100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ

હંસા મહેતા: શિક્ષણ અને સંસ્કારિતાનું નામ

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 16:49PM IST
 • હંસા મહેતા: શિક્ષણ અને સંસ્કારિતાનું નામ

  બાળપણ અને શિક્ષણ

  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર, લેખિકા હંસાબેન જીવરાજ મહેતાનો જન્મ ૩ જુલાઈ, ૧૮૯૭ના રોજ સુરતમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મનુભાઈ અને માતાનું નામ હર્ષદકુમારી હતું. ઈ.સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થઇ સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસાર્થે લંડન ગયા અને ત્યાં ઉચ્ચ અભ્યાસ કર્યો. 

   

  લગ્ન 

  વડોદરા રાજ્યના મેડિકલ ઓફિસર ડો. જીવરાજ મહેતા સાથે ઈસ. ૧૯૨૪માં લગ્ન થયા. ડો. જીવરાજ મહેતા ઈંગ્લેન્ડ જઈને મેડિસિનમાં માસ્ટર ડીગ્રી મેળવી ચૂક્યા હતા અને ગાંધીજીના તબીબ તરીકે પણ નામના ધરાવતા હતા. કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકેનું બહુમાન પણ ધરાવે છે.

   

   વણકહી વાત
  હંસાબહેનના પિતા સર મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના દિવાન હતા અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અંગત વિશ્વાસુ વર્તુળમાં સ્થાન ધરાવતા હતા. હંસાબહેનના દાદા નંદશંકર મહેતા પ્રથમ ગુજરાતી નવલકથા રાય કરણ ઘેલોના લેખક તરીકેનું બહુમાન ધરાવે છે. 

   

   

  રાજકીય સક્રિયતા
  હંસાબહેને ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા. ૧૯૩૪માં તેઓ મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યાં. ઈ.સ. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાયા અને શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી. ઈ.સ.૧૯૪૬માં તેઓ વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા ઉપ કુલપતિ બન્યાં. ઈ.સ. ૧૯૪૭માં તેમની ‘યુનો’ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઇ. એમણે ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી.

   

  સન્માન

  ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે તેમને 'પદ્મભૂષણ' ઈલકાબ આપી સન્માનિત કર્યા હતા. ઈ.સ. ૧૯૫૮માંઅલ્હાબાદ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ. ની પદવી એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. જર્મનીના મ્યુનિક શહેરમાં સમાજસેવા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી અને પેરિસમાં ઈ.સ. ૧૯૫૮માં મળેલી વર્લ્ડ ફેમિલી કોંગ્રેસમાં તેઓ હિન્દી પ્રતિનિધિ મંડળના નેતા બન્યાં. ઈ.સ. ૧૯૫૬માં દિલ્હી ખાતે મળેલ યુનેસ્કો કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. 

   

  લેખન

  તેમને લેખનશક્તિ વારસામાં મળી હતી. તેમણે નાનામોટા ૧૬ ગુજરાતી અને ચાર અંગેજી મળીને કુલ ૨૦ પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકોનું ગુજરાતી અનુવાદ તથા રામાયણના કેટલાક કાંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે બાળવાર્તાઓ પણ આપી છે. આમ વહીવટ, સાહિત્ય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર હંસાબેન મહેતાનું ચોથી એપ્રિલ ૧૯૯૫ના રોજ અવસાન થયું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી