100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ
Home » Divyashree » Women Pride » women pride, kindnika kapdiya

રાણકદેવી: સ્ત્રી સન્માનનું મધ્યયુગનું પ્રતીક

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 17:37PM IST
 • રાણકદેવી: સ્ત્રી સન્માનનું મધ્યયુગનું પ્રતીક

  બાળપણ

  દેવડા ઠાકોરને પુત્ર પામવાની ખુબ જ ઈચ્છા હતી અને પુત્રીનો જન્મ થતા ઠાકોરના જ્યોતિષે એવી સલાહ આપી કે પુત્રીના પગલા અશુભ છે અને તેને જંગલમાં છોડી દેવી જોઈએ. આ સલાહ માનીને ઠાકોરે તેને જન્મની સાથે જ જંગલમાં ત્યજી દીધી. આ પુત્રી મજેવડી ગામના એક પ્રજાપતિ ને મળી અને તે નિસંતાન હોવાથી તેણે આ દીકરીને ઉછેરવાનું નક્કી કર્યું અને તેને રાણક નામ આપ્યું.

  રા'ખેંગાર સાથે મુલાકાત

  તરુણાવસ્થામાં પ્રવેશેલી રાણક બેહદ સૌંદર્યવાન હોવા ઉપરાંત અત્યંત ચબરાક પણ હતી. જુનાગઢના રાજા નવઘણ (બીજા)ના પુત્ર રા'ખેંગાર (બીજા) સાથે આકસ્મિક સંજોગોમાં રાણકની મુલાકાત થાય છે. ખેંગારની બહાદુરી અને ખુમારી રાણકને સ્પર્શી જાય છે તો રાણકની બુદ્ધિમતા અને સૌંદર્યથી ખેંગાર પ્રભાવિત થાય છે. બંને વચ્ચે પ્રણય પાંગરે છે.

  વણકહી વાત
  રાણકદેવી, રા ખેંગારના અદભૂત પ્રણય અને સિદ્ધરાજની ઈર્ષ્યા... આ સમગ્ર કથામાં કલ્પનાના રંગો પૂરીને સમર્થ સાહિત્યકાર ક.મા.મુનશીએ તેમની યશસ્વી કૃતિ 'પાટણની પ્રભુતા'માં બહુ જ રસપ્રદ કથાનક આલેખ્યું છે. એ જ શ્રેણીની બીજી નવલકથા 'ગુજરાતનો નાથ' અને 'રાજાધિરાજ'માં જુનાગઢના ઘેરા, ખેંગારના મૃત્યુ અને રાણકદેવીના સતીત્વનું બહુ જ સુંદર વર્ણન છે.

  સમર્થો વચ્ચે દુશ્મનાવટ

  એક તરફ રાણક અને ખેંગાર પરસ્પરને કોલ દઈ ચૂક્યા છે. બીજી તરફ ગુજરાતના યુવા રાજા સિદ્ધરાજ જયસિંહ માટે તેમના માતા મીનળદેવીએ પણ રાણકનું માગું નાંખ્યું. રાણકના પાલકપિતાએ મીનળદેવીનું માગું સ્વિકારી લેતાં પરાણે રાણકે સિદ્ધરાજ સાથે લગ્ન કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ. જોકે, પરાક્રમી ખેંગાર છેલ્લી ઘડીએ એકલપંડે આક્રમણ કરીને રાણકને પોતાની સાથે લઈ ગયો. આ ઘટનાથી જુનાગઢ અને પાટણ વચ્ચે ભારે વેર ઊભું થયું, જેના કારણ તરીકે રાણકની વગોવણી થઈ.

  જુનાગઢનો ઘેરો

  વેર વાળવા માટે સિદ્ધરાજ જયસિંહે જુનાગઢને ઘેરો ઘાલ્યો. ઉપરકોટના તોતિંગ ગઢ વચ્ચે ખેંગાર, રાણક અને જુનાગઢ સલામત હતા. બાર-બાર વર્ષ સુધી ઘેરો ઘાલી રાખવા છતાં જુનાગઢને આંચ ન આવી. આથી સિદ્ધરાજે કપટ કરીને ખેંગારના ભાણેજ દેશળ અને વિશળ ફોડી લીધા. એ રીતે છળ કરીને તેણે ગઢમાં પ્રવેશ કર્યો. ભારે કત્લેઆમ થઈ, જેમાં ખેંગાર માર્યો ગયો.

  સ્ત્રીત્વનું અમર પ્રતિક

  રાણક પરણે તો જ પોતે ખેંગાર સાથેનું વેર વાળ્યું ગણાય એવું માનતાં મોહાંધ સિદ્ધરાજે રાણકનું અપહરણ કર્યું. રાણકને મનાવવા તમામ કોશિષો કરી, પરંતુ રાણકે જરાય મચક ન આપી. સિદ્ધરાજ તેને પરાણે પાટણ લઈ જતો હતો ત્યારે રસ્તામાં વઢવાણ નજીક ભોગાવોના કાંઠે રાણકે સતીત્વના જોરે સ્વયંભૂ આગ પ્રકટાવીને શરીરને સ્વાહા કર્યું એવી વાયકા છે. સિદ્ધરાજની રાજશક્તિને પણ તાબે થયા વગર રાણકે છેવટ સુધી પોતાનું ગૌરવ સાચવી જાણ્યું એ માટે સદીઓથી અને સદીઓ પછી પણ તે નારીગૌરવનું પ્રતિક ગણાશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી