મેડમ ભીકાઈજી કામાઃ સશસ્ત્ર ક્રાંતિના આદ્ય

women pride, Bhikhaiji Rustom Cama

મેડમ ભીકાઈજી કામાઃ સશસ્ત્ર ક્રાંતિના આદ્ય.મેડમ ભીકાઈજી કામાઃ સશસ્ત્ર ક્રાંતિના આદ્ય .

divyabhaskar.com

Sep 11, 2018, 05:06 PM IST

બાળપણ અને શિક્ષણ
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેનું બહુમાન મેળવનાર મેડમ ભીકાઈજી કામાનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. તેમનાં પિતા સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજીએ એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.

લગ્ન અને વિદેશગમન
દેશસેવા અને સમાજસેવાના ધ્યેયને વરી ચૂકેલાં ભીકાઈજી લગ્ન ન કરવા અંગે દૃઢ નિશ્ચયી હતા, પરંતુ પરિવારના આગ્રહને લીધે તેમણે નાછૂટકે શણના મોટા વેપારી ગણાતાં કામા પરિવારના મોતી કામા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ભીકાઈજીના સ્વતંત્ર સ્વભાવ અને રાષ્ટ્રવાદી વિચારસરણીને લીધે તેઓ પરંપરાગત ગૃહિણી બની શકી તેમ ન હતા. આથી ટૂંકા સમયમાં જ લગ્ન વિચ્છેદ કરીને તેઓ યુરોપ જતાં રહ્યાં. યુરોપમાં તેમની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને યોગ્ય દિશા સાંપડી.

સ્વાતંત્ર્યવીર ત્રિપૂટી
જીનિવા ખાતે ભીકાઈજીની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સાથે થઈ. એ બંનેના સહયોગમાં ભીકાઈજી કામાએ પરદેશમાં રહીને વતનની આઝાદી માટે પ્રયાસો શરૂ કર્યાં અને એ રીતે ભારતના સશસ્ત્ર ક્રાંતિના ઈતિહાસમાં આદ્ય તરીકે સ્થાન પામે એટલું માતબર પ્રદાન કર્યું. મેડમ કામા સામે બ્રિટિશ સરકારનો વિરોધ એટલો તીવ્ર હતો કે તેણે મેડમ કામાની હકાલપટ્ટી કરવા ફ્રાન્સને સત્તાવાર દરખાસ્ત મોકલી હતી, જેનો ફ્રાન્સે અસ્વિકાર કર્યો હતો.

પ્રથમ ફ્લેગબેરિઅર
ઈસ. ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે આંતરરાષ્ટ્રિય અધિવેશન મળ્યું ત્યારે સરદારસિંહ સાથે મેડમ કામાએ પરાધિન ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એટલું જ નહિ, અધિવેશનમાં તેમણે ભારતીય રાષ્ટ્રધ્વજની મૌલિક પરિકલ્પના કરીને ફરકાવ્યો અને વંદે માતરમનો જયઘોષ પણ કર્યો.

વણકહી વાત
૭૪ વર્ષની જૈફ વયે પહોંચેલા મેડમ કામા વતનની માટીમાં જ અંતિમ શ્વાસ લેવા માંગતાં હોવાથી બ્રિટિશ સરકારના જોખમ છતાં ભારત પહોંચ્યા. ભારતમાં પોતાની સખત જડતી લેવાશે એવી ખાતરી હોવા છતાં બ્રિટિશવિરોધી સાહિત્ય, ચોપાનિયાં, દસ્તાવેજો અને વંદેમાતરમ લખેલો ધ્વજ તેઓ હિંમતભેર પોતાની સાથે લાવ્યા હતા, જે અંગ્રેજ સરકારે તરત સળગાવી દીધું હતું. ઉંમર અને માંદગીના કારણે તેમની સામે કોઈ પગલાં લેવાયા નહિ. આખરે ૧૩ ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.

X
women pride, Bhikhaiji Rustom Cama

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી