વિચારોના વૃંદાવનમાં / ચીનના પ્રમુખ શી જિનપિંગને ખુલ્લો પત્ર એક પુસ્તક વાંચો તો યુદ્ધ ટળી જાય

An open letter to Chinese President Xi Jinping reads a book to end the war
X
An open letter to Chinese President Xi Jinping reads a book to end the war

  • ચીનનો શબ્દ ‘તાઓ’ ચીની અધ્યાત્મનો સૌથી પવિત્ર શબ્દ છે. ચીનની જીવનશૈલી અને વિચારશૈલીનું ગુરુત્વમધ્યબિંદુ ‘તાઓ’ છે. મહાત્મા લાઓ ત્ઝુ તાઓનો ઉપાસક હતો

ગુણવંત શાહ

Aug 02, 2020, 12:17 PM IST

મને ખબર છે કે આ પત્ર તમારા સુધી નહીં પહોંચે, પરંતુ ચીની ફિલસૂફીના એક વિદ્યાર્થી તરીકે લખવા બેસી ગયો છું. મારા અત્યંત પ્રિય લેખક લિન યુટાંગનું પુસ્તક, ‘The Importance of Living’ તમે વાંચ્યું જ હશે. (સદ્્ગત કાંતિભાઈ ભટ્ટનું પણ એ પ્રિય પુસ્તક હતું.) ચીનમાં બે મહામાનવો લગભગ 2600 વર્ષ પર થઈ ગયા: (1) લાઓ ત્ઝુ (2) કન્ફ્યુશિયસ. અમારા દેશમાં ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા બે મહામાનવોના તેઓ સમકાલીન હતા. ઈ.સ. પૂર્વેની એ જ છઠ્ઠી સદીમાં ગ્રીસમાં પાયથાગોરસ જેવો મહાન ગણિતશાસ્ત્રી અને વિચારક પણ થઈ ગયો. એ વિચારકે માંસાહારની સામે પડીને શાકાહારનો પ્રચાર કર્યો હતો. એ જ સદીમાં મહામાનવ અશો જરથ્રુષ્ટ પણ થઈ ગયા. તમે તો જાણતા જ હશો કે ચીનનો શબ્દ ‘તાઓ’ ચીની અધ્યાત્મનો સૌથી પવિત્ર શબ્દ છે. ચીનની જીવનશૈલી અને વિચારશૈલીનું ગુરુત્વમધ્યબિંદુ ‘તાઓ’ છે. મહાત્મા લાઓ ત્ઝુ તાઓનો ઉપાસક હતો. લાઓ ત્ઝુના શબ્દો ચીની તત્ત્વજ્ઞાનના પાયામાં પડેલા છે. સાંભળા ગમશે:

જેઓ જગત પર કાબૂ જમાવીને
એને નિયમનમાં રાખવા માટે મથે છે
તેમને તાઓની ભાળ નહીં મળે.
આ જગત તો આધ્યાત્મિક વાસણ (શેન) છે.
એના પર બળ વાપરી ન શકાય.
જે મનુષ્ય એના પર બળ વાપરે છે
તે એને બગાડી મૂકે છે.
જે એને ઝાલી રાખે, તે એને ગુમાવે છે.


તમને આવા શાણા શબ્દો કદાચ નહીં ગમે, પરંતુ એ શબ્દો તમારા દેશના જ મહાત્મા તરફથી સમગ્ર વિશ્વને પ્રાપ્ત થયેલા છે. આ શબ્દો વાંચ્યા પછી કોઈ સરહદ બચે ખરી? તમને ગમતો વિસ્તારવાદ (Expansionism) લાઓ ત્ઝુને કદી પણ ન ગમે. તમને એ કેમ ગમે?

લોકો કાયમ ઘરડો તર્ક પ્રયોજતા રહે છે. તેઓ માને છે કે ચોરીથી બચવું હોય, તો તિજોરી ખપ લાગે. યુદ્ધ થાય ત્યારે કિલ્લો ખપ લાગે. વસ્ત્ર ન પહેરે તે મનુષ્ય નગ્ન ગણાય. અરે! તમે કોઈ ગાયને ‘નગ્ન’ જોઈ છે? લાઓ ત્ઝુ સહજ જીવનશૈલીનો પરમ ઉપાસક હતો. ‘તાઓ’ એટલે માર્ગ, જે છે જ. પર્વત તો હોય છે, પરંતુ એ હિલસ્ટેશન બને ત્યારે તાઓ નષ્ટ થાય છે. આવા સહજ મિજાજમાં ચીનનો શાણો માણસ કહે છે: ‘તાઓ વિષે ગમે તેટલું વિચારીએ તોય તાઓનો પરચો થતો નથી. મેઘધનુષને લારીમાં લઈ જવાતું નથી. પવનને પોટલીમાં પૂરી શકાતો નથી. આકાશને બાથમાં લઈ શકાતું નથી. (જ્ઞાનદેવ કહે છે કે આકાશને ગલેફ ચડાવી ન શકાય). ચીનનો શાણો માણસ આગળ કહે છે:

‘તલવાર કાપે છે, પરંતુ
એ પોતાના ટુકડા કરી શકતી નથી.
આંખ જુએ છે, પરંતુ
એ પોતાને જોઈ શકતી નથી.’
પૃથ્વીના પશ્ચિમ પડખે થઈ ગયેલા મનોવિજ્ઞાની ફ્રોઈડે વિશ્વની બે મૂળભૂત વૃત્તિઓ ગણાવી છે:
1. જીવનવૃત્તિ (Eros)
2. મૃત્યુવૃત્તિ (Thanatos)
આ બે વૃત્તિઓ વચ્ચેની અથડામણ વિશ્વમાં સતત ચાલતી જ રહે છે. માનશો? સર, આવી જ વાત ચીનના મહાત્મા લાઓ ત્ઝુએ આજથી અઢી હજાર વર્ષો પહેલાં કરી હતી. એણે બે વૃત્તિઓને બદલે બે શિષ્યોની વાત કરી હતી:
1. જીવનનો શિષ્ય (જીવનવૃત્તિ)
2. મૃત્યુનો શિષ્ય (મૃત્યુવૃત્તિ)


પ્રેમ એ જીવનવૃત્તિ છે. પરોપકાર એ જીવનવૃત્તિ છે. કરુણા એ જીવનવૃત્તિ છે. એની સામે દ્વેષ એ મૃત્યુવૃત્તિ છે. પરપીડન એ મૃત્યુવૃત્તિ છે. ક્રૂરતા એ મૃત્યુવૃત્તિ છે. પ્રેમ એ જીવનનો શિષ્ય છે, એમ લાઓ ત્ઝુ કહેશે. પરોપકાર અને કરુણાની સામે પરપીડન મૃત્યુનો શિષ્ય છે અને ક્રૂરતા પણ મૃત્યુની શિષ્યા ગણાય એમ લાઓ ત્ઝુ કહેશે. ચીનનો વિસ્તારવાદ પણ આખરે તો મૃત્યુવૃત્તિ જ ગણાય. યુદ્ધ મૃત્યુવૃત્તિનો હાહાકાર છે. આજે તમે અને તમારું શાસન મૃત્યુવૃત્તિથી રંગાયેલું જણાય છે, એમ જો હું કહું તો માઠું ન લગાડો એવી મારી વિનંતી છે. યુદ્ધ એટલે મૃત્યુવૃત્તિનો ભીષણ હાહાકાર! લદ્દાખમાં કે ગલવાન ખીણમાં મૃત્યુવૃત્તિનો હાહાકાર પ્રગટ થયો. એમ બન્યું તેમાં ચીનને અને ભારતને શું મળ્યું? યોર એક્સેલન્સી! તમે વિચારો તો ખરા!

તમે દસ લાખ મુસલમાનોને કોન્સન્ટ્રેશન કેમ્પમાં પૂરી રાખીને તેમને અપાર પીડા પહોંચાડી છે. સામ્યવાદને નામે લાખો મનુષ્યોની કતલ થઈ છે. આ બધું થયું તેમાં ‘તાઓ’ નષ્ટ થયો ગણાય.
‘ધ થર્ડ મેન’ નામના પુસ્તકમાં હેરી લાઈમ ઊંચી ચગડોળમાં (જાયન્ટ વ્હીલમાં) ટોચ પરથી નીચે જામેલી મેળાની ભીડ પર નજર ફેરવે છે. માણસોનાં ટપકાં હાલી રહેલાં જોઈને એ વિચારક પોતાની જાતને કહે છે:

આમાંથી એકાદ ટપકું
હાલતું અટકી જાય
તેથી શો ફરક પડે?
આજથી સાડાત્રણ સૈકાઓ પહેલાં એ જ્હોન ડોને કહેલું:
કોઈ પણ માણસનું મૃત્યુ
મારા (અસ્તિત્વ)માં
ઘટાડો કરે છે.
આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તો એક મોટી સંહારશિબિર છે. એ એક ગંજાવર કતલખાનું પણ છે. ચીનમાં ગીતા જેવું સ્થાન ધરાવતા પવિત્ર ગ્રંથ ‘તાઓ તે ચિંગ’માં લાઓ ત્ઝુ કહે છે:
જ્યાં જ્યાં લશ્કરો મુકામ
કરે છે ત્યાં ત્યાં કાંટા અને
ઝાંખરા ઊગે છે.
સાચે જ શસ્ત્રો દુ:ખનાં જ
સાધનો છે અને બધા જ
કાયમ એને ધિક્કારે છે.


જે પત્ર આપને પહોંચવાનો નથી, તે મેં લખ્યો શા માટે? મેં આ પત્ર લખ્યો તે માટે મહાત્મા ગાંધીજી જવાબદાર છે. એ મહાત્માને એક પ્રશંસકે પત્ર લખ્યો. એને તો મહાત્માનું સરનામું જ ખબર ન હતું. તેણે સરનામું કર્યું તે આવું હતું: ‘महात्मा गांधी, जहाँ हो वहीं’ આવું જ પાગલપન મેં કર્યું છે. માનવસમૂહમાંથી ઊંચી ચગડોળમાંથી નજર કરીએ ત્યારે વિચારવું રહ્યું કે એમાંથી એકાદ ટપકું હાલતું અટકી જાય તો શો ફરક પડે? સર! એ ટપકું લાઓ ત્ઝુનું કે ગાંધીનું કે બુદ્ધનું પણ હોઈ શકે. અરે! એ ટપકું આપનું પણ હોઈ શકે અને નરેન્દ્ર મોદીનું પણ હોઈ શકે! આમીન.
***
પાઘડીનો વળ છેડે
હજી સુધી હું એવા માણસને
મળ્યો નથી જે ખરેખર જાગી ગયો હોય.
હું એના ચહેરાની સાથે
નજર શી રીતે મેળવી શક્યો હોત?
હેન્રી ડેવિડ થોરો
(‘વોલ્ડન’ પુસ્તકમાંથી)
નોંધ : પત્ર લાંબો થઈ ગયો તેથી ચીનના શાણા માણસ કન્ફ્યુશિયસ વિષે નથી લખી શકાયું. ચીનના બધા શાસકો કન્ફ્યુશિયસને આદરપૂર્વક આમંત્રણ આપીને રાજ્ય સુરાજ્ય કેમ બને તેની સલાહ લેવા માટે પોતાના રાજ્યમાં બોલાવતા એ શાણા માણસનો સૌથી પ્રિય શબ્દ ‘લિ’ (LI) હતો. લિ એટલે ઔચિત્યભાન. સર, તમને મારા જેવો નાનો માણસ શું કહી શકે? એટલું જ કે તમે શાસન કરતી વખતે ‘લિ’ની જાળવણી કરો તો યુદ્ધ ટળી જશે. શાંતિથી અધિક મૂલ્યવાન જગતમાં બીજું શું હોઈ શકે? અમારા પ્રિય દ્વારકાધીશ કૃષ્ણ કહી ગયા: જે અશાંત હોય, તેને વળી સુખ કેવું?
Blog:http://gunvantshah.wordpress.com

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી