ડૉક્ટરની ડાયરી:હર શીશા ટૂટ જાતા હૈ પથ્થર કી ચોટ સે!પથ્થર હી ટૂટ જાયે વો શીશા તલાશ કર!

3 વર્ષ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • ભલે હારી જવાય, પણ પડકાર ઝીલ્યા વગર તો હું નહીં જ રહું. શરમ પરાજયમાં નથી, પલાયનમાં છે

આજકાલ જગતભરમાં ઇમ્યુનિટી, ફિઝિકલ ફિટનેસ, પ્રાણાયામ, વર્કઆઉટ અને મેડિટેશન જેવા શબ્દો વધારે સંભળાઇ રહ્યા છે. જ્યાં સુધી કોરોના મહામારીની વેક્સિન શોધાઇ ન જાય ત્યાં સુધી આ પાંચ શબ્દો જ માનવીને રક્ષણ આપવાના છે. એક માયકાંગલો માણસ અને બીજો મજબૂત દેહ ધરાવતો માણસ- આ બંનેને એકસાથે એકસમાન વાઇરલ ઇન્ફેક્શન થાય તો પેલા મજબૂત માણસની બચી જવાની શક્યતા અનેકગણી વધારે હશે. આપણા દેશનો ઇતિહાસ તપાસી જુઓ; જલાલુદ્દીન મોહંમદ અકબર જેવા ધુરંધર શહેનશાહ સાથે વેર બાંધીને 12-12 વર્ષ સુધી મેવાડના પહાડોમાં અને રણમાં રઝળપાટ કરતા રહેલા મહારાણા પ્રતાપની શારીરિક મજબૂતી કેવી અપ્રતિમ હશે? ડુંગરના ઉંદર તરીકે પ્રખ્યાત બનેલા છત્રપતિ શિવાજી મહારાજના વામન દેહમાં સાડા છ ફીટ ઊંચાઇ ધરાવતા પડછંદ અફઝલ ખાનનું પેટ ફાડી નાખવા જેટલી શક્તિ ક્યાંથી આવી હશે? ચરોતરનાં ખેતરોમાંથી પરસેવાનું આવરણ ઓઢીને અર્વાચીન ભારતના શિલ્પી બનવા માટે સરદાર પટેલની માનસિક દૃઢતા ઉપરાંત શરીરનું ખડતલપણું પણ કેટલું હશે? સાધુઓ અને સંતોથી સદૈવ ઊભરાતા રહેલા આ દેશમાં સ્વામી વિવેકાનંદની સુદૃઢ મનોહારી દેહાકૃતિ ટોચ પર શા માટે બિરાજતી હશે? આ બધાં ઉદાહરણોનો લઘુતમ સાધારણ અવયવ કાઢવામાં આવે તો એક જ જવાબ મળશેઃ વ્યાયામથી કસાયેલું અને પરસેવામાં નહાયેલું સુદૃઢ શરીર. જો આવું શરીર હોય તો એનાથી માંદગી પણ દૂર રહે અને મૃત્યુ પણ. આ વાતને સમર્થન આપતી એક સુંદર ઘટના આજે જાણીએ અને માણીએ. આ ઘટના સ્વાતંત્ર્ય વીર વિનાયક દામોદર સાવરકરજીના કિશોરકાળની ઘટના છે. આવતી કાલે ક્રાંતિના લાડીલા યુવરાજની જન્મતારીખ છે. માટે આજે એમને યાદ કરવા માટે મૌકા ભી હૈ, મકસદ ભી હૈ ઔર દસ્તૂર ભી હૈ. ઇ.સ. 1899ની ઘટના. વિનાયક સાવરકર જન્મસ્થાન ભગુરમાંથી નાસિક આવ્યા હતા. એમના મોટાભાઇ ગણેશરાવ નાસિકમાં તિલભાંડેશ્વરની ગલીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. એક દિવસ સાંજના સમયે મોટાભાઇએ વિનાયકને કહ્યું, ‘હું વ્યાયામશાળામાં જાઉં છું. ત્યાં મારા મિત્રો પણ હશે. તારે આવવું છે?’ વિનાયકે હા પાડી દીધી. બંને ભાઇઓ વ્યાયામશાળામાં પહોંચી ગયા. નજીકમાં જ ગોદાવરી નદી વહેતી હતી. શ્રીરામ-લક્ષ્મણના ચરણસ્પર્શથી પુનિત બનેલી આ ધરતી પર એવા જ બે પ્રતાપી બંધુઓ અત્યારે ફરી રહ્યા હતા. વ્યાયામશાળામાં વચ્ચે વિશાળ ગોળાકાર ખાડો કરીને એમાં માટી પાથરવામાં આવી હતી. એ અખાડામાં કેટલાક યુવાનો કુસ્તી કરી રહ્યા હતા. સમગ્ર ભારતમાં કુસ્તીનો મહિમા સૌથી વધારે પંજાબીઓ અને મહારાષ્ટ્રીયનોમાં જોવા મળે છે. માટે જ તો શીખો સિંહ જેવા હોય છે અને મરાઠાઓ વાઘ જેવા. ગણેશની સાથે આવેલા વામન કદ ધરાવતા અજાણ્યા છોકરાને જોઇને એક મિત્રે ટોળમાં પૂછ્યું, ‘ગણેશ્યા, કોણ છે આ ટેણિયો?’ ગણેશરાવને આ ગમ્યું નહીં. તેમણે અભિમાનપૂર્વક કહ્યું, ‘આ ટેણિયો નથી, આ તો મારો તાત્યા છે. નામ વિનાયક.’ અખાડિયન મિત્રો કુસ્તી અટકાવીને તાત્યાની સામે જોઇ રહ્યા. તાત્યાની આંખોમાંથી તણખા ઝર્યા; આ એ તણખા હતા જે આવનારાં વર્ષોમાં વિશ્વની સૌથી મોટી અને સૌથી તાકાતવર બ્રિટિશ સલ્તનત સામે ઝરવાના હતા. મિત્રો સમજી ગયા કે આ ટેણિયો ટણીબાજ લાગે છે. મિત્રો જાણતા હતા કે મોટાભાઇ ગણેશનો સ્વભાવ સૌમ્ય હતો. તાત્યાની આંખમાં ઊઠેલો તિખારો એમને દઝાડી ગયો. એક પહેલવાને આમંત્રણ આપ્યું, ‘વિનાયક, અખાડામાં આવવાની હિંમત છે? થઇ જાય બબ્બે હાથ.’ વિનાયકે વિનયપૂર્વક જવાબ આપ્યો, ‘હિંમત તો છે, પણ મારા મોટાભાઇના મિત્રોને પછાડવા જેટલી ધૃષ્ટતા નથી.’ વિનાયકનો મગરૂબીભર્યો જવાબ સાંભળીને મિત્રોની ટોળી ખળભળી ઊઠી. બધામાં જે સૌથી વધારે મજબૂત હતો તેણે પડકાર ફેંક્યો, અમે સમજી ગયા કે તું અમારી ઉપર હાથ ઉપાડવા તૈયાર નથી. જાણે કેમ અમને ધોબીપછાડ આપીને જમીનદોસ્ત કરી દેવાનો હોય! વાંધો નહીં. મારી પાસે એનો પણ ઉપાય છે. કુસ્તી લડ્યા વગર આપણે શારીરિક બળનું માપ કાઢી લઇશું. એમાં તો તને વાંધો નથી ને?’ વિનાયકે હજી પણ વિનયનો તાંતણો પકડી રાખ્યો. ‘મને મંજૂર છે. આપણે શું કરવાનું છે?’ પેલા અખાડિયને કહ્યું, ‘તારી અને મારી વચ્ચે દંડબેઠકની સ્પર્ધા કરીએ. જોઇએ કોણ જીતે છે, પણ એક શરત છે. જે હારી જાય તે બધા મિત્રોને દૂધ અને જલેબી ખવડાવશે.’ નાસિકમાં ગોદાવરી નદીને કાંઠે વ્યાયામશાળાની પાસે એક દુકાન હતી. ત્યાંનું રબડી જેવું મલાઇદાર દૂધ અને ગરમાગરમ જલેબી ખાવા માટે લોકોની લાઇન લાગતી હતી. અલબત્ત, એ બંને વાનગીઓ ખૂબ મોંઘી હતી, પણ વિનાયક જરા પણ ડર્યો નહીં. એણે પડકાર સ્વીકારી લીધો. મોટાભાઇ ગણેશે એને વારવાનો પ્રયત્ન કર્યો, ‘રહેવા દે, તાત્યા! તું હારી જઇશ. તું મારા મિત્રોને ઓળખતો નથી. એ બધા તારા કરતાં મોટા પણ છે અને મજબૂત પણ. વર્ષોથી વ્યાયામશાળામાં આવીને કસરતો કરે છે. 300-400 દંડબેઠક કરવી એ તો એમને મન ડાબા હાથનો ખેલ છે.’ વિનાયકે જવાબ આપ્યો, ‘ભલે હારી જવાય, પણ પડકાર ઝીલ્યા વગર તો હું નહીં જ રહું. શરમ પરાજયમાં નથી, પલાયનમાં છે.’ પહેલવાને તિરસ્કારમાં હોઠ મરડ્યા. મોટાભાઇને ઉદ્દેશીને કહ્યું, ‘ગણેશ્યા, હજુ પણ સમય છે. તારા તાત્યાને સમજાવી દે. તું જ કહેતો હતો કે એ પુસ્તકિયો કીડો છે. ભાષણો કરવાનો શોખીન છે. એને કહી દે કે આ વક્તૃત્વ સ્પર્ધાનો મંચ નથી. આ તો માટીનો ખાડો છે, આરોગ્યનો અખાડો છે, અહીં તો એક જ નારો છે- કાં પડો, કાં પછાડો.’ ગણેશ ઘીસ ખાઇ ગયા, પણ વિનાયકે છાતી ટટ્ટાર કરી દીધી. ‘હું જાણું છું કે આ શરત જીતવી એ સહેલું કામ નથી, પરંતુ હું પાંચ-દસ દંડબેઠક તો...’ ‘ હા, હા, હા! મિત્રો! બંધુઓ, સાંભળો! આ ટેણિયો મારી સામે પડકાર ફેંકી રહ્યો છે. એ કહે છે કે એ પાંચ-દસ દંડબેઠક કરી શકે છે. ત્યારે તો મારી હાર નિશ્ચિત છે. હું તો માંડ 300-400 દંડ અને 500-600 બેઠક મારી શકું છું. હવે મારું શું થશે?’ પેલા પહેલવાને વિનાયકની મશ્કરી શરૂ કરી, ત્યાં ઊભેલા બધા હસી પડ્યા. સ્પર્ધા શરૂ થઇ. પહેલો વારો વિનાયકનો આવ્યો. વિનાયકે માથા પર પહેરેલી કાળી ટોપી ઉતારીને અણ્ણાના હાથમાં મૂકી દીધી. ધોતિયાનો કછોટો વાળીને એણે દંડબેઠક શરૂ કરી. શરૂઆતમાં તો કોઇએ નોંધ ન લીધી, પણ જેમ જેમ આંકડો વધતો ગયો તેમ તેમ ત્યાં ઉપસ્થિત મિત્રો મોટા અવાજે બોલવા લાગ્યા, સિત્તેર, એકોતેર, બોંતેર... અઠ્ઠાણુ, નવ્વાણુ, સો... અવાજ મોટો થતો ગયો. માર્ગ પરની અવરજવર બંધ થઇ ગઇ. રાહદારીઓ અખાડામાં જમા થવા લાગ્યા. સાંજની વહેતી હવા થંભી ગઇ. ગોદાવરીનાં નીર પણ ઊછળી ઊછળીને તાત્યાનું પરાક્રમ નીરખી રહ્યાં. વિનાયકે એક ક્ષણ પણ અટક્યા વગર પાંચસો દંડ અને એક હજાર બેઠક ખેંચી કાઢી. એ પછી એણે કછોટો છોડીને પડકાર ફેંકનાર પહેલવાનને કહ્યું, ‘આવો શ્રીમાન. હવે તમારો વારો.’ શ્રીમાન ક્યાંથી આવે? એના તો ફેફસાંમાંથી અને મગજમાંથી વિનાયકનું પરફોર્મન્સ જોઇને જ હવા નીકળી ગઇ હતી. આટલી બધી દંડબેઠક કરવા કરતાં ચાલીસ જણાને રબડી અને જલેબી ખવડાવવાની કસરત એને સહેલી લાગી. વિનાયકની શારીરિક શક્તિ જીતી ગઇ, એના હરીફની આર્થિક શક્તિ હારી ગઇ. અખાડામાંથી ઘરે આવ્યા પછી મોટાભાઇએ પૂછ્યું, ‘તાત્યા, તું અને આટલી દંડબેઠક?!’ વિનાયક હસ્યા, ‘એમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી અણ્ણા. છેલ્લાં ત્રણ વર્ષથી હું દરરોજ બબ્બે હજાર દંડ અને બેઠક કરતો રહ્યો છું. એ સિવાય હું આવી શરત મારતો હોઇશ?’ એ વખતે દેશભરમાં પ્લેગની મહામારી ફેલાઇ હતી. સાવરકરજી એમના કસરતી શરીરના કારણે જ પ્લેગમાંથી પણ બચી શક્યા અને આવનારાં વર્ષોમાં પોર્ટબ્લેરની સેલ્યુલર જેલના અમાનુષી અત્યારો સામે પણ ટકી શક્યા. drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...