100 ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ

ગંગાસતી: તળપદી ભાષામાં સોરઠની મીરાં દ્વારા કહેવાયેલી વેદવાણી

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 16:26PM IST
 • ગંગાસતી: તળપદી ભાષામાં સોરઠની મીરાં દ્વારા કહેવાયેલી વેદવાણી

  સોરઠના મીરાં તરીકે ઘર-ઘરમાં ગવાતાં, સ્મરણ થતાં ગંગા સતીના જીવનકાળ અંગે વિવિધ મતાંતરો પ્રવર્તે છે. તેમના જન્મ અને મૃત્યુ વર્ષ અંગે પણ એકમતી નથી. જોકે તેમનું પ્રદાન એટલું વિશિષ્ટ અને પ્રભાવશાળી છે કે જ્યાં સુધી અને જ્યાં પણ ગુજરાતીપણું જીવશે ત્યાં સુધી અને ત્યાં ગંગા સતીના ભજનો ગવાતાં રહેશે. 

   

  પરિવાર 

  પ્રચલિત માન્યતા મુજબ, પાલિતાણા તાબાના રાજપરા ગામે સરવૈયા સાખના ક્ષત્રિય પરિવારમાં જન્મેલાં ગંગા સતીના લગ્ન સમઢિયાળાના ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. પતિ-પત્ની બંને ભક્તિમાર્ગી હતા અને ઈશ્વરની કૃપાને જ સર્વસ્વ માનીને લોકોપયોગી તેમજ ભક્તિપ્રધાન જીવન જીવતાં હતાં. આવનારાંને આશરો અને રોટલો આપવો એ જ સૌથી મોટી પ્રભુભક્તિ એવું માનતાં આ દંપતિને ઘર સાંકડું પડવા લાગ્યું એટલે વાડીમાં ઝુંપડું બાંધ્યું અને ત્યાં જ હનુમાનજીની દેરી બનાવીને ભક્તિ આરાધના ચાલુ રાખી.

   


  પતિનું સ્વધામ ગમન

  પતિ કહળસંગ ગોહિલ આસપાસના વિસ્તારમાં જીવતાં તીર્થ તરીકે પૂજાતા હતા અને કેટલીક ચમત્કારિક ઘટનાઓ બન્યા પછી તેમને દેવ માનનારા શ્રદ્ધાળુઓ વધી ગયા હતા. એ પછી કહળસંગે જીવતાં સમાધિ લીધી હોવાનું કહેવાય છે. 

   

  વણકહી વાત

  ગંગાસતીએ રચેલા દરેક ભજનો મુખ્યત્વે પાનબાઈને સંબોધીને કહેવાયા છે. પાનબાઈ કોણ હતા એ વિશે બહુવિધ માન્યતા છે. એક માન્યતા એવી છે કે ગંગાસતીને સંતાનમાં બે દીકરીઓ રાજબા અને હરિબા જ હતી. પાનબાઈ એ પિયરમાંથી તેમની સાથે આવેલ ખવાસ કન્યા હતી, જેનાં પ્રત્યે ગંગા સતીને પુત્રીવત્ત હેત હતું. બીજી માન્યતા એવી છે કે ગંગા સતીને સંતાનમાં અજોભા નામનો એક પુત્ર હતો અને પાનબાઈ અજોભાની પત્ની હતી. ગંગા સતીએ આપેલો ઉપદેશ પામી લીધા પછી સંસારની મોહમાયાથી મુક્ત થઈને પાનબાઈએ પણ જીવતાં સમાધિ લીધી હોવાની વાયકા છે. 

   

  52 ભજનોનો બોધપાઠ 

  પતિના સ્વધામ ગમન પછી ગંગાસતીએ રોજના એક ભજન લેખે સળંગ 52 દિવસમાં કુલ 52 ભજનો વડે ઉપદેશ આપ્યો અને 53મા દિવસે તેમણે પોતે પણ જીવતાં સમાધિ લીધી. આજે એ સમાધિસ્થળ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાકેન્દ્ર તરીકે જાણીતું છે. ગંગાસતીએ રચેલા એ તમામ ભજનો આજે ગુજરાતભરમાં ઘરે-ઘરે ગવાય છે. તેમનાં ભજનોમાં સાવ સરળ ભાષામાં સંસારની અસારતા, દુન્યવી સમૃદ્ધિ કે મોહમાયા પ્રત્યેની નિસ્પૃહતા અને ખાસ તો મોક્ષમાર્ગનો મહિમા ગવાયો છે. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ... આવા સીધા શબ્દોમાં હૈયા સોંસરવું ઉતરી જાય એવું તત્વજ્ઞાન સમજાવી ગયેલાં ગંગા સતી ગુજરાતના મીરાં તરીકે ઓળખાઈ એમાં નવાઈ નથી. 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી વાર્તા લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી