તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માય સ્પેસ:આઈ એમ સ્પિકિંગ... થ્રી મેજિકલ વર્ડ્સ !

13 દિવસ પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

‘આઈ એમ સ્પિકિંગ’ કોઈ ક્રાંતિ નહીં લાવે, તેમ છતાં આ ત્રણ શબ્દોથી સ્ત્રીનો અવાજ દબાવી દેતા અનેક લોકોને એક નોટિસ ચોક્કસ મળશે ડિસેમ્બર, 1889, કોપન હેગનના રોયલ થિયેટરમાં એક નાટક ભજવાયું, ‘ડોલ્સ હાઉસ’! એ વખતે એ નાટકે આખા વિશ્વને ચર્ચાના ચકડોળે ચઢાવ્યું. સિરસા નામના એક નાનકડા નોર્વેજિયન શહેરમાં સેટઅપ થયેલું આ નાટક 2006માં ઈબ્સનના મૃત્યુના 100 વર્ષ પછી દુનિયાના સૌથી વધુ ભજવાયેલા નાટક તરીકે સન્માન પામ્યું. 2001માં એની મેન્યુ સ્ક્રિપ્ટને વિશ્વની રજિસ્ટર્ડ મેન્યુ સ્ક્રિપ્ટમાં મૂકવામાં આવી... એનું કારણ શું હતું?

એ નાટકનું મુખ્ય પાત્ર નોરા (જેઈન ફોન્ડા/ક્લેર બ્લુમ)ને એનો પતિ, ટોરવાલ્ડ (ડેવિડ વોર્નર/એન્થોની હોપ્કિન્સ) ઢીંગલીની જેમ રાખતો. એને વાપરવા મળતા પૈસા ઉપર પતિનો કન્ટ્રોલ હતો, એને ગમતી વસ્તુ ખાતાં પહેલાં પણ એણે પૂછવું પડતું. નોરાને કોઈપણ પ્રકારના અધિકારો નહોતા. જ્યારે ટોરવાલ્ડ બીમાર પડે છે ત્યારે એને સાજો કરવા માટે નોરાએ દેવું કરવું પડે છે. એ દેવું ચૂકવવા માટે નોરા ખૂબ કામ કરે છે અને જ્યારે ટોરવાલ્ડને ખબર પડે છે ત્યારે એ દેવું શા માટે કર્યું એ પૂછ્યા વગર એ નોરાને ખૂબ અપમાનિત કરે છે. ઘણું વિચાર્યા પછી નોરા પતિ અને બાળકોને છોડીને ચાલી જવાનું નક્કી કરે છે... નાટકના અંતિમ દૃશ્યમાં નોરા ઘરની બહાર નીકળે છે, અને પોતાની પાછળ દરવાજો બંધ કરે છે.

એ વખતના વિવેચકોએ લખ્યું હતું કે, ‘નોરાએ બંધ કરેલા દરવાજાનો પડઘો આખા વિશ્વમાં પડ્યો.’ આ ઘટના 1889ની છે... 8મી ઓક્ટોબર, 2020માં ફરી એક સ્ત્રીના અવાજનો પડઘો પડ્યો છે. 131 વર્ષ પછી એક એશિયન અમેરિકન સ્ત્રીએ ટેલિવિઝન ઉપર વાઈસ-પ્રેસિડેન્ટ માઈક પેન્સ સાથેની ડિબેટમાં કહ્યું, ‘આઈ એમ સ્પિકિંગ.’ આ વાત પેન્સે સાંભળી કે નહીં, એ તો એ જ જાણે પરંતુ આ ત્રણ શબ્દોમાં રહેલો જાદુ આજે મિસિસ કમલાદેવી હેરીસનો એક મજબૂત અવાજ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે.

અમેરિકન ચૂંટણીઓ વધુ ને વધુ ગાઢો અને ગંદો રંગ પકડતી જાય છે. નવાઈની વાત છે કે અત્યાર સુધીના યુ.એસ. ઈલેક્શન્સ એક ડીસન્ટ અને તર્કબદ્ધ દલીલો પર આધારિત, માઈન્ડ ગેમ રહ્યા છે. મિસેલ ઓબામા આવીને પોતાના પતિની ગરીબી કે તકલીફની વાત કરે તો એને લોજિકલ અથવા ઈમોશનલ રંગ ગણી શકાય, પરંતુ પાંચ વર્ષ સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ‘શટ અપ, મેન’ બોલી શકે એ નવાઈની વાત તો છે જ.

કમલા હેરીસ એક લોજિકલ પ્રશ્ન સાથે પોતાની વાત મૂકી રહ્યાં હતાં, એમનો એ પ્રશ્ન પૂરો થાય એ પહેલાં જ માઈક પેન્સ પોતાની વાત કહેવા લાગ્યા. આમ પણ પેન્સ એમના બોસ જેવા જ તોછડા અને અવિવેકી છે. જ્યારે જ્યારે એ ચર્ચામાં ભાગ લે છે ત્યારે દરેક વખતે એમની તોછડાઈ અથવા ઈગો અત્યંત સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તે દિવસે, 8મી ઓક્ટોબરે ટેલિવિઝન પર ગોઠવાયેલી ચર્ચામાં કમલાએ વારંવાર અવરોધ સહન કર્યા પછી અંતે આ શબ્દો ઉચ્ચાર્યા, ‘હું બોલી રહી છું.’

1889થી આજ સુધી, ઈબ્સનની નોરાથી અમેરિકાની કમલા હેરીસ સુધી કેમ કશું બદલાયું નથી, એવો સવાલ આ ત્રણ શબ્દો ધ્યાનથી સાંભળનાર દરેકને થયો હશે? સ્ત્રી જ્યારે બોલે છે ત્યારે, એની વાત બહુ મહત્ત્વની નથી એવું માનનારા અને માનીને એની વાતને અવગણનારા કે વચ્ચેથી કાપી નાખનારા લોકોની સંખ્યા વિશ્વના કોઈપણ દેશમાં મોટી છે જ. ઘરની પત્ની કે મા હોય, સરકારી દફતરમાં કે કોર્પોરેટમાં, અભિનયના જગતમાં કે વ્યવસાયના ક્ષેત્રમાં સ્ત્રીને ‘ઈક્વલ-સમકક્ષ’ માનવાનો દાવો કરતા લોકો પણ દરેક વખતે સાચા નથી હોતા એવો અનુભવ ઘણી સ્ત્રીઓને થયો હશે. કંગના રણૌતનું વાક્ય, ‘તુને મેરા ઘર તોડા હૈ, મૈં તેરા ઘમંડ તોડુંગી’ ઘણાને ફિલ્મી લાગ્યું તો ઘણાને એની પાછળ રહેલો રાજકીય મુદ્દો અને દિલ્હીથી મળેલો સપોર્ટ દેખાયો... સવાલ એ છે કે રાજકીય મુદ્દા ઘણા ઊભા થતા હોય છે અને દિલ્હીથી સપોર્ટ મળતો હોય એવા લોકો આપણા દેશમાં ઓછા નથી, તેમ છતાં એક સ્ત્રીને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે? કંગના રણૌત સાચી છે કે ખોટી, સીધી છે કે લુચ્ચી... એની આ ચર્ચા જ નથી. ચર્ચા એ છે કે જ્યારે જ્યારે એક સ્ત્રી પોતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરે છે ત્યારે એને એક યા બીજી રીતે ચૂપ કરાવી દેવાનું ષડ્્યંત્ર જાણે કે આખી દુનિયા સાથે મળીને રચે છે.

‘મમ્મી તો બોલ્યા કરે’ માનતું ટીનએજ સંતાન કે પત્નીને ‘હોમ મિનિસ્ટર’ કહેતાં પતિઓ ભલે એમ કહે કે, ‘મારે તો ઘેર પૂછવું પડે...’ પરંતુ સચ્ચાઈ એ છે કે પત્ની કે માનો અવાજ ઘરની દીવાલો સાથે પડઘાઈને એને જ સંભળાય છે. કોર્પોરેટ હોય કે ફિલ્મ, એક મેન્સ ક્લબ છે, જે સ્ત્રીને મજાક અથવા ઉપભોગનું સાધન ગણે છે. પ્રેઝન્ટેશન દરમિયાન કે પ્રમોશન વિશે, સ્ત્રીને હંમેશાં સેકન્ડરી જ ગણવામાં આવે છે. એ જ્યારે પોતાની વાત કહેવાનો પ્રયત્ન કરે ત્યારે એ વાતમાં ખરેખર વજૂદ હોય તો પણ, એ સ્ત્રીએ કહી છે એટલા કારણસર એને ડિસમિસ કરી નાખતા, કે નકારી નાખતા પુરુષોની ખોટ નથી, એ અનુભવ વ્યવસાય અને કોર્પોરેટ વર્લ્ડ સાથે જોડાયેલી અનેક સ્ત્રીઓને થયો જ હશે.

‘આઈ એમ સ્પિકિંગ’ કોઈ ક્રાંતિ નહીં લાવે, તેમ છતાં આ ત્રણ શબ્દોથી સ્ત્રીનો અવાજ દબાવી દેતા અનેક લોકોને એક નોટિસ ચોક્કસ મળશે. આ કોઈ ‘ફેમિનિસ્ટ’ કે ‘સ્ત્રી સ્વાતંત્ર્ય’નો ઝંડો ફરકાવતો લેખ નથી. અહીં તો એક સાદી વાત કહેવાનો પ્રયત્ન છે, કે સ્ત્રી સામાન્યતઃ મહત્ત્વની વાત નથી કરતી, કરી શકતી નથી એવું માનનારા લોકોએ હવે પોતાની માન્યતા બદલવાનો સમય શરૂ થઈ ગયો છે. ભણેલી-ગણેલી હોય કે ઓછું ભણેલી, અભણ... સ્ત્રી પાસે પોતાની સિક્સ્થ સેન્સ અને લોજિક છે. એને સ્વયંમાં શ્રદ્ધા છે, કદાચ એટલે જ સ્ત્રીને કુદરત દ્વારા માતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દેવી કે દાસી બનવામાં હવે આજની સ્ત્રીને રસ નથી. એને રિઝર્વેશન નથી જોઈતા-પોતાનો અધિકાર જોઈએ છે. એના ભણતરનો, એની આવડતનો, એની સમજણનો અને એના માણસ હોવાના સ્વીકારનો અધિકાર. જે સ્ત્રી આવો અધિકાર માગે એને કોઈ કારણ વગર ‘ફેમિનિસ્ટ’નું લેબલ ચોંટાડી દેવામાં આવે છે. આ લેબલ ચોંટાડનાર જાણતા પણ નથી કે ફેમિનિસ્ટ શબ્દનો અર્થ શું થાય!

’70ના દાયકામાં સિમોં દ બ્યુવોઈર નામની એક મહિલાએ નવો વિચાર આપ્યો. 1971માં 343નો મેનિફિસ્ટો સાઈન કરવામાં આવ્યો. જેમાં પ્રસિદ્ધ સ્ત્રીઓએ એવું સ્વીકાર્યું કે એમણે ગર્ભપાત કરાવ્યો છે. (કારણ કે એ વખતે ફ્રાન્સમાં ગર્ભપાત કાયદેસર નહોતો) ત્યાંથી શરૂ થયો ફેમિનિઝમનો વિચાર. સિમોંએ જેન્ડર-જાતિ એ સોશિયલ કન્સ્ટ્રક્ટ છે. સામાજિક રચના જન્મ લેતી વ્યક્તિને સ્ત્રી કે પુરુષની માનસિકતા આપે છે. કુદરતે આવું કશું જ આપ્યું નથી. 1972માં ફ્રાન્સના રસ્તાઓ ઉપર ઢગલાબંધ બ્રા સળગાવીને અનેક સ્ત્રીઓએ પોતાની જાતને ‘ફેમિનિસ્ટ’ જાહેર કરી. પુરુષ પોતાનાથી નીચો અથવા ઓછો છે એવું ફેમિનિઝમ શીખવતું નથી, બલ્કે, એ તો સમાન અધિકારની વાત કરે છે. સમાન અધિકારનો અર્થ થાય છે, નિર્ણય લેવાનો, પોતાની વાત કહેવાનો અને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર!

ભારતમાં કેટલા પરિવારમાં એક દીકરીને આવો અધિકાર આપવામાં આવતો હશે? શરૂઆતથી જ જ્યારે દીકરીને ઘરના મહત્ત્વના મુદ્દામાં પૂછવામાં આવતું નથી કે એને અભિપ્રાય આપવાનો અધિકાર આપવામાં આવતો નથી. ‘એ તો પારકે ઘેર જશે’ જેવાં વાક્યો સાથે ઘરના ઈન્ટિરિયર ડેકોરેશનથી શરૂ કરીને ઈન્વેસ્ટમેન્ટ સુધીની ઘણી વાતોમાં દીકરીને પૂછે તોપણ અંતે પિતાનો કે પુત્રનો નિર્ણય આખરી ગણવામાં આવે છે. આજે પણ એવી મા છે, કે જેને પોતાની દીકરીના ઘેર રહેવું પડે અથવા એકનું એક સંતાન જો દીકરી હોય તો પોતાના માતૃત્વમાં અને સામાજિક સ્ટેટસમાં કશુંક ખૂટતું હોય એવું લાગે છે. આ માનસિકતાને બદલવાનું કામ શિક્ષણ કે સરકારી જાહેરાતો નહીં કરી શકે. આને પાયામાંથી બદલવી પડશે, છેક પહેલેથી શરૂ કરવું પડશે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે સ્ત્રીએ સ્ત્રીનો અવાજ ઉઘાડતા શીખવાનું છે... માને દીકરીનો, કે સાસુને પુત્રવધૂનો કે ઊંચા પદે બેઠેલી એક સ્ત્રીને બીજી સ્ત્રીનો, એક સફળ સ્ત્રીને બીજી સંઘર્ષ કરી રહેલી સ્ત્રીનો અવાજ સંભળાશે તો કદાચ એ અવાજ આખા વિશ્વને સાંભળવાની ફરજ પડશે. kaajalozavaidya@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો