ડૉક્ટરની ડાયરી / કોઈ અચ્છા ઈલાજ બતા દે જાલિમ,તેરે ખ્યાલોં કી બીમારી હો ગઈ હૈ

Koi achcha ilaaj bata de jalim, tere khyalon ki bimari ho gayi hai
X
Koi achcha ilaaj bata de jalim, tere khyalon ki bimari ho gayi hai

  • હેમા જો પૃથ્વી પરની રાજકુમારી હતી તો મોહિત પણ દેવાધિદેવ ઇન્દ્ર હતો. હેમા કરતાં વધારે આકર્ષક, વધારે બુદ્ધિશાળી અને વધારે સ્માર્ટ

ડો. શરદ ઠાકર

May 20, 2020, 12:04 PM IST

મેડિકલ કોલેજનો પ્રથમ દિવસ. 17 વર્ષની હેમા ડરતી સંકોચાતી, મેડિકલ કોલેજના વિશાળ બિલ્ડિંગમાં, કદીયે જોયો ન હોય તેવા લેક્ચર હોલમાં દાખલ થઇ.
એનેટોમીનું લેક્ચર હતું. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર ઓફ એનેટોમી ડો. વાગલે આવી ગયા હતા. વિદ્યાર્થીઓ હજુ આવી રહ્યા હતા. સરને ઉપસ્થિત જોઇને વિદ્યાર્થીઓ ઝડપથી ચાલીને બેન્ચ પર ખાલી સ્થાનમાં ગોઠવાઇ રહ્યા હતા.
હાઇસ્કૂલના વાતાવરણમાંથી મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવીને આવેલા તમામ વિદ્યાર્થીઓ અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. દરેકના હૈયામાં ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થશે એ બાબતનો હરખ છવાયેલો હતો, પણ મેડિકલ કોલેજનું વાતાવરણ એમના મનમાં એક ન સમજી શકાય તેવો ભય પેદા કરી રહ્યું હતું.
ડાયસ પર ઊભેલા ડો. વાગલેનો અવાજ માઇક ઉપર ગુંજી ઊઠ્યો, ‘વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ મેડિસિન. આઇ નો ધેટ યુ ઓલ આર ફ્રોમ ધી ક્રિમી લેયર ઓફ ધી સોસાયટી. યુ ઓલ આર રેન્કર્સ. બટ ધિસ ઇઝ નોટ યોર હાઇસ્કૂલ્સ ક્લાસરૂમ. યુ હેવ ટુ બી...’ ડો. વાગલે પૂરી દસ મિનિટ સુધી બોલતા રહ્યા. લેક્ચર હોલમાં ગંભીરતાનું વાતાવરણ છવાઇ ગયું. સ્ટુડન્ટ્સનાં મન ઉપર જવાબદારીનું ભાન પ્રસરી ગયું. ડો. વાગલે સાહેબે જાહેર કર્યું, ‘આજે પહેલો દિવસ હોવાથી ભણાવવાનું કામ નથી કરવું. આજે બધાનો પરિચય જાણીશું. દરેક સ્ટુડન્ટ ઊભા થઇને પોતાનું નામ, સરનેમ, ગામ, શહેર, પિતાનો વ્યવસાય અને છેલ્લી પરીક્ષામાં મેળવેલા માર્ક્સ જણાવશે. મોટા અવાજમાં બધા સાંભળી શકે તેમ. લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ લેફ્ટ કોર્નર, ફર્સ્ટ બેન્ચ. યુ સ્ટેન્ડ અપ, માય સ્વીટ ગર્લ.’
એ સાથે જ એક નમણી નાજુક છોકરી ઊભી થઇ અને ધ્રૂજતા અવાજમાં બોલવા લાગી, ‘માય નેમ ઇઝ રેખા. આઇ એમ ફ્રોમ મોડાસા. માય પાપા ઇઝ...’
ત્યાં પાછળની બેન્ચ પરથી કોઇનો અવાજ આવ્યો, ‘અમિતાભવાળી રેખા?’ આ સાથે જ આખા વર્ગખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ડો. વાગલે સાહેબે ઊભું કરેલું ભારેભરખમ વાતાવરણ એક પળમાં મજાકિયું બની ગયું. ખુદ વાગલે સર પણ હસી પડ્યા. સ્ટુડન્ટ્સ સમજી ગયા કે સર આજે પ્રથમ દિવસ હોવાથી હળવા મૂડમાં લાગે છે. પછી તો તોફાની છોકરાઓની હિંમત ખૂલી ગઇ. દરેક વિદ્યાર્થીના પરિચય ઉપર કમેન્ટ આવવા લાગી.
ત્રણ બેન્ચીસ પૂરી થઇ ગયા પછી ચોથી બેન્ચ પર બેઠેલી હેમાનો વારો આવ્યો. હેમા સુંદર હતી. 17 વર્ષની હતી, પણ એનું કાચું યૌવન આકર્ષક ઉભારો અને ચુંબકીય વળાંકોથી ખીલી ઊઠ્યું હતું. લોઅર મિડલ ક્લાસ પરિવારની હેમા કોઇ રાજવીના ખજાનાનું અણમોલ રત્ન હોય તેવી ચમકી રહી હતી. એ હજુ તો આટલું જ બોલીઃ ‘આઇ એમ હેમા...’ ત્યાં જ ઓરડામાં કોઇના મોબાઇલ ફોનમાંથી તૈયાર રાખેલું ગીત ગુંજી ઊઠ્યું,‘ડ્રીમ ગર્લ... કિસી શાયર કી ગઝલ... ડ્રીમ ગર્લ...!’
હેમા શરમાઇ ગઇ. ડો. વાગલે આ ટિખળ ઉપર હસી ન શક્યા. ત્રાડ પાડીને વિદ્યાર્થીઓને ખખડાવવા લાગ્યા, ‘હુ હેઝ ડન ધિસ? તમારી મજાક મસ્તી આ લેવલ સુધી નીચે ઊતરી શકે છે? તમારે ભૂલવું ન જોઇએ કે તમે ભાવિ ડોક્ટર્સ છો. આ દેશનું આરોગ્ય તમારે સંભાળવાનું છે. જો તમારું જ માનસિક આરોગ્ય આવું હશે તો...’ બીજી દસ મિનિટ એમનું ભાષણ ચાલતું રહ્યું. પછી પરિચયવિધિ આગળ ચાલી.
પણ આ દરમિયાન એક મહત્ત્વની ઘટના બની ગઇ હતી. જ્યારે ડ્રીમ ગર્લ ફિલ્મનું ગીત વાગતું હતું ત્યારે એક ત્વરિત પ્રતિક્રિયા રૂપે હેમાએ પાછળ ફરીને અવાજની દિશામાં નજર ફેંકી લીધી હતી. એની પાછળની બેન્ચ પરના દૂરના ખૂણામાંથી અવાજ આવતો હતો. એ સ્થાન પર એક ગોરો, ઊંચો સોહામણો સ્ટુડન્ટ બેઠો હતો. એના ચહેરા પર ભલભલી રૂપગર્વિતાને ઘાયલ કરી મૂકે તેવું સ્મિત રમતું હતું. એ હેમાની તરફ જ જોઇ રહ્યો હતો. હેમાનાં મનમાં ઊઠેલી તમામ ફરિયાદો એ સ્મિત જોઇને શાંત થઇ ગઇ. અંદરથી એ રાજી પણ થઇ. મેડિકલ કોલેજના પ્રથમ દિવસે જ બેચના એક હેન્ડસમ યુવાનને પોતે સ્વપ્નસુંદરી જેવી લાગી હતી એ વાતનો એને સંતોષ થયો.
જ્યારે એ સ્ટુડન્ટનો વારો આવ્યો ત્યારે એણે ઊભા થઇને પોતાનો પરિચય આપ્યો, ‘હાય એવરીબડી! આઇ એમ મોહિત પંડ્યા. આઇ સિક્યોર્ડ નાઇન્ટી નાઇન પરસન્ટ માર્ક્સ ઇન લાસ્ટ એક્ઝામ. આઇ સ્ટે એટ...’
હેમા ધડકતી છાતી સાથે સાંભળી રહી. મોહિતના પરિચયનો એક એક શબ્દ એ કાન વાટે પીતી રહી. બીજા દિવસથી થિયરીનાં લેક્ચર્સ ઉપરાંત ડિસેક્શન અને પ્રેક્ટિકલ્સ પણ શરૂ થઇ ગયાં. ત્યારે હેમાને ખબર પડી કે મોહિત એનો ટેબલ પાર્ટનર બન્યો છે. મોહિતની સરનેમ પંડ્યા હતી અને હેમાની સરનેમ પુરોહિત. જો એમ. બી. બી. એસ.ના પૂરા અભ્યાસકાળ દરમિયાન બેમાંથી કોઇ એક નપાસ ન થાય તો એ બંને સતત સાડા ચાર વર્ષ સુધી પ્રેક્ટિકલ પાર્ટનર્સ બની રહેવાનાં હતાં. મોહિત તો નપાસ નહોતો જ થવાનો. એ 99 ટકા માર્ક્સ લઇને આવ્યો હતો. હેમા પણ ક્યાં ઓછી આંકી શકાય તેવી હતી? એને 96 ટકા માર્ક્સ આવ્યા હતા.
