નીલે ગગન કે તલે:લીલા અપરંપાર

3 વર્ષ પહેલાલેખક: મધુ રાય
  • કૉપી લિંક
  • સન 1895માં એચ. જી. વેલ્સ નામના લેખકે એક સાયન્સ ફિક્શન કથામાં સમયની આરપાર જતાં સમયયાત્રીની વાત છે, ધ ટાઇમ મશીન!

આ થંભેલી દુનિયાના નીરવ સમયમાં કોઈ રાત્રે તમે ગાડીઓના ધુમાડાથી મુક્ત શુભ્ર આકાશમાં જોયું છે કદી? કરોડો તારાઓની હારસિંગાર બિછાત જોઈ વિસ્મિત થયા છો કદી શું હશે ઉસ પાર? સામે કોઈ અલૌકિક બ્રહ્માંડમાંથી આપણા જેવો કોઈ જિજ્ઞાસુ જીવ દિવ્ય દૂરબીન માંડીને આપણનેય જોતો હશે? વિજ્ઞાનીઓ જણાવે છે કે આપણા જેવાં સૌરમંડળો કે આકાશગંગાઓ સૃષ્ટિમાં અગણિત છે. આપણા સૂર્ય કરતાં સહસ્રગણા તેજસ્વી કરોડો અતિસૂર્યોની આરતી ઉતારતા અબજો ગ્રહોમાં શી ખબર કેટલી પૃથ્વીઓ હશે ને કેટલા મનુજો હશે? તે મનુજ ન હોય તો આપણાથી જુદા દેખાતા ને જુદી લઢણે જીવતા જીવો હશે? વિજ્ઞાનકથાઓ તેમજ ફેન્ટસી કથાઓના લેખકો વર્ષોથી આપણા સિવાય કશેક અન્ય જગત હોવાની વાતની આસપાસ ભ્રમણ કરે છે. સન 1895માં એચ. જી. વેલ્સ નામના લેખકે એક સાયન્સ ફિક્શન કથામાં સમયની આરપાર જતાં સમયયાત્રીની વાત છે, ધ ટાઇમ મશીન! સન 1871માં લુઈસ કેરોલની કથા થ્રૂ ધ લુકિંગ ગ્લાસમાં વૈકલ્પિક વિશ્વનું દર્પણ છે. વર્તમાન સમયમાં ‘Lost’, ‘Stranger Things’ અને ‘The Good Place’ જેવા ટીવી શોઝમાં વૈકલ્પિક વિશ્વો કાલ્પનિક શ્વાસ લે છે. સન 1941માં, આર્જેન્ટિનાના વાર્તાકાર જોર્જ લુઇસ બોર્હેઝે તેની ટૂંકી વાર્તા ‘ગાર્ડન ઓફ ફોર્કિંગ પાથ્સ’(ફંટાતી કેડીઓનો બગીચો)માં મસ્તકને ધમ ધમ ચકરાવે તેવી સમયની અનંત શ્રેણીઓ, વિકસિત થતી જતી, ચતુર્દિક ફેલાતી અને સમાંતર રેલાતી સમયની અપરિમિત અનંત સમય સારિણીઓની વાત કરી છે. સામસામે ખેંચાતા એકથી વધુ સમયપટ્ટાનાં પોત, સહસા ફંટાય, કપાય, જેમાં કશું પણ શક્ય છે ને અશક્ય પણ શક્ય છે, કેમ કે તે સમયમાં શક્ય અશક્ય શબ્દો નિર્માલ્ય છે ને સમયની અમુક પ્રતમાં આપણું અસ્તિત્વ નથી; બીજી પ્રતમાં તમે છો, પરંતુ હું નથી; અન્યમાં હું છું અને તમે નથી; તો વળી બીજામાં આપણે બંને છીએ. કોઈવાર શાસ્ત્રો અને સંતો આપણને વારે વારે કહે છે કે પ્રભુની લીલા અપરંપાર છે. આપણે સમજીએ છીએ કે આ બ્રહ્માંડમાં એવું બધું ને એટલું બધું છે કે જેનો અંત નથી, યાને પાર નથી, પરંતુ વિજ્ઞાનીઓ હવે કહે છે કે એ શાસ્ત્રવચનનો અર્થ એથી વિશેષ છે. આ બ્રહ્માંડ ફક્ત આ એક જ બ્રહ્માંડ નથી, સૃષ્ટિમાં આવાં અપરંપાર બ્રહ્માંડો છે, ‘મલ્ટિવર્સ’ યાને અતિ ઘણાં બ્રહ્માંડો! તેવાં બ્રહ્માંડોની લાખ બે લાખ કે અબજ કે સહસ્રપદ્મ નહીં, પણ સાચેસાચ પાર વિનાનાં, અપરંપાર છે. આ દુનિયા જેવી બીજી અનંત દુનિયાઓ કરોડોના કરોડો પ્રકાશવર્ષના અંતરે વેરાયેલી છે, જેને આપણે કદી પામી શકવાના નથી. એ ઓલ્ટરનેટ કે પેરેલલ યાને વૈકલ્પિક કે સમાંતર દુનિયાઓમાં આપણા જેવા માણસો હોય ને બીજી દુનિયાઓમાં ન યે હોય! અરે! જે અનુભવવા માટે આપણી પાંચ સિવાયની બીજી અગમ્ય ઇન્દ્રિયો જોઈએ - આપણી સાથે જ સતત સમાંતર સૃષ્ટિઓ વસેલી હોય. કોઈ સૃષ્ટિમાં આપણે હોઈએ, પરંતુ રૂપ ભિન્ન ભિન્ન હોય ને આપણાં તે તે રૂપોની કોઈ કલ્પના આપણને ન હોય! પ્રભુએ કહ્યું છે તેમ આપણો આત્મા જુદાં જુદાં ખોળિયાં ધારણ કરે છે તે ખોળિયાં કદાચ આ સૃષ્ટિમાં ન હોય ને અન્ય સમાંતર સૃષ્ટિમાં હોય! અર્જુનને પરમાત્માએ બતાવેલો પોપટ તે બ્રહ્માંડમાં કદાચ સર્વોપરિ પ્રાણી હોય ને માણસ પ્રાણી સંભવ છે કે પાંજરામાં પુરાયો હોય! આ કલ્પના નવી નથી. વિજ્ઞાનમાં, સાહિત્યમાં, અધ્યાત્મ, ખગોળ, ભૌતિકશાસ્ત્રમાં, તત્ત્વજ્ઞાનમાં આ વિભાવના ઘોળાયા કરે છે. સન 1895માં વિલિયમ જેમ્સ નામના ફિલોસોફરે એકાધિક બ્રહ્માંડોની વિભાવનાને પહેલી વાર નામ આપ્યું ‘મલ્ટિવર્સ.’ એની પહેલાં 1710માં ગોટફ્રીડ લીબનીઝે જણાવ્યું કે આપણે વસીએ છીએ તે સર્વશ્રેષ્ઠ બ્રહ્માંડ છે અને તેનાં 50 વર્ષ પછી ફ્રેન્ચ લેખક વોલ્તેરે તેના પુસ્તક કેન્ડિડેમાં કહ્યું કે આ વિશ્વ જો સર્વશ્રેષ્ઠ હોય તો આનાથી ઊતરતાં બીજાં વિશ્વ પણ અવશ્ય હોવાનાં! જરા વિચારો: જે કાંઈ પણ બનવાનું હોય તે અવશ્ય બનશે એટલું જ નહીં, પણ બની ચૂક્યું જ છે; તેમજ આ ક્ષણે તે બની પણ રહ્યું છે! આ વિચાર કેટલો તેજાબી છે કે આપણું મન ફેન્ટસીમાં, શાયરીમાં, અગમનિગમમાં હિલ્લોળવા લાગે! આપણે જેને અખિલ બ્રહ્માંડ સમજીએ છીએ તે અખિલાઈમાં એક જ નહીં, પણ અપરંપાર સૃષ્ટિઓ છે! આપણે સિર્ફ હરિને એક તું એક તું એમ કહીએ.  madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...