એન્કાઉન્ટર / શું ‘કોરોના’ ચાઇનીઝ વાનગી છે?

Is 'Corona' a Chinese dish?
X
Is 'Corona' a Chinese dish?

અશોક દવે

May 24, 2020, 01:48 PM IST

⬛ તમારી આ કોલમનું નામ ‘એન્કાઉન્ટર’ જ કેમ?- હિતિકા પટણી, અમદાવાદ
- તમે આ કોલમ અગાઉ એકેય વાર વાંચી હોય તો આ સવાલ અનેક વાર પુછાઈ ગયો છે. છતાં, નાની બહેન છો, એટલે જવાબ આપીશ કે, ‘અશોકાઉન્ટર’ સારું ન લાગે માટે, ‘એન્કાઉન્ટર.’
⬛ આ કોલમમાં તમારા ફોટામાં તમારી નાની ઉંમરનો ફોટો મૂકો તો?
- અકીવ ગોહિલ, અમદાવાદ
- હું અઢી વર્ષનો હતો ત્યારનો એક ફોટો છે, પણ એમાં હું ઘરડો લાગું છું.
⬛ તમારા મતે ‘કોરોના’ શું છે?
- અખિલ મોદી, અમદાવાદ અને કૃપાલપુરી ગોસ્વામી, સુત્રાપાડા, ગીર, સોમનાથ
- દુનિયાભરના ભગવાનોએ ભેગા થઈને માનવજાતને આપેલી સજા.
⬛ પુરુષોને માથે ટાલ પડે છે. સ્ત્રીઓને કેમ નથી પડતી?
- સ્ત્રીઓ માથે પડે છે.
- પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ
⬛ હવે ભાભા પાસે ઢોર ને બા પાસે વાર્તાઓ કેમ રહી નથી?- રૂમિત હરખાણી, વડોદરા
- યસ. ઇલેક્ટ્રોનિક્સ આવ્યા પછી આપણું સીધું સાદું બાળપણ છિનવાઈ ગયું છે.
⬛ કોરોના સામે તમે શું પગલાં લીધાં?
- વિનાયક શુક્લ, ગોધરા અને
ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ
- એ મારી ઉપર કોઈ પગલું ન ભરે, એનું ધ્યાન રાખું છું.
⬛ ‘એન્કાઉન્ટર’માં સીધા જવાબ દેતા તમને તકલીફ પડતી હશે ને?- પાર્થ જાની, સુરત
- હું તમારા જેવો સીધો માણસ નથી.
⬛ ‘એન્કાઉન્ટર’માં મારું નામ જોઈને મારા ભાઈ કહે છે, ‘તમે તો છાપે ચઢી ગયા!’
મારે શું સમજવું?
- જયેશ ચૌહાણ, બોરિવલી(ઇસ્ટ) મુંબઈ
- આમાં જે કાંઈ સમજવાનું છે, તે તમારા ભાઈએ સમજી લેવાનું છે.
⬛ તમે કોરોનાનું ‘એન્કાઉન્ટર’ કેમ નથી કરતા?
- દીક્ષિત જાની, મહુવા, ભાવનગર
- એની સાથે બહુ સંબંધ બગાડાય એવું નથી.
⬛ ‘મારો સવાલ ન છપાય એટલે વાંચવાનું બંધ કરવાનું ન હોય!’
- હિમાંશુ વિનોદરાય વ્યાસ, અમદાવાદ
- બસ, આટલી સમજણ દર રવિવારે 25-30 વાચકોએ કેળવવાની છે.
⬛ મહાન લોકોની કેટેગરીમાં આવવા શું કરવું?
- વિજય જાની, રાપર-કચ્છ
- કોઈ સારી કોલમો વાંચો. સાવ આવી નહીં!
⬛ તમે પહેલાં ‘બુલેટ’ ચલાવતા હતા?
- રંજન લિમ્બાચિયા, પાલનપુર
- પહેલાં ખબર હોત, કે આવું પૂછવાના છો, તો રેલવેનું એન્જિન ચલાવત!
⬛ તમને નથી લાગતું, કે શિક્ષણવ્યવસ્થા જડમૂળથી બદલવી જોઈએ?
- હર્ષ શાહ, વિરમગામ
- કોઈ સરખું ભણેલાને પૂછો.
⬛ સ્ત્રી અને ઇસ્ત્રીને વધારે ગરમ ન કરાય. શું કહેવું છે તમારું?- રમિઝ ડેરૈયા, ભાવનગર
- પરણી જુઓ. બેમાંથી એક તો ઠંડું થઈ જશે!
⬛ ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે બીક લાગે છે, તો શું કરવું?- નૂઝહત શેખ, અમદાવાદ
- ઇન્ટરવ્યૂ આપી દેવો..., પછી તો જે કરવાનું હોય એ, એ લોકો કરશે!
⬛ ‘કોરોના’નો ડર રાખીએ છીએ એવો ડર પત્ની સિવાય બીજા કોનાથી રાખવો જોઈએ?
- જયદીપ એમ. નિમાવત, રાજકોટ
- કોરોના જેવી જીવલેણ બીમારીની મજાકમાં ય સરખામણી ઘરની લક્ષ્મી સાથે ન થાય.
⬛ તમે અંતરીક્ષમાં જવાના છો?
- નૂતનકુમાર ભટ્ટ, સુરત
- ત્યાં સુધી રિક્ષા જતી હોય તો જઉં.
⬛ તમારું નામ કોણે પાડ્યું?
- યોગેશ ધરજિયા, અમદાવાદ
- પાડ્યું ફોઈએ, ઊભું મેં કર્યું.
⬛ ક્યાં સુધી સરકારી પરીક્ષાઓ સરકાર રદ કરતી રહેશે?- માનસી યુ. કંસારા, નડિયાદ
- ફરિયાદ સાચી છે. પરીક્ષાર્થીઓની વર્ષોની તૈયારી પાણીમાં જાય છે.
⬛ વાહનોના નંબરોના પહેલા બે અંગ્રેજી અક્ષર કયા માપદંડથી અપાય છે? (જેમ કે GJ એટલે ગુજરાત.)- અતુલ ડી. શાહ, વડોદરા
- મારા કરતાં તો તમે વધારે જાણો છો. હું GJ એટલે કોઈ ‘ગણપતભઈ જસવંતભઈ સમજતો હતો.
⬛ ‘એન્કાઉન્ટર’ કોલમ વાંચતી હતી ને કૂતરું કરડી ગયું, બોલો, હવે શું કરવું?
- નમ્રતાબા વાઘેલા, અમદાવાદ
- એ સાલાને છુટ્ટું એન્કાઉન્ટર મારો.
⬛ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિત શાહ, બેમાંથી કોની જગ્યા લેવાય?
- શિવાભાઈ ગોહિલ હાથબ, ભાવનગર
- અમારા શિવાભાઈની જગ્યા ઓછી મૂલ્યવાન છે, તે બીજાની માગીએ?
⬛ તપેલી ઠંડી હોય તો ય એને તપેલી કહેવાય. ગોળનો ગાંગડો ગમે તે શેપમાં હોય તો ય ગોળ કહેવાય અને મીઠું ગમે તેટલું ખારું હોય, તો ય એને મીઠું જ કેમ કહેવાય?
- હરપાલસિંહ ઝાલા, પચ્છમ-ધંધૂકા
- આનો મારા કરતાં વધુ સારો જવાબ ‘પચ્છમ નરેશ’ કવિ માધવ રામાનુજ આપી શકશે.
⬛ મારા સવાલનો જવાબ કયા દિવસે આવશે, એ કહો તો હું એ દિવસનું છાપું ખરીદું!
- હાર્દિક જાદવ, ભાવનગર
- એ તો જેણે છાપું વાંચવું હોય, એને ચિંતા ને? તમે ત્યારે લહેર કરો!
⬛ બચ્ચને તો ધાબે ચઢીને થાળી વગાડી, પણ મુકેશ અંબાણીએ પણ?
- ધીમંત ભાવસાર, બડોસી-ઇડર
- એ શું પિયાનો લઈને ધાબે જાય?
⬛ સંવેદનાનું સરનામું કયું?
- કિશન ભાટેલિયા, જામનગર
- લખી લો. ‘વડાપ્રધાનશ્રીનું કાર્યાલય, નવી દિલ્હી.’
⬛ મોદીએ સાંજે પાંચ વાગ્યે થાળી અને ઘંટ વગાડવાનું કેમ કીધું હતું?
- ડો. શૈલજા ઠક્કર, અમદાવાદ
- સવારના પાંચ વાગ્યે... એટલું તો વહેલું ન ફાવે ને?
⬛ પોલીસવાળાઓ દારૂ પકડીને રોલર નીચે કચડી નાખે છે. કોઈ ઊંડા કૂવામાં ઢોળી દેતા હોય તો?- જશવંતભાઈ પટેલ, વિસનગર
- ભારતભરમાં આપઘાતની પેટર્ન બદલાઈ જાય. કોઈ પંખે ન લટકે... કૂવે પડે!
⬛ મોટાભાગના વૈજ્ઞાનિકો પુરુષો જ કેમ થયા? સ્ત્રીઓ કેમ નહીં?
- માધવ જે. ધ્રુવ, જામનગર
- વાંચન વધારો, માસ્તર!
⬛ કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, તો ધોળા માથાનો માનવી શું કરી શકે?
- રાહુલસિંહ એસ. સોલંકી, કંબોઈ કાંકરેજ
- હેર ડાઈ.
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું: ‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: [email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી