તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ ઈન્ડિયા:40ની ઉપર પહોંચી ગયા હો તો જોવી જ જોઈએ એવી એક સિરિયલ

14 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

એક સનસનાટીભરી સ્પષ્ટતા : વેબસીરિઝ ઉપર સરકાર કે સેન્સર બોર્ડનો કોઇ પ્રભાવ રહ્યો નથી. એ જાહોજલાલી ઉપર હવે જે ટીવી સિરિયલો બની રહી છે, તેમાં મા-બહેનની ગંદી ગાળો, સહન ન થાય એવી સેક્સ-વિકૃતિ, જોયા પછી જમવાનું ચાર કલાક મોડું કરવું પડે એવી જુગુપ્સા એની ભરપૂર માત્રામાં હવે પીરસાઇ રહી છે. એમાંની અનેક પૈકીની આ સિરિયલ ‘મિરઝાપુર’, તમે ઘરમાંય ‘સાલા’ જેવી ફળાહારી ગાળોથી ટેવાયા ન હો, તો આ કે ‘ધ સેક્રેડ ગેમ્સ’, ‘અપહરણ’, ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘પાતાળલોક’ કે ‘દિલ્હી ક્રાઇમ્સ’ ભૂલેચૂકેય ન જોશો... તેમ છતાં... આ બધી બાબતોનો પરહેજ ન હોય ને ‘ક્લાસિક’ની વ્યાખ્યામાં આવી શકે એવી ઉત્તમ કલાકૃતિ જોવી હોય તો ‘મિરઝાપુર’ તાબડતોબ જોવા સ્પેશિયલ સમય કાઢશો. આ લખ્યા એ નામોવાળી કોઇ પણ સિરિયલ જોવાથી આજ સુધી જોયેલી હિંદી ફિલ્મો બેશક બકવાસ લાગશે. કમાલની ફોટોગ્રાફી, એકેએક કલાકારોનો અભિનય, વાર્તાતત્ત્વ, સ્ટુડિયો વગરના એક્ચ્યુઅલ લોકેશન્સ તેમ જ દર મિનિટે વાર્તા આગળ વધતી રહે અને એકેય રૂપિયાની લાલચ વગરની શરત સાથે કહી શકાય કે, બે સિઝનમાં બનેલી આ સીરિઝ ‘મિરઝાપુર’ તમને ઓફિસેથી ઘરે વહેલા લઇ આવશે. આજે પણ બિહાર, યુ.પી. કે ઇવન કોલાકાતામાં આવી ગુંડાગર્દી તો પોલીસના ચોપડેય ન નોંધાય એવી રોજની વાત થઇ ગઇ છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ આ જ લાઇનની ફિલ્મો હતી, જેમાં આ રાજ્યોમાં પોલીસ-બોલીસને તો ગુંડાઓ સામાન્ય વાતચીતમાંય નજરમાં નથી લેતા અને બંદૂક-રીવોલ્વર અને રાજકારણ જ સત્તા છે, એ ટીવીમાં જોઇને ધ્રુજારીભરી થ્રિલ પેદા થાય, એવી આ વેબસીરિઝો બની રહી છે.

અહીં દાખલો આપવા પૂરતોય ઉલ્લેખ કરી ન શકાય એવી બીભત્સતા અને ખૂનામરકી સાથેનું હલક રાજકારણ આપણે રુ-બ-રુ જોયું નથી, એટલે જાણતા નથી કે, દેશમાં આ હદે વિકૃતિઓ આવી ગઇ છે? વાસ્તવિકતા આપણે જોઇ નથી એટલે એની જરૂર લાગતી નથી, પણ સેન્સર બોર્ડની બીક ખતમ થઇ ગઇ, એટલે ગોળી વાગ્યા પછી ભીંત ઉપર લોહીની ટશરો એ જ ઘડીએ રેગાડા પાડતી દેખાય. સ્ત્રી-પુરુષ વચ્ચે સેક્સ વિકૃતિનીય હદો વટાવે, એ રીતે ફિલ્માવાયું હોય છે, એ તો જાણે આડું જોઇનેય ચલાવી લઇએ, પણ સાદી ભાષામાં ‘સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો’ પણ બિન્દાસ્ત બતાવાય, એ તો દર્શકોનેય ન પોસાય. ‘મિરઝાપુર’ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રમાં માફિયાઓની બેહિસાબ સત્તા અને ગુંડાગર્દીનું પ્રતીક છે. બિહાર ઉપરાંત યુ.પી.ના જોનપુર, આઝમગઢ, ગાઝીપુર, લખનઉ, રાયબરેલી, ગોરખપુર અને વારાણસી પ્રદેશોમાં ગુંડા, ગન્સ, ડ્રગ્સ અને ખાસ તો કોઇ પણ નીચ કક્ષાએ જતા રાજકારણી સત્તાધારીઓને સરકાર પણ કેટલી હદે છાવરે છે, તેનું વાસ્તવિક લાગે તેવું ચિત્ર આ સિરિયલમાં દેખાય છે. અહીંના વિસ્તારના-ઇલાકાનો ડોન કાલીનભૈયા એટલે કે અખંડાનંદ ત્રિપાઠી (પંકજ ત્રિપાઠી) અને તેનો સવાયો ગુંડો-પુત્ર મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ શર્મા) પૂરા ઇલાકામાં કેર વર્તાવે છે. નેતાઓનો એમને પૂરો સપોર્ટ છે, કારણ કે ઇલેક્શન આ લોકોથી જ જીતાય છે. કાલીનભૈયાને પોતાના ‘પાવર’ની જાણ છે અને એ જાણની પૂરી કિંમત વસૂલે છે.

કાલીનભૈયાના કિરદારમાં પંકજ ત્રિપાઠી છે. આ પંકજ ત્રિપાઠી આજકાલ ભારતના કોઇ પણ ફિલ્મ કલાકારથી સવાયો ઊંચો સાબિત થયો છે. સરખામણી કોઇની સાથે જરૂરની નથી, પણ આ સિરિયલ તમે જુઓ એટલે કબૂલ કરવું પડે કે, પંકજથી વધુ ઉમદા કોઇ એક્ટર એટલીસ્ટ, આપણે તો નથી જોયો. એક તરફ એનો પુત્ર મુન્ના ત્રિપાઠી કાન ફાટી જાય એવી બીભત્સ ગાળો સાથે વાતવાતમાં રીવોલ્વર કાઢીને ઠોકી જ દે છે અને ફિલ્મના અન્ય પાત્રો માટે પણ ક્રૂર હિંસા સવારે બ્રશ કરવા જેટલી સામાન્ય બાબત છે, ત્યારે પંકજનું કિરદાર માણસના વાળ ઉપર કરેલા નકશીકામ જેટલો સૂક્ષ્મ છતાં કલાત્મક બનાવ્યો છે. એ બહુ ઓછું બોલે છે, પણ એનો પ્રભાવ અનંત છે. ‘મિરઝાપુર’ અને અન્ય સીરિઝોમાં એ એટલો વખણાયો છે કે, બે પાર્ટની આ સીરિઝના એણે હજી સુધી બે હપ્તા પણ જોયા નથી, એટલું બધું કામ એની પાસે રહે છે. ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને બબલુ (વિક્રાંત મેસી) સગા ભાઇઓ છે. ગુડ્ડુ છ ફૂટ ઊંચો અને કદાવર તેમ જ મગજનો સૂરમા છે, જ્યારે બબલુ એ બંનેમાં વધુ હેન્ડસમ અને ઠરેલ છે. એ બંનેના પિતા બનતો એક્ટર રાજેશ તેલંગ દેખાવમાં તો તમે બોલી ઊઠવાના કે, ‘આને કોણે એક્ટર બનાવ્યો?’ પણ સિરિયલમાં એનું કિરદાર અને અભિનય આ લોકોમાંથી કોઇનાથી કમ નથી. એવો જ તગડો એક્ટર અમિત સિયાલ છે, જેને તમે અજય દેવગણની ફિલ્મ ‘રેડ’માં અજયના આસિસ્ટન્ટ તરીકે જોયો હશે. અહીં હિંદી ફિલ્મોની માફક કોઇ ઔપચારિક હિરોઇન નથી અને જે કોઇ સ્ત્રી-પાત્રો છે, એ હિરોઇનની પ્રતિષ્ઠામાં ખાડો પાડે એવા બિન્દાસ્ત છે. ક્રાઇમ સાથે જોડાયેલું ન હોય એવું તો એકેય સ્ત્રી-પાત્ર સીરિઝને બંને ભાગમાં નથી, તેમ છતાં બંને પાર્ટ ધ્યાનથી જોતાં આટલા બધા કિરદારો ધરાવતી આ સિરિયલમાં ફક્ત એક જ પાત્ર એવું છે, જે ક્રિમિનલ નથી અને પુત્રની હત્યાનો ન્યાય મેળવવા એ અંત સુધી લડતો રહે છે, એ છે મુન્ના-ગુડ્ડુનો પિતા રમાકાંત પંડિત (રાજેશ તૈલંગ). અત્યંત સામાન્ય ફિઝિકલ પર્સનાલિટી ધરાવતો આ કલાકાર એના મૌનથી પણ માઇલો સુધીની એક્ટિંગ કરી શકે છે. ‘દિલ્હી ક્રાઇમ્સ’ અને હમણાં બહુ વખણાયેલી ‘બંદિશ બેન્ડિટ્સ’માં એ જોવા મળ્યો છે.

અલબત્ત, તમારે ફેમિલી સાથે આવી જ એક થ્રિલર જોવી હોય તો ઘણી ઉમદા કક્ષાની હિંદી સીરિઝ ‘આઉટ ઓફ લવ’ જોવી જ જોઇએ. ‘થ્રિલર’ શબ્દ આવે એટલે હિંસા, મારામારી અને ખૂન-ડકૈતીના વિષયો આવે, પણ આ એક ‘પ્રેમકહાની’ હોવા છતાં થ્રિલરની કક્ષાએ પહોંચી છે. એવી જ શુદ્ધ થ્રિલર ‘બ્રેધ’ બની છે, જેમાં એક યુવાન પિતા એના બાળક માટે કિડનીની વ્યવસ્થા કરવા કઇ કઇ હદે પહોંચે છે, તેની વાર્તા છે. વેબસીરિઝોની ધાંયધાંય સફળતા પછી નવો સવાલ ઊભો થાય છે કે, શું સિનેમામાં જઇને જોવાની ફિલ્મોનો જમાનો આથમતો જાય છે? તમારો જવાબ અનુભવસિદ્ધ હોઇ શકે, પણ મારી સમજ મુજબ, સિનેમાંને કોઇ હટાવી શકશે નહીં. ઓફકોર્સ, આ ‘પાસિંગ ફેઝ’ છે એટલે સીરિઝો ધૂમ મચાવી રહી છે, પણ મોટા ભય સમયનો ઊભો થવાનો. એક સીરિઝ બે સિઝનની હોઇ શકે અને એક-એક સિઝનમાં મિનિમમ દસ-પંદર હપ્તા હોય, એ હિસાબે આટલો બધો સમય કોણ ક્યાંથી કાઢી શકશે? એટલું જ નહીં, આ તો આપણા ઘરઆંગણાની સીરિઝોની વાત થઇ, પણ સોશિયલ મીડિયા ચેનલો વિદેશોની અઢળક સીરિઝો બતાવી રહી છે, જે પણ પાંચ-પાંચ, છ-છ સિઝનોથી બનેલી હોય છે. કોઇ પ્રેક્ષક ઘરે બેઠાં એકસામટી ત્રણ-ચાર સીરિઝો રોજેરોજ જોઇ શકવાનો નથી. વળી, સરકાર જે દિવસે સેન્સરશિપનો ભરડો લઇ લેશે, એ પછી સામાન્ય ટેસ્ટ ધરાવતા પ્રેક્ષકોને ‘એ બધું’ જોવા નહીં મળે, એ ફેક્ટર સાઇડમાં મુકાય એવું નથી. ‘મિરઝાપુર’ પ્રાઇમ વિડિયો ઉપર જોઇ શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser