બુધવારની બપોરે:કચરા-પોતાં કાંઈ આપણું કામ છે?

3 વર્ષ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક
  • સિક્સરઃ વફાદાર ગોરધનો સ્વર્ગસ્થ થાય પછી સ્વર્ગ મળે. ‘ચાલુ’ ગોરધનોને જીવતેજીવતા સ્વર્ગ મળે. પસંદગી તમારે કરવાની છે.

મારું બોડી ટાઇગર શ્રોફ જેવું નથી. એના પેટ ઉપર ‘સિક્સ પેક’ના છ-છ કાપા પડે છે. મારા પેટ ઉપર નેહરુ બ્રિજના ઢાળ જેવો સીધો પટ્ટો પડે છે. મને એનો અફસોસ થતો નથી, પણ હકી પેલાનો ફોટો બતાવીને મને તાના મારે રાખે છે, ‘જુઓ, આનું નામ બોડી કહેવાય. એનાં બાવડાંના મસલ્સ જુઓ ને આ બાજુ તમારા જુઓ. તમારો ગોટલો પાણીપૂરી જેટલો ય ફૂલે છે? આવા શરીરે તમારી પાસેથી કામે ય શું લઉં? એક વાર સીલિંગ ફેન સાફ કરવાનું સોંપ્યું હતું, તે સાફ કરવાને બદલે ગળે લેંઘો બાંધીને ત્યાં લટકવા મોકલ્યા હોય, એવા મારે ફોટા લેવા પડ્યા હતા.’ ‘કોરોના’ને પાપે ભલભલા ગોરધનો ઘરમાં ધૂળજી થઈ ગયા છે, (કેટલાક તો હવે દેખાવા ય એવા માંડ્યા છે!) બધા ધૂળજીઓ ‘દેસ’માં ગયા છે, ત્યારે ખરે વખતે મારું પુણ્યશાળી પેટ જ કામમાં આવ્યું છે કે, હું ઇચ્છું તો ય ઘરમાં પોતાં મારી શકું એમ નથી. વાંકો વળું તો પેટ જમીનને અડી જાય છે. ઘરમાં મને કામ સોંપાય ત્યારે માનવામાં ન આવે એવા ફાંકા મારી શકું છું, પણ પોતાં મારી શકતો નથી. હું એમ નથી કહેતો કે, કોરોનાની કટોકટીના આ કપરા કાળમાં ગોરધનોએ ઘરમાં વાઇફને મદદ ન કરવી. પોતાં તો શું, વાસણ-કપડાંમાં ય એનો હાથ બટાવવો જોઈએ. એકલી કાંઈ મરે? અને આજકાલ આપણાં બધાંની પાસે બીજું કામે ય શું છે? જો આપણે જ મદદમાં નહીં આવીએ, તો શું બાજુના ફ્લેટવાળાને રિક્વેસ્ટ કરવા જઈશું કે, ‘તમારું પતે, પછી અમારા ઘેરે ય પોતાં મારી જજો ને! બીજી વાર કોરોના આવશે અને મારું પેટ ‘સિક્સ પેક’વાળું થશે તો હું ય તમારા ઘેર પોતાં મારી જઈશ.’ ભઈ, પડોસી જ પડોસીના કામમાં નહીં આવે, તો બીજું કોણ આવવાનું છે? અલબત્ત, આમાંનું કશું થાય તો પણ મારા ઘરમાં સાફસૂફી કરવા એકે ય પડોસીને બોલાવાય એવો નથી... ‘બૂરી નજરવાલે, તેરા મુંહ કાલા.’ તો બીજી બાજુ, મારી નજર તો સારી હોવા છતાં, મારાથી એકે ય પડોસણની મદદમાં જવાય એવું નથી. સાલી, એકાદી તો આંખમાં વસે એવી હોવી જોઈએ ને? એવા કોઈ ‘ઇન્સેન્ટિવ’ મળતા હોય તો, આપણે વગર કોરોનાએ રોજ પોતાં મારવા જઈએ. આ તો, આપણા ઘરમાં એકાદ વાર લીંબુ લેવા આવી હોય તો ‘દબાણ ખસેડવાની ગાડી’ આવી હોય એમ ડ્રોઇંગ રૂમના સોફા, ટેબલ, સ્ટૂલ કે ટીવીને ધૂમધડામ અથડાતી આવે. એક એક લીંબુ આપણને મિનિમમ હજારનું પડે. કોઈને કહીએ તો ય ખરાબ લાગે, પણ કોરોનો નહોતો ત્યારે ય અમારી આખી સોસાયટીમાં આવીઓને જોઈને બધા મોઢે માસ્ક અને કાળાં ચશ્માં પહેરી લેતા. અમે લોકો વર્ષોથી એવા ટેવાઈ ગયા છીએ કે, આજ સુધી અમારી પૂરી સોસાયટીમાં એકે ય ને કોરોના લાગુ પડ્યો નથી. વર્ષોથી આ બધીઓની સાથે રહ્યા પછી કોરોનો અમારું શું બગાડી લેવાનો છે? (‘સાથે રહ્યાનો’ મતલબ..., એક સોસાયટીમાં સહુ પોતપોતાને ઘેર સાથે રહ્યા સમજવું!) આપણું કામ આપણે જાતે જ કરવાનું. બીજા ઉપર આધાર જ ન રખાય, એવું હું હકીને ઘણી વાર સમજાવું છું, પણ માઇક્રોફોન તો એ ય ગળી ગઈ છે. બુલંદ અવાજે મને કહી દે છે, ‘તો શું, બધે મારે એકલીને જ મરવાનું? તમને ક્યાં રસોઈ-પાણી કે વાસણ-કપડાંનું કહીએ છીએ. ઘરમાં થોડું ઝાપડઝૂપડ અને પોતાં તો મરાય ને?’ એક ગોરધન તરીકે મારામાં સારો ગુણ એ છે કે, હકી સોંપે એ કામની કદી ના નહીં પાડવાની. ને એ કામ કરવાનું ય નહીં! આપણે હા પાડીએ એટલે એનો ઇગો સંતોષાય અને આ બાજુ આપણને ઉલ્લુ બનાવવાનો એક ચાન્સ વધારે મળે. આ તો એક વાત થાય છે! મને એની વાત બિલકુલ સાચી લાગી. કોરોના પહેલાં અને કોરોના પછી ગોરધનોના રોલ બદલાયા છે, બદલાવા જોઈએ. (એ વાત જુદી છે કે, ગુજરાતના ઓલમોસ્ટ 70 ટકા ગોરધનો પહેલેથી જ વાઇફોનાં અડધાથી વધારે કામો કરી આપે છે. એમના માટે કોરોનાએ કોઈ ફરક પડ્યો નથી. કેટલાક કેસોમાં તો વાઇફો જ મોટું મન રાખીને ગોરધનોને હેલ્પ કરે છે, બોલો!) પણ મારા જેવા બદમાશ ગોરધનોએ હવે સીધા થવાની જરૂર છે. વાઇફને ગુલામ તો ભણેલા ગોરધનો ક્યારેય સમજતા નથી, પણ ઘરનાં કામો ય નહોતા કરતા, એ વાતે ય એટલી સાચી છે, પણ રામ કસમ... હવે વાઇફોને મદદ કરવાનો સમય આવી ગયો છે. (ગ્રામેટિકલ મિસ્ટેક : આ વાક્યમાં ‘વાઇફો’ને બદલે ફક્ત ‘વાઇફ’ શબ્દ વાંચવો, મિસ્ટેક પૂરી.) મારે ગોરધન સમાજમાં ક્રાંતિ લાવવી હતી અને કોરોનાએ મને મોકો આપ્યો. મેં નિશ્ચય કર્યો કે, બની શકે એટલાં ઘરનાં કામો હું કરીશ. સૌથી સહેલું કામ ફર્શ પર ભીનાં પોતાં મારવાનું હતું. જેમાં મહેનત વધારે ને બુદ્ધિ ઓછી વાપરવાની હોય, એવાં કામો મને નથી ગમતાં, પણ પોતાં મારવામાં ‘ઓછી મહેનત, વધુ દામ’ની ફિલસૂફી લાગુ પડે એવી હતી. મેં હકીને પ્રેમથી કીધું, ‘મને પાણીની 3-4 ડોલ લાવી દે. પોતું અને પાઉડર મને નહીં મળે, એ તારે જ લાવી આપવાં પડશે. ઓહ! ખાસ તો જ્યાં જ્યાં પોતાં મારવાનાં છે, ત્યાંથી બધું ફર્નિચર હટાવવા માંડ. એસી ચાલુ કરી દે. જો. આ બાજુ જો... સ્ટીરિયો ઉપર પં. રવિશંકરનું સિતારવાદન મૂક અને હા, હું વિચારું છું કે, આ ચા પીને પોતું મારવાની શરૂઆત કરું કે સાથે બે ઢેબરાં મેથીનાં ય લઈ લઉં! ઓકે, ઢેબરાં તો બીજી વાર ચા મૂકે, એની સાથે ખાઈશ. શું કહે છે? અને જો, મારા ટેબલનું ડ્રોઅર ખૂલતું નથી, એના હેન્ડલ વચ્ચે જાડું કપડું ભરાવી લાંબી થઈને ખેંચ. કદાચ ખૂલી જશે અને દરવાજો ફિટમફિટ બંધ રાખજે. અચાનક કોઈ આવી જાય તો ફટ્ટ દઈને દરવાજો ખોલી ન નાંખતી. મને કોઈ આવા ભીના ચડ્ડામાં જુએ, એ સારું ન કહેવાય!’ ‘ઓ મારા પ્રાણનાથ, મારા સ્વામી, મારા દેવના દીધેલ, મારે કાંઈ પોતાં મરાવવાં નથી. તમે ત્યારે બાલ્કનીના હીંચકે બેસી પગ લાંબા કરી છાપાં વાંચે રાખો. ચા થઈ જાય એટલે મોકલાવું છું!’ જોયું, ગોરધનો? ઘરના કામમાં આમ મદદ થાય!  ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...