બ્લેક એન્ડ વ્હાઈટ:સમરથ કો નહીં દોષ ગુંસાઈ!

3 વર્ષ પહેલાલેખક: આશુ પટેલની કલમે
  • કૉપી લિંક
  • લોકડાઉન, ‘ઠોકડાઉન’ અને એવું બધું: ‘પહોંચેલા’ લોકો પાસે કાનૂનના હાથ ટૂંકા પડે છે!

એક બાજુ લોકડાઉનના કારણે લાખો મજૂરો ભારતની સડકો પર પગપાળા ચાલીને પોતાના વતન જવા માટે સેંકડો કે હજારો કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યા હોય એવી તસવીરો જોવા મળી. એમાંની ઘણી તસવીરો તો વિચલિત કરી દે એવી હતી. તેમને કેટલાય કલાકો સુધી પાણી કે ખાવાનું પણ નથી મળતું. ઘણા મજૂરોના પગ છોલાઈ ગયા હોય એવી તસવીરો પણ જોવા મળી. આ મુદ્દે તમામ રાજકીય પક્ષોની સરકારો એકસમાન સાબિત થઈ. રાજસ્થાનના એક મજૂરે તેના શારીરિક રીતે અક્ષમ સંતાનને લઈને ઉત્તર પ્રદેશ પોતાના વતન જવા માટે સાઈકલ ચોરવી પડી હોય (એ માટે તેણે સાઈકલમાલિકની માફી માગતી ચિઠ્ઠી પણ છોડી હતી!) એવી વાત પણ બહાર આવી. સગર્ભા સ્ત્રીઓને રસ્તાઓ પર પ્રસૂતિ થઈ જાય એવા સમાચાર વાંચવા મળ્યા. લોકો સરકાર સામે આક્રોશ ઠાલવતા હોય એવા વિડિયોઝ પણ જોવા મળ્યા. બીજી બાજુ એવા સમાચારો જાણવા મળ્યા જે સાંભળીને એક કહેવત યાદ આવી ગઈ: સમરથ કો નહીં દોષ ગુંસાઈ. એટલે કે આ દુનિયામાં સમર્થ લોકોનું કોઈ કશું બગાડી શકતું નથી. આજે આવા જ કિસ્સાઓની વાત કરવી છે કે જેમાં લોકડાઉનની મજાક થતી જોવા મળી. આ લોકડાઉનમાં જ વિવાદાસ્પદ અભિનેત્રી સની લિયોન તેના પતિ અને ત્રણ સંતાનો સાથે અમેરિકા પહોંચી ગઈ અને અમેરિકા પહોંચીને તેણે બિન્ધાસ્ત રીતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી. એ પોસ્ટને વીસ લાખ જેટલી લાઈક્સ પણ મળી ગઈ. તેણે એ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જ્યારે તમારી જિંદગીમાં બાળકો આવી જાય છે તો તમારી પ્રાયોરિટીઝ બદલાઈ જતી હોય છે અને તમારી પ્રાથમિકતાઓ છોડીને તમે એમના વિશે વિચારતા થઇ જાવ છો. હું મારા પતિ ડેનિયલ વેબર અને ત્રણ બાળકો સાથે અમેરિકા આવી ગઈ છું. અમને લાગે છે કે અદૃશ્ય જીવલેણ કોરોના વાઇરસથી અમે અહીં વધારે સુરક્ષિત રહીશું.’ સનીના પતિ ડેનિયલ વેબરે પણ તેના ઈન્સ્ટાગ્રામ અેકાઉન્ટ પર પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે, ‘કોરન્ટાઈન પાર્ટ - ટુ એટલો ખરાબ નથી!’ કોઈએ તેને ઈન્સ્ટાગ્રામ પર પૂછ્યું કે, ‘તમે અમેરિકા કઈ રીતે પહોંચી ગયા? તમે કેએલએમની ફ્લાઈટ લીધી કે એર ઇન્ડિયાની ફ્લાઈટ લીધી?’ ડેનિયલે જવાબ આપ્યો કે ‘અમે કેએલએમની ફ્લાઈટમાં અમેરિકા આવ્યાં.’ હવે એવો સવાલ નહીં પૂછવાનો કે લોકડાઉનમાં તેઓ કઈ રીતે એરપોર્ટ ગયાં અને કઈ રીતે અમેરિકા પહોંચ્યાં! સની લિયોન કરતાં પણ વધુ વિવાદાસ્પદ મોડેલ પૂનમ પાંડે તેના બોયફ્રેન્ડ સામ અહમદ સાથે બીએમડબલ્યુ કારમાં મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં લોંગ ડ્રાઈવ પર નીકળી હતી! એ વખતે પોલીસે તેને અટકાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે કાર અટકાવી નહોતી. સિનિયર ઈન્સ્પેક્ટર મૃત્યુંજય હીરેમઠે પત્રકારોને કહ્યું હતું કે લોકોના જીવન માટે ખતરારૂપ બની શકે એવું ઈન્ફેક્શન ફેલાવવાના, ફરજ પરના સરકારી અધિકારીનો આદેશ નહીં માનવાના આરોપ હેઠળ અને નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ પૂનમ પાંડે અને તેના બોયફ્રેન્ડ સામે કેસ રજિસ્ટર કરાયો છે. એ સમાચાર મીડિયા સુધી પહોંચ્યા એ પછી બીજા દિવસે પૂનમ પાંડેએ ખુલાસો કર્યો કે પોલીસે મારી ધરપકડ કરી નહોતી. હું તો એ રાતે મજાની ઘરે બેઠા-બેઠાં ફિલ્મ્સ જોતી હતી. મેં એ રાતે એક પછી એક ત્રણ ફિલ્મ જોઈ હતી! 13 મેના દિવસે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં બપોરના સાડા ચાર વાગ્યે મુંબઈના હોટેલિયર રાજેશ નાગપાલ (એક વિખ્યાત ફાઈવસ્ટાર ગ્રૂપ ઓફ હોટેલ્સના ભાગીદાર)નો દીકરો આર્યમાન તેના મિત્ર શૌર્ય શરદ જૈન સાથે લક્ઝુરિયસ કારમાં ભયંકર ઝડપે જઈ રહ્યો હતો ત્યારે એ કાર એક બસ સાથે ટકરાઈ હતી. આર્યમાન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. જ્યારે કાર ચલાવી રહેલો તેનો ફ્રેન્ડ શૌર્ય ગંભીર રીતે ઘવાયો હતો. કોઈ ગરીબ કે મધ્યમવર્ગીય વ્યક્તિની માતા મરી ગઈ હોય, પિતા મરી ગયા હોય છતાં પણ તેમને છેલ્લી વખત માતા કે પિતાનો ચહેરો જોવા ન મળ્યો હોય એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણા દેશમાં બન્યા છે. દિલ્હીમાં બિહારનો વતની એવો એક મજૂર યુવાન રામપુકાર પંડિત રોડ પર ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો હતો એ વખતે પીટીઆઈ ન્યૂઝ એજન્સીનો ફોટોગ્રાફર અતુલ યાદવ ત્યાંથી પસાર થયો. તેણે તેને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે તેનો દીકરો ગંભીર રીતે બીમાર હતો એટલે તે પગપાળા 1200 કિલોમીટર દૂર વતનમાં જવા નીકળ્યો હતો, પણ પોલીસે તેને ત્રણ દિવસથી નિઝામુદ્દીન બ્રિજ પાસે અટકાવી દીધો હતો. તેને આગળ જવાની પરવાનગી આપી નહોતી (તેનો દીકરો પછી મૃત્યુ પામ્યો હતો અને તે દીકરાનું મોઢું જોઈ નહોતો શક્યો). પરંતુ અભિનેતા રિશિ કપૂરનું મૃત્યુ થયું એ પછી તેમની અંતિમયાત્રામાં વાહનોનો કાફલો નીકળ્યો હતો! એ વખતે પોલીસ ખડે પગે બંદોબસ્ત કરી રહી હતી! અને રિશિની દીકરી રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ આવવાની પરવાનગી સહેલાઈથી મળી ગઈ હતી! (આ મુદ્દે મૃત્યુનો મલાજો કે બીજી કોઈ વાહિયાત દલીલો કરવા કોઈ પણ અડિયલોએ કે રાજકીય પક્ષોના સમર્થકોએ હડકાયાં કૂતરાંઓની જેમ ભસવા-કરડવા ધસી ન આવવું! આગળ જ લખ્યું છે કે લોકડાઉનમાં તમામ રાજકીય પક્ષોના રાજમાં સમર્થ લોકો સામે (અને સમર્થ ટોળાંઓ- ‘સંવેદનશીલ’ વિસ્તારોના લોકો સામે પણ) કાનૂનના હાથ ટૂંકા પડ્યા છે).

અન્ય સમાચારો પણ છે...