તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફિલ્મ ઈન્ડિયા:કિશોરના ખરાબ દિવસોમાં કુમકુમે પૂરો સાથ આપ્યો

15 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

ફિલ્મ : ‘શ્રીમાન ફન્ટુશ’ (’65) નિર્માતા : આશાલતા બિશ્વાસ દિગ્દર્શક : શાંતિલાલ સોની સંગીતકાર : લક્ષ્મીકાંત-પ્યારેલાલ ગીતકાર : આનંદ બક્ષી રનિંગ ટાઇમ : 14 રીલ્સ થિયેટર : એડવાન્સ (અમદાવાદ) કલાકારો : કિશોરકુમાર, કુમકુમ, અનૂપ કુમાર, જીવનકલા, એસ.કે. શ્યામ, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, આશાલતા, મોહન ચોટી, કેસરી, બેબી યાસ્મિન.

ગીતો 1. વો ઝરોખેં સે જો ઝાંખે... - કિશોરકુમાર 2. સુલતાના સુલતાના... - લતા-કિશોર 3. યે દર્દભરા અફસાના... - કિશોરકુમાર 4. તુઝસે વો નૈના લગાયેં.... - લતા મંગેશકર 5. મેરા સાંવલા સલોના મહેબૂબ.... - લતા

કિશોરકુમારની આ ફિલ્મ પૂજ્ય સંગીતકાર અનિલ બિશ્વાસના પહેલાં ધર્મપત્ની આશાલતા બિશ્વાસે બનાવી છે. આશાલતા જન્મે મુસ્લિમ હતાં, પણ અનિલદાને પરણીને એમણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. એમના બે પુત્રો અમર-ઉત્પલે પણ બે-ચાર ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આશાલતાને છોડીને અનિલદાએ ન્યૂ થિયેટર્સના જમાનાના એક્ટર વિક્રમ કપૂરની પુત્રી ગાયિકા મીના કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. છેલ્લે છેલ્લે જરા છટકી ગયું હતું અને અમદાવાદ પછી વડોદરા ગયા હતા. ત્યાં એમણે બહુ તોડફોડ કરી નાખનારું નિવેદન આપી દીધું કે, ‘લતા મંગેશકર કરતાંય મીના કપૂર ઘણી સારી ગાયિકા છે.’ આ મીનાને વહાલા થવામાં દિલીપ-નરગિસ-નલિની જયવંતની ફિલ્મ ‘અનોખા પ્યાર’ના બધા ગીતો અનિલદાએ મીના કપૂર પાસે ગવડાવ્યાં. બહુ ઓનેસ્ટલી કહું તો, મીનાએ ગાયેલા તમામ ગીતો મધુરા જ હતા, પણ ફિલ્મના વિતરકોથી માંડીને બીજાઓએ અનિલદાને ખખડાવ્યા કે, ‘લતાને છોડીને બીજા કોઇની પાસે ગવડાવો છો કેમ?’ અનિલદાએ મીનાએ ગાયેલા ગીતો ફિલ્મની પટ્ટી પર રહેવા દીધા, પણ રેકોર્ડ્સ બધી લતાના અવાજમાં બહાર પાડવી પડી. આશાલતા એના જમાનામાં સુંદર સ્ત્રી હતી. આ ફિલ્મ ‘શ્રીમાન ફન્ટુશ’માં તો કિશોરની માનો રોલ કરે છે.

બેકાર હોવાથી પાગલો જેવી હરકતો કરતો અને દોસ્તોમાં ‘ફન્ટુશ’ નામે ઓળખાતો કિશોરકુમાર મીના (કુમકુમ)ના પ્રેમમાં પડે છે, જેના પિતા (હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય) ઘનચક્કર સાયન્ટિસ્ટ છે, જે એક દેશદ્રોહી ખલનાયકના પૈસાથી કોઇ સીક્રેટ ફોર્મ્યુલા શોધી રહ્યા છે. એ દેશદ્રોહીનો છોકરો (અનૂપ કુમાર) કુમકુમના પ્રેમમાં છે. કિશોર અનાયાસ આ લોકોની લેબોરેટરીમાં આવી જાય છે. જેની ઉપર આ ફોર્મ્યુલાના કિરણો પડતાં એ તદ્દન ઠીંગણો પણ મજબૂત માણસ બની જાય છે. એનું શરીર પોલાદનું બની જાય છે. વિલન (એસ.કે. શ્યામ) એના ગાંડા પુત્ર અનૂપને કોઇ પણ ભોગે કુમકુમ સાથે પરણાવવા માંગે છે. દરમિયાન કિશોર સાજો અને નોર્મલ થઇ જતા ફિલ્મનો અંત આવે છે. ફિલ્મમાં કુમકુમના ડાન્સ એની પ્રતિભા પ્રમાણે મુગ્ધ કરાવી શકે એવા હતા. ત્રણ નૃત્ય-દિગ્દર્શકો બદ્રીપ્રસાદ, હરમાન માસ્ટર અને પી.એલ.રાજ એ જમાનાના ખેરખાં હતા.

દયા કિશોર ઉપર આવવાને બદલે આપણી ઉપર આવી જાય કે, એ હિંદી ફિલ્મોનો સર્વોત્તમ કોમેડિયન હોવા છતાં ‘ચલતી કા નામ ગાડી’, ‘પડોશન’ એવી બીજી 4-5 ફિલ્મોને બાદ કરતાં એની પાસે કોમેડી કરાવવાને બદલે બેવકૂફ દિગ્દર્શકો કે સંવાદ લેખકોએ ગાંડા જ કઢાવ્યા છે. પરિણામે, એણે જોકરવેડાને જ કોમેડી માની લેવી પડી. મહેમૂદને રાજીન્દર કિશન જેવા કોમેડીના જાણકાર સંવાદ લેખક મળ્યા હતા અને આઇ.એસ. જોહર પાસે કોમેડીની કુદરતી ફ્લેર હતી. જોની વોકર પાસે માલ તો ગોડાઉન ભરીને પડ્યો હતો, પણ એકનો એક જ માલ. અવાજ કે અભિનયમાં નવી કોઇ છાંટ નહીં, પણ માણસ વેપારી હતો. માલ વેચતાં આવડતો હતો એટલે દિલીપકુમારની લગભગ તમામ ફિલ્મોમાં ઘુસ મારવાની ગોઠવણ કામિયાબ નીવડી. અલબત્ત, દેવ આનંદ સાથે થોડીઘણી ફિલ્મો મળી ખરી, કારણ કે જોનીએ ગુરુદત્તને ઝાલ્યો હતો. કિશોર ન તો બીજા હીરો માટે ગાતો, ન એને હીરો તરીકે બીજી ફિલ્મો મળી. પરિણામે પૈસેટકે ખલાસ થવા આવ્યો. કંઇ બાકી રહી જતું હોય એમ, ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી થોપી અને સંજય ગાંધીએ વગર પૈસે ઇન્દિરાના ગુણગાનના ગીતો ગાવાનું કિશોરને ફરમાન કર્યું. એ ન માન્યું એમાં રેડિયો ઉપરથી કિશોરના ગીતો ઉપર સંજયના ચમચા માહિતી-પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લે પ્રતિબંધ લાદી દીધો. એટલે ફિલ્મોય મળતી બંધ થવા માંડી. કુમકુમ, કલ્પના કે સઇદા ખાન જેવી સી-ક્લાસની હિરોઇનોય ઉપકાર કરતી હોય એમ એની સાથે કામ કરવા તૈયાર થતી. બાકી હોય એમ ભ’ઇ પહેલેથી જ જીદે ચડ્યા હતા કે, ‘હું કોઇને પ્લેબેક નહીં આપું...સિવાય દેવ આનંદ.’ દાદામુનિ જેવા વડીલોની સમજાવટથી બધા હીરોને પ્લેબેક આપવાની એણે હા પાડવી પડી. નસીબ ઝળક્યું અને ‘આરાધના’ સુપરડુપર હિટ ગઇ અને કિશોર નં. 1 ગાયક બની ગયો.

મુહમ્મદ રફી સાથે કોમ્પિટિશન કરવા કિશોર નહોતો આવ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ બે જ વ્યક્તિઓ એવી હતી, જે કદી કોઇના માટે ખરાબ બોલી નથી. રફી તો ઓલિયા માણસ હતા જ, પણ કિશોરની સાથે હલકટ નિર્માતાઓ, જૂની વાઇફો કે પૈસા ચૂકવવામાં કોઇ ઓર્ગેનાઇઝરે પણ કસર બાકી રાખી નહોતી, પણ કિશોરે એક શબ્દ પણ કોઇને માટે ઉચ્ચાર્યો નથી.

ફિલ્મની હિરોઇન કુમકુમ (અસલી નામ ‘ઝેબુન્નિસા’) મુંબઇના આલિશાન બંગલામાં રહે છે. ઘનચક્કર વૈજ્ઞાનિકની બનતો એક્ટર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આઝાદીનાં પ્રખર દેશસેવિકા સરોજિની નાયડુનો સગો ભાઇ હતો. મુંબઇના કુખ્યાત માજી પઠાણ ડોન કરીમ લાલાની ઇન્દિરા ગાંધી સાથે ઓળખાણ કરાવનાર આ હરીન્દ્ર જ હતો. કોમિક એ છે કે, કોઇ પણ હિંદી ફિલ્મોમાં વૈજ્ઞાનિક બનતો કલાકાર ફૂલટાઇમ ડોક્ટરવાળો સફેદ કોટ પહેરી રાખે, આંખે ચશ્માં અને ફ્રેન્ચી દાઢી હોય જ. કુમકુમની ચમચી બનતી સખી જીવનકલા મરાઠી મુલગી હતી. સારી ડાન્સર. ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલતી હતી. એનો ઘનચક્કર પ્રેમી મહારાષ્ટ્રના અમરાવતી ગામનો મોહન ચોટી હતો. દાદામુનિ અને કિશોરનો મઝલો ભાઇ અનૂપકુમાર મને ખૂબ હસાવી શકતો. મૂળ તો એનું નામ ‘કલ્યાણકુમાર’ હતું. દાદામુનિનું કંચનલાલ અને કિશોરનું અસલી નામ આભાસકુમાર હતું.

સાલ 1965ની હતી અને નવાસવા લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંગીતના ભરપૂર ચમત્કારો કરવા માંડ્યા હતા. મોટા હીરોની ફિલ્મો મળે નહીં, પણ આ બંનેએ સી ગ્રેડની ફિલ્મોમાંય સંગીત ‘એ’ ગ્રેડનું આપવા માંડ્યું. જોકે, આ ફિલ્મ ‘શ્રીમાન ફન્ટુશ’નું સંગીત બિલો-એવરેજ હતું. આ બંને પણ શંકર-જયકિશનની જ પેટર્ન પર ચાલ્યા હોવાથી પ્રત્યેક ગીતને ઓરકેસ્ટ્રાથી ભરી દેવાતું. અનિલ બિશ્વાસ કે સી. રામચંદ્ર જેવા તો વાયોલિનનો ઉપયોગ જ ટાળતા અને લેવી જ પડે એમ હોય તો 7-8 વાયોલિનો એક-બે ગીતોમાં વાગે. ‘હાય રે... હું રહી ગયો’ એવી ચિંતા ન કરાવતી ફિલ્મ એટલે ‘શ્રીમાન ફન્ટુશ.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો