રણમાં ખીલ્યુંગુલાબ / અપની ચાહત કા યૂઁ પતા દેના,સામના હો તો મુસ્કરા દેના

Let your address be known to you, if you face it, smile
X
Let your address be known to you, if you face it, smile

  • એક દિવસ પૂર્વેશે દિલમાં ઘૂઘવતો લાગણીનો સમુદ્ર બહાર ઠાલવી દીધો. પ્રેક્ષાને કહી દીધું, ‘હું તને ચાહું છું. મારી સાથે લગ્ન કરીશ?’ પ્રેક્ષા નિષ્પલક એને જોતી રહી

ડો. શરદ ઠાકર

May 24, 2020, 01:44 PM IST

મૃત્યુશય્યા પર સૂતેલી કાંતાએ એના પતિને ક્ષીણ થતા જતા અવાજમાં કહ્યું, ‘મારા જવાનો સમય આવી ગયો છે. બોલ્યું ચાલ્યું માફ. મારા હૃદયમાં જન્મથી જ વાલ્વની ખામી હતી તેમ છતાં તમે મને સ્વીકારી એ માટે આભાર...’
‘આવું ન બોલ. તને કંઇ થવાનું નથી.’ 40 વર્ષના કાંતિલાલે ગદ્્ગદ અવાજમાં આટલું બોલીને પત્નીનો હાથ પકડી લીધો.
‘હું જાણું છું કે મારી છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે. મારો શ્વાસ તૂટી રહ્યો છે. મેં તમને જિંદગીનું કોઇ સુખ આપ્યું નથી.’ આટલું બોલતાંમાં કાંતા હાંફી ગઇ.
‘આવું કેમ બોલે છે? તેં મને પલ્લવી જેવી દીકરી તો આપી છે.’
‘મારે પલ્લી વિશે જ વાત કરવી છે. તમે વચન આપો કે મારું કહેવું માનશો.’ કાંતાની છાતીની ધમણ હાંફવા લાગી. ખાટલામાં સૂતેલી મમ્મીના માથા પાસે પાંચ વર્ષની પલ્લવી ઊભી હતી અને આ દૃશ્ય જોઇ રહી હતી. મૃત્યુની ઘટનાની ગંભીરતા સમજવા માટે એ હજુ નાની હતી, પણ એને એટલું તો સમજાઇ રહ્યું હતું કે એની મા કશીક તકલીફમાં છે.
કાંતિલાલે આશ્વાસન આપ્યું, ‘તારું કહેવું મેં કદીયે ઉથાપ્યું છે? તું માગે તો માથું આપી દઉં. બોલ, શું કરવાનું છે મારે?’
કાંતા થોડી વાર મૌન રહી. છાતીમાં શ્વાસ ભરીને અને જીભ ઉપર શબ્દો ગોઠવીને એ બોલી, ‘એક નહીં પણ બે કામ કરવાનાં છે. બેય કામ મારી પલ્લીના ભલા માટે છે. એક, મારા મૃત્યુ પછી એક વર્ષની અંદર તમે બીજાં લગ્ન કરી લેજો. મારી પલ્લી મા વગર ન રહેવી જોઇએ. બીજું, પલ્લી જુવાન થાય ત્યારે એનું લગ્ન મારી ગાઢ બહેનપણી કૈલાસના દીકરા સાથે કરજો. બેયની ઉંમર લગભગ સરખી જ છે. કૈલાસ મારી દીકરીને ખૂબ સારી રીતે સાચવશે એવો મને વિશ્વાસ છે.’
આજથી સો-દોઢસો વર્ષ પહેલાં જો આવું બન્યું હોત તો એમાં આશ્ચર્ય પામવા જેવું ન લાગ્યું હોત. ત્યારે દીકરા કે દીકરીના વિવાહ મા-બાપ દ્વારા જ નક્કી થતાં હતાં. ત્યારે વર-કન્યા લગ્નબંધનમાં જોડાતાં ન હતાં, પણ વેવાઇઓ અને વેવાણો જોડાતાં હતાં. 50-55 વર્ષ પહેલાં મેં પોતે ગ્રામ્ય સમાજમાં પેટે ચાંલ્લા થતા જોયા છે. બે બહેનપણીઓ જ્યારે એકસાથે ગર્ભવતી બને ત્યારે બંનેના પેટ પર કંકુ, ચોખા લગાડીને ભાવિ સંતાનો વચ્ચેનો સંબંધ નક્કી કરી નાખવામાં આવતો હતો. ‘જો તને દીકરી આવશે અને મને દીકરો આવશે તો એ બંનેનાં લગ્ન પાકાં. એનાથી ઊલટું થાય તો પણ આપણે વેવાણો બનવાનું પાકું, પણ જો બંનેને દીકરાઓ આવે અથવા દીકરીઓ આવે તો આ ચાંલ્લા ફોક ગણવા.’ પછી આ પ્રમાણે કરવામાં પણ આવતું હતું અને મોટા ભાગના જોડકાંઓ લગ્ન કરીને જિંદગી ખેંચી પણ કાઢતાં હતાં.
પણ કાંતાવાળી ઘટના ફક્ત પચીસેક વર્ષ પહેલાંની જ છે. વીસમી સદીના અંતિમ વર્ષમાં કોઇ મા આવું વચન માગે એ જાણીને આશ્ચર્ય અવશ્ય થાય. કાંતિલાલે બંને વચનો આપ્યાં અને કાંતા અંતિમ શ્વાસમાં સંતોષ ભરીને આ જગત છોડી ગઇ.
કાંતિલાલે પહેલું વચન પૂરું કરવા માટે ઝાઝો સમય ન બગાડ્યો. કાંતાના મૃત્યુ પછી ત્રીજા મહિને વરસી વાળી લીધી. ચોથા મહિને બીજી કન્યા શોધી કાઢી અને પાંચમા મહિને લગ્ન પણ કરી લીધું. નવી પત્નીનું નામ હંસા. વહુનાં લક્ષણ બારણાંમાંથી જ પરખાઇ જાય. લગ્નના બીજા જ દિવસે પલ્લીને સમજાઇ ગયું કે સાવકી મા કોને કહેવાય. કાંતિલાલ પણ સમજી ગયા કે દીકરીની હાજરીમાં એમનું બીજું લગ્નજીવન પ્રસન્નતાભર્યું નહીં બની શકે. એક દિવસ કાંતિલાલ બહારથી ઘરમાં આવ્યો ત્યારે એણે હંસાને પલ્લી પર હાથ ઉપાડતા જોઇ લીધી. એ સમજી ગયો કે આ સંઘ દ્વારકા નહીં પહોંચે.
બીજા દિવસે એણે દીકરીનાં કપડાંની બેગ તૈયાર કરી અને સુરત જતી બસ પકડી લીધી. ત્યાં એનાં બહેન-બનેવી રહેતાં હતાં. કાંતિલાલે બહેનના પગ આંસુથી ભીંજવી દીધા. ‘આ પંખુડીને બચાવી લે. મારા ઘરમાં એ પાંગરી નહીં શકે. હું દર મહિને એનો નિભાવ ખર્ચ મોકલી આપીશ.’
બહેન અને બનેવી બંને સારાં હતાં. નિઃસંતાન હતાં. એમણે પલ્લીને સ્વીકારી લીધી.
કલ્પના ફોઇએ પલ્લવીને અદ્્ભુત માવજત સાથે ઉછેરવાનું શરૂ કર્યું. પહેલું કામ એનું નામ બદલવાનું કર્યું. પલ્લી એટલે કે પલ્લવી નામ એમને મન જૂનું લાગતું હતું. એફિડેવિટ કરીને એમણે પ્રેક્ષા નામ કરી નાખ્યું. પ્રેક્ષા માટે સુંદર વસ્ત્રો, પાઠ્યપુસ્તકો, નવું દફતર અને વોટરબેગ આવી ગયાં. હજી તો પ્રેક્ષા પહેલા ધોરણમાં હતી, પણ એનો ઠાઠ હાઇસ્કૂલમાં ભણતી કન્યા જેવો લાગતો હતો. ફોઇ પોતે ઝાઝું ભણ્યાં ન હતાં, પણ સંસ્કારી હતાં. સારું શિક્ષણ, સારું પોષણ અને અઢળક વહાલના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતી પ્રેક્ષા બહુ ઝડપથી મોટી અને ખૂબસૂરત થવા લાગી. એનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ એકમેકની સાથે સ્પર્ધા કરતાં હતાં.
પ્રેક્ષાનો બાયોલોજિકલ બાપ કાંતિલાલ છ-બાર મહિને એક વાર દીકરીને મળવા માટે આવી જતો હતો. બાપ-દીકરી વચ્ચે કોઇ પણ પ્રકારનું એક લાગણીનું બંધન બચ્યું ન હતું. અલબત્ત, પ્રેક્ષાને એની સ્વર્ગસ્થ મા અવારનવાર યાદ આવી જતી હતી. મરતી માનો ચહેરો એની સ્મૃતિમાં છપાઇ ગયો હતો.
કોલેજના છેલ્લા વર્ષમાં પ્રેક્ષા પૂર્વેશના સંપર્કમાં આવી. પૂર્વેશ એની સાથે જ ભણતો હતો. દેખાવ, સંસ્કાર અને બૌદ્ધિકતા - આ ત્રણેય બાબતે એ બંને ખૂબ સરખાં હતાં.
એક દિવસ પૂર્વેશે દિલમાં ઘૂઘવતો લાગણીનો સમુદ્ર બહાર ઠાલવી દીધો. પ્રેક્ષાને કહી દીધું, ‘હું તને ચાહું છું. મારી સાથે લગ્ન કરીશ?’
પ્રેક્ષા સહેજ વાર માટે નિષ્પલક એને જોતી રહી. પછી એણે પાંપણો ઢાળી દીધી. એના ગુલાબી હોઠો પર શબ્દો ફૂટ્યા, ‘પૂર્વેશ, હું પણ તને પસંદ કરું છું, પણ આપણી જ્ઞાતિઓ અલગ છે એટલે મારે ઘરમાં પૂછવું પડશે. મને વિશ્વાસ છે કે મારા ફોઇ-ફુઆ ના નહીં પાડે. ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ.’
સમાજની દૃષ્ટિએ પૂર્વેશની જ્ઞાતિ ઉચ્ચ હતી. પ્રેક્ષા જે જ્ઞાતિમાંથી આવતી હતી તે સહેજ ઊતરતી હતી. (આ મારો અભિપ્રાય નથી. ખુદ પૂર્વેશ અને પ્રેક્ષાએ આવું કહ્યું છે.) પ્રેક્ષા જે સમાજમાંથી આવતી હતી તેની ગણના માથાભારે કોમ તરીકે સ્થાપિત છે. પ્રેક્ષાએ ઘરે જઇને ફોઇ-ફુઆને વાત કરી. બંનેએ કહ્યું, ‘બેટા, અમને તો કોઇ વાંધો નથી, પણ ગમે તેમ તોયે તું અમારી ભત્રીજી કહેવાય. જિંદગીના આટલા મહત્ત્વના નિર્ણય માટે તારે તારા પપ્પાને પૂછવું જોઇએ.’ અને પછી કાંતિલાલ દોડી આવ્યા.
‘આવું શક્ય જ નથી. તારું લગ્ન તો ક્યારનુંયે નક્કી થઇ ચૂક્યું છે. તારી મમ્મીની બહેનપણી કૈલાસના દીકરા જોડે. હું તારી મરતી માને વચન આપી ચૂક્યો છું. હવે એમાં મીનમેખ નહીં થાય. જો તું બીજા કોઇ છોકરા સાથે લગ્ન કરીશ તો હું તારા વરનું ખૂન કરી નાખીશ.’ કાંતિલાલ એક પળમાં કંસ બની ગયા.
પ્રેક્ષા પણ પલ્લી બની ગઇ. પાંચ વર્ષની પલ્લી. પોતે ખાટલાની પાંગત પાસે ઊભી હતી અને મૃત્યુશય્યા પર પડેલી મા રડતાં અવાજમાં પપ્પા પાસે કંઇક માગી રહી હતી તે દૃશ્ય એને યાદ આવી ગયું. અત્યારે સમજાયું કે એ દૃશ્યમાં એનું ભવિષ્ય કેદ થઇ ગયું હતું. બધી બાજુનો વિચાર કરીને એણે શરણાગતિ સ્વીકારી લીધી.
પૂર્વેશ હતાશ છે. હજુ પણ કુંવારો છે અને મને પૂછી રહ્યો છે, ‘સર, ભણેલી ગણેલી યુવતીએ આવું સમાધાન શા માટે કરવું જોઇએ? પ્રેક્ષાનો પતિ માત્ર સાત ધોરણ પાસ છે અને મજૂરી કરે છે. તમને આ યોગ્ય લાગે છે?’
હું પૂર્વેશનો પ્રશ્ન વાચકો તરફ ફોરવર્ડ કરું છું.
(શીર્ષકપંક્તિ: રફીક જાફર)
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી