તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Success Story Of Jagruti Parmar, Create Record In Tatoo Creations

‘લા નિના’ સ્ટુડિયો સુધીની મારી સફર સંઘર્ષ-વિરોધ બાદ સફળતા અને સન્માનભરી રહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: સફળતાની સફર માટે જ્યારે શોખને પસંદ કરવામાં આવે ત્યારે સફર મજેદાર હોવાની સાથે ચેલેન્જિંગ પણ હોય છે. જી હા, આજથી 15 વર્ષ પહેલાં મેં જ્યારે ટેટૂ આર્ટિસ્ટ તરીકે મારી સફર શરૂ કરી ત્યારે ડગલે ને પગલે અનેક સવાલો હતા. જો કે કહેવાય છે ને કે, મન હોય તો માળવે જવાય. મારી ઇચ્છાશક્તિના કારણે સવાલોનું સમાધાન મળતું ગયું અને આજે અમદાવાદમાં ગુજરાતનો એકમાત્ર ગણાતો એવો વિશાળ ‘લા નિના’ નામે મારો ટેટૂનો સ્ટુડિયો છે. 

 

 

શરૂઆત સંઘર્ષમય રહી
મેં 2003માં ‘લા નિના’ નામે ટેટૂનો મારો સ્ટુડિયો શરૂ કર્યો. જો કે ‘લા નિના’ સ્ટુડિયોની નીંવ પડી તે પહેલાંની સફર આસાન  ન હતી. આ પહેલાં મારે ટેટૂ અંગેની વ્યવસ્થિત તાલીમ લેવા માટે ઘણા પ્રવાસ કરવા પડ્યા. આજથી પંદર વર્ષ પહેલાં ટેટૂ માટે વ્યવસ્થિત ટ્રેનિંગ લઈ શકાય તેવું કોઇ સેન્ટર ન હતું. ટેટૂમાં મહારત હાંસલ કરવા માટે મેં સિંગાપોર, થાઈલેન્ડ અને નેપાળની સફર કરી અને અહીંના ટ્રેનિંગ સેન્ટરમાં ટેટૂ અંગેની તાલીમ લીધી. જાતને પહેલાં સંપૂર્ણ આ કામ માટે સક્ષમ બનાવી ત્યારબાદ જ મેં આ સ્ટૂડિયો શરૂ કર્યો. આજે ‘લા નિના’ સ્ટુડિયો ગુજરાતનો એકમાત્ર એવો સ્ટુડિયો છે. જ્યાં મેડિકલ અને કોસ્મેટિક સહિતના અનેક પ્રકારનાં ટેટૂ બનાવવામાં આવે છે. 

 

 

બાળપણથી હતો રંગોથી લગાવ
પેઈન્ટિંગ એ મારો પહેલો પ્રેમ છે, એવું કહું તો જરાય અતિશયોક્તિભર્યુ નથી. જી હા, રંગો મને બાળપણથી આકર્ષતા હતા. હું બહુ નાની હતી ત્યારથી જ પેઇન્ટિંગ કરતી હતી. ગ્લાસ પેઈન્ટિંગ, કેન્વાસ પેઈન્ટિંગ આ બધું જ કરીને હું મારા શોખને પોષતી હતી. મારા બાળપણથી લઈને યુવાવસ્થા સુધીની સફરમાં જિંદગીનો કોઈ એવો વળાંક નથી આવ્યો જ્યારે મારાથી રંગ છૂટ્યા હોય. 

 

 

દાદી પાસેથી મળી પ્રેરણા
આ ક્ષેત્રમાં મારાં દાદી જ મારાં ગુરૂ છે એવું કહી શકાય. એ આજથી વર્ષો પહેલાં આ છુંદણાંનું કામ શોખથી જ કરતા હતા. મારું બાળપણ જામનગરમાં વીત્યું. જામનગરના જામસાહેબ બાપુનાં માતાનાં છૂંદણાં મારી દાદીએ કરી આપ્યા હતા. તેમને કામ કરતાં મેં જોયાં હતાં અને ત્યારથી મારા મનમાં આ સપનાએ જન્મ લીધો. મેં નક્કી કર્યું કે હું મારી કરિયર આ ક્ષેત્રમાં જ બનાવીશ. લગ્ન બાદ મારા પતિએ પણ મારા સપનાને સાકાર કરવામાં સપોર્ટ કર્યો. અહીંથી ટેટૂનો સ્ડુડિયો 'લા નિના’ની નીંવ પડી.

 

 

સ્ત્રી આર્ટિસ્ટ ન સ્વીકારવાની માનસિકતા 
એક સ્ત્રી તરીકે કંઇપણ થોડું હટકે કરવા જાવ એટલે સ્વાભાવિક છે તમારે સમાજના વિરોધનો સામનો કરવો પડે. આ વિરોધને મેં પણ સહન કર્યો. ટેટૂના આ ફિલ્ડમાં એક સ્ત્રી આર્ટિસ્ટને સ્વીકારવાની સમાજમાં માનસિકતા ન હતી. જો કે આ લડતમાં પણ મારા પતિએ મારો સંપૂર્ણ સાથે આપ્યો. હું સમાજના અણગમા છતાં પણ મારા ફિલ્ડમાં આગળ વધતી રહી અને સફળતા આજે તમારી સામે છે. 

 

 

વિક્રમ સર્જીને નામના મેળવી
સમાજમાં તો મારા કામને લઈને ખૂબ જ વિરોધ હતો, જો કે મેં આ ફિલ્ડમાં મારી જાતને સાબિત કરી. જ્યારે 2002માં ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં મારું નામ નોંધાયું ત્યારે મારી સફળતાને એ જ સમાજે વધાવી જેણે એક સમયે મારો વિરોધ કર્યો હતો. 2002માં મેં 50 કલાક સુધી સતત 651 લોકોને ટેટૂ બનાવી આપ્યાં હતાં. તો 2003માં 24 કલાકમાં 451 લોકોને 'ઓમ'નું ટેટૂ કરીને ‘એશિયન વર્લ્ડ રેકોર્ડ’માં નામ અંકિત કર્યું. આપને જણાવી દઉં કે હજુ સુધી આ રેકોર્ડને કોઈ તોડી શક્યું નથી. 

 

 

'લા નિના' ગુજરાતનો એકમાત્ર વિશાળ સ્ટુડિયો
'લા નિના' સ્ટુડિયો આજે ગુજરાતનો એકમાત્ર એક એવો સ્ટુડિયો છે. જેમાં એક સાથે અહીં 12 લોકોને ટેટૂ ક્રિએટ કરી શકાય છે. આ એકમાત્ર એવો સ્ટુડિયો છે જેમાં બે પ્રકારનાં ટેટૂ થયાં છે, એક તો મેડિકલ અને બીજાં કોસ્મેટિક. મેડિકલ ટેટૂમાં એવા પેશન્ટ આવે છે જે સફેદ દાગ જેવી કોઇ સ્કિનની બીમારીથી પીડિત હોય. આવા પેશન્ટને દાગની જગ્યા પર સુંદર ટેટૂ કરીને તેમના સ્કિન ડિસીઝને છુપાવવામાં આવે છે. કોસ્મેટિક ટેટૂમાં કેન્સરના પેશન્ટ જેનો આઇબ્રોનો હેર લોસ થઈ ગયો હોય તેને હેરના લુક આપતી ડિઝાઈન ટેટૂમાં કરી આપવામાં આવે છે. આ રીતે કોઇ અકસ્માતનો ડાઘ રહી ગયો હોય કે દાઝી થવાથી કોઈ ડાઘ રહી ગયા હોય તેને ટેટૂથી કવર કરીને સુંદર લુક આપવામાં આવે છે. આવા પેશન્ટ અમારા કામથી સંતોષ લઇને જાય છે. મારી ટીમમાં દસ લોકો છે, જેમાં સાત આર્ટિસ્ટ છે. હું મારા સ્ટુડિયોની મહિનાની કમાણીની વાત કરું તો ઓફ સિઝનમાં એવરેજ ત્રણથી ચાર લાખ રૂપિયા આરામથી કમાઉં છું. 

 

 

મારો ફ્યુચર પ્લાન
આમ તો હાલ હું જે મુકામ પર છું તેનાથી બહુ ખુશ છું. મારા કામથી મને સંતોષ છે. એક કલાકાર માટે તેની કલા જ એક સાધના હોય છે. હું આ સાધનાને વધુ કરવા માગું છું. હું ટેટૂ દ્વારા જ ઓમ, સ્વસ્તિક જેવા સિમ્બોલનાં અને ભગવાન અને આપણી ભારતીય સંસ્કૃતિની ઝલક આપતાં ટેટૂ બનાવીને ભારતીય સંસ્કૃતિની મહત્તાને ઉજાગર કરવા માગું છું. 

 

- જાગૃતિ પરમાર 
-ટેટૂ ‘લા નિના’ સ્ટુડિયો, અમદાવાદ 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો