વિચારોના વૃંદાવનમાં / પવિત્ર રમજાન ઇદના તહેવાર નિમિત્તે નિખાલસતા જાળવીને થોડુંક ઇસ્લામી ચિંતન

Islamic thinking while maintaining openness for the holy month of Ramadan
X
Islamic thinking while maintaining openness for the holy month of Ramadan

  • ભગવદ્્ગીતામાં કૃષ્ણનો ઉપદેશ થયો પછી છેવટે અર્જુન કૃષ્ણને શરણે જાય છે અને કહે છે: ‘કરિષ્યે વચનં તવ.’ આવા ત્રણ શબ્દોમાં રાબિયા અને અર્જુન લગભગ એકરૂપ થઈ જાય છે. એ વખતે ઇસ્લામ નારીવાદી હતો

ગુણવંત શાહ

May 24, 2020, 01:37 PM IST

રાબિયા નામની સાધ્વી ઇસ્લામી આલમમાં સૂફી સંત તરીકે મીરાંબાઈ જેવું જ ઊંચું સ્થાન ધરાવે છે. એ ભક્તિભાવથી સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે જીવનભર અલ્લાહની બંદગી કરતી રહી. એના શબ્દોમાં પ્રગટ થતો ભક્તિભાવ અનોખો હતો. સાંભળો :
યા અલ્લાહ!
જો હું તારી ઇબાદત
નરકના ડરથી કરતી હોઉં,
તો મને નરકમાં બાળી મૂકજે.
અને જો
હું તારી ઇબાદત જન્નતમાં
જવાની આશાએ કરતી હોઉં,
તો મને સ્વર્ગથી દૂર રાખજે.
પરંતુ જો હું કેવળ તને જ
પામવા માટે તારી ઇબાદત
કરતી હોઉં, તો મને તારી
શરણાગતિનો શાશ્વત
પ્રસાદ આપજે.
ભગવદ્્ગીતામાં કૃષ્ણનો ઉપદેશ થયો પછી છેવટે અર્જુન કૃષ્ણને શરણે જાય છે અને કહે છે: ‘કરિષ્યે વચનં તવ.’ આવા ત્રણ શબ્દોમાં રાબિયા અને અર્જુન લગભગ એકરૂપ થઈ જાય છે. પયગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ તેઓ જીવતા હતા ત્યાં સુધી સોહામણો હતો. એ વખતે ઇસ્લામ નારીવાદી હતો, અંધશ્રદ્ધાથી લથપથ એવી મૂર્તિપૂજાને નાબૂદ કરનારો અને તૌહીદ (એકેશ્વરનિષ્ઠા) જેવા લક્ષણથી શોભતો ધર્મ હતો. રસૂલેખુદાની વિદાય પછીનાં વર્ષોમાં એ સોહામણો મજહબ બિહામણો બની ગયો અને આજે તો આતંકવાદને પોંખનારો ધર્મ બની રહ્યો છે. ઇસ્લામની શોભા ખતમ કરનારા થોડાક શબ્દો(નામો) આજે દુનિયાને કનડતા જ રહે છે. એ શબ્દો છે: અલકાયદા, લશ્કરે તૈયબા, હકાની નેટવર્ક, ISIS, જૈશ-એ-મોહંમદ, હિઝબુલ મુજાહિદ્દીન ઇત્યાદિ. અસ્પૃશ્યતાને ગાંધીજીએ હિન્દુ ધર્મનું કલંક તરીકે ઓળખાવી હતી. આવાં રાક્ષસી સંગઠનોએ લાખો મુસલમાન સ્ત્રી-પુરુષોની હત્યા કરી છે. પયગંબર તો આવાં આસુરી સંગઠનોને એક ક્ષણ માટે પણ ચલાવી ન લે. આવાં સંગઠનો ઇસ્લામને નામે આતંકવાદ ફેલાવે તેને ઇસ્લામી આલમ શી રીતે સહન કરી શકે? ઇરાકમાં વસનારા કુર્દ મુસ્લિમો લાખોની સંખ્યામાં કપાઈ મૂઆ! એમનાં ડોકાં કપાણાં અને ખોપરીનાં ખેતર સર્જાણાં! મુસ્લિમ પ્રજા ચૂપ કેમ છે? એ કુર્દ પ્રજાના પયગંબર જુદા ન હતા, એમનું કુરાન જુદું ન હતું, એમનું તીર્થસ્થાન જુદું ન હતું. આમ છતાં કત્લેઆમ ચાલી અને હજી કુર્દ પ્રજાને શાંતિ નથી મળતી. સુદાનમાં ઇસ્લામી શાસન છતાં લાખો મુસલમાનો કપાઈ મૂઆ! લાખો મુસ્લિમ સ્ત્રીઓ નિરાશ્રિત બની અને બળાત્કાર સાવ સામાન્ય ઘટના બની ગઈ! રમજાન ઇદને દિવસે પ્રત્યેક મુસલમાન નાગરિક આવી બર્બરતા અંગે કશું જ નહીં વિચારે? અસ્પૃશ્યતા સામે હિન્દુઓ બળવો કરે તો જ એવું કલંક ટળે. આતંકવાદ સામે મુસલમાનો જ ખોંખારો ખાય તો જ ઇસ્લામની શોભા વધે. સતિપ્રથા દૂર કરવાનું કામ હિન્દુઓએ જ કર્યું.
હવે એક ટાઢક આપે એવી વાત કરું? ટર્કીમાં 99 ટકા લોકો મુસલમાન છે. કેટલાય પુરુષોનાં નામ ત્યાં જિસસ હોય છે અને સ્ત્રીઓનાં નામ મેરી હોય છે. મારી હોટેલની માલિકણનું નામ મેરી હતું. ટર્કી બંધારણીય રીતે સેક્યુલર રાષ્ટ્ર છે. ત્યાં ઈ.સ. 1453ના વર્ષમાં એહમદ બીજાએ કોન્સ્ટેન્ટિનોપલનો કબજો લીધો અને તે નગર આજનું ઇસ્તંબૂલ બન્યું. પછી ત્યાંનું સોફિયા ચર્ચ મસ્જિદમાં ફેરવાઈ ગયું. આટલું મોટું અને આટલું જૂનું ચર્ચ મેં દુનિયામાં ક્યાંય જોયું નથી. ઇસ્લામી શાસકોએ ચર્ચને જેમનું તેમ જાળવી લીધું. એક પણ છબીને હટાવી દેવામાં ન આવી. મસ્જિદ તરીકે ઈ.સ. 1934 સુધી રહ્યા બાદ ક્રાંતિકારી શાસક કમાલ અતાતુર્કે એ મસ્જિદને મ્યુઝિયમમાં ફેરવી નાખી. એ મસ્જિદમાં 481 વર્ષ સુધી (ભૂતપૂર્વ ચર્ચમાં) નમાજ પઢવાનું ચાલુ રહ્યું. આટલાં વર્ષો દરમિયાન ઈસુ, જોસેફ, વર્જિન મેરીનાં ભવ્ય મ્યુરલો મસ્જિદમાં સચવાયાં તે નજરે જોવા મળ્યાં. આજે પણ એ મ્યુરલો જળવાયાં છે. આવો ચમત્કાર જોવો હોય, તો ઇસ્તંબૂલ જવું પડે. ટર્કીમાં કોનિયા નગરમાં આવેલી સંત જલાલુદ્દીન રુમીની દરગાહ પર ચાર કલાક ગાળવાનો લહાવો મેં લીધો હતો. અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંત પર ચંગીઝખાને ચડાઈ કરી ત્યારે બાળક જલાલુદ્દીને પરિવાર સાથે ઘર છોડ્યું અને એનેતોલિયા જઈને રૂમ નામના ગામમાં રહ્યા તેથી ‘રુમી’ કહેવાયા. પિતા ઇસ્લામના આલિમ હતા તેથી જલાલુદ્દીન પર સૂફી ઇસ્લામના ઊંડા સંસ્કાર પડ્યા. એમણે સમગ્ર માનવજાતને પ્રેમનો સંદેશો આપ્યો. એમનો સંદેશો રમજાન ઇદ નિમિત્તે એમના શબ્દોમાં જ સાંભળો :
તમે સૌ આવો, ફરી ફરી આવો,
તમે ગમે તે હો, અગ્નિપૂજક હો કે નાસ્તિક,
તમે 100 વખત વ્રત તોડ્યાં હોય,
તોય ચાલ્યા આવો, ચાલ્યા આવો.
અમારાં બારણાં વિષાદનાં બારણાં નથી.
તમે જેવા છો, તેવા ને તેવા ચાલ્યા આવો!
જલાલુદ્દીન રૂમીના મૃત્યુ પછી ટર્કીના કવિ ગુલશેહરીએ લખ્યું: ‘હજી સુધી એવો માણસ થયો નથી, જે મર્યો હોય પણ મટી ગયો ન હોય. જલાલુદ્દીન હજી દુનિયા છોડીને ગયા નથી.’ ખાનગી વાત કહું? હું જલાલુદ્દીન રૂમીનો ભક્ત છું. એમનો દેહવિલય થયો તેને લગભગ 500 વર્ષ થયાં. રસૂલેખુદા પછી આવો મહાત્મા બીજો થયો નથી. જગતમાં આજે ઘણા હિન્દુઓ, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો અને યહૂદીઓ, શિયાપંથી લોકો અને અહમદિયા મુસ્લિમો ‘ઇસ્લામોફોબિયા’થી કેમ પીડાતા રહે છે? રાબિયા અને જલાલુદ્દીન રૂમી જેવાં મહાત્માઓને કેટલા મુલ્લાઓ ઓળખે છે? પયગંબરે તો અમન, તૌહીદ અને શરણાગતિનો સંદેશ માનવજાતને આપ્યો છે. તો પછી ઇસ્લામ સાથે જોડાઈ ગયેલો આતંકવાદ કેમ ઠરીને બેસતો નથી? પયગંબરને એ માન્ય હોઈ શકે? આપણે અલ્લાહને શરણે જવું છે કે ઓસામા બિન લાદેનને? માનશો? સિંગાપોરમાં ‘ઇદ’ માટેનો શબ્દ છે : ‘હરિરાયા.’
મલેશિયામાં પાંચ દિવસ રહેવાનું બન્યું ત્યારે TV પર રજૂ થતી એક સિરિયલ જોવા મળી. એ સિરિયલનું શીર્ષક હતુઃ ‘Islam International.’ એમાં 25-30 મુસ્લિમ કોલેજિયન યુવક-યુવતીઓ ઇસ્લામ અંગે લાંબી ચર્ચા કરે અને ચર્ચાનું સંકલન એક પ્રોફેસર કક્ષાનો ઇસ્લામનો આલિમ કરે, તે દૃશ્ય સગી આંખે જોયું. એમાં એક તેજસ્વી મુસ્લિમ યુવતીએ શરણાગતિ પર પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે ઇસ્લામ ધર્મના સ્કોલર એવા(જ્ઞાની) માણસે જે જવાબ આપ્યો તે હજી આજે પણ યાદ છે. એ વિદ્વાને યુવતીને તર્કશુદ્ધ પ્રશ્નો પૂછ્યા અને પછી ઇસ્લામનો મર્મ સમજાવ્યો. પ્રશ્નો દલીલ તરીકે પુછાયા હતા. સાંભળોઃ
1. તમે કયાં માતા-પિતાને ત્યાં, કયા દેશમાં, કયા ગામમાં અને કયા સમયે જન્મ લેવો તેનો નિર્ણય શું તમે લીધો હતો?
2. તમે કયા રોગથી, ક્યાં અને ક્યારે મરશો તે અંગે નિર્ણય લેવાનો અધિકાર તમારી પાસે છે ખરો?
3. તમે કોને, ક્યાં અને ક્યારે પરણશો તે બાબતનો નિર્ણય તમારા જ હાથમાં ખરો?
4. તમે કરિયર પૂરી કરો પછી ક્યાં અને કઇ રીતે ગોઠવાશો તેનો નિર્ણય શું તમે કરવાના છો? જો જવાબ હા હોય, તો એ તમારો ભ્રમ ગણાય.
5. સંજોગોનું ષડ્યંત્ર રચાય ત્યારે તમે કેવળ રમકડાં જ છો. નિર્ણય તમે લો છો એવા વહેમમાં રહેશો નહીં. તમારી પાસે કોઇ choice છે ખરી?
આવા ધારદાર અને તર્કયુક્ત પ્રશ્નો પૂછીને છેવટે એ વિદ્વાને જિન્સધારી દલીલબાજ કોલેજિયનોને કહ્યંુઃ ‘My dear friends! Choicelessness is the only choice in life.’ આવી સમજ સાથે અલ્લાહને શરણે જવું જોઇએ. અલ્લાહ એક છે અને સર્વશક્તિમાન છે.’ ગીતાના અઢારમા અધ્યાયને અંતે અર્જુને કૃષ્ણને કહ્યું હતુંઃ ‘કરિષ્યે વચનં તવ.’ આ ત્રણ શબ્દોમાં અર્જુનનો ‘ઇસ્લામ’ પ્રગટ થયો. આ બાબતે માધવ અને મોહંમદ એક છે. ⬛
પાઘડીનો વળ છેડે
જરૂર પડે તો એક ટંક
ખાવાનું જતું કરીને પણ તેઓ પોતાનાં
બાળકોને શિક્ષણ આપવાનો સંકલ્પ કરે
તો, જેઓ મુસ્લિમોને ધિક્કારે છે
તેવા લોકોને પણ પોતાનો અભિપ્રાય
બદલવાની ફરજ પડશે.
- મૌલાના મેહમૂદ મદની
જમિયતે ઉલેમા-અે-હિન્દના મહામંત્રી
કિર્તનપુર(ઉત્તરપ્રદેશ)માં મળેલી સભામાં બોલાયેલા સોનેરી શબ્દો
(ટા.ઓ. ઇન્ડિયા 23 માર્ચ, 2015)
નોંધ : સેક્યુલર ગણાતા બૌદ્ધિક મહામૂર્ખોને આ વાત ક્યારે સમજાશે? વડોદરામાં સદ્્ગત શ્રી વિષ્ણુભાઈ અમીને અમદાવાદમાં મળેલા સંમેલનમાં શિક્ષણ પર ભાર મૂકનારા અને જમાત-એ-ઇસ્લામીના ગુજરાત માટેના પ્રમુખે જે પ્રવચન કર્યું તેનાથી પ્રભાવિત થઈને મને ફોન કર્યો અને જમાતને રૂપિયા એક લાખનો ચેક મારા ઘરે સૌને ભેગા કરીને આપ્યો હતો ત્યારે વિશ્વગ્રામના પ્રણેતા શ્રી સંજય ભાવસાર હાજર હતા. શ્રી વિષ્ણુભાઈ સદ્્ગત શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના ખાસ અંગત મિત્ર હતા. (તા. 10-1-2006ના રોજ એક અખબારની વડોદરા આવૃત્તિમાં પ્રગટ થયેલા હેવાલને આધારે.) જમાતના પ્રમુખ શ્રી મોહમ્મદ શફીએ ચેક સ્વીકાર્યો તેનો ફોટો પણ પ્રગટ થયો હતો.)
Blog:http://gunvantshah.wordpress.com

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી