તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટરની ડાયરી:એ આસમાન તેરે ખુદા કા નહીં હૈં ખૌફડરતે હૈં એ ઝમીન તેરે આદમી સે હમ

10 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • ડો. પંડ્યા વીસ-વીસ વર્ષથી એ ગામમાં અભણ દર્દીઓની સેવા કરતા રહ્યા હતા. ઉંમર 50ની ઉપર પહોંચી ગઇ હતી. હવે થાક વરતાતો હતો

વૈશાખનો મહિનો. કાળઝાળ ગરમીના દિવસો. બપોરના ત્રણ વાગ્યાનો સમય. ઘરમાં બેઠાં બેઠાં પણ ડિહાઇડ્રેશન થઇ જાય એવી ગરમીમાં ડો. પંડ્યા બહાર ગામની વિઝિટ પતાવીને હમણાં જ ઘરે પાછા ફર્યા હતા. આવતાંની સાથે જ ઓરડામાં ઢાળેલા ખાટલામાં સૂઇ ગયા. પત્નીએ પૂછ્યું, જમવું છે ને, થાળી પીરસું? ‘અત્યારે બેસવા જેટલાય હોશ નથી. ટાઢા પાણીનો લોટો ભરીને આપ. પાણી પીધા પછી જમવાનું વિચારું. લૂ લાગી હોય એવો થઇ ગયો છું.’ લૂ લાગે એવું જ હતું. આગ વરસાવતા મધ્યાહ્નના આકાશ નીચે સાઇકલ ઉપર પાંચ કિ.મી. કાપીને બાજુના ગામડે જવાનું, ત્યાં દર્દીને તપાસીને સારવાર આપવાની અને પછી મામૂલી ફી લઇને એટલા જ કિ.મી. કાપીને પાછા ઘરે આવવાનું. ખખડધજ સાઇકલ, એ ય પાછી અડધાં વ્હીલ ડૂબી જાય એવી સૂકી, ગરમ ધૂળમાંથી ચલાવવાની. પેડલ મારી મારીને 50 વર્ષનો પુરુષ હાંફી જ જાય ને? ડો. પંડ્યા એમ.બી.બી.એસ.ની ડિગ્રી ધરાવતા ડોક્ટર ન હતા, પણ ગામડાંમાં પ્રેક્ટિસ કરવા જેટલું જ્ઞાન ધરાવતા હતા. સાતેક વર્ષ શહેરમાં પ્રેક્ટિસ કરતા દૂરના સગા એવા ડિગ્રીધારી ડોક્ટરના દવાખાનામાં કામ કરીને સારો એવો અનુભવ મેળવી ચૂક્યા હતા. મૂળભૂત રીતે બુદ્ધિશાળી હતા. એટલે કોઇ પણ નવી વસ્તુ એ ઝડપથી ગ્રહણ કરી શકતા હતા. બ્રાહ્મણ હતા એટલે શાસ્ત્રોક્ત રીતે ધાર્મિક વિધિઓ પણ કરી જાણતા હતા. એક દિવસ એમને વિચાર આવ્યો કે શહેરમાં એક નાનકડી ખોલીમાં રહીને નોકરી કરવી એના કરતાં ગામડાંમાં પ્રેક્ટિસ કરવી એ વધારે યોગ્ય રહેશે. અનુભવના આધારે એમને આર. એમ. પી.નું સર્ટિફિકેટ મળી ગયું. ડો. પંડ્યા પોતાના પૈતૃક ગામમાં જઇ વસ્યા. એમની ધારણા સાચી પડી. જીવનનિર્વાહ સરસ રીતે ચાલવા માંડ્યો. એક દીકરી અને એક દીકરાનો ઉછેર પણ સારી રીતે થવા લાગ્યો. મોટું ડેલીબંધ મકાન હતું. ખુલ્લું ફળિયું હતું. શુદ્ધ હવા, પાણી હતાં અને ચિંતામુક્ત જીવન હતું. શહેરની મોજમજા કે જીવનને આંજી નાખતો ઝગમગાટ ન હતો, પણ રોજ રાત્રે સંતોષના ઓડકાર સાથે પથારીમાં પડતાંવેંત ઊંઘ આવી જાય એવી સાદગી અને સરળતા ચોક્કસ હતી. ડો. પંડ્યાને થયો એના કરતાં અનેકગણો વધારે લાભ એ ગામડામાં રહેતા લોકોને થયો. આ એ જમાનાની ઘટના છે જ્યારે મોટા ભાગના ગામડાંઓમાં પાકા રસ્તા ન હતા. વોટર સપ્લાયની આધુનિક વ્યવસ્થા ન હતી. બસ કે મોટર એ ફક્ત શબ્દકોશમાં વાંચવા મળતા શબ્દો હતા. ગામઠી શાળાઓ હતી. ધુળિયા રસ્તાઓ હતા અને ડોક્ટર તો 50 ગામડાંઓ વચ્ચે માંડ એકાદ જોવા મળે એવી હાલત હતી. ડો. પંડ્યા વીસ-વીસ વર્ષથી એ ગામમાં અભણ દર્દીઓની સેવા કરતા રહ્યા હતા. ઉંમર 50ની ઉપર પહોંચી ગઇ હતી. હવે થાક વરતાતો હતો. લગ્નની સિઝન આવે એટલે એમનું કામ બેવડાઇ જતું હતું. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી જેવો ઘાટ હતો. ધોતિયું અને ઝભ્ભો પહેરીને લગ્નવિધિ કરાવવા જવાનું અને પાછા આવીને પેન્ટ, શર્ટ ચડાવીને ડોક્ટર બની જવાનું. પણ અત્યારે એમની હાલત ગંભીર થઇ ગઇ હતી. ગંભીર એટલે જીવ પર જોખમ આવી ગયું હોય એવું ન હતું, પરંતુ અસહ્ય ગરમીમાં દસ કિ. મી.નો સાઇકલ પ્રવાસ ખેડવાને કારણે શરીરમાંથી થોડું પાણી ઓછું થઇ ગયું હતું અને દેહમાંથી શક્તિનો છેલ્લો અણુ ખર્ચાઇ ગયો હતો. અચાનક બારણે ટકોરા થયા. પત્નીએ બારણું ખોલ્યું. એ ગામનો જ એક માથાભારે પુરુષ દેખાયો. સૌરાષ્ટ્રમાં માથાભારે અને લડાયક કહી શકાય તેવી પાંચેક જાતિઓ વસે છે. એમાંની કેટલીક ખૂબ વિવેકી, સંસ્કારી અને સમજદાર હોય છે, પણ એકાદ-બે કોમના લોકો અભિમાની, જડબુદ્ધિવાળા અને અવિચારી હોય છે. જોકે, એ જાતિઓમાં પણ બધા જ આવા નથી હોતા, પણ મેઘો આવા માથાભારે શખ્સોમાં શિરમોર હતો. તોછડાઇ એના લોહીમાં હતી. મારામારી એ એનો નિત્યક્રમ હતો. વિરામચિહ્નોની જગ્યાએ તે ગાળનો ઉપયોગ કરતો હતો. ઓરડામાં પગ મૂકતાવેંત મેઘો બોલ્યો, ‘દાગતર છે ઘરમાં?’ પછી બંધ ઓરડાના આછા અંધારામાં એની આંખો ટેવાઇ એટલે ખાટલામાં સૂતેલા ડો. પંડ્યા પર એમની નજર પડી. ‘આ રહ્યા. ઘરમાં જ છે. ચાલો દાગતર. મારી બાયડીને પેટમાં દુઃખે છે. દવા લેવા આવ્યો છું. થાવ ઊભા.’ ડો. પંડ્યાએ નિર્બળ દેહમાંથી મંદ અવાજ બહાર કાઢ્યો, ‘ભાઇ, તારી ઘરવાળીને ક્યારથી દુખે છે?’ ‘હવારથી.’ ‘ત્યારે જરા વહેલા આવી ગયા હોત તો!’ મેઘાની ખોપરી તપવા માંડી, ‘હું કંઇ નવરો છું તમારી જેમ? બાયડીને દુખતું હતું ત્યારે હું ખેતરે જતો હતો. અટાણે પાછો આવ્યો ત્યારે ભાળ્યું કે એની હાલત એવી ને એવી જ છે. એ બધું પૂછવાનું બંધ કરો, ઊભા થાવ અને દવા કાઢી આપો.’ ડો. પંડ્યાના મનમાં એકસામટા ઘણા બધા વિચારો ઊમટી રહ્યા હતા. એક તો મેઘાની વાણી અપમાનજનક હતી અને ઉપરથી એનું વર્તન સ્વીકારી ન શકાય તેવું હતું. એની પત્નીને સવારથી દુખાવો થતો હતો તો અત્યાર સુધી એ આવ્યો કેમ નહીં? વધુમાં એ એકલો જ આવ્યો હતો. દર્દીને સાથે લઇને આવવું જોઇએ એ વાતનું એને ભાન નહીં હોય? ઉપરાંત આવા કથોરા સમયે આવીને એ ડોક્ટરને વિનંતી કરવાને બદલે દાદાગીરી કરતો હતો અને સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે ડો. પંડ્યામાં અત્યારે બેઠા થવાની પણ શક્તિ બચી ન હતી. આવી સ્થિતિમાં તેઓ ઊભા થઇને સો ડગલાં જેટલું ચાલીને ઘરની બહાર આવેલા એમના દવાખાનાં સુધી કેવી રીતે પહોંચી શકે? ડો. પંડ્યાએ ક્ષીણ અવાજમાં કહ્યું, ‘ભાઇ, મેઘજીભાઇ! અત્યારે રહેવા દો. હું હમણાં જ દસ માઇલની ખેપ ખેડીને આવ્યો છું. નિચોવાઇ ગયો છું. જમવા માટે બેસવા જેટલી ય ત્રેવડ રહી નથી. મને દોઢેક કલાક આરામ કરવા દો. પછી તમે...’ ત્યાં તો ભઠ્ઠી ફાટી. મેઘો ના સાંભળવા માટે ટેવાયેલો નહોતો. નાનીઅમથી વાતમાં ભલભલા માથાભારે આદમીને પણ લાફો ઝીંકી દેતા વિચાર ન કરે એવા મેઘાને મન આ સંસ્કારી, મૃદુભાષી ડોક્ટર તો શી વિસાતમાં? એણે ત્રાડ પાડી, ‘એય દાગતરિયા, ઊભો થાય છે કે નહીં?’ આટલું બોલ્યા પછી એણે અશ્લીલ ગાળોનો વરસાદ વરસાવ્યો. આ ગાળો એટલી ગંદી હતી કે એ સાંભળીને કાનના કીડા ખરી ન પડે, પણ મરી પડે. કાગળ ઉપર લખવા જાવ તો કાગળ સળગી જાય. જે ઘરમાં સવાર, બપોર, સાંજ ત્રિકાળ સંધ્યા થતી હતી, સંસ્કૃત મંત્રોચ્ચારો બોલાતા હતા, જ્યાં સંતાનો માટે પણ અપમાનજનક શબ્દો બોલવાની પ્રથા ન હતી એ ઘરમાં આજે મેઘાએ શબ્દોનો ગંદવાડ વેરી દીધો. ડોક્ટરની પત્ની તો હતપ્રભ બની ગયાં. એમના સંસ્કારી પતિનું આવું ઘોર અપમાન! દીકરી, દીકરો પણ ડઘાઇ ગયાં. ડો. પંડ્યા સમજી ગયા કે આ સમય સાચવી લેવો પડશે. એ માંડ માંડ બેઠા થયા. પત્ની દોડીને લાકડી લઇ આવી. ડગુમગુ ચાલતા ડોક્ટર એમના દવાખાનામાં ગયા. મેઘાની ઘરવાળીની તાસીર એ જાણતા હતા. એટલે અનુભવના આધારે એમણે બે-ત્રણ પ્રકારની ગોળીઓ કાઢી આપી. મેઘો ફી ચૂકવ્યા વગર ચાલતો થયો. પાછળ શબ્દો ફેંકતો ગયો, ‘વાઇડીનો ન જોય હોય તો! મજાનો ઊભો થઇ ગ્યો ને! આ મેઘાને ઉલ્લુ બનાવવા નીકળ્યો હતો. એની તો...’ એ રાત ડોક્ટરે ઊંડા મનોમંથનમાં વિતાવી દીધી. સવારે ઊઠીને દવાખાનાના બારણા પર જાતે ચીતરેલું પૂઠું લટકાવી દીધુંઃ આજથી દવાખાનું બંધ કરવામાં આવે છે. આખું ગામ આવીને માફી માગી ગયું. મેઘો પગમાં માથું મૂકીને રડી ગયો, પણ ડોક્ટર ન માન્યા તે ન જ માન્યા. હવે બધાને નાનકડી બીમારી માટે પણ બાજુના શહેરમાં જવું પડે છે. તગડી ફી ચૂકવવી પડે છે. એક ભલા પવિત્ર ડોક્ટરને દુભવવાની સજા આખું ગામ ભોગવી રહ્યું છે.  drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો