100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ
Home » Divyashree » Women Pride » women pride, dipika chilkhliya

દીપિકા ચીખલિયાઃ સીતાનો ગુજરાતી ચહેરો

divyabhaskar.com | Last Modified - Sep 11, 2018, 16:35PM IST
 • દીપિકા ચીખલિયાઃ સીતાનો ગુજરાતી ચહેરો

  બાળપણ
  ચીખલીના વતની હરજી ચીખલિયાની બીજા નંબરની દીકરી તરીકે મુંબઈમાં જન્મેલી દીપિકાને આમ જુઓ તો અભિનય સાથે દૂર દૂરનો કોઈ સંબંધ ન હતો. મધ્યમવર્ગિય પરિવારનો ફર્નિચરનો બિઝનેસ હતો. પરંતુ દીપિકાનો અત્યંત સંમોહક અને માસુમ ચહેરો જોઈને શાળાના શિક્ષકે તેને એક નાટકમાં ભૂમિકા ભજવવા આગ્રહ કર્યો. એ પછી કોલેજની બ્યુટિ કોન્ટેસ્ટમાં વિજેતા તરીકે તેને ફરજિયાત કેટલીક એડવર્ટાઈઝમાં મોડેલિંગ કરવાનું આવ્યું. એ રીતે તે ફિલ્મો અને ટીવી શ્રેણીઓ તરફ આગળ વધી.

  કારકિર્દી
  ઈસ. ૧૯૮૩માં અભિનેતા રાજકિરણ સાથે સૂન મેરી લૈલા નામની ફિલ્મમાં દીપિકાને હીરોઈન બનવાની તક મળી હતી. એ ફિલ્મ પછી દીપિકાને તેનો ચહેરો ફિલ્મો માટે વધારે પડતો નમણો હોવાના કારણે વધુ ભૂમિકાઓ મળતી ન હતી. દરમિયાન, ભારતમાં ટીવી ધારાવાહિકોનો આરંભ થયો અને રામાનંદ સાગર જેવા નામાંકિત દિગ્દર્શકે ટીવી ધારાવાહિક ક્ષેત્રે ઝુકાવ્યું ત્યારે પૌરાણિક, ધાર્મિક કથાઓ માટે તેમને દીપિકાનો ચહેરો એકદમ યોગ્ય જણાતાં દાદા દાદી કી કહાની, વિક્રમ ઔર વેતાળ વગેરે શ્રેણીમાં દીપિકાને સ્થાન મળ્યું.

  રામાયણ
  સાગર ફિલ્મ્સે જ્યારે રામાયણ ધારાવાહિકનું નિર્માણ કર્યું ત્યારે દીપિકાને સીતાની ભૂમિકા મળી. આ ભૂમિકામાં સીતા તરીકે દીપિકા એવા છવાઈ ગયા કે લોકો તેમને સાક્ષાત સીતા સમજીને જાહેર કાર્યક્રમોમાં ચરણસ્પર્શ કરતાં હતાં.

  સાંસદ
  દીપિકાની લોકપ્રિયતાનો લાભ લેવા ૧૯૯૧માં ભારતીય જનતા પક્ષે તેમને વડોદરાની લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં હતાં અને દીપિકા એ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. અલબત્ત, બહુ ઝડપથી રાજકારણ તેમણે છોડી દીધું હતું.

  પરિવાર
  ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન થયા બાદ દીપિકાએ અભિનયની કારકિર્દી છોડી દીધી છે. હવે તેઓ પરિવારના બિંદી, નેઈલપોલિશના બિઝનેસમાં જ પ્રવૃત્ત છે.

  વણકહી વાત
  રામાયણમાં સીતાની ભૂમિકા માટે વિવિધ અભિનેત્રીઓના સ્ક્રિનટેસ્ટ લેવાઈ રહ્યા હતા ત્યારે ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેત્રી રજનીબાળાએ રામાનંદ સાગરને દીપિકાનું નામ સૂચવ્યું હતું અને સ્ક્રિનટેસ્ટ માટે ખાસ કોસ્ચ્યુમ્સ, મેકઅપ પણ રજનીબાળાએ કરી આપ્યા હતા. ધારાવાહિકમાં રજનીબાળાએ પણ લક્ષ્મણની માતા સુમિત્રાની ભૂમિકા ભજવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી