બામુલાહિઝા / મોદી એ કેવી રીતે બતાવે કે, આપણે 1962વાળા નેહરુ નથી

How can Modi show that we are not the Nehru of 1962?
X
How can Modi show that we are not the Nehru of 1962?

  • ચીન બાબતે મોદી પાસે વિકલ્પોની જૂની થાળી છે, જેમાં નેહરુએ સૌથી ખરાબ વિકલ્પ પસંદ કર્યો હતો

શેખર ગુપ્તા

Jun 23, 2020, 01:04 PM IST

માઓએ 1959-62માં જેવું નેહરુ સાથે કર્યું હતું, એ જ રીતે શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના જાહેર જીવનનો સૌથી મોટો પડકાર ઊભો કરી દીધો છે. આગામી દિવસોમાં મોદીએ એવા પગલાં લેવા પડશે, જે દેશના રણનૈતિક નસીબ અને તેમના રાજકીય વારસાને નક્કી કરશે. લદ્દાખમાં ચીન દ્વારા ઉશ્કેર્યા પછી તેમનો જવાબ શું હશે તેનું અનુમાન અઘરું છે. જોકે, ત્રણ સંકેત દેખાય છે. આજે તેમના મગજમાં કેવા સવાલ ઊઠી રહ્યા હશે, તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. તેઓ આ પડકારનો જવાબ નેહરુની જેમ તો ક્યારે આપવા નહીં માગે.


શી જિનપિંગે સમય જોઈને તેમને પડકાર ફેંક્યો છે, જેવું 1962માં માઓએ કર્યું હતું. આથી મોદી પર દબાણ છે કે, તેઓ દેશ-દુનિયાને કેવી રીતે બતાવે કે, અમે 1962વાળા નેહરુ નથી. નેહરુએ એક નિર્ણય લીધો હતો (મેં સેનાને કહી દીધું છે, ચીનાઓને ભગાડો), જે સાહસિક ભલે હતું, પરંતુ વાસ્તવિકતાથી દૂર હતું. આથી, ઈતિહાસમાં તેઓ સાહસિક, કડક નેતા તરીકે યાદ કરાતા નથી. આજે મોદી અનેક રીતે આગળ છે. નેહરુના સૌથી મોટા ટીકાકાર પણ તેમના મંત્રીમંડળમાં હતા. મોદી સાથે એવી સમસ્યા નથી. વિરોધ પક્ષ નબળો છે, સેના એ સમયની સરખામણીએ મજબૂત છે. જોકે, નેહરુની એક નબળાઈ મોદી સાથે પણ જોડાયેલી છે : વિશાળ જાહેર છબી અને પાતળી ચામડી. શીએ આ નબળાઈ ચકાસી લીધી છે. ચીનાઓએ જોઈ લીધું છે કે, મોદી માટે ઘરેલુ રાજનીતિમાં ‘ચહેરો’ કેટલો મહત્ત્વનો છે. તેમના પર એક સખત, નિર્ણાયક, જોખમવાળા લેનારા નેતા દેખાતા રહેવાનું દબાણ છે. જોકે, આ બધું ચીનની બાબતે સરળ નથી દેખાતું.


શું ઈતિહાસ અને ભૂગોળે ભારતના નસીબમાં બે મોરચા પર લડવાનું લખી દીધું છે? શું તે આ બેમાંથી એકની સાથે સમાધાન કરીને ‘ત્રિશૂલ’ની ઈજાથી બચી શકે છે? જો આમ હોય તો તેણે શું પસંદ કરવું? ત્રીજું, જો તેની પાસે કોઈ ઉપાય નથી, ત્યાં સુધી તે મૂળત: ‘બિન-જોડાણવાદી’ રહી શકે છે? 1962માં નેહરુએ ‘બિન-જોડાણવાદ’ને બાજુ પર મુકીને મદદ માટે અમેરિકા તરફ હાથ લંબાવ્યો હતો. મદદ મળી, સ્પષ્ટ છે કિંમત ચૂકવીને. ડિસેમ્બરમાં સરદાર સ્વર્ણ સિંહના દબાણમાં કાશ્મીર મુદ્દે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. જે પશ્ચિમ દેશોની મદદ મેળવવાના બદલામાં કરવું પડ્યું હતું. સ્વર્ણ સિંહ અટકી ગયા, નેહરુએ પીછે હઠ કરી, કેનેડીની હત્યા થઈ ગઈ અને અમેરિકા સાથે જે તક હતી તે સમાપ્ત થઈ ગઈ.


ઈન્દિરા ગાંધી તેજ હતાં. 1971માં બાંગ્લાદેશના સ્વરૂપમાં જે તક મળી, ત્યારે તેમને ખબર હતી કે તેઓ ત્યારે જ સફળ થશે જ્યારે ભારત ચીનના દબાણથી મુક્ત હશે. તેમણે સોવિયત સંઘ સાથે સંધિ કરી. જેણે તેમને યુદ્ધ સમાપ્ત કરવા માટે થોડા સપ્તાહ આપ્યા. રાજીવ ગાંધી, નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી અને ડો. મનમોહન સિંહ પાસે એ રાજકીય મૂડી ન હતી, જેવી મોદી પાસે છે. આ બધાએ ‘ત્રિશૂલ’ તોડવા પાકિસ્તાન સાથે સમાધાનનો પ્રયાસ કર્યો હતો. મોદીએ નવાઝ શરીફ સાથે નાટકીય શરૂઆત કરી, પરંતુ પગલાં પાછાં ખેંચી લીધા. ત્યાર પછી તેમણે અને તેમની પાર્ટીએ પાકિસ્તાનના વિરોધને રાજકીય સૂત્ર બનાવી લીધું. મોદીએ પણ પૂરોગામીઓની જેમ ‘ત્રિશૂલ’માંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ચીન તરફ ઝૂક્યા. તેની સાથેની વેપાર ખાધ 60 અબજ ડોલર પહોંચી ગઈ તો પણ તેના તરફ પણ ધ્યાન આપ્યું નહીં. બધું ગણિત એવું હતું કે, ચીનને એવો આભફાસ કરાવાય કે, ભારત સાથે સમાધાનમાં જ તેનું હિત છે. શીએ હવે દેખાડી દીધું છે કે, વિશ્વનો ‘ડેપ્યુટી સુપરપાવર’ રણનૈતિક હિતોને વેપાર સરપ્લસ સાથે સરખાવતો નથી.


હવે મોદી પાસે ત્રણ વિકલ્પ બચ્યા છે : કોઈ સુપરપાવરનો હાથ પકડી લો, બે પડોશીમાંથી એક સાથે સમાધાન કરો કે પછી ‘એકલા ચલો’ ગીત ગાતા બંને મોરચા પર લડતા રહો. તેમાં પ્રથમ બે વિકલ્પનું સંયોજન કેવું રહેશે? સરહદ સમસ્યા ઉકેલવી કે એલએસી નક્કી કરવું તેના માટે ફાયદાકારક નથી. આ બે હરીફ વચ્ચે શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે સુપરપાવર ઈચ્છે. ભારત માટે ચીન એ સુપરપાવર નથી. હવે સવાલ એ છે કે, શું મોદી એ સ્થિતિમાં પાછા ફરશે, જ્યાં ભારત વધુ શક્તિશાળી તરીકે પાકિસ્તાન સમક્ષ શાંતિની માગ કરે? પાકિસ્તાની રાજતંત્રમાં સુધારામાં વિશ્વ સમુદાય પણ રસ ધરાવે છે. જો એ દિશામાં આગળ વધો તો ઘરેલી રાજનીતિમાં ફેરફાર કરવો પડશે. ત્યારે એ સવાલ પેદા થશે કે, તમારા રણનૈતિક વિકલ્પ તમારી ચૂંટણીની રાજનીતિથી નક્કી થાય કે તેનાથી વિરુદ્ધ? મોદી સામે વિકલ્પોની એ જ જૂની થાળી છે. નેરહુએ સૌથી ખરાબ વિકલ્પ પસંદ કર્યો, ઈન્દિરાએ સાચો વિકલ્પ પસંદ કર્યો પરંતુ થોડા સમય માટે, મનમોહન સિંહે ત્રીજો વિકલ્પ અજમાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની પાસે સમય અને રાજકીય મૂડીનો અભાવ હતો.
એડિટર-ઈન-ચીફ, ‘ધ પ્રિન્ટ’
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી