મેનેજમેન્ટ ફંડા / સાચી વ્યક્તિની સાચા સમયે, સાચી મદદ એક કળા છે

At the right time for the right person, true help is an art
X
At the right time for the right person, true help is an art

એન રઘુરામન

May 19, 2020, 01:15 PM IST

આપણામાંથી મોટાભાગના લોકોએ અનેક વખત સાંભળ્યું હશે, ‘આપનારા બનો’ કે ‘સમાજને પાછું આપો’. આજકાલ પરપ્રાંતીય મજૂરો બાબતે આ શબ્દ વધુ સાંભળવા મળી રહ્યા છે. હું હંમેશાં વિચારતો હતો કે, શું પરોપકારની કોઈ માનક પ્રક્રિયા કે વિજ્ઞાન છે? લાંબા સમય સુધી મને જવાબ મળ્યો નહીં. પછી મેં બોબ બર્ગ અને જોન ડેવિડ મેનનું પુસ્તક ‘ગો-ગિવર’ વાંચ્યું. રોચક એ છે કે, પુસ્તક ચેરિટી અંગે નથી, પરંતુ બિઝનેસમાં સફળતા અંગે છે. પુસ્તક સફળતા માટે પાંચ નિયમો અપનાવવાની સલાહ આપે છે. તેનો પ્રથમ નિયમ છે - ‘કિંમતનો નિયમ’. જેમાં તેમણે સમજાવ્યું છે કે, તમે જેટલા પૈસા લો છો, તેના બદલામાં કેટલી ‘કિંમત’ એટલે મૂલ્ય અને ઉપયોગિતા આપો છે. લેખકો અનુસાર તમે ગ્રાહકો પાસેથી જેટલા પૈસા લો છે, તેના બદલામાં વધુ વેલ્યુ આપશો તો ગ્રાહક તમને ક્યારેય નહીં ભૂલે, છોડશે નહીં, વારંવાર આવશે અને તમારી પ્રશંસા કરશે.
મને આ નિયમ ત્યારે યાદ આવ્યો જ્યારે મેં પરોપકારની કેટલીક સ્ટોરી સાંભળી. પ્રથમ સ્ટોરી મહારાષ્ટ્રમાં નાસિક હાઈવે પર પુણેથી 70 કિમી દૂર અંબેગાવ તાલુકાના નાનકડા શહેર મંચરના લોકોની છે. મોટાભાગના લોકો પરપ્રાંતિયોના ‘વોકિંગ ક્લાસ’ને ભોજન-પાણી વહેંચી રહ્યા છે, ત્યારે મંચરના લોકોએ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતનો ભોગ બની રહેલા લોકો પર ધ્યાન આપ્યું છે. તેઓ પરપ્રાંતીયોને રિફ્લેક્ટર અને ટોર્ચ વહેંચી રહ્યા છે, જેથી રાત્રે સડક પર ચાલી રહેલા પરપ્રાંતીયો પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીઓની અડફેટે ન આવી જાય. જેકેટ્સ પર ફ્લોરોસન્ટ પટ્ટીઓ લાગેલી છે, જે રાત્રે લાઈટ પડતાં ચમકે છે અને નજીક આવતી ગાડીઓના ડ્રાઈવરોને તેમના અંગે સચેત કરે છે. મંચરના લોકો પરપ્રાંતીયોની મુસાફરી સરળ બનાવવા માટે કંઈક ઉપયોગી કરવા માગતા હતા. તેમણે તેના પર મંથન કર્યું અને સાથે ચાલી રહેલા દરેક પરિવાર કે સમૂહને રિફ્લેક્ટર જેકેટ્સ અને એક રિચાર્જેબલ ટોર્ચ આપવાનો નિર્ણય લીધો. પછી તેમણે વિચાર્યું કે, રિફ્લેક્ટર્સની કિંમત કેવી રીતે ઘટાડવી. આથી, તેમણે સ્થાનિક ટેલરોને સામેલ કરવાનો વિચાર આવ્યો, જેમની પાસે અત્યારે કામ ન હતું. ટેલરોએ જેકેટ સીવી અને એક જેકેટની કિંમત માત્ર રૂ.70 પડી.
બીજી સ્ટોરી પૂણેના વાઘોલી હાઉસિંગ સોસાયટી એસોસિયેશનની છે, જે જૂના અને સારી સ્થિતિમાં રહેલા જૂતાં-ચપ્પલ એક્ઠા કરી રહ્યા છે અને એવા લોકોને વહેંચી રહ્યા છે, જે પગમાં પ્લાસ્ટિકની બોટલો કે પોલિથિન બાંધીને બાળી નાખે તેવા તડકામાં ડામરની સડકો પર ચાલી રહ્યા છે. તમારે ચપ્પલ મેળવનારાના ચહેરા પર આભારનો ભાવ જોવો જોઈએ.
ત્રીજી સ્ટોરી કંઈક અલગ છે. બે દિવસ પહેલા કોલકાતામાં ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના મૃગાંક દાસે પોતાના પિતા મનોજને પૂછ્યું કે, આટલા બધા લોકો ભોજનની લાઈનમાં કેમ ઊભા છે? કારણ ખબર પડતાં તે ઘરમાં ગયો અને એક વાદળી રંગની બેગ લઈને આવ્યો, જેમાં તે પૈસા ભેગા કરતો હતો. તે સડકના કિનારે દોડ્યો, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ ફાળો એકઠો કરી રહ્યા હતા. એ બોલ્યો, ‘હું તમને આ આપવા આવ્યો છું’. તેણે બેગ આપી અને દોડીને ઘરે પાછો આવી ગયો. વિદ્યાર્થીઓને પાછળથી તેના પિતા પાસેથી ખબર પડી કે, મૃગાંક છેલ્લા ત્રણ વર્ષથી પૈસા ભેગા કરતો હતો, જેથી પોતાની મનપસંદ હેરી પોટરનાં પુસ્તકોનો સેટ ખરીદી શકે. રકમ મોટી ન હતી, પરંતુ મૃગાંકની આ વાઈરલ સ્ટોરીએ એ લોકોમાં નવી ઊર્જા ભરી દીધી જે કંઈક નવું કરવા માગતા હતા.
ફંડા એ છે કે, તેમના માટે દાન આપવું સરળ છે, જેમની પાસે વધુ પ્રમાણમાં છે. પરંતુ સાચા સમયે, સાચી વ્યક્તિને સાચી વસ્તુ આપવી એક કલા છે, કેમ કે તેમાં કોઈને વેલ્યુ દેખાય છે.
મેનેજમેન્ટ ગુરુ
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી