તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રણમાં ખીલ્યું ગુલાબ:સુકૂન કી તલાશ મેં નિકલા થા મૈં,તો દર્દ બોલા, ઔકાત ભૂલ ગયા ક્યા?

13 દિવસ પહેલાલેખક: ડો. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • સ્મરણ પરસેવાથી નીતરી ગયો. ખરેખર આ સાચું હશે? હયાતી સાથેનું લગ્ન તો પ્રેમલગ્ન હતું. તો હવે પ્રેમનું સરનામું બદલાઇ ગયું?

સ્મરણ અને હયાતીએ પ્રેમલગ્ન કર્યા તે પછીનાં ચોથા મહિને જ હયાતીએ બેડરૂમના એકાંતમાં તીખા અવાજમાં કહી દીધું, ‘હું તમારા મમ્મી-પપ્પા સાથે નહીં રહી શકું. કાં મને લઇને જુદા થઇ જાવ નહીંતર હું તમારાથી છૂટી થઇને પિયરમાં ચાલી જઇશ.’

સ્મરણ હયાતીના તેવર જોઇને જ સમજી ગયો કે આ સૂચન ન હતું પણ આદેશ હતો. આ સેશન્સ કોર્ટમાં કરાયેલી અપીલ ન હતી પણ સુપ્રીમ કોર્ટમાં જાહેર થયેલો ચુકાદો હતો. ત્યારે તો એણે આટલું બોલીને પત્નીને શાંત પાડવાનો પ્રયત્ન કરી લીધો, ‘મને થોડો સમય આપ. આવી રીતે અડધી રાતે હું બીજું ઘર શોધવા ક્યાં જાઉં?’ પત્નીનો તત્કાળ પૂરતી ચૂપ થઇ ગઇ, પણ સ્મરણનાં મનમાં વિચારોની સુનામી ઊમટી આવી. જન્મથી લઇને અત્યાર સુધીના 25 વર્ષનો એક એક દિવસ રિવાઇન્ડ થઇને ફરી પાછો રિપ્લે થવા માંડ્યો. જન્મથી જ એ બીમાર રહેતો હતો. એને જીવાડવા માટે મમ્મી-પપ્પાએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. મિડલ ક્લાસ પપ્પાનું આવકનું ખાતું સાવ નાનું હતું અને જાવકના ખાતામાં મોટાં ગાબડાં પડેલાં હતાં. જ્યાં ડોક્ટોરની દવા કામ ન આવી ત્યાં બાધા-આખડી અને માનતા પાછળ પૈસા ખર્ચાઇ જતા હતા. સ્મરણ મોટો થતો ગયો ત્યારે એના કાનમાં પડોશીઓ દ્વારા માહિતી રેડાતી રહી. તને ક્યાં ખબર છે? તું તો સાવ નાનો હતો. તને બચાવવા માટે તારી મમ્મી સાડા ત્રણ વર્ષ સુધી ઉઘાડા પગે ફરી હતી. એણે ચંપલ ન પહેરવાની બાધા રાખી હતી. તને એક વાર અસાધ્ય તાવ આવ્યો હતો કેમેય કરીને ઊતરતો ન હતો. તારા પપ્પાએ માનતા રાખી હતી કે જો મારો દીકરો સાજો થઇ જશે તો હું અવળા પગે ચાલતો અંબાજીનાં દર્શન કરવા જઇશ. અને એ ગયા પણ હતા. એ પછી સ્મરણને ઉછેરવા, એને ભણાવવા અને એના મોજશોખ પૂરાં કરવા પાછળ મમ્મી-પપ્પાએ પૈસો અને પરસેવો બંને રેડી દીધાં હતાં. પછી જ્યારે સ્મરણને નોકરી મળી ગઇ ત્યારે મમ્મી-પપ્પાની મરજીની ઉપરવટ જઇને સ્મરણ હયાતીને પરણી લાવ્યો હતો. એ પણ મમ્મી-પપ્પાએ સ્વીકારી લીધું હતું અને આજે અચાનક અડધી રાતે હયાતી કહેતી હતી કે મારે તમારા મમ્મી-પપ્પા સાથે નથી રહેવું.

સાચો ઉપાય એ જ હતો કે આ મુદ્દા પર સ્મરણે હયાતીને ડિવોર્સ આપી દેવાં જોઇતાં હતાં. અદાલતમાં આ કારણને માન્ય રાખવામાં આવ્યું છે એવું એના એક વકીલમિત્રે કહ્યું પણ હતું. પણ સ્મરણ માન્યો નહીં. ‘મેં હયાતીને પ્રેમ કર્યો છે. હું એની ઇચ્છાને માન આપીશ.’

છ-સાત દિવસમાં જ સ્મરણે ભાડાંનું મકાન શોધી કાઢ્યું. મમ્મી-પપ્પાને સમજાવી લીધાં, ‘સાથે રહીને રોજ ઝઘડવું એનાં કરતાં અલગ થઇ જવું સારું. જુદાં રહેવાથી પ્રેમ પણ વધશે.’ સ્મરણનો નિત્યક્રમ બની ગયો કે રોજ સાંજે પપ્પા-મમ્મીને મળવા એમના ઘરે જવું, પણ આ માત્ર એના માટેનો જ નિત્યક્રમ હતો, હયાતી માટેનો નહીં. એ ક્યારેય જતી નહીં. એટલું જ નહીં, પણ સાસુ-સસરા ક્યારેક વહુને મળવા માટે આવે તો એ પણ એને ગમતું નહીં. ધીમે ધીમે અંતર વધતું ગયું.

પુત્રનો વિરહ, પુત્રવધૂનું વર્તન અને એમાંથી જન્મેલાં આઘાતનાં કારણે પપ્પા ભાંગી પડ્યા. હૃદયરોગના તીવ્ર હુમલામાં એ આ નફરતની દુનિયા છોડીને ચીર શાંતિનાં ધામમાં ચાલ્યા ગયા. ચિતાના ધુમાડાથી બળતી આંખ સાથે સ્મરણે પત્નીને વિનંતી કરી, ‘પપ્પા તો ગયા. હવે મમ્મી એકલાં જ છે. મને લાગે છે કે આપણે હવે એમની સાથે રહેવાં...’

વિફરેલી વાઘણ ગર્જે તો કેવું ગર્જે? હયાતી ત્રાડ પાડીને બોલી ગઇ, ‘એવું હતું તો જુદાં જ શા માટે થયાં? માના ખોળામાં જ પડી રહેવું હતું ને! હું ચાલી ગઇ હોત મારા પપ્પાનાં ઘરે.’ આ તબક્કે પણ સ્મરણ માટે સાચો રસ્તો એક જ હતોઃ પત્નીને ડિવોર્સ આપીને વૃદ્ધ માતાની સાથે રહેવા જતા રહેવું, પણ આ વખતે સ્મરણની મથામણ સાવ અલગ જ હતી, ‘હયાતીને પાંચમો મહિનો જાય છે. આવી સ્થિતિમાં એને છૂટાછેડા આપું તો હું પાપમાં પડું.’ બીજા ચાર મહિના પછી હયાતીએ દીકરાને જન્મ આપ્યો. પાપની ચિંતા કરતો સ્મરણ બાપ બનીને હરખાઇ ઊઠ્યો. હવે ખર્ચા વધ્યા હતા. પપ્પાનું પેન્શન આવતું હતું. એટલે વિધવા માતાનું નભી જતું હતું, પણ એક નાનકડા જીવનો ખર્ચો મોટા માણસ કરતાં પણ વધી ગયો હતો. સ્મરણે બીજું નાનકડું કામ શોધી કાઢ્યું. હવે એ સાંજે છ વાગ્યાના બદલે રાત્રે દસ વાગ્યે ઘરે આવતો હતો.

એક દિવસ એ ઓફિસમાં બેસીને કામ કરતો હતો ત્યારે ડેસ્ક પરનો લેન્ડલાઇન ફોન રણકી ઊઠ્યો. અજાણ્યો અવાજ હતો કે પછી અજાણ્યો બનવાનો પ્રયાસ કરતો હતો. એણે જે કહ્યું તે ચોંકાવી મૂકે તેવું હતું. ‘થોડુંક ધ્યાન ઘરમાં પણ આપો. તમારી પત્ની તમારી જ સોસાયટીના 14 નંબરના ટેનામેન્ટમાં રહેતા અનુભાઇ સાથે ફરે છે. આખી સોસાયટી આ વાત જાણે છે, પણ એ અનિયો માથાભારે છે માટે કોઇ તમને કહેવાની હિંમત કરતું નથી. મેં પણ માંડ માંડ આટલું...’ અને ફોન કપાઇ ગયો.

સ્મરણ પરસેવાથી નીતરી ગયો. ખરેખર આ સાચું હશે? હયાતી સાથેનું લગ્ન તો પ્રેમલગ્ન હતું. તો હવે પ્રેમનું સરનામું બદલાઇ ગયું? ઘણાં બધાં દૃશ્યો સજીવન થવાં લાગ્યાં. પતિ-પત્ની વચ્ચે વધતો જતો મતભેદ, નાની મોટી બોલાચાલી, ક્યારેક ઉગ્ર તડાફડી તો ક્યારેક સાત-આઠ દિવસના અબોલા, પારકા પુરુષોની સાથે વાત કરતી વખતે હયાતીનું ખીલી ઊઠવું, દરેક વાતમાં બીજા પુરુષો સાથે પતિની સરખામણી કરવી આ બધું જ નજર સામેથી પસાર થઇ ગયું. સ્મરણને યાદ આવ્યું કે બે-ચાર વાર ઝઘડો થયો ત્યારે હયાતીએ પતિની ઉપર હાથ પણ ઉપાડી લીધો હતો. આ બધું એટલા માટે કે હયાતી પેલા અનિયા તરફ ખેંચાઇ ગઇ હતી?!

સ્મરણમાં એટલી હિંમત તો હતી જ નહીં કે ઘરે જઇને પત્નીને આ બાબતમાં કંઇ પૂછી શકે. હયાતીનાં ગુસ્સાથી એ ડરતો હતો. એણે ચૂપ રહીને જાસૂસી કરવા માંડી. પંદર દિવસમાં જ ઘણું બધું સામે આવી ગયું. લગભગ બધા જ પડોશીઓએ સત્ય જણાવી દીધું. એ પછી એક વાર રાતના સમયે સ્મરણે હયાતીને ડરતાં ડરતાં સમજાવવાની કોશિશ કરી. ‘મારા કાને વાત આવી છે કે તું અને અનુભાઇ...?’ પતી ગયું. હયાતી ભોજનની પિરસાયેલી થાળી પછાડીને ઊભી થઇ ગઇ. મોટા અવાજમાં ચીસો પાડવા લાગી. સ્મરણની આબરૂનો ધજાગરો કરી મૂક્યો, ‘મારે તો કોઇની સાથે લફરું બફરું નથી પણ જો હોય તોય એમાં મારો વાંક ન કાઢતા. પતિમાં ખામી હોય તો પત્ની બાપડી શું કરે? બબ્બે મહિના સુધી મારી સામે જોતાંય નથી. મોડી રાત્રે આવીને બે કોળિયા ગળચીને સીધા ઘોરવા માંડો છો. હું ગરમ પથારીમાં શેકાતી તરફડતી રહું છું. હવે જ્યારે તમે મારા પર આવો ગંદો આરોપ મૂકી જ દીધો છે ત્યારે હું અનુભાઇની પાસે જઇશ જ. તમારાથી થાય તે કરી લેજો.’

હયાતીની આ જાહેરાત સ્મરણની સાથે જ બધા પડોશીઓએ પણ સાંભળી લીધી. બીજા દિવસથી હયાતી અને અનુભાઇ છડેચોક સાથે ઘૂમવાં લાગ્યાં. અનુભાઇએ એક વાર લાલ આંખ કરીને સ્મરણને ધમકી પણ આપી દીધી. ‘ખબરદાર! જો આજ પછી તારી ઘરવાળીને એક પણ શબ્દ કહ્યો છે તો તારા હાડકાં ભાંગી નાખીશ. એ તારી નથી પણ મારી છે. તાર ઘરમાં માત્ર સાચવવા માટે મેં તને આપી છે અને એનાથી છૂટાછેડાં લેવાનો તો વિચાર પણ કરતો નહીં. હું પરવાના વગરનો કટ્ટો રાખું છું એ પોલીસ પણ જાણે છે.’

અનિયાની ધમકી સાથે જ સ્મરણ માટે ડિવોર્સ આપવાનો રસ્તો કાયમ માટે બંધ થઇ ગયો છે. અનિયાની પત્ની પણ ડરનાં કારણે કંઇ બોલી શકતી નથી. સ્મરણે બે-ચાર વગદાર માણસો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે એ મહાનુભાવો સાથે અનિયાના સંપર્કો વધારે ગાઢ હતા. સારા સમાચાર એ છે કે હયાતી હાલમાં પ્રેગ્નન્ટ છે. એને ચોથો મહિનો ચાલે છે. સોસાયટીવાળા મૂછમાં હસે છે અને સ્મરણ છાના ખૂણે રડી લે છે. drsharadthaker10@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો