મેનેજમેન્ટ ફંડા / ઉદારતા અવાજ કરતી નથી, ચૂપચાપ નિશાની છોડી જાય છે

Generosity does not sound, quietly leaves a mark
X
Generosity does not sound, quietly leaves a mark

એન રઘુરામન

May 25, 2020, 12:44 PM IST

આ શુક્રવારે કેરળ હાઈકોર્ટના જસ્ટિસ અનુ શિવરમન કડક ભાષામાં વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ''પહેલા ચાવી આપો. જો દરેક વ્યક્તિ આવો વ્યવહાર કરવા લાગશે તો કોવિડ-19 સામેની આપણી સમગ્ર લડાઈ અટકી જશે. પહેલા ચાવી આપો, બાકીની વાતો પછી જોઈશું. તમે આ રીતે પરાણે કામ રોકી શકો નહીં. ચાવી આપો, તમારી અંગત હિતોની સુરક્ષા કરાશે, પરંતુ અમારે જનતાનું હિત પણ જોવાનું છે.''
માનનીય ન્યાયાધિશ સરકારી વકીલને આદેશ આપી રહ્યા હતા કે, તેઓ એ જુએ કે 8.5 એકર જમીનનો માલિક તરત જ સરપંચને ચાવી આપી દે. આ જમીન પર ચાર ઘર બનેલા છે, જેમાં 9 રૂમ છે અને ન્યાયાધિશે આપત્તિ વ્યવસ્થા કાયદાની જોગવાઈઓ અંતર્ગત એવો આદેશ આપ્યો હતો, જેથી એ ઘરોને એવા લોકો માટે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ફેરવી શકાય, જે તેના માટે પૈસા આપવા તૈયાર છે. ન્યાયાધિશે કહ્યું, ''અત્યારે આ પ્રકારની રિટ અરજી સ્વીકારી શકીએ નહીં. અરજીકર્તાને કહો કે તેઓ ચાવી આપવાની વ્યવસ્થા કરે''. રોચક વાત એ છે કે, આ નાનકડા રિસોર્ટના માલિકના વકીલે બહાનું એવું બનાવ્યું કે, માલિક બીમાર છે એટલે ચાવી આપવા આવી શકે એમ નથી. આથી કોર્ટે કહ્યું કે, ''તમારે માત્ર માહિતી આપવાની છે કે માલિકે ચાવી આપવી પડશે'' અને સરકારી વકીલને તેના માટે વ્યવસ્થા કરવા આદેશ આપ્યો.
આ સમાચારે મારું ધ્યાન એટલા માટે ખેંચ્યું, કેમ કે, કેરળમાં અસંખ્ય રિસોર્ટના માલિક સરકારના અનેક રિસોર્ટ્સને પેઈડ ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા અને હું એ જાણવા આતુર હતો કે કોર્ટ કેવું વલણ અપનાવે છે. યાદ રાખો કે, આ એ જ રાજ્ય છે, જ્યાં તિરુવનંતપુરમના 102 વર્ષના પરમેશ્વરન નાયર જેવા લોકો પણ છે, જે ત્યારે ઉત્સાહિત હતા, જ્યારે સ્થાનિક પોલીસ તેમના ઘરે સીએમ કોવિડ રિલીફ ફંડ માટે રૂ.5000નો ચેક લેવા આવવાની હતી.
આથી મેં એવી વ્યક્તિની શોધ કરી જેણે પોતાનું ઘર ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવા આપ્યું હોય. મને મહારાષ્ટ્રમાં પુનાથી 100 કિમી દૂર અંબેગાંવમાં રહેતા મધુકર ગણપત હાગાવાને અંગે માહિતી મળી. આ શુક્રવારે તેમણે પોતાનું તાજેતરમાં નવું જ બનાવેલું મકાન (રો હાઉસ) સ્થાનિક તાલુકા પંચાયતને ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવા આપી દીધું છે. માત્ર એક મકાન નહીં, પરંતુ મધુકર અને તેમના પાંચ ભાઈ-બહેનો માટે બનાવાયેલા તમામ 6 મકાન પણ આપ્યા છે, જે હજુ નવા ઘરમાં રહેવા જવાના હતા. 55 વર્ષના મધુકરે જોયું કે, સ્થાનિક તંત્ર લોકોને તેમના ગામની સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરી રહ્યું છે, જેની સ્થિતિ સારી નથી. આથી તેમણે તલાટીને પોતાના 6 મકાનનો ઉપયોગ ક્વોરેન્ટાઈનમાં કરવા જણાવ્યું. જેમાં દરેકમાં એક લિવિંગ રૂમ, બે બેડરૂમ, એક ટોઈલેટ અને બાથરૂમ છે.
છેલ્લા બે સપ્તાહમાં મુંબઈ અને પુનાથી લગભગ 400 પરિવાર ગામડે પરત ફર્યા છે. અંબેગાંવમાં તેમને ક્વોરેન્ટાઈન કરવાની યોગ્ય વ્યવસ્થા નથી. આ સાથે જ તમામ 6 પરિવારે અત્યાર સુધી ગૃહપ્રવેશ કાર્યક્રમ પણ આયોજિત કર્યો ન હતો, તેમ છતાં તેમણે સંકટના સમયે પરંપરા છોડીતાં કહ્યું કે, ''લોકોનું સ્વાસ્થ્ય વધુ જરૂરી છે''. તમામ 6 પરિવારે એકમત થઈને આ નિર્ણય લીધો છે અને તાલુકા પંચાયતને એમ કહીને મકાન આપ્યા છે કે તેઓ જ્યાં સુધી ઈચ્છે આ મકાનનો ઉપયોગ કરી શકે છે. અત્યારે બે મકાનમાં 6 બાળકો સહિત 18 ગ્રામીણ રહે છે. બાકીના મકાનોનો જરૂર પડતાં ભવિષ્યમાં ઉપયોગ કરાશે.
ફંડા એ છે કે, કેટલાક લોકોની વાતોમાં કદાચ એટલો દમ હોતો નથી, પરંતુ તેઓ પોતાના કામ અને ચૂપચાપ નિશાનીઓ છોડી જતા હોય છે.
મેનેજમેન્ટ ગુરુ

[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી