયરી લઈને તેને સળગી જતી અટકાવી હતી, જ્યારે બીજી વ્યક્તિ હતા લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવિ અને પ્રકાશક એવા સુરેશ દલાલ, જેઓ સતત આ પુસ્તક પ્રકાશિત કરવા માટે નરેન્દ્ર મોદીને યાદ અપાવતા રહ્યા.

એ સાંજની એકેએક ક્ષણ મને આજે પણ યાદ છે, કારણ કે હું પણ તે ઓડિટોરિયમમાં હાજર હતી. અલબત્ત, એ વાતનો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ મારા ભાગે જ આવશે.

ચાર વર્ષ પછી 2018ની એક સવારે હું મારા ઘરે બેઠી હતી. શ્રી કૃષ્ણ પરના એક પુસ્તકના મારા અનુવાદથી વાકેફ એક લેખક મિત્રનો મારા પર ફોન આવ્યો. તેમણે પૃચ્છા કરી કે હું હવે એકેય પુસ્તકના અનુવાદનું કામ કેમ હાથમાં લેતી નથી. તેમણે સૂચન કર્યું કે મારે નરેન્દ્ર મોદીનાં પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ કરવો જોઈએ. હું જાણતી હતી કે એ કામ ભારે કપરું છે, એટલે મેં મક્કમતાથી તેમને ના પાડી, પરંતુ એ મિત્રનો પ્રેમાગ્રહ ઓછો થયો નહીં અને જ્યાં સુધી મેં આ કામ માટે હા ન પાડી ત્યાં સુધી તેઓ મને પાનો ચડાવતા રહ્યા. આખરે મેં તેમને કહ્યું કે સારું હું પ્રયત્ન કરીશ.

ખરું પૂછો તો તેમનાથી પીછો છોડાવવા માટે જ મેં હા પાડેલી. અનિચ્છાએ હું મારા સ્ટડી રૂમ માં ગઈ અને બુકશેલ્ફ પરથી નરેન્દ્ર મોદીનું પુસ્તક 'સાક્ષીભાવ' વાંચવા લીધું. ધીમી પણ અર્થસભર શૈલીમાં લખાયેલા એ પુસ્તકના લેખનપ્રવાહમાં હું ધીમે-ધીમે વહેતી ગઈ. નરેન્દ્ર મોદીએ પોતાના લખાણમાં એવા કેટલાય શબ્દો વાપર્યા હતા જેનો અર્થ જાણવા માટે મારે શબ્દકોશ ઊથલાવવો પડ્યો હતો. હા, કવાયત એકદમ ફળદાયી નીવડી, કારણ કે નરેન્દ્ર મોદીની ભાષાશૈલી એકદમ ગહન અને ચુંબકીય હતી. પુસ્તક પૂરું થયું ત્યાં સુધીમાં મેં તેનો અંગ્રેજી અનુવાદ કરવાનું નક્કી કરી લીધું હતું.

તેમણે વ્યક્ત કરેલી લાગણીઓની પારદર્શિતા અને ખાસ તો પોતાની જાતને વ્યક્ત કરવાની જરૂરિયાત મને સ્પર્શી ગઈ.

હું ફુલટાઈમ લેખક નથી. મારે મારો સમય નોકરી અને પુસ્તક વચ્ચે વહેંચવો પડે છે. અત્યાર સુધીના મારાં બધાં જ પુસ્તકો મેં આ જ રીતે લખ્યાં છે. આ પુસ્તક માટે મેં ટાઈમટેબલ નક્કી કર્યું અને રોજની પાંચ કવિતા લેખે અનુવાદનું કામ શરૂ કર્યું. પુસ્તકનો પહેલો ડ્રાફ્ટ ફટાફટ તૈયાર થઇ ગયો, કારણ કે એ વખતે મારું લક્ષ્ય લેખન સામગ્રી ભેગી કરવાનું હતું. ખરું મહેનત માગી લેતું કામ ત્યાર પછીના ડ્રાફ્ટમાં શરૂ થયું, કારણ કે ત્યારે તમે બે ભાષાઓ અને તેમાં વ્યક્ત થતી લાગણીને યથાતથ રીતે અનુવાદિત કરવાના યજ્ઞમાં જોતરાયેલા હો છો.

અનેક ડ્રાફ્ટ્સ, રિરાઇટિંગ, શબ્દોના અર્થ ફરી ફરીને જોવા, એનો સંદર્ભ ચકાસવો આ બધાનું કામ ચાલ્યું અને આખરે પુસ્તકની મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થઈ. જાણીતી હસ્તીઓનાં પુસ્તકો તૈયાર કરતી વખતે ચોક્કસ ઔપચારિકતાઓ, પ્રોટોકોલ અને અન્ય વિધિઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ એક વખત 'હાર્પર કોલિન્સ' પ્રકાશક તરીકે નક્કી થયા, એ પછી અમે આ પુસ્તક લાવવા માટે તૈયાર હતા. આ પુસ્તકના કામ માટે ખુદ નરેન્દ્ર મોદી સાથે એક વખત મુંબઈના રાજભવન ખાતે મુલાકાત પણ થઈ હતી.

હવે 2020ના વર્ષમાં આ પુસ્તક 'લેટર્સ ટુ મધર'ના સુપર પ્રેઝન્ટેશનનો તમામ યશ અમારા પ્રકાશક હાર્પર કોલિન્સને જાય છે. આ પુસ્તક વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ પ્રમાણે તેનું કદ અને કિંમત રાખવાનો આઈડિયા એડિટર ઉદયન મિત્રાનો હતો. તેમનું દૃઢપણે માનવું હતું કે આ પુસ્તક ભારતના પ્રધાનમંત્રીનું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું નથી. બલકે, એક કોમનમેનનું છે, જેણે પોતાના હૃદયના ઊંડાણમાં ધરબી રાખેલી લાગણીઓને સૌની સામે વહેંચવાની હિંમત કરી છે. એટલા માટે જ આ પુસ્તક સમગ્ર દેશવાસીઓ સુધી પહોંચવું જોઈએ.

'લેટર્સ ટુ મધર' પુસ્તક એક ઇમેજ પાછળ રહેલી વ્યક્તિના ભય અને એંક્ઝાયટીઓને છત્તી કરે છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખે છે કે આ પુસ્તક લાવવા પાછળ તેમનો હેતુ કોઈ સાહિત્યિક કૃતિ રજૂ કરવાનો નથી. બલકે, આ પુસ્તકમાં તેમનાં અવલોકનો અને લાગણીઓને કોઈ જ ફિલ્ટર વિના રજૂ કરવામાં આવી છે. તેમની આ પ્રામાણિકતા જ મને સૌથી વધુ સ્પર્શી ગઈ.

એક વિચાર એવો પણ આવી શકે કે આ પુસ્તકમાંથી લોકોને શું મળે? પહેલું તો એ કે દરરોજ તમારા વિચારોને કાગળ પર વ્યક્ત કરો. બીજું, વ્યક્તિએ પોતાના સર્જનની કદર કરવી જોઈએ. લાગણીના આવેશમાં આવી જઈને તેનો નાશ કરવો જોઈએ નહીં, કારણ કે તમે જ્યારે તમારી લાગણીઓને કાગળ પર ઉતારો છો ત્યારે તે દુનિયાને જોવાનો તમારો દૃષ્ટિકોણ ઘડે છે અને ત્રીજું એ કે વ્યક્તિએ કશું જ છુપાવ્યા વિના એકદમ પ્રામાણિકતાથી વ્યક્ત થવું જોઈએ. અલબત્ત, આ કામ પણ અદમ્ય હિંમત માગી લે છે.

અત્યારે સમગ્ર વિશ્વ એક રોગચાળા સામે લડી રહ્યું છે ત્યારે 'લેટર્સ ટુ મધર' પુસ્તક એવી આશા અને દૃઢતાનો સંચાર કરે છે કે આપણે કોઈપણ વિઘ્નને પાર કરીને વિજય પ્રાપ્ત કરીશું જ.

અન્ય સમાચારો પણ છે...