પ્રથમ દિવસથી જ બંનેને એકબીજા સાથે ફાવી ગયું. મૃતદેહની ચીરફાડ કરવાની હોય કે ફિઝિયોલોજીના પ્રયોગો, હેમા સતત મોહિત પાસેથી માર્ગદર્શન મેળવતી રહેતી હતી. બંનેની જોડી પ્રખ્યાત થઇ ગઇ. ધીમે ધીમે આખી કોલેજમાં વાત ફેલાઇ ગઇ કે હેમામાલિનીએ એના ધરમ પાજીને મેળવી લીધા છે. નોંધવા જેવી વાત એ હતી કે હેમા કરતાં મોહિત વધારે ચડિયાતો લાગતો હતો. હેમા જો પૃથ્વી પરની રાજકુમારી હતી તો મોહિત દેવાધિદેવ ઇન્દ્ર હતો. હેમા કરતાં વધારે આકર્ષક, વધારે બુદ્ધિશાળી અને વધારે સ્માર્ટ. એના હસમુખા સ્વભાવના કારણે એનું મિત્રવર્તુળ ખૂબ મોટું બની ગયું હતું. એની સરખામણીમાં હેમા અંતર્મુખી હતી. મોટા ભાગે એ મોહિતની સાથે ન હોય ત્યારે એકલી જ જોવા મળતી હતી.
ફર્સ્ટ એમ. બી. બી. એસ.માં બંને જ્વલંત દેખાવ સાથે પાસ થઇ ગયાં. સેકન્ડ એમ. બી. બી. એસ.માં પણ એ બંને જ ટેબલ પાર્ટનર્સ રહ્યાં. હવે એ બંનેના સાથે રહેવાના કલાકો વધી ગયા. વોર્ડ્સમાં, લાઇબ્રેરીમાં અને કેન્ટિનમાં મોહિત અને હેમા સાથે જ જોવા મળતાં હતાં. એક દિવસ કેન્ટિનમાં બેસીને બંને જણા ચા પીતાં હતાં ત્યારે એક સિનિયર સ્ટુડન્ટે આવીને કહ્યું, ‘હાય! યુ ટુ મેક એ નાઇસ પેર. સગાઇ ક્યારે કરવાનાં છો?’
હેમા આ સાંભળીને શરમાઇ ગઇ. એના રૂપાળા ગાલ લાલ લાલ થઇ ગયા. કાનની બૂટ ગરમ થઇ ગઇ. ત્યાં જ કાનમાં શબ્દો પડ્યા. મોહિત પેલા સિનિયરને જવાબ આપી રહ્યો હતો. ‘સગાઇ? તમારી કંઇક ભૂલ થતી લાગે છે. વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ. અમારી વચ્ચે બીજું કશું જ નથી.’ સિનિયર સ્ટુડન્ટ છોભીલો પડીને ચાલ્યો ગયો. હેમાની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. બિલ ચૂકવીને બંને બહાર તો આવ્યાં, પણ હેમા લાઇબ્રેરીમાં જવાને બદલે ‘મારું માથું દુખે છે’ એવું કહીને સીધી ઘરે ચાલી ગઇ.
આ હેમાની કારકિર્દીનો અંતિમ દિવસ હતો. એ પછી હેમા ક્યારેય કોલેજમાં ગઇ નહીં. એનાં મમ્મી-પપ્પાએ કેટલાય સવાલો પૂછ્યા, કેટલું બધું સમજાવી, પણ હેમા ચૂપચાપ બેસી રહી. એના મનને લાગેલો આઘાત એટલો પ્રચંડ હતો કે એ મન ઉપરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી બેઠી. ધીમે ધીમે એનો નિત્યક્રમ પણ બદલાતો ગયો. દિવસ-રાતના મોટા ભાગના કલાકો એ પથારીમાં પડી રહેતી હતી. ભૂખ્યા ન રહેવાય તો જ થોડું ખાઇ લેતી હતી. શહેરના સારામાં સારા માનસિક રોગના નિષ્ણાત ડોક્ટરો પણ એને સાજી કરી ન શક્યા.
મોહિત કદાચ એની રીતે સાચો હશે. એના દિલમાં હેમા પ્રત્યે માત્ર નિર્દોષ મૈત્રીભાવ જ હોઇ શકે. હેમા સ્વયં જ એવું માની બેઠી હશે કે મોહિત એને ચાહે છે, પણ જે થયું તે અત્યંત ખરાબ થયું. ડો. મોહિત પંડ્યા અત્યારે અમેરિકામાં સમૃદ્ધ જિંદગી જીવી રહ્યો છે. હેમા અમદાવાદની એક પોળમાં વિક્ષિપ્ત મનોદશામાં જિંદગી ગુજારી રહી છે.
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